કડીનાં બોરીસણા ગામે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફ્રી કેમ્પ યોજવામાં આવ્યો ને તેમાંથી 19 દર્દીને સારવાર માટે અમદાવાદની આ હોસ્પિટલે બોલાવાયા. દર્દીઓ આવ્યા તો તેમને પૂછ્યા વગર જ સ્ટેન્ટ મૂકી દેવાયા. સ્ટેન્ટ મુકાયા પછી સિત્તેર વર્ષના સેનમ નાગર મોતીભાઈ અને 50 વર્ષના બારોટ મહેશ ગિરધરભાઈનું મૃત્યુ થયું. દેખીતું છે કે આવું થાય તો પરિવારજનોનો રોષ ભભૂકી ઊઠે. પરિવારોએ વિરોધ કરતાં આરોપ મૂક્યો કે હોસ્પિટલે આયુષ્યમાન કાર્ડનો દુરુપયોગ કરી પૈસા પડાવવા દર્દીઓની જાણ બહાર સ્ટેન્ટ મૂક્યાં અને બે દર્દીઓના આ વેપલામાં મોત થયાં. રાજ્ય સરકારે રાબેતા મુજબ તપાસના આદેશો આપ્યા. રાબેતા મુજબ તપાસ શરૂ થઈ. તપાસ દરમિયાન સાતેક હોસ્પિટલો સસ્પેન્ડ થઈ. ચારેક ડોકટરો સસ્પેન્ડ થયા, જેમાં ખ્યાતિ હોસ્પિટલનો ડો. પ્રશાંત વજીરાણી પણ સામેલ છે. તપાસ તપાસ ચાલે છે ને કડક કડક કાર્યવાહીનો દોર પણ ચાલે છે. જો કે, આ મામલો કડી પૂરતો સીમિત નથી. ખ્યાતિ હોસ્પિટલના રડાર પર સાણંદ, ગાંધીનગર અને મહેસાણા જિલ્લા પણ હતા. આ વિસ્તારોમાં મફત મેડિકલ કેમ યોજાતા હતા ને જેમની પાસે આયુષ્યમાન કાર્ડ હતા તેવા દર્દીઓને હોસ્પિટલે બોલાવીને, તેમની જાણ બહાર સ્ટેન્ટ મૂકી દઈને, આયુષ્યમાન કાર્ડમાંથી સરકાર પાસેથી પૈસા પડાવી લેવાતા હતા. આ સ્ટેન્ટ મૂકવામાં પણ ભેદભાવ થતો હતો. આયુષ્યમાન કાર્ડ હોય તેને હલકી કક્ષાનું ને રોકડા આપનારને સારામાંનું સ્ટેન્ટ નખાતું હતું.
ડો. પ્રશાંત વજીરાણી જેવા તો ઓઠું છે. ખરા કારીગરો તો હોસ્પિટલના સંચાલકો છે, જે ડોકટરોને ટાર્ગેટ આપે છે ને ચોક્કસ સમયમાં હાર્ટ સર્જરી કરવાનું દબાણ કરે છે. આયુષ્યમાન યોજના હેઠળ છેલ્લાં પાંચ વર્ષમાં 46 લાખ દર્દીઓ પાછળ ગુજરાતમાં 9,000 કરોડથી વધુનો ખર્ચ થયો છે. ખ્યાતિ કાંડ મામલે પોલીસ પણ પહોંચી છે ને તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ છે. આયુષ્યમાન કાર્ડ ધારકને કોઈ ખર્ચો નથી એમ કહીને સારવાર માટે હોસ્પિટલે ખેંચવામાં આવતા અને એમ કરીને ડોકટરો દર્દીઓને જ નહોતા વેતરતા, સરકારને પણ વેતરી નાખતા હતા. આયુષ્યમાન કાર્ડમાંથી જે જે રકમો ઊપડી છે તે કરોડોની રકમ હવે સરકાર હોસ્પિટલ પાસેથી વસૂલશે. એ તો બરાબર, પણ આ ડોકટરો એકલી સરકારને જ વેતરીને રહી ગયા નથી, અન્ય દર્દીઓને પણ આ નિર્લજજોએ લૂંટવામાં કૈં જ બાકી નહીં રાખ્યું હોય એ સ્પષ્ટ છે. એમાંના ઘણા ગુજરી ય ગયા હશે, એમને તો ન્યાય નહીં જ મળવાનોને ! ગુજરાતમાં કોર્પોરેટ-ખાનગી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને મોકલીને સરકારી યોજના દ્વારા કરોડો કમાવાનું વ્યવસ્થિત કૌભાંડ ચાલે છે. ગામડાંના નાના ડોકટરો આવા દર્દીઓને મોકલીને ભારે દલાલી ચાટતા હોય છે. કોઠાના દલાલો કરતાં આ લોકો વધારે બદતર છે. ગુજરાતની 800 હોસ્પિટલોની તપાસ કરવાની વાત છે. તપાસનો ખેલ એવો છે કે એ શરૂઆતમાં ચાલે છે ને પછી તેનું ક્યારે પડીકું વળી જાય છે તેની ખબર જ પડતી નથી.
ડોકટરો દર્દી માટે ભગવાન છે. એ બિચારાઓને ખબર નથી કે જેમને એ ભગવાન માને છે તે તો ભગવાન પાસે પહોંચાડનારા દલાલો છે. એ શું જાણે કે આયુષ્યમાન કાર્ડ આયુષ્ય ઘટાડશે ! એ તો મૂરખની જેમ ડોકટરોને હવાલે થયા ને ડોકટરોએ જરૂર ન હતી તો ય સ્ટેન્ટ મૂકીને મોતને હવાલે કર્યા. આ હોસ્પિટલો, તેના સંચાલકો, તેના ડોકટરો એટલા ગરીબ છે કે દર્દીને આગળ કરીને સરકારનું ખીસું કાતરી લે છે. કોઈ હેવાન પણ ન આચરે એવી નીચતા આ ડોકટરો આચરે ત્યારે દર્દીઓએ હોસ્પિટલ જવા કરતાં ઘરે જ મરી રહેવું બહેતર છે એમ કહેવાનું મન થાય, કારણ હોસ્પિટલમાં તો ગમે તેવી ચીરફાડ પછી પણ મરવાનું તો કર્મે ચોંટેલું જ છે.
ખ્યાતિ હોસ્પિટલના આવા જઘન્ય અપરાધ પછી ઝાંસીની મેડિકલ કોલેજમાં શુક્રવારે રાત્રે વિસ્ફોટ થયો અને તે પછી લાગેલી આગમાં 11 નવજાત શિશુઓનો ભડકો થઈ ગયો. બારીના કાચ તોડીને 39 બાળકોને તો બચાવી લેવાયાં, પણ જેમને જીવન શું એની ખબર પડે તે પહેલાં જ 11 કૂમળા જીવો ફૂંકાઈ ગયા. ઓક્સિજન કોન્સેન્ટ્રેટરમાં સ્પાર્ક થતાં આગ ફાટી નીકળી ને નવજાત જીવો તેમાં હોમાઈ ગયા. પછી તો અહીં પણ ઉચ્ચ સ્તરીય બેઠકો શરૂ થઈ. મંત્રીઓ દોડ્યા. ચોમેર તપાસ તપાસ થઈ રહ્યું. જવાબદારો સામે કડક પગલાંની રાબેતા મુજબ ઘોષણા થઈ. રાબેતા મુજબ યુ.પી. સરકારને વિપક્ષે જવાબદાર ઠેરવી. બાળકોનાં પરિવારજનોએ હોબાળો કર્યો. વડા પ્રધાને દુ:ખ વ્યક્ત કર્યું. પછી વળતર-મળતરની જાહેરાત થઈ. યુ.પી. સરકારે મૃતકોના પરિવારને પાંચ પાંચ લાખની અને ઘાયલોના પરિવારજનોને પચાસ પચાસ હજારની જાહેરાત કરી. પછી રિપોર્ટ રિપોર્ટ ચાલ્યું. આ બધું રાબેતા મુજબ ચાલશે ને નવી ઘટના બને ત્યાં સુધી ફરી બધાં ઘોરી જશે.
આમ તો ફાયર સેફટી ઓડિટ કરવામાં આવ્યું હતું, પણ બહાર એવું આવ્યું કે ફાયર સેફટીનાં સાધનોની એક્સપાયરી ડેટ પૂરી થઈ ગઈ હતી. બાળકોને એન.આઈ.સી.યુ.માં રાખવામાં આવ્યાં હતાં. તેનાં બે ભાગ હતા. અંદર એક ક્રિટિકલ યુનિટ હતું, જ્યાં સૌથી વધુ બાળકો ભડથું થયાં, કારણ ત્યાં એન્ટ્રી-એક્ઝિટનો એક જ માર્ગ હતો ને તે ધુમાડાથી ભરાઈ ગયો હતો. ફાયર એલાર્મ સિસ્ટમ હતી, પણ આગ લાગી ત્યારે જ તે વાગી ન હતી. એલાર્મ વાગ્યું હોત તો બાળકો બચી શક્યાં હોત. પેરામેડિકલ સ્ટાફ બચાવમાં લાગવાને બદલે ભાગી છૂટયો હતો.
આ બધું પહેલીવાર બન્યું ન હતું, પણ દરેક વખતે જવાબદારો નવો જ અનુભવ કરતાં હોય તેમ આશ્ચર્ય મુગ્ધ થઈને વર્તતા હોય છે. ઓક્સિજનના અભાવે બાળકોનાં મોતની ઘટના યુ.પી.માં અગાઉ થઈ છે. ત્યારે ઓક્સિજન, સપ્લાય એજન્સીએ રોકી દીધો હતો ને આ વખતે વક્રતા એ છે કે ઓક્સિજન કોન્સન્ટ્રેટરમાં થયેલો સ્પાર્ક, બાળકોનાં મોતનું કારણ બન્યો. શોર્ટ સર્કિટની આટલી ઘટનાઓ બને છે છતાં સાધનોની પૂરતી તપાસ સમયે સમયે થતી જ નથી. આ વર્ષે જ 25 મે-એ દિલ્હીની વિવેક વિહારમાં આવેલી હોસ્પિટલમાં આગ લાગતાં 7 નવજાત શિશુઓ ભડકો થઈ ગયેલાં. 2021માં ભોપાલની કમલા નહેરુ હોસ્પિટલમાં આગ લાગવાથી 4 બાળકોનો ધુમાડો થઈ ગયો હતો. 2021માં જ મહારાષ્ટ્રના ભંડારાના નવજાત ચિકિત્સા વોર્ડમાં આગ લાગતાં 10 નવજાત શિશુઓનાં મોત થયાં હતાં. 2011માં કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં આગ લાગતાં 89 લોકો બળી મર્યાં હતાં. એટલે ઝાંસીની ઘટના કૈં પહેલી નથી, પણ તેને લગતી કાળજી રખાવી જોઈએ તેવી ક્યારે ય રખાતી નથી. આવી ઘટના પછી પ્રશાસન ધંધે લાગે છે. બધું રાબેતા મુજબ થતું રહે છે ને થોડી ઘણી સરકારી ખેરાતથી પીડિતો નાછૂટકે મન મનાવી લે છે.
ગયા મે મહિનામાં રાજકોટમાં ગેમ ઝોન કાંડ થયો ને ટી.આર.પી.માં આગ લાગવાથી 12 બાળકો સહિત 27 લોકોનાં મોત નીપજ્યાં, તેને પગલે એવો જુવાળ આવ્યો કે રાજ્યભરના ગેમ ઝોન બંધ થઈ ગયા. સમિતિ રચાઈ. સહાય અપાઈ ને હવે ગેમ ઝોન ફરી ધમધમે છે. મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડ્યો ને 130થી વધુ લોકોએ જળસમાધિ લીધી. તે સાથે બધા પુલ પર તવાઈ આવી. કમિટી રચાઇ ને અત્યારે મુખ્ય આરોપી જયસુખ પટેલને જામીન મળતાં તેમની મોદક તુલા થઈ અને અત્યારે આરોપી સુખમાં છે. ઇસ્કોન બ્રિજ પર તથ્યકાંડ થયો ને નવ લોકો એમાં કચડાઈ મર્યાં. તથ્ય અને તેના પિતાની ધરપકડ થઈ. તે પછી તો કચડી મારવાની એટલી ઘટનાઓ બની છે કે ‘તથ્ય’ બહાર આવતાં ડરે છે. આવું તો અનેક રીતે ને પ્રકારે થતું જ રહે છે, પણ બોધપાઠ લેવાની આપણને ટેવ જ નથી.
કોણ જાણે કેમ પણ ડોકટરો અત્યારે દર્દીઓની સોપારી લેવાની ભૂમિકામાં હોય એમ લાગે છે. અમુક રૂપિયા પડાવીને કોઈને પણ વેતરી નાખવાનું તેમને અનુકૂળ છે. હોસ્પિટલો અનેક સુવિધાથી સજ્જ હોવાનું દર્દીઓને બતાવાય છે, પણ પછી ફાયર સેફટીને નામે અલ્લાયો જ હોય છે. ઓક્સિજન સિલિન્ડરોની પણ કશી ખાતરી હોતી નથી. ‘સુપર સ્પેશિયાલિટી’ હોસ્પિટલનાં નામ પૂરતી જ રહી જાય છે. એમ લાગે છે કે હોસ્પિટલો સેવા માટે નહીં, પણ મેવા માટે જ છે. કોઈ પણ રીતે હરામની કમાણી કરવાનો એક માત્ર ઉદ્દેશ જ જગત પાસે બચ્યો હોય તેમ સૌ કોઈ સાચીખોટી રીતે કમાવા સિવાય બીજું કૈં વિચારતા જ નથી. ઠેર ઠેર કમાવાની લહાય ઊપડી છે, પરિણામે સર્વત્ર ભ્રષ્ટાચાર જ સર્વોપરી થયો છે. જોઈએ તેના કરતાં વધુ પૈસા મેળવવામાં લોહીનું પાણી થતું રહે છે ને એવી સ્થિતિ આવે છે કે ભઠ્ઠીમાં રાખ થવાથી વધુ પૈસાની જરૂર ખાસ પડતી નથી. કરોડો રૂપિયા પછી તો એમ જ પડી રહે છે કે કોઈ પારકું જ તે વાપરે છે. આ નથી સમજાતું એવું નથી, પણ સમજવું જ નથી ને મોંકાણ તેની છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 22 નવેમ્બર 2024