મારા બાપાના વખતમાં રૂપિયાનું અઢી શેર ભૂસું મળતું હતું, પણ એમને પણ એ મોંઘું લાગતું હતું ને મેં સવા રૂપિયે શેરનું ભૂસું ખાધું હતું એમ કહું છું, તો મારાં સંતાનો મને હસે છે, જેમ હું મારા બાપાને હસતો હતો. બને કે આવનારા સમયમાં મારાં સંતાનોને તેમના સંતાનો હસે. તે બે રીતે કે ત્યારે બધું એટલું મોંઘું થઈ ગયું હોય કે રડી ન શકાય એટલે હસે અથવા આજે જેમ ગરીબોને મફત અનાજ સરકાર આપે છે તેમ તે વખતની સરકાર પણ બધું જ મફતમાં આપે ને તે લેતાં જાત પર હસવાનું થાય. કહેવાનું તાત્પર્ય એ છે કે મોંઘવારી સાપેક્ષ છે. આજે જે મોંઘું લાગે છે તે આવનારી પેઢીને સસ્તું લાગે, એટલે આવનારી મોંઘવારીને ધ્યાનમાં રાખીને, આજની મોંઘવારીને હસી કાઢવામાં જ ડહાપણ છે. આજનો ત્રણ હજાર રૂપિયાનો તેલનો ડબ્બો, આવતાં થોડાં વર્ષોમાં ત્રીસ હજારનો થાય તો એ વિચારે આશ્વસ્ત થવું કે એ ભાવથી આજે તો બચેલા છીએ ને ત્રણ હજારમાં કમ સે કમ ડબ્બામાં તેલ આવે તો છે ! બને કે ત્યારે ત્રીસ હજારમાં ખાલી ડબ્બો જ આવે, એટલે તેલ, તેલ લેવા જાય તે પહેલાં વરસાદમાં ભજિયાં ખાઈ લેવાં ને કાલની ચિંતા ન કરવી એ સાધુત્વની નિશાની છે.
મોંઘવારી વધતી જોતાં ગરીબોની બહુ ચિંતા ન કરવી. સરકારે જ કહ્યું છે કે ભાવ ને ગરીબો ઘટી રહ્યા છે ને જે રહ્યાં છે તેનાં ખાતામાં સરકાર સમયે સમયે કૈં ને કૈં નાખતી રહેશે ને ન નાખે તો મંદિરે ભકતો તો નાંખશે જ, એટલે ગરીબોને તો વાંધો નહીં આવે. ચિંતા એટલી જ કરવાની કે એ ગરીબોમાં મધ્યમવર્ગ ન ઉમેરાય, કારણ એને જોગવવાની જવાબદારી કૈં સરકારની નથી. મધ્યમ વર્ગ ન નીચે ઊતરે કે ન ઉપર જાય એટલું જ જોવાનું. એ માંગતો થાય એ ન ચાલે ને કોઈ એની પાસે માંગે એ ય ન ચાલે. સરકારને સૌથી વધુ ચિંતા મધ્યમવર્ગની છે. એ છે તો ટેક્સ ભરાય છે. એ જ ન હોય તો સરકાર રહેશે કોને ભરોસે? આપણે ગમે એટલી સરકારની ટીકા કરીએ, પણ એ ઘણાં જોખમોથી આપણને બચાવે છે. 27મીએ જ રાજકોટમાં (વાતોનાં) વડા પ્રધાને હીરાસર એરપોર્ટનું ઉદ્ઘાટન કરતાં કહ્યું કે અમારી સરકારે મોંઘવારી ન ઘટાડી હોત તો આજે દૂધ 300 રૂપિયે લિટર ને દાળ 500 રૂપિયે કિલો હોત ! દરેક ભારતીય આજે જરૂર હોય કે ન હોય, અંદાજે 20 જી.બી. ડેટા વાપરે છે. 2014માં એક ડેટાની કિંમત 300 રૂપિયા હતી. આજે જૂની સરકાર હોત તો મહિને 6 હજારનો ખર્ચો ઊભો હોત ! એ હિસાબે આજની સરકાર મોબાઇલમાં આપણા 5 હજાર બચાવે છે, એ જેવી તેવી વાત નથી. 2014માં 4 શહેરમાં મેટ્રો સ્ટેશન નેટવર્ક હતાં. આજે 20 શહેરોમાં છે. જરૂર હોય કે ન હોય, એવું તો ઘણું ઘણું દેશમાં થઈ રહ્યું છે, એ જોતાં વડા પ્રધાનનો આપણે હૃદયથી આભાર માનવો જોઈએ, કારણ એમણે દૂધ 300નું ને દાળ 500ની થાય તે પહેલાં 2014માં જૂનીને તગેડી ને નવીને આણી. નવી ન આવી હોત તો આપણી દશા જ બેઠી હોત કે બીજું કૈં?
2014માં જે ભાવો હતા તે ને નવી સરકારમાં એ કાબૂમાં આવ્યા એ જોઈએ તો ખ્યાલ આવશે કે સરકારની વાત કેટલી બધી સાચી છે ! જેમ કે, મે, 2014માં પેટ્રોલ 71.41 રૂપિયા હતું, તે લિટરે ઓગસ્ટ, 2022માં 96.72 રૂપિયા થયું. એથી પણ ભાવ વધ્યો હોત, પણ સરકારે ભાવ વધવા ન દીધો. 2022નો ભાવ એટલા માટે કે એ ગાળામાં કોરોના વિદાય લઈ રહ્યો હતો. તે વખતે શરૂઆતમાં ઇંધણનો ભાવ આંતરરાષ્ટ્રીય સ્તરે એટલો ઘટી ગયો હતો કે વાત ન પૂછો. એવે વખતે વધુ ભાવ ન ગગડે એટલે સરકારે દેશમાં જ ભાવ ગગડવા ન દીધા ને બીજા ખર્ચને પહોંચવા ભાવો વધાર્યા, તે એટલે પણ કે ગરીબો સંકોચ વગર સરકારની મદદ લેતા થાય. આવી પરોપજીવી, સોરી, પરોપકારી સરકાર બીજે શોધી જડે એમ નથી. ડીઝલ મે, 2014માં 56.71 હતું, તે ઓગસ્ટ, 2022માં 89.62 થયું. મતલબ કે લિટરે પેટ્રોલ 25.31 અને ડીઝલ 32.91 રૂપિયા વધ્યું. એલ.પી.જી.ની વાત કરીએ તો સિલિન્ડરનો ભાવ મે, 2014માં 928.5 હતો, જે ઓગસ્ટ, 2022માં 1,053ને આંકડે આવ્યો. મતલબ કે સિલિન્ડરે 124.5નો વધારો. સી.એન.જી. મે, 2014માં 38.15ની કિંમતે હતો, તે ઓગસ્ટ, 2022માં વધીને 75.61 પ્રતિ કિલોગ્રામ થયો. એમાં પ્રતિ કિલોગ્રામે 37.46નો વધારો થયો. લોટ મે, 2014માં 21 રૂપિયા પ્રતિ કિલો હતો, તે 8 રૂપિયા વધીને 29 પર પહોંચ્યો. એ જ રીતે 8 વર્ષમાં ચોખા 29ના 32 થયા.
ભાવો વધે ત્યારે તેને બહુ ભાવ ન આપવો એમાં જ માણસાઈ છે, કારણ ભાવો વધે તેમ તેમ માણસ સસ્તો થતો જતો હોય છે, હવે માણસ જ સસ્તો હોય તો મોંઘવારી ક્યાં રહી?
રહી વાત દૂધની તો મે, 2014માં તે લિટરે 36 રૂપિયા હતું, તે આજે 18 રૂપિયા વધીને 54 રૂપિયે છે. દાળ મે, 2014માં 75 રૂપિયે કિલો હતી, તે જૂન, 2023માં 200ને ભાવે પહોંચી છે. કિલોએ 125નો વધારો.
એવું નથી કે બધું જ વધ્યું છે. ડુંગળી, બટાકાના ભાવ ઘટ્યા પણ છે. માર્ચ. 2022માં ડુંગળી 28 રૂપિયે હતી, તે વર્ષને અંતે 24ને ભાવે વેચાઈ. એ જ રીતે બટાકા 20 રૂપિયે હતા તે રૂપિયો ઘટયા. 83.5નો ઘટાડો તો એલ.પી.જી.ના 19 કિલોના સિલિન્ડરમાં પણ આવ્યો ને વડોદરા ગેસ કંપનીએ પાઇપ મારફતે પહોંચાડાતા ગેસમાં યુનિટ દીઠ 1.57નો અને સી.એન.જી.માં 6.10નો ઘટાડો 9 એપ્રિલે કર્યો. એ જુદી વાત છે કે ઓકટોબર, 2022થી જાન્યુઆરી, 2023 સુધી 20.79નો પ્રતિ ક્યુબિક મીટર વધારો કરવામાં આવ્યો હતો, તેની સામે 6 મહિને 1.57નો ઘટાડો દરિયામાંથી ડોલ કાઢવા જેવો હતો. આવી ગમ્મત તો થતી રહેતી હોય છે. ટામેટાં એકદમ જ 200 રૂપિયે કિલો થયાં છે. 20 રૂપિયે કિલોનાં ટામેટાં 200નાં થયાં, પણ વડા પ્રધાને દૂધ 300 ને દાળ 500નો જે આંકડો પાડ્યો તેનાં કરતાં તો એ ઓછાં જ છેને ! એ તો જૂની સરકાર નથી એટલે, બાકી, એ હોત તો ટામેટાંનો ભાવ 2,000 પણ થયો હોત ! થેન્ક ગોડ, કે જૂની સરકાર નથી તેથી ટામેટાંનું 200-250માં પત્યું, એ ભાવ 2,000-2,500નો પડ્યો હોત તો પૂરી વલે થઈ હોત એમાં શંકા નહીં ! ને એબોવ ઓલ, ટામેટાં 200 હોય તો શું થયું? ટોમેટો કેચઅપ 120નો પાંચ કિલો મળે છે તે ઓછું છે? એમ તો ફૂદીનો, આદુ, કોથમીરના ભાવ પણ ઘટ્યા છે. ટામેટાંની આવક વધશે એટલે એ પણ 25-50ના કિલો થઈ જશે. નવી સરકારમાં એટલું છે કે તે ભાવો નિયંત્રણમાં રાખે છે. 20ના 200 થાય, પણ પછી 50 પણ થાય છે ને ! એ ભલે 20 કરતાં 30 વધારે હોય, પણ 200થી 150 ઓછા છે તે નહીં જોવાનું?
જો કે, ટામેટાંનો ભાવ ઊંચકાયો તો લોકોમાં જરા ચણભણ થઈ. એ જોઈને આરોગ્ય મંત્રી ને સરકારના પ્રવક્તાશ્રીએ લોકોને ટપાર્યા પણ ખરા કે ટામેટાં જ કૈં એક માત્ર ખાવાની ચીજ નથી, એ સાચું છે. ટામેટાં પર જ કૈં દીવો કરેલો છે કે એનાં વગર અજવાળું થાય જ નહીં? બીજી ઘણી વસ્તુઓ છે. ટામેટાં નથી તો ઘી ખાવ, તેલ પીઓ, કેડબરી ખાવ. દાળમાં ટામેટાં જ નાખવાં એવું થોડું છે? કેડબરી પણ નખાય ને ! લોકો તો એ પણ ખાય, પણ ચિંતા એ છે કે ટામેટાંને વિકલ્પે જે ખવાય તે તો પછી મોંઘું નહીં થાય ને ! થાય છે એવું કે શાકભાજી મોંઘી લાગે તો લોકો કઠોળ તરફ વળતાં હોય છે, પણ પછી કઠોળનો ઉપાડ વધતાં એ ય મોંઘું થવા લાગે છે. 26મીના જ સમાચાર છે કે કઠોળના ભાવમાં પણ 30 ટકાનો ઉછાળો આવ્યો છે. શાકભાજી ઓકટોબર સુધી સસ્તી થાય એમ લાગતું નથી, એની કિંમતોમાં જૂનથી જુલાઈ સુધીમાં જ 34 ટકાનો વધારો થયો છે. તેમાં ય ટામેટાં જ 160 ટકા મોંઘાં થયાં છે.
સાદી વાત એટલી છે કે જી.એસ.ટી. લાગુ પડ્યો છે, ત્યારથી બધી જ વસ્તુઓ મોંઘી થઈ છે. શ્વાસ ચાલે છે તેનાં પર જી.એસ.ટી. નથી, બાકી જનમ-મરણ પણ જી.એસ.ટી.થી બાકાત ન હોય એમ બને. કાલના જ સમાચાર છે કે હવેથી હોસ્ટેલનાં ભાડાં પર પણ વિદ્યાર્થીઓને 12 ટકા જી.એસ.ટી. ભરવાનો થશે. આ ટેક્સ અગાઉ લાગતો ન હતો, પણ હવેથી હોસ્ટેલને રહેઠાણ તરીકે ટ્રીટ કરવામાં નહીં આવે. ગયાં વર્ષ સુધી રહેઠાણ ગણીને ટેક્સ વસૂલાતો ન હતો, પણ હવે વસૂલાશે. જે રસ્તે ટેક્સ વસૂલી શકાય એ રસ્તે સરકાર તો વસૂલે, કારણ દેશ તો રામભરોસે ચાલે, પણ સરકાર ન ચાલે. એને ચલાવવી પડે ને એને ચલાવવા હવા, પાણી ને ખોરાકમાંથી ટેક્સ કેવી રીતે વસૂલી શકાય એની તરકીબ નિષ્ણાતો શોધી આપતાં હોય છે.
મોંઘવારી છાપાંને લાગે ને સરકારને ન લાગે એમ બને. એનો અર્થ જ એ કે મોંઘવારી સાપેક્ષ છે. જો કે, લોકોને એ નથી જ લાગતી. આમેય લોકોને ક્યાં કૈં લાગે જ છે? હા, દૂરથી ‘દોસ્તી’ ફિલ્મનું એક ગીત ક્યારેક સંભળાય છે :
રાહી મનવા દુ:ખ કી ચિંતા ક્યૂં સતાતી હૈ, દુ:ખ તો આપના સાથી હૈ …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 31 જુલાઈ 2023