કોણ જાણે કેમ, પણ આપણે વ્યક્તિને માન આપવામાં સતત કંજૂસાઈ કરીએ છીએ. વ્યક્તિ નાની હોય તો, તે અપમાનને લાયક જ હોય તેમ આપણે વર્તીએ છીએ કે વ્યક્તિ વડીલ હોય તો પણ તેનો વિવેક આપણે ઓછો જ જાળવીએ છીએ. નોકરી ધંધામાં પણ નાના હોદ્દા પર કામ કરતાં માણસો જોડેનું ઉચ્ચ હોદ્દેદારોનું વર્તન ઘણુંખરું અપમાનિત કરનારું જ હોય છે, તો ક્યાંક નીચલા હોદ્દા પરનો માણસ પણ, સાહેબો જોડે દાદાગીરી કરી, પોતાની પહોંચ ઉપર લગીની છે – એવું કહીને ધમકી પણ આપી જતો હોય છે. અપવાદો બધે જ હશે, પણ ઘરમાં કે બહાર સ્ત્રીઓની સ્થિતિ દયનીય હોવાના દાખલા શોધવા દૂર જવું પડે એમ નથી. તો, સ્ત્રીઓ પણ સામેવાળાના મિસબિહેવિયર બાબતે કોઈને પણ બાનમાં લેતી હોય તેવું પણ બને જ છે. ઘરમાં દહેજને નામે પોતાનું શોષણ થયાંની વાત ઉપજાવીને પુરુષો પર તવાઈ લાવતી હોય એવી વહુઓ પણ, એક કહેતાં અનેક મળે એમ છે. ઘણાં ઘરોમાં અને ઘણી ઓફિસોમાં નાનામોટાંની આમન્યા જળવાતી હશે, પણ એકંદરે ચિત્ર બહુ હરખ ઉપજાવનારું નથી.
સ્ત્રીઓ વધારે હક ભોગવતી ને ઓછી ફરજ નિભાવતી હોય તો પણ કે પતિ કે પ્રેમી માટે કોઈનો પણ ભોગ લઈ શકતી હોય તો પણ, તેનું આજે પણ, અમર્યાદ માત્રામાં પાશવી શોષણ થાય છે તેની ના પાડી શકાશે નહીં. છેડતી, બળાત્કાર, હત્યામાં થયેલ વધારો એ વાતની સાક્ષી પૂરે એમ છે કે સ્ત્રીઓને લગતા ગુનાઓ ઘટતા નથી. સ્ત્રીઓને લગતા ગુનાઓ બહુ સહજ બાબત હોય તેમ સ્ત્રીઓ તરફે ધરાર દુર્લક્ષ સેવાતું હોય છે. મોટે ભાગે તો ગુનેગાર છટકી જ જતો હોય છે અથવા તો કેસ એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે ગુનેગારને તેનો લાભ મળે ને પીડિતાને ન્યાય ન જ મળે અથવા મળે તો તેની કોઈ અસર ન રહે. કમનસીબી એ છે કે આવામાં રાજ્ય સરકાર પણ બહુ મદદમાં આવી શકતી નથી, ભલેને પછી મુખ્ય મંત્રી એક મહિલા જ કેમ ન હોય ! એમ પણ લાગે છે કે મુખ્ય મંત્રી મહિલા હોય કે પુરુષ, બંને મહિલાઓ પરત્વે સરખાં જ અસંવેદનશીલ હોય છે.
હા, વાત પશ્ચિમ બંગાળના બહુ ચર્ચિત સંદેશ ખાલીની છે. મુખ્ય મંત્રી મમતા બેનરજી છે ને સંદેશ ખાલીની મહિલાઓ શોષણને મામલે આર્તનાદ કરી રહી છે, પણ મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આ લખાય છે, ત્યાં સુધી સરકારને સફળતા મળી નથી – ખુદ મુખ્ય મંત્રીએ ધરપકડ થઈ ચૂકી છે એવું એલાન કર્યું હોવા છતાં ! હાઇકોર્ટે વારંવાર ફટકાર લગાવી છે, છતાં મુખ્ય આરોપી શાહજહાં શેખ ફરાર છે. એ જુદી વાત છે કે તે ગામમાં જ છે ને ક્યાં ય ગયો નથી. આની રાજકીય આંટીઘૂંટીમાં નથી જવું. માત્ર સંદેશ ખાલીની મહિલાઓ પર જે વીત્યું છે, એની વાત કરવી છે. સંદેશ ખાલીની મહિલાઓનો આક્રોશ ટી.એમ.સી.ના જિલ્લા પ્રદેશ પ્રમુખ શાહજહાં શેખ પર બારે મેઘ ખાંગા કરતો વરસ્યો છે. એ અકારણ નથી. રવિવારે પશ્ચિમ બંગાળ સરકારના બે મંત્રીઓ પાર્થ ભૌમિક અને સુજિત બસુ, સંદેશ ખાલીના હાલદારપાડા પહોંચ્યા, ત્યારે પણ મહિલાઓનો આક્રોશ ફૂટી પડ્યો હતો. હાઇકોર્ટે બીજી વખત મમતા સરકારને તાકીદ કરી છે કે શાહજહાંની ધરપકડ કરે, પણ મમતા સરકાર ટી.એમ.સી. (તૃણમૂલ કાઁગ્રેસ) નેતાને છાવરી રહી હોવાનું લાગે છે. કોર્ટે પોલીસને પણ સંભળાવ્યું છે કે એફ.આઇ.આર.ને ચાર્જશીટમાં ફેરવવામાં ચાર વર્ષ લાગ્યાં ! આ હાલત છે ત્યારે મહિલાઓનો આટલો આક્રોશ કેમ છે એ સવાલ થાય. એનો જવાબ એ કે શાહજહાં શેખ અને તેના બે સાથીઓ શિબુ હાજરા અને ઉત્તમ સરદાર પર જમીન હડપવાનો અને મહિલાઓ પર ગેંગ રેપનો આરોપ છે. પોલીસે અઢાર જણાની ધરપકડ કરી છે, પણ શાહજહાં ફરાર છે. રૅશન કૌભાંડમાં, 5 જાન્યુઆરીએ EDએ, શાહજહાંને ત્યાં દરોડા પાડયા, તો તેના 200થી વધુ સમર્થકોએ ટીમ પર હુમલો કર્યો. અહેવાલ તો એવો પણ છે કે શાહજહાંની ધરપકડ એટલે નથી થતી કે કોર્ટે તેના પર સ્ટે મૂક્યો છે. જો કે, કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે એવો કોઈ આદેશ અપાયો નથી. આમાં પોલીસની ભૂમિકા વધારે શંકાસ્પદ છે. અનેક પીડિતોનું કહેવું છે કે પોલીસે જ તેમને કહ્યું છે કે શેખ શાહજહાં આજથી તમારા પતિ છે. આમ કોઈને પણ કોઈના પતિ તરીકે ઠઠાડી દેવાની વાતમાં માનવતા નથી. આવું પોલીસ કહી જ કઈ રીતે શકે? આમ વાડ જ ચીભડાં ગળતી હોય તો પોલીસ પાસે ફરિયાદ નોંધાવવા કોણ જાય? રાજ્ય સરકારના બે મંત્રીઓએ વળતર આપવાની વાત કરી તો મહિલાઓ ગુસ્સે થઈ ગઈ ને બોલી કે મામૂલી રકમ આપીને સરકાર અમારી આબરૂની કિંમત લગાવી રહી છે…
… કારણ કે શાહજહાં શેખ બંગાળ સરકાર સાથે સંબંધિત છે, એટલે તેને બચાવવાની કોશિશ ચાલે છે કે આ વિપક્ષોનું મમતા સરકારને નુકસાન કરવાનું કાવતરું છે, એમાં ન પડીએ, તો પણ મમતા બેનર્જીની સરકારમાં સંદેશ ખાલીમાં જમીનો પડાવી લેવાઈ અને મહિલાઓનું જાતીય શોષણ થયું એ વાતનો કોઈ ઇન્કાર કરી શકે એમ નથી. આરોપી કોઈ પણ જાતિ-ધર્મનો હોય, તે આરોપી છે અને સ્ત્રીઓની સતામણી કરવા બદલ તે જવાબદાર છે અને એ રીતે કાયદાએ તેની સાથે વર્તવું જોઈએ. સંદેશ ખાલીમાં પોલીસની વર્તણૂક પણ ગુનાહિત છે. પોલીસ પોતે જ મહિલાઓને, આરોપીને તેમનો પતિ માનવાની વાત કહેતી હોય તો તે નાગરિકોનાં રક્ષણ માટે છે એવું કઈ રીતે માનવું? આરોપી કે તેના સહયોગીઓ કોઈ પણ ઘરમાંથી મહિલાઓને કાર્યાલયમાં ઉઠાવી જતાં હોય કે કોઈ પણ સુંદર મહિલા કે નવ પરિણીતાને છડેચોક જાહેરાત કરીને ઉપાડી જવાનો અધિકાર રાખતા હોય, તો સ્ત્રી સન્માન કે સુરક્ષાના તમામ આદર્શોનો પૂર્ણ પડે છેદ ઊડે છે. આ રીતે અપહૃત મહિલાઓ જોડે ગેંગ રેપ કે જાતીય સતામણીની ઘટનાઓ સામાન્ય વાત થઈ પડી હોય તો આરોપીની આણ કેવી વર્તાતી હશે તે કહેવાની જરૂર નથી. આવું કોઈ પણ વ્યક્તિ કે સમૂહ દ્વારા કે જાતિ કે ધર્મ દ્વારા થતું હોય તો તે પૂર્ણપણે તિરસ્કારને પાત્ર છે ને એ કમનસીબી છે કે આવું કોઈ પણ રાજ્યમાં થવાની હવે નવાઈ રહી નથી.
કોઈ પણ સ્ત્રીને તેની ઈચ્છા વિરુદ્ધ સ્પર્શવાથી અપરાધની શરૂઆત થાય છે ને અહીં તો તેની હત્યા કરવાની પણ કોઈને નાનમ લાગતી નથી. સ્ત્રી ગમે તેટલી નિકૃષ્ટ કોટિની જ કેમ ન હોય, તેની સાથે દુર્વ્યવહારનો હક કોઈને નથી ને કોઈ પણ સ્ત્રીને ઉઠાવી જવાય કે તેની સાથે દુષ્કર્મ થાય કે તે પછી તેની હત્યા થાય કે તેને દાટી દેવાય કે ફૂંકી મરાય તે અપરાધની ચરમસીમા છે. ફાંસી સુધીની સજા થાય છે, પણ હત્યાની યુક્તિઓ ઘટતી નથી, એ બતાવે છે કે સ્ત્રીને વ્યક્તિ નહીં, પણ વસ્તુ ગણવાની વૃત્તિ બળવત્તર બનતી આવે છે. મરઘું પકડતાં હોય તેમ કોઈ પણ સ્ત્રીને બળજબરીએ ખેંચી જવાય ને તેની ઈચ્છા વિરુદ્ધ તેના પર અત્યાચાર ગુજારવાનું શૂરાતન છૂટતું હોય એવા લોકોનો તોટો નથી. વારુ, સ્ત્રી પરિણીત હોય તો પણ આવી સ્થિતિનો સામનો કરવાનું કેટલીક સ્ત્રીઓને આવે જ છે. એમ તો દહેજ કે અન્ય માંગણીને નામે સ્ત્રીઓની સતામણી પણ કેટલાંક કુટુંબોમાં આમ વાત છે. તો, એ પણ સાચું છે કે શિક્ષણ, નોકરી, વ્યવસાયની બાબતે સ્ત્રીઓ ઘણી વિકસી છે, સ્વતંત્ર રીતે સંસ્થાનો સંભાળતી થઈ છે. લગભગ બધી સરકારોએ સ્ત્રીનાં ઉત્કર્ષ માટે ઘણી કોશિશો કરી છે, પણ લોકમાનસ બદલાયું નથી કે તે ઘડવાની કોશિશો ઠીક ઠીક હદે નિષ્ફળ રહી છે. ઉપર ઉપરથી સ્ત્રી સન્માનની વાતો તો ઘણી થાય છે, પણ માનસિકતા વધુને વધુ ઋગ્ણ થતી આવે છે.
આ સમસ્યા કાયદાથી ઊકલે એમ નથી. એ તો નાનેથી જ બાળકોમાં સ્ત્રીઓ પ્રત્યે માનથી જોવાની ટેવ પડે એવું કઈં થાય તો ધીમે ધીમે પરિસ્થિતિ બદલાય. ઘરમાં માતા ને પિતા વચ્ચે લાગણી ન જણાય ને પિતાની જોહુકમીનો જ ભોગ માતા બનતી રહેતી હોય, તો બાળકમાં પણ એ વાત ઘર કરી જતી હોય છે કે સ્ત્રીને અપમાનિત કરી શકાય છે, તેની સાથે દુર્વ્યવહાર થઈ શકે છે, તે ઘરમાં ઢસરડો કરવા જ જન્મી છે … વગેરે. આ વાત બાળપણથી ન બદલાય તો સ્ત્રીઓ ગમે એટલી વિકસે કે સ્વતંત્ર હોય, તેને વ્યક્તિ તરીકેનું મૂલ્ય પ્રાપ્ત થવાનું અઘરું છે. કોઈ પણ વ્યક્તિને, વ્યક્તિ તરીકેનું માન ન મળે કે તેની વ્યક્તિ તરીકેની ઓળખનાં જ પ્રશ્નો હોય તો સમાજ કે દેશ ગમે એટલો આગળ હોય તો પણ, તે પછાત જ છે. કરુણતા એ છે કે સૃષ્ટિ બદલાય છે, પણ દૃષ્ટિ બદલાતી નથી …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 03 માર્ચ 2024