સમય જાય છે તેમ વય વધે છે ને લય ઘટે છે, એ સ્થિતિમાં થોડી ખોટકાતા લયની ઘટનાઓ જોઈએ.
લોકસભા ચૂંટણી માથે છે, ત્યારે જ ચૂંટણી કમિશનર અરુણ ગોયલે રાષ્ટ્રપતિને રાજીનામું ધરી દીધું છે ને રાષ્ટ્રપતિએ તે સ્વીકારી પણ લીધું છે. સરકારે મનાવવાની કોશિશ તો કરી છે, પણ 2027 સુધીનો સમય ગોયલ પાસે હોવા છતાં, તેમણે પદ છોડ્યું છે. રાજીનામું મૂકવાના કારણમાં વ્યક્તિગત કારણ દર્શાવાયું છે. આમ તો ગોયલે 18 નવેમ્બર, 2022માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી, તેના બીજા જ દિવસથી ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક પામ્યા. તે સંદર્ભે સુપ્રીમ કોર્ટે સરકારને સવાલ પણ કર્યો કે નિમણૂકમાં આટલી ઉતાવળ કેમ? જો કે, એ પિટિશન પછી રદ્દ કરાઈ હતી. હવે એક જ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમાર બાકી રહેતાં અન્ય નિમણૂકો તાકીદે કરવાની રહે છે. એ જે હોય તે, પણ ગોયલનું રાજીનામું અનેક અટકળો માટે મોકળાશ પૂરી પાડી રહ્યું છે તે ખરું.
આજથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થાય છે, તો સૌ પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ પાઠવીએ અને ઉત્તમ ટકાએ પાસ થાય તેમ ઈચ્છીએ, કારણ હવે તો ટકા પર જ બધું ટકેલું છે. વાલીઓ સંતાનની ક્ષમતા જોયા વગર તેને ડૉક્ટર, એન્જિનિયર જ જોવા ઈચ્છે છે. બધા જ ડૉક્ટર થશે તો દર્દી કોણ થશે એ સવાલ તો છે જ, પણ ઘોડાની રેસમાં બધા પહેલા નથી આવતા, તો ય વાલીઓ ઈચ્છે છે કે તેમનું સંતાન, કંતાન જેવું હોય તો પણ ફર્સ્ટ જ આવે. હવે આંકડાનો-ડેટાનો સમય છે. ઉપરી અધિકારીઓ કામ થાય કે ન થાય, ડેટા મળી જાય તો બીજી ચિંતા કરતાં નથી.
ઘણાંની ગેસ ટ્રબલ ઘટાડવા જ કદાચ, ઘરેલુ ગેસ સિલિન્ડરનો ભાવ 100 રૂપિયા ઘટી ગયો છે. આ ભેટ સરકારે મહિલા દિવસ નિમિત્તે ગૃહિણીઓને આપી છે. મહિલા દિનનો આભાર માનીએ કે તે 8 માર્ચે આવ્યો. તે જાન્યુઆરીમાં આવ્યો હોત તો 100 રૂપિયા જાન્યુઆરીથી ઘટયા હોત કે ડિસેમ્બર, 2024માં આવ્યો હોત તો નવેક મહિના રાહ જોવી પડી હોત. કહેવાય છે તો એવું પણ કે આ ઘટાડો આવી રહેલી લોકસભાની ચૂંટણીને આભારી છે. સરકાર પણ ભાવ ઘટાડી શકે છે, શરત એટલી કે ચૂંટણી નજીક હોય. એમ તો 19 નવેમ્બરે પુરુષ દિન પણ આવે છે, તો સરકાર પુરુષોને પણ કોઈ લાભ ખટાવે એમ બને. કારણ, મતદાન તો પુરુષો પણ કરે છે, એટલે પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટે એવી અપેક્ષા ઘણાંને છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ એવો ખુલાસો કર્યો છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ સ્થિર થાય તો સરકાર ભાવ ઘટાડવા અંગે વિચાર કરશે. આમ તો મે, 2022માં બેરલનો ભાવ 140 ડોલરે સ્થિર થયો ત્યારથી સરકાર ભાવ વધારીને બેઠી છે ને છેલ્લા કેટલા ય સમયથી બેરલનો ભાવ 80 ડોલર પર સ્થિર છે, પણ સરકારને સ્થિર ભાવ દેખાતો નથી, તેમાં ઈરાદાપૂર્વક ન જોવાનું વલણ કેન્દ્રમાં છે. ક્રૂડના ભાવ વધ્યા ત્યારે સરકારની તેલ કંપનીઓએ ઘણી ખોટ ખાધી ને અત્યારે ભાવ ન ઘટાડીને કંપનીઓ રિકવરી કરી રહી છે, ત્યારે સવાલ થાય કે ક્રૂડના ભાવ વધ્યા તે વખતે પણ ભારતમાં તો ભાવ વધ્યા જ છે, તો અત્યારે રિકવરી કોની હોજરી ભરવા થાય છે તેનો ખુલાસો થવો ઘટે. જો કે, સરકાર દયાળુ ઘણી છે, એટલે આંતર રાષ્ટ્રીય સ્તરે એલ.પી.જી.ના ભાવમાં 300 ટકાનો વધારો થયો, છતાં સરકારે માત્ર 72 ટકાથી જ સંતોષ માન્યો. એમ તો આઠેક લાખ બેન્ક કર્મચારીઓને સત્તરેક ટકા જેટલો વેતન વધારો પણ સરકારે મંજૂર કર્યો છે. ટૂંકમાં, સરકાર જીવદયામાં માને છે ને આ બધું ચૂંટણી પૂરતું સીમિત હોય તો એવી પ્રાર્થના કરવાની રહે કે ચૂંટણીઓ આવતી રહે ને પ્રજાને થોડુંઘણું ખટાવતી રહે. સાથે એ ફાળ પણ પડે જ છે કે ચૂંટણી પતે તે સાથે જ ગેસ સિલિન્ડરનો ભાવ વધે તો નહીંને કે પેટ્રોલ-ડિઝલના ભાવ ભડકે તો નહીં બળેને ! હશે, ‘જે ગમે ‘જગત ગુરુ’ દેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો …’
આટલી (ર)મૂજી કથાઓ એટલા માટે કે આપણે ત્યાં ઉંમર સંદર્ભે જે અરાજકતા છે તે અંગે ભલે ફોક જાય, પણ ખરખરો તો કરવો જ ! એક સમયે અઢી વર્ષની ઉંમરે પ્રિ-નર્સરીમાં છોકરું ગોઠવી દેવાતું હતું. હવે એ તકો ઊભી રાખીને સરકાર એ મુદ્દે કડક થઈ છે કે 6 વર્ષ પૂરાં ન થાય તો નવાં શૈક્ષણિક વર્ષમાં ધોરણ એકમાં બાળકને પ્રવેશ ન જ આપવો. એ સારું થયું, નહિતર જે રીતે નાની ઉંમરે બાળકો સ્કૂલોમાં ઠલવાતાં હતાં એ પરથી તો લાગતું હતું કે માતાઓ જતે દિવસે બાળકને જન્મ સ્કૂલમાં જ ન આપે તો સારું. ઉંમર 6 વર્ષ નક્કી થઈ છે, પણ અમલ કેટલો થાય છે તે તો સ્કૂલો કે સરકાર જ કહી શકે.
ઉંમરનો એવો જ ઉછાળ સરકારને 16 ડિસેમ્બર, 2021ને રોજ, કન્યાની લગ્નની ઉંમર 21 વર્ષની કરવાનો આવેલો. છોકરાની ઉંમર 21 રાખીને છોકરીની લગ્નની ઉંમર પણ 21 કરીને સમાનતાનો ખ્યાલ પુરસ્કૃત કરવાનો ભ્રમ સરકારને થયેલો ને કેન્દ્રીય કેબિનેટે તેને મંજૂરી પણ આપી દીધેલી. પ્રોહિબિશન ઓફ ચાઇલ્ડ મેરેજ, 2021માં લગ્ન માટેની છોકરીની ઉંમર 18થી વધારીને 21 કરવાની વાત હતી. આ ખરડો રજૂ થયો ત્યારે વિવાદ વધતા તે સંસદની સ્થાયી સમિતિને મોકલવામાં આવ્યો. એનું શું થયું તે ખબર નથી, પણ અત્યારે તો લગ્નની કન્યાની ઉંમર 18 છે એ ખરું. ઉંમર 21ની કરવા પાછળનું કારણ એ અપાયેલું કે 18ની ઉંમરે છોકરીઓ ભણતર પૂરું કરી શકતી નથી. એ રીતે 21ની ઉંમર કરવાનો તર્ક યોગ્ય લાગે, પણ પુરુષની 21 અને સ્ત્રીની 18ની ઉંમર કાયદેસર હોવાને કારણે બે વચ્ચે જે ત્રણેક વર્ષનો ફરક રહેતો હતો ને તે જૈવિક રીતે યોગ્ય પણ હતો, તે તફાવત બંનેની ઉંમર 21 થાય તો રહે નહીં. આ તફાવત એટલે પણ જરૂરી છે કે છોકરા કરતાં છોકરી વહેલી પુખ્ત થાય છે. આજના પ્રસાર માધ્યમોને કારણે છોકરી 15-16 આસપાસ જ પુખ્ત થઈ જાય છે. એ સારું છે કે કન્યાની લગ્નની ઉંમર 21 નથી થઈ. એવું થાય તો 18 વર્ષની ઉંમરે થયેલાં લગ્ન, બાળ લગ્નમાં ખપે. તેનાથી થયેલું સંતાન અનૌરસ ગણાય. 18થી ઓછી ઉંમરે થયેલાં લગ્નનું પ્રમાણ ઓછું છે, તે 18ની ઉંમરે થયેલાં લગ્નને પણ ગેરકાયદેસર ઠરાવીને વધારવું છે? 18ની ઉંમરે પરણેલ કન્યાઓ લગ્ન પછી પણ અભ્યાસ ચાલુ રાખતી જોવા મળી છે ને જેણે અભ્યાસ કરવો જ નથી, તે તો પચીસે પરણે તો ય કોણ રોકે એમ છે?
ગમ્મત તો એ છે કે લગ્નની ઉંમર 21નું વિચારતી સરકાર મતદાનની ઉંમર 21 કરવાના મતની નથી. મતદાનની 18ની ઉંમર પુખ્ત ગણાતી હોય તો કન્યાની લગ્નની ઉંમર પુખ્ત કેમ નહીં તે પ્રશ્ન જ છે. 18ની ઉંમરે વ્યક્તિ મતદાન કરી શકે, પણ ચૂંટણી ન લડી શકે. એની ઉંમર 25 નક્કી કરી છે. એ 21 કે 18 કરવાની વાત છે, પણ ચૂંટણી પંચ સંમત નથી. મતલબ કે 18ની ઉંમરે પુખ્ત ગણાતી વ્યક્તિ મતદાન માટે યોગ્ય છે, પણ ચૂંટણી લડવા અયોગ્ય છે. આવી જ અસમાનતા નોકરીઓમાં પણ છે. એનું કોઈ કારણ હશે કે જુદી જુદી સરકારને હિસાબે પણ નોકરીની કે નિવૃત્તિની વયમાં ફેર રખાયો હશે, પણ એક જ દેશમાં કમ સે કમ નિવૃત્તિ વય સરખી હોય તો શો વાંધો આવે તે સમજાતું નથી. બંને કહેવાય ન્યાયાધીશો, પણ હાઈકોર્ટના ન્યાયાધીશોની નિવૃત્તિ વય 62 વર્ષ છે, જ્યારે સુપ્રીમકોર્ટના ન્યાયાધીશોની નિવૃત્તિ વય 65 વર્ષ છે. ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓ તથા અધિકારીઓની નિવૃત્તિ વય 58 છે જે 60ની કરવાની દરખાસ્ત છે. શિક્ષકોની વાત કરીએ તો તેમની નિવૃત્તિ 58 વર્ષે થાય છે, પણ કોલેજના અધ્યાપકો 62 વર્ષે રિટાયર થાય છે, એમાં પણ ક્યાંક તો 70 વર્ષ સુધીની છૂટછાટો પણ છે. રાષ્ટ્રીય કૃત બેન્કોમાં પણ નિવૃત્તિ વય 60 વર્ષ નક્કી છે. એક જ દેશમાં જુદી જુદી સરકારોમાં જુદી જુદી નિવૃત્તિ વય હોય એ ઠીક છે? મતાધિકારની વય નક્કી હોય, હિન્દુ મેરેજ એક્ટ મુજબ લગ્નની ઉંમર આખા દેશમાં એક જ હોય, તો નોકરીની નિવૃત્તિ વયમાં આટલો તફાવત યોગ્ય ખરો? આ નિવૃત્તિ વય પ્રજાને જ લાગુ પડે છે, રાજકારણમાં તો ક્યાં કશો બધ છે?
કહેવાનું એ છે કે કેટલુંક ચર્ચાસ્પદ છે તે ચર્ચાસ્પદ રહે જ, એમાં સરકારને રસ હોય એવી ઉદાસીનતા પ્રવર્તે છે. આમ થવાનું કોઈ કારણ હોય તો તેની સ્પષ્ટતા થવી જોઈએ ને જે નિવારી શકાય એમ હોય તેનું તેમ કરીને દેશના નાગરિકોને લાભ આપવો જોઈએ, જેથી સરળતા ને સમાનતાનો અનુભવ થાય. એટલું થશે તો થોડી રાહતનો અનુભવ પ્રજા પણ કરી શકશે. અસ્તુ !
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 11 માર્ચ 2024