Opinion Magazine
Number of visits: 10,229,301
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સંકડાતા ને સંકોચાતા દેશમાં

સલિલ ત્રિપાઠી|Opinion - Opinion|14 September 2019

ત્રણ દાયકા પહેલાં આસામમાં જ્યારે પરદેશીઓ સામે ચળવળ પૂરજોશમાં ચાલતી હતી, ત્યારે એ ચળવળનો મુખ્ય હેતુ એક હતો – આસામી પ્રજા ‘પર’દેશીઓની – ‘ઘૂસણખોરી’થી ત્રાસી ગઈ હતી. આસામી જનતાની અસ્વસ્થતા સ્વાર્થી કે ગેરવ્યાજબી નહોતી. એક તો પૂર્વ પાકિસ્તાન અને પછી બાંગ્લાદેશ અને બીજી બાજુ બંગાળના ભારતીય નાગરિકો મોટી સંખ્યામાં આસામમાં રહેવા માંડ્યા હતા – એમાંના કેટલાક નિર્વાસિત હતા, જ્યારે કેટલાક પૈસા કમાવા આવ્યા હતા – એમાંનાં ઘણા ભારતીય હતા, અને ઘણા બાંગ્લાદેશી કે બર્મીઝ પણ હોઈ શકે. પણ એને કારણે આસામી પ્રજાને ચિંતા થઈ હતી, કે પોતાના જ રાજ્યમાં પોતે લઘુમતી બની જાય. કોઈને ગતાગમ કે ખબર નહોતી કે કેટલા પરદેશીઓ આસામ આવ્યા હતા, અને એને જ કારણે સર્વોચ્ચ ન્યાયાલયે આદેશ આપ્યો કે નાગરિકોની એક રાષ્ટ્રીય રજિસ્ટ્રી બનાવવી. પણ માણસોની ગણના કરવી એ એક વાત છે; પણ ગણ્યા અને ભાગલા પડ્યા પછી શું કરવું, એ બીજો જ પ્રશ્ન છે.

રજિસ્ટ્રીનું કામ હવે પૂરું થયું છે અને ઓગણીસ લાખ લોકો પાસે એવા પૂરા દસ્તાવેજ નથી જેથી એ લોકો પુરવાર કરી શકે કે એ લોકો ભારતીય છે. આ આંકડો ધાર્યા કરતાં ઘણો નાનો નીકળ્યો. પહેલા તો અંદાજ હતો કે કદાચ એકાદ કરોડ લોકો પાસે દસ્તાવેજ નહીં હોય, અને આને લીધે સાંપ્રદાયિક તત્ત્વોને તો ઘી-કેળાં મળ્યાં! આવા પરિણામને લીધે આસામી પ્રજાને હૈયે કદાચ થોડી શાંતિ પડવી જોઈએ, પણ એનો અર્થ એમ નથી થતો કે લોકોની ચિંતા ઘટે કે દૂર થાય, કારણ કે સાંપ્રદાયિક તત્ત્વો તો ઢોલનગારા વગાડવા તત્પર તૈયાર છે.

ભારતીય જનતા પક્ષ માટે તો આસામની ચળવળ એક સુવર્ણી તક હતી, જેથી એ પોતાનું હિન્દુત્વ અભિયાન પૂર્વ ભારતમાં પ્રસરાવી શકે. પણ આખા રાજ્યમાં ત્રીસ ટકાને બદલે માત્ર છ-સાત ટકા લોકો જ દસ્તાવેજ વગરના નીકળ્યા. અને એમાંના ઘણા બધા તો હિન્દુ નીકળ્યા! સરકારી નિર્ણય સામે અપીલ તો થવાની જ, અને એ પછી કદાચ આ સંખ્યા હજુ ઘટવાની – તો આ બધા નાટકની શું ખરેખર જરૂર હતી?

આ દ્વિધાનું મૂળ કારણ છે કે જે ઉદ્દેશ આસામી પ્રજાનો છે અને ભા.જ.પા.નો છે, એ વચ્ચે ઘણો મહત્વનો ફરક છે. આસામની ચળવળનો પાયો ધાર્મિક નહોતો; ભાષા અને પ્રાંતના વ્યક્તિત્વ જાળવવા વિષે હતો. ન્યૂ યોર્ક રહીશ લેખક સુકેતુ મહેતાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું : “આસામની ચળવળનો ઉદ્દેશ આર્થિક અને સાંસ્કૃતિક છે અને એ વાત આપણે સમજવી જરૂરી છે. પણ એનો અર્થ એમ નથી કે ભારતની મુસ્લિમ પ્રજાને આપણે અલગ કરવી કે જુદી રીતે જોવી. જો ભારતની મુસ્લિમ પ્રજાને જુદી ગણીશું તો એ માંદગીમાંથી આપણે ક્યારે ય સાજા નહીં થઈએ.”

અગત્યની વાત તો એ છે, કે રજિસ્ટ્રી પ્રમાએ જે લોકો ‘પર’દેશી ગણાશે, એમનું ભવિષ્ય શું એ વિશે કોઈએ કંઈ પણ વિચાર નથી કર્યો. હદ પાર કરો એમને, એવું કેટલાક લોકોએ કહ્યું – પણ ક્યાં? કે એમને ભારતમાં જ જેલમાં રાખીશું? હદ પાર કરે તો પણ ક્યાં? બાંગ્લાદેશ શું એમને પોતાના દેશમાં આવવા દેશે? શું કામ? એ લોકો બાંગ્લાદેશી છે એનો શું પુરાવો? અને આવાં મોટાં પગલાંની અસર ભારતના બાંગલાદેશ જોડેના સંબંધ પર શું થશે, એનો કોઈએ પણ વિચાર કર્યો હતો?

એથી પણ મૂળભૂત પ્રશ્ન એ છે કે નાગરિકતાનો અર્થ શું? એ કઈ રીતે પૂરવાર કરી શકાય? કોઈ હિમાચલ પ્રદેશની મહિલા આસામ રહેતી હોય, એ કઈ રીતે પુરવાર કરી શકે એ ભારતીય છે? ક્યાંથી લાવે એ પુરાવા અને કઈ રીતે એ બતાવી આપે કે એ ભારતીય છે? એ દસ્તાવેજો મેળવવા જો એને હિમાચલ પ્રદેશ જવું પડે, તો એનો ખર્ચો કોણ આપશે? રજિસ્ટ્રીને કારણે આપણે જ એકબીજાને શંકાસ્પદ વ્યક્તિ સમજવા માંડ્યા છીએ, અને રજિસ્ટ્રી આપણા અસ્તિત્વની સાબિતી આપણી પાસે માંગે છે. આ તે કેવી રાજનીતિ? પ્રા. ચિન્મય તુમ્બેના નવા પુસ્તક(India Moving : A History of Migration)માં બતાવ્યું છે કે કરોડો લોકો એક રાજ્ય છોડી બીજા રાજ્યમાં રહેવા જતા હોય છે. આ નવી વાત નથી; વર્ષોથી એવું ચાલતું રહ્યું છે. એ સંખ્યા કદાચ અઢાર કરોડ જેવડી મોટી હોય. હવે તો દરેક રાજ્યને રજિસ્ટ્રી બનાવવી છે. એટલા બધા લોકો પુરાવા ક્યાંથી લાવશે?

હવે વિચાર કરો કોને માટે આ પ્રશ્ન અઘરો છે – ગરીબ, પીડિત, આશ્ચર્યચક્તિ અને ભયભીત પ્રજા માટે, જે લોકોને સત્તાધારી નેતાઓ, પોલીસ અને અધિકારીઓનો ડર હોય છે. એમાંના ઘણા હોય છે નિરક્ષર, ઘણા પાસે નથી હોતા દસ્તાવેજો. રજિસ્ટ્રીમાં ભરપૂર ખામીઓ છે. કેટલાક કુટુંબમાં અમુક કુટુંબીજનોને રજિસ્ટ્રીએ સ્વીકાર્યા છે, અને અમુકને નથી સ્વીકાર્યા થોડા એવા પણ કિસ્સા દેખાયા છે, જ્યાં ગભરાયેલી વ્યક્તિએ હતાશ થઈ આત્મહત્યા કરી હોય. કેટલાક લોકો તો અધિકારીઓથી એટલા બીતા હોય છે કે એમણે સરકારી પત્રવ્યવહારની અવગણના કરી છે, કારણ કે સરકારી અમલદારી ભાષામાં લખાયેલા પત્રો એમને નથી સમજાતા, અને એમના પૂરગ્રસ્ત નાના ગામડેથી ગુવાહાટી જવું, એનો ન એમને ખર્ચો પોસાય, ન એમને રસ્તો ખબર હોય.

આજકાલ ઘણાને રાષ્ટ્રવાદનું ઝનૂન ચડ્યું છે, પણ એનો અર્થ એવો તો નથી થતો ને કે દરિદ્ર પ્રજા દેશની સુરક્ષાને જોખમમાં મૂકે છે. તો ય આ રજિસ્ટ્રીના બલિ બન્યા છે દરિદ્ર લોકો. એમને આમજનતાથી જુદા રાખી સુરક્ષાને નામે વિભિન્ન ગણ્યા છે. એથી પ્રજા વ્યાકુળ થાય છે. ભા.જ.પા.ના નેતાઓ તો ઉપરાંત એમ કહે છે કે આ ઓગણીસ લાખમાં જે હિન્દુ હોય એમણે ચિંતા કરવાની જરૂર નથી. એનો અર્થ કે જે મુસ્લિમ હોય, તેમણે વ્યથિત રહેવું. એનો અર્થ એમ પણ થયો કે ભારતીય એટલે હિન્દુ અને હિન્દુ એટલે ભારતીય.

ભા.જ.પ.ના નેતાઓએ એમ પણ કહ્યું છે કે આપણા પાડોશના દેશમાંથી શીખ, જૈન, બૌદ્ધ અને હિન્દુ લોકો જો ભારત આવીને આશરો માંગશે તો એમનો તરત સ્વીકાર થશે. એટલે કે મુસ્લિમ નિર્વાસિતોને તાબડતોડ આશ્રય નહીં મળે. ભારતના બે નજીકના પાડોશી દેશ, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં મુસ્લિમ પ્રજાની બહુમત છે. ત્યાંના વિકૃત રાજકારણને લીધે સરકારે બલુચી, અહમદી, અને શિયા પ્રજા (પાકિસ્તાનમાં) પર અથવા નાસ્તિક કે સમલૈંગિક લોકો (બાંગલાદેશમાં) પર ઘણા અત્યાચાર કર્યા છે. પણ એ લોકોને આશ્રય ન પણ મળે, કારણ કે ૨૦૧૪ પછી ભારતે પોતાની શરણાર્થી નીતિ બદલી છે.

આઝાદી વખતે દેશના ભાગલા તો પડ્યા, પણ ‘ટુ-નૅશન થીઅરી’ તો પાકિસ્તાનની નેતાઓએ ગજાવી હતી; ભારતના નેતાઓએ એનો સૈદ્ધાંતિક દૃષ્ટિએ વિરોધ કર્યો હતો, પણ વાસ્તવિકતા સ્વીકારી હતી. પણ આ બે દેશ કંઈ મુસ્લિમ પાકિસ્તાન અને હિન્દુ ભારત નહોતા; પણ મુસ્લિમ પાકિસ્તાન અને બિનસાંપ્રદાયિક, ધર્મનિરપેક્ષ ભારત હતા. ધાર્મિક ભેદભાવ તો મુસ્લિમ લીગનું ધ્યેય હતું.

ભારત તો એક મોટો દેશ હતો – માત્ર ક્ષેત્રફળની દૃષ્ટિએ નહીં. એ તો પ્રત્યેક વ્યક્તિ, જે પોતાને ભારતીય સમજે, એમનું નિવાસસ્થાન હતું. બાકી ભલેને જે હોય એનો ધર્મ, ભાષા, જાતિ કે જ્ઞાતિ, જો રજિસ્ટ્રી દેશભરમાં પ્રસરાવાઈ તો તો પાકિસ્તાનની વિચારસરણીનું ભારતમાં સમર્થન થયું કહેવાય, કે જ્યાં કોણે ક્યાં રહેવું, એ એક નાગરિકનો હક નથી, પણ સરકારે આપેલો વિશેષાધિકાર બની જાય છે.

શું હવે ભારતીય પ્રજાએ એવા તૂટેલા, ભાંગેલા, સાંકડા અને સંકોચાયેલા દેશમાં રહેવાનું છે?

E-mail : salil.tripathi@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2019; પૃ. 04-05

Loading

એન.આર.સી. : છીંડે ચડ્યો તે ચોર!

પંક્તિ જોગ|Opinion - Opinion|14 September 2019

નૅશનલ રજિસ્ટર ઑફ સિટીઝન્સ (એન.આર.સી.) છેલ્લા કેટલાક દિવસોથી દેશ માટે ચર્ચાનો વિષય છે, પણ ૧૯ લાખ લોકો, જેમનું નામ છેલ્લા લિસ્ટમાં ન આવ્યું, તેમના માટે તો જાણે તે મૃત્યુનો ઘંટ છે. આસામમાં બાંગ્લાદેશી લોકોની ઘૂસણખોરી અનેક દાયકાઓથી પડતર પડેલો મુદ્દો છે. બહારના લોકોની વધતી જતી સંખ્યા અને પ્રભુત્વ સ્થાનિક લોકો માટે ખૂબ મોટો ચિંતાનો વિષય છે. તેમના કહેવા મુજબ તેમનાં કુદરતી સંસાધનો, મર્યાદિત નોકરીની તકો, નાનામોટા ધંધા વગેરેમાં બહારથી આવેલા લોકોએ જોતજોતામાં કબજો જમાવેલ છે. સ્થાનિક મૂળનિવાસી ‘ઓહં’ સમુદાય હવે લઘુમતીમાં છે. તેથી તેમની વર્ષોથી માંગણી રહી છે, કે બહારના લોકોને બહાર કાઢો અને લોકોનો રોષ દિવસે દિવસે વધતો જાય છે.

એન.આર.સી. એટલે, નાગરિકોની નોંધણી કરવા માટેનું એક રજિસ્ટર, અને જેઓ તેમાં તેમની નોંધણી ન કરી શકે તે ‘ભારતનો નાગરિક’ નહીં ગણાય. ભારતના બંધારણમાં નાગરિકત્વની કોઈ વ્યાખ્યા નથી, પણ ૨૬ નવેમ્બર, ૧૯૪૯ના રોજ જે લોકો ભારતમાં પાંચ વર્ષથી રહેતા હતા, તેમણે ભારતના નાગરિક માનવામાં આવ્યા. ૧૯૫૫ના નાગરિક્ત્વ ધારા મુજબ ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦થી ૧ જુલાઈ, ૧૯૮૭ સુધી જે લોકો ભારતમાં જન્મ્યા તેઓ ભારતના નાગરિક છે. ત્યાર બાદ ૧ જુલાઈ, ૧૯૮૭થી ૩ ડિસેમ્બર ૨૦૦૪ સુધી જેઓ ભારતમાં જન્મ્યા અને તેમના એક કોઈ વાલી ભારતીય નાગરિક હોય, તો તેઓને ભારતના નાગરિક ગણવામાં આવશે. વર્ષ ૨૦૦૪ બાદ જેઓનો જન્મ થયેલ છે, તેમનાં બંને વાલીઓ નાગરિક હોય અથવા એક વાલી ભારતના નાગરિક હોય અને બીજા ગેરકાયદેસર રીતે આવેલ ન હોય, તો તેઓને પણ ભારતના નાગરિક માનવામાં આવશે. પણ આસામ માટે આ કટ ઑફ ડેટ ૨૫ માર્ચ, ૧૯૭૧ છે. આસામની પ્રક્રિયા માટે લોકોએ નીચે મુજબનાં ડૉક્મેન્ટ્‌સ રજૂ કરવાનાં હતાં.

• ૧૯૫૧માં NRCમાં નોંધણી

• ૨૪ માર્ચ, ૧૯૭૧ના રોજ અથવા પહેલા મતદાર તરીકેની નોંધણી

• જમીનના દસ્તાવેજો

• નાગરિક હોવાનો દાખલો

• કાયમી રહેવાસીનો દાખલો

• રેફ્‌યુજી તરીકેનો દાખલો

• પાસપોર્ટ

• એલ.આઈ.સી.

• સરકાર દ્વારા અપાયેલ લાઇસન્સ

• સરકારી કર્મચારી હોવાનો દાખલો

• બૅંક એકાઉન્ટ, પોસ્ટ-ઑફિસમાં ઍકાઉન્ટ

• જન્મનું પ્રમાણપત્ર

• બૉર્ડ યુનિવર્સિટી

• કોર્ટનો રેકૉર્ડ

જો ઉપરનાં ડૉક્યુમૅન્ટ્‌ અરજદારના પોતાના ન હોય અને તેમના પરિવાર જનમાંથી કોઈનાં હોય, તો તેમણે વધારાનો નીચે મુજબનો કોઈ પણ ડૉક્યુમૅન્ટ રજૂ કરવાનો રહેશે કે જેથી કરીને તેઓ ઉપરના દસ્તાવેજ ધરાવતી વ્યક્તિ સાથે તેમનો સંબંધ પ્રસ્થાપિત કરી શકે.

• જન્મનો દાખલો

• જમીનનો દસ્તાવેજ

• બૉર્ડ/યુનિવર્સિટીનું પ્રમાણપત્ર

• બૅંક/એલ.આઇ.સી./પોસ્ટ-ઑફિસમાં ખાતું

• લગ્નનો પંચાયતનો દાખલો

• મતદારયાદી

• રાશનકાર્ડ 

આસામમાં જે પ્રક્રિયા ચાલી તેમાં ૩૦ લાખ ઉપરાંત લોકો ઉપર્યુક્ત કોઈ ડૉક્યુમૅન્ટ રજૂ કરી શક્યા નહીં. અને તેઓ ‘ઘૂસણખોરો’ અથવા ગેરકાયદેસર રીતે આવેલ વ્યક્તિઓ ગણાયા.

૮ જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ લોકસભાએ નાગરિકત્વધારામાં સુધારો કર્યો કે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવેલ હિન્દુ, શીખ, બુદ્ધ, ક્રિશ્ચિયન, પારસી, જૈન આ લઘુમતી કોમના લોકોને ગેરકાયદેસર રીતે આવેલા તરીકે ગણવામાં નહીં આવે અને તેઓ નાગરિક બની શકે છે.

પરિણામે મુસ્લિમ વગરના બધાને નાગરિક બનવાનો એક મોકો મળ્યો અને લગભગ ૧૯ લાખ ઉપરાંત મુસ્લિમ લોકો ‘બાંગ્લાદેશી’ તરીકે જાહેર કરાયા. આ લોકોમાં ઘણા બિહાર અને પશ્ચિમ બંગાળના’ પણ છે. અને હવે તેમનું ભારતીય તરીકેનું અસ્તિત્વ મટી ગયું. તેમને સાંભળવાની, તેમની વાત રજૂ કરવા માટેની કોઈ તક કે મોકો સરકારે આપ્યો નથી. જે મોકો આપ્યો તે એક ધર્મને બાદ કરીને આપ્યો, એટલે તદ્દન ગેરન્યાયીક છે. હવે આ ૧૯ લાખ લોકો ભારતીય નાગરિક નથી, મતદાર નથી, નોકરી માટે હકદાર નથી. જમીનમિલકત વસાવી શકવાના નથી. તેમના નાગરિક તરીકેના અને કદાચ માનવ તરીકેના પણ કોઈ હક્ક રહ્યા નથી.

ગૃહમંત્રી તેમણે બાંગ્લાદેશ મોકલવાની જાહેરાત કરી ચૂક્યા છે, પણ ભારત સરકારે બાંગ્લાદેશ સરકાર સાથે સત્તાવાર રીતે કોઈ વાતચીત શરૂ કર્યાના કોઈ સમાચાર નથી. પરંતુ ‘ડિટેન્શન કૅમ્પ’ બનાવવા માટેનું કેન્દ્ર સરકારનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. લાખો લોકો આવા ડિટેન્શન કૅમ્પોમાં રહેશે. તેમાં નાનાં બાળકો, સગર્ભા મહિલાઓ, કિશોરીઓની સલામતી, અન્ન સુરક્ષાની સ્થિતિ શું હશે. તેની કલ્પના પણ નહીં કરી શકે.

આસામના લોકોને બહારના લોકો માટે ગુસ્સો હતો, છે, પણ તેમાં મુસ્લિમ ધર્મ તરીકે જુદા પાડીને તેમને આવી રીતે ખદેડવાની માંગ ન હતી. સરકારે બહારના લોકો પ્રત્યેની દ્વેષની લાગણીનો ફાયદો ઉઠાવી એક કાંકરે ઘણાં બધાં પક્ષીઓ માર્યાં તેમ કહી શકાય.

પડતર પ્રશ્નનો હલ લાવ્યા, હિન્દુ રાષ્ટ્ર બનાવવાના સપનાં તરફ ડગલું માંડ્યું અન્ય રાજ્યોમાં રહેતાં મુસ્લિમ સમાજમાં ભયની લાગણી ફેલાવી મુસ્લિમ પ્રત્યેની નફરતની ભાવનાને ખાતર નાખ્યું અને હિન્દુ બહુમતીના દિલમાંથી હાલમાં ચાલતી બેરોજગારી, મોંઘવારી જેવા સળગતા મુદ્દાઓને ભૂંસી નાખ્યા.

સરકાર માટે એન.આર.સી. અને સી.એ.બી. બહુવિધ ફાયદાઓથી ભરપૂર એક યોજના છે, અને આવનારા દિવસોમાં રાજ્યોની ચૂંટણીઓમાં તેનો ઉપયોગ અન્ય રાજ્યોમાં પણ કરાશે. ગુજરાતમાં વિચરતા સમુદાયના ડફેર ઉપરાંત મિયાણાં, સંધિ, જુમ્મા, રાજા જેવા અનેક ધર્મે મુસ્લિમ કોમ છે. વિચરતા અને વિમુક્ત સમુદાયોના લાખો લોકો પાસે ઉપર કહ્યા મુજબનો એક પણ ડૉક્યુમૅન્ટ નથી. તેઓ ગામથી દૂર સરકારી ખરાબાની જમીનમાં અથવા દરિયાકિનારે ઝૂંપડામાં રહે છે. હાલમાં સરકારની આવાસ, રાશન, પેન્શન, આંગણવાડી જેવી પાયાની સેવાઓ, કાર્યક્રમોથી પણ આ લોકો વંચિત છે. તેઓ ક્યાંક મીઠું પકવે છે, ખેતરખેપું કરે છે અથવા દરિયો ખેડે છે. તેઓની પાસે ક્યાંથી જમીનના દસ્તાવેજો, પાસપોર્ટ, લાઇસન્સ હોવાનાં? આધારકાર્ડ અથવા મતદારકાર્ડ પણ માન્ય નથી. અત્યાર સુધી મતદારો બનાવીને તેમનો વોટિંગ માટે ફાયદો પક્ષોએ ઉઠાવ્યો, પણ મતદારકાર્ડ તેમણે નાગરિક્ત્વ આપી શકવાનું નથી.

એન.આર.સી. લાગુ કરવાની આ પ્રક્રિયા અમાનવીય અને ગેરબંધારણીય હોવા છતાં તેની સામે દેશ કે આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ વિરોધ થયો નહીં. બજાર તરીકે ભારત સાથેના સંબંધો હાલ કોઈ બગાડવા માંગતા નથી. ડિટેન્શન-કૅમ્પમાં લાખો લોકો હોય તો તે પણ કંપનીઓ માટે બજાર છે. તેને ધર્મ, લાગતો નથી, કોઈનું નાગરિકત્વ મટી જાય તેનાથી ફરક પડતો નથી. મૂડી ને જમીનો જોઈએ, સસ્તા મજૂરો જોઈએ, પાણી જોઈએ, જે આજની સરકાર તેમને આપવા તૈયાર છે.

તેવા સંજોગોમાં ભારતના નાગરિકો આ અંગે સરકારને સવાલ કરે તેવી અપેક્ષા છે. તે તેમને ગમશે નહીં. જે બોલશે તે મુસ્લિમોના પક્ષવાળા, એટલે પાકિસ્તાનના મસીહા, એટલે દેશદ્રોહી આવાં સમીકરણો લગાડી અનેક અવાજ દબાવવામાં આવશે. ઘૂસણખોરી એક સમસ્યા છે પણ તેને રોકવા સરકારે અપનાવેલો ઉપાય મુસ્લિમ કોમને ખતમ કરવાનો કારસો છે.      

E-mail : jogpankti@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2019; પૃ. 06 તેમ જ 05

Loading

વિચરતા વિચારો

સુમન શાહ|Opinion - Opinion|13 September 2019

લૂઝ કનેક્શન શ્રેણી : 5 : ઇચ્છા :

ઈશ્વરને એક વાર થયું કે પોતે એકમાંથી બહુ થાય. આપણે મનુષ્યો અને પ્રાણીઓ એટલે છીએ કે એમને એવી ઇચ્છા: થઇ. એકમાંથી બહુ થવાની એમની ઇચ્છા આપણને વારસામાં મળી છે. આપણે પણ એકમાંથી અનેક થઇ ગયાં છીએ. એ પરમ્પરા ચાલુ છે, ચાલુ રહેવાની છે.

સવાલ એ છે કે ઈશ્વરની કે આપણી ઇચ્છા પાછળ કશોક હેતુ તો હશે ને. ઈશ્વરે આપણને સરજ્યાં ને એનાં સરજેલાં આપણે બીજાંઓને સરજીએ છીએ. હેતુ શો? પ્રયોજન? આશય? મને તો આનન્દદાયી સર્જન સિવાયનો કશો હેતુ દેખાતો નથી. સવાલ એ છે કે ઈશ્વર પોતે કોની ઈચ્છાનું પરિણામ છે. સવાલ એ પણ છે કે એમના હોવાનો હેતુ શો છે. હું નથી જાણતો. કેટલાક મનીષીઓ તો ઊંધું કહે છે, એમ કે ઈશ્વર, માણસની ઇચ્છાનું પરિણામ છે. જે હોય એ … આપણે જે પ્લગ-પિનની વાર્તા માંડી છે, એમાં પાછા જઇએ.

પ્લગ અને પિન બન્નેનું સર્જન એને પ્રોડ્યુસ કરનારી કમ્પનીની ઇચ્છાનું પરિણામ છે. એ પ્રોડક્શન પાછળનો હેતુ સ્પષ્ટ છે : પિને પ્લગ પાસેથી પાવર મેળવવો. પ્લગે પોતાની પાછળની પાવરલાઇન સાથે પિનને જોડી દેવી. બન્નેનાં જીવનના હેતુ આમ સુનિશ્ચિત છે.

પ્લગ હેતુ વીસરીને સુસ્ત ઉદાસીન રહે, પિન દાખલ થઇ હોય છતાં, પ્લગ કશી મચક ન આપે, ઠૂંઠા જેવો પડી રહે, ન ચાલે. પિન પણ હેતુ વીસરીને એકલીઅટૂલી આમતેમ અફળાયા કરે, ન ચાલે. એણે પણ પ્લગ લગી પ્હૉંચીને પ્લગમાં દાખલ થવું જોઇશે. દાખલ થઇ હોય છતાં સરખી ન રહે, ન ચાલે.

સત્ય એ છે કે ઇચ્છા પાછળ હેતુ હોય છે પણ હેતુ પાર પડે એ માટે ઇચ્છા થવી જોઇશે.

પ્લગ કે પિન ઇચ્છા જ ન કરે, તો એ બેમાંથી એકેય પાવરફુલ થઇ શકશે નહીં. નિષ્પ્રાણ થઇ જશે. પોતાનાં કે બીજાંનાં જીવનમાં વીજચમકાર નહીં સરજી શકે. પ્લગ-પિનને એકબીજાંમાં જોડાઈ રહેવાની બલકે એકબીજાંનાં થઈ રહેવાની કાયમ ઈચ્છા થવી જોઇશે. આ સત્ય બચુભાઈ અને બચીબહેને પણ સમજી રાખવાનું છે. કહો કે કોઇપણ મનુષ્યે સમજી રાખવાનું છે. બચુ ઇચ્છતો હોય કે પોતે બચીને ચાહે, તો ચાહી શકશે. બચી ઇચ્છે કે જેમ બચુ પોતાને ચાહે છે એમ પોતે બચુને ચાહે, તો ચાહી શકશે.

વાતનો સાર એ છે કે ઇચ્છા નહીં કરીએ તો કશું થશે નહીં. જીવનનો કોઇપણ હેતુ સરશે નહીં.

જુઓ, ફૂલ ખીલેલું ઝૂમતું હોય, એ કહેતું નથી કે મારાં રૂપરંગ જુઓ, મારી સુગન્ધને માણો. એની ઇચ્છા એના આવિષ્કારમાં એકરૂપ છે. સર્જનહારની ઇચ્છા થકી મનુષ્યોમાં, નર છે, નારી છે. અન્ય જીવોમાં પણ નર છે, માદા છે. જડ છે, તેમ ચેતન સૃષ્ટિ છે. એ દરેક પોતે શું છે અને શા માટે છે એ એમણે નક્કી રાખ્યું છે. તેમછતાં, નર કે નારીએ પોતાના સ્વ રૂપને ઓળખીને પ્રયત્નો તો કરવા જ પડે છે.

ઇચ્છા પ્રયત્નને પ્રેરે છે. ઇચ્છા કરાય પણ પાર પડે પ્રયત્નથી. જુવાનજોધ બચુ વડ નીચે સૂતેલો. ઉપરથી ટેટા પડે, કોઈ કોઈ તો છાતી પર ચૉટી ગયા હોય, પણ જાતે હટાવે નહીં. ઇચ્છા ખરી પણ પ્રયત્ન નહીં. જુવાનડી બચી જાંબુડી નીચે સૂતેલી. ઉપરથી જાંબુડાં પડે પણ જાતે ખાય નહીં. કોઇ આવશે ને ખવડાવશે. ઇચ્છા ખરી પણ પ્રયત્ન નહીં. બચુ બચી બાજુ બાજુમાં જ હતાં. બચુએ બચીને વિનન્તી કરવા જેટલો પ્રયત્ન કર્યો હોત તો એ પુરુષ-વિનન્તીને એણે સ્ત્રીસહજ 'હા' જ પાડી હોત. બચીએ વિનન્તી કરી હોત તો એ સ્ત્રી-વિનન્તીને બચુએ માન આપ્યું જ હોત. સ્ત્રીદાક્ષિણ્ય જેવું એનાથી થઇ શક્યું હોત..

કેટલીયે વાર આપણને ખબર નથી પડતી કે આપણી ઇચ્છા પોતે કેટલી શક્તિશાળી છે. ઈચ્છા કે વિલ કે ડિઝાયર બરાબર, પણ એ પાવર છે, શક્તિ છે. પ્લગને પિન માટે ને પિનને પ્લગ માટે દોડતા કરી દે એવી શક્તિ છે એ. ઇચ્છા માણસની શોધબુદ્ધિને જગાડે છે, ખીલવે છે. પણ મોટા ભાગના લોકો ઈચ્છાને શક્તિ તરીકે વાપરવામાં પાછા પડે છે.

એટલું જ નહીં, ઉંધું, આપણે વગર સમજ્યે ઇચ્છાઓ કર્યા જ કરીએ છીએ. આપણી દરેક પળ ઈચ્છાથી ઓતપ્રોત હોય છે. જાણે આપણે ઇચ્છા નામની માટીનાં પૂતળાં છીએ. પણ આ હકીકતને કારણે જ અનેક મુસીબતો સરજાય છે. એટલા માટે કે ત્યારે આપણે ઇચ઼્છા પાછળના હેતુને અભરાઇએ મેલી દીધો હોય છે. ઘણી વાર આપણે ઇચ્છા પ્રમાણેનું વર્તન કરવામાં પાછા પડ્યા હોઇએ છીએ. ઇચ્છા સજ્જતા સાહસ તત્પરતા માગી લે છે. ઇચ્છાનાં જોખમો ઉઠાવવાં પડે છે. એવી બધી આપણી તૈયારી નથી હોતી. કહે, પ્રેમ કરું છું, પણ કહે, મૅરેજ હમણાં નહીં. કહે, મૅરેજ કરીએ, પણ બાળકો હમણાં નહીં …

મૂછ ફૂટે એ યૌવનનો અંકુર છે. છોકરી રજસ્વલા થાય એ પણ યૌવનનો પ્રારમ્ભ છે. મનુષ્યમાં ત્યારે જાતીયતા અને પ્રેમ એક સાથે જાગે છે. મારે એમ કહેવું છે કે જાતીયતા અને પ્રેમ જુદાં નહીં પણ બન્ને એક જ હોય છે, એકરૂપ હોય છે. એને દરેક લવ્લિ ચીજ સૅક્સી લાગે છે ને દરેક સૅક્સી ચીજ લવ્લિ લાગે છે. ત્યારે ઇચ્છાશક્તિ એની અગ્નિજિહ્વા કાઢીને દસે દિશામાં ભમતી હોય છે. પણ કેટલાક છોકરાઓને તેમ જ કેટલીક છોકરીઓને આ સત્યની ખબર નથી પડતી. ઇચ્છાને ન ઓળખી શકનારાઓ જતે દિવસે ઇચ્છાને મારી નાખે છે. કહે છે : એ મારાથી નહીં થાય : એ કામ મને નહીં ફાવે : લાચારી. પરવશતા. આત્મદયા. જાતનું અવમૂલ્યાંકન. કહો કે, કુદરતદીધી શક્તિઓથી અજાણ રહેવાની હઠ. આવી વ્યક્તિઓ ઉદાસીન અને બરબાદ દીસે છે. એમને કોઇની મદદ ખપતી નથી. કોઇ એમને મદદ કરવા માગતું પણ નથી.

મોટે ભાગે તો એમની આસપાસનાંઓએ એમની એ ઊગતી ઇચ્છાશક્તિને ડામી દીધી હોય છે. જતે દિવસે બને કે એમનાંમાં સૅક્સ્યુઅલ ફ્રિજિડિટી આવી જાય – જાતીય ઉદાસીનતા. જાતીયતા પરત્વે ઉદાસીન યુવતી 'ટાઢી' હોય છે, એને સ્પર્શાદિથી કશું થતું નથી. એવો યુવક 'ઠંડો' હોય છે. એને સ્પર્શની ઇચ્છા થતી જ નથી. દમ્પતીમાંથી કોઇ એક એવું હોય, તો જીવવું ખારું ઉસ થઇ પડે છે. સરવાળે વ્યક્તિ ઇમોશનલ ફ્રિજિડિનો શિકાર બને છે. ન તો એને કોઇનો પ્રેમ સ્પર્શે છે, ન તો કોઇનો તિરસ્કાર. એવી ભાવાત્મક ઉદાસીનતા મારી દૃષ્ટિએ એક જાતનું મૃત્ય જ છે ..

ઈચ્છામતિ નામની માણકીને જીવનમાં પલાણી જાણીએ એ જરૂરી છે. ઈચ્છાના સ્વરૂપને ઓળખીએ એ પણ જરૂરી છે. 'હા' પાડવાની ક્ષણે 'હા' પાડવી , 'ના' પાડવાની ક્ષણે 'ના' પાડવી. પણ છોકરી કે છોકરો એમ કરી શકતાં નથી. એટલે કાં તો રહી જાય છે અથવા તો ફસાઇ જાય છે. એઓએ પોતાની ઈચ્છાને ઓળખવાનો કદી પ્રયત્ન જ નથી કર્યો હોતો. નાનપણમાં મેં અમારા ફળિયા બાજુના મુસલમાનવગામાં જોયું હતું કે ઈમામનો ઘોડો ગાડીએ જોડાવાને તૈયાર થાય જ નહીં. પાટીદારવગામાં એથી અવળું જોયેલું કે પશાભૈની ભૅંશ ડોકું ઊંચું કરીને ભાંભરતી હોય – મને દોહવા માંડો ને … પ્રાણીઓ પોતાની ઈચ્છા કે અનિચ્છા સ્પષ્ટ જણાવી દે છે. ન માનો તો ઘોડો બચકું પણ ભરી શકે છે. ભૅંશ લાત પણ મારી શકે છે.

ઘણું કહી શકાય ઇચ્છા વિશે પણ જેટલું કહીએ એટલું ઓછું પડે. માટે, અલમ્ અતિવિસ્તરેણ ..

= = =

https://www.facebook.com/suman.shah.94/posts/2719638271400402

Loading

...102030...2,8612,8622,8632,864...2,8702,8802,890...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved