તારીખ 17મી જુલાઈ [2016] રવિવારની બપોરે, માન્ચેસ્ટર ટાઉનહોલના મધ્યખંડમાં, વિવિધ ભાષા, સંસ્કૃિત, ધર્મ અને વિચારોની પૃષ્ઠભૂમિ ધરાવનારા લગભગ અઢીસો જેટલાં નાગરિકો ‘શાંતિ અને એકતા’ નામક કાર્યક્રમમાં હાજરી આપવા ઉમટી પડેલાં.
કોમી એખલાસ માટે જુદી જુદી પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર આમેર સાલેમનું ચિત્ત થોડા વખત પહેલાં પેરિસમાં આતંકવાદી હુમલાને કારણે થયેલ જાનહાનિથી અત્યંત વ્યથિત થઈ ગયું. આથી તેઓ પહોંચ્યા સીધા માન્ચેસ્ટર કેથેડરલના ડીન રોજર્સ ગવન્ડર પાસે, અને કહ્યું, “આ ‘ઇસ્લામોફોબિયા’ નામના દૈત્યને ઉંબર બહાર રાખવા, ચાલોને આપણે કઇંક કરીએ.” કેથેડરલના ડીનને થયું, આ પ્રશ્ન કંઈ માત્ર મુસ્લિમ પ્રજાનો નથી, સહુ કોઈનો છે. તેમણે આ વિશે માન્ચેસ્ટર સીટી કાઉન્સિલના અધિકારીઓ સાથે વાત કરી અને વિવિધ સંસ્કૃિતના પ્રતિનિધિઓ અને ધર્મના આગેવાનોને આ વિશે વિચાર વિમર્શ કરવા નિમંત્ર્યા, જેમાં માન્ચેસ્ટર સ્થિત ભારતીય સમુદાયના પ્રતિનિધિ તરીકે હાજર રહેવાની મને તક મળી. પરસ્પરના અનુભવો, વિચારો અને ભાવનાઓની આપ લે કર્યા બાદ એક સુંદર સાંસ્કૃિતક કાર્યક્રમનું આયોજન થયું.
કાર્યક્રમના શ્રીગણેશ કરતાં ડીને સાંપ્રત સમયમાં દરેક ગામ, શહેર, અને સમગ્ર દેશમાં રહેતી પ્રજાના ખાન-પાન, રહેણી-કરણી, પોશાક, ભાષા, જીવન પદ્ધતિ, સાંસ્કૃિતક ધરોહર, ધર્મ વિશેના ખ્યાલો અને તેમની અસ્મિતા વિશે એક બીજાને જાણ હોવી કેટલું અગત્યનું છે તે વિશે વાત કરી. ગુનેગાર ગુનો કરે અને ન્યાયતંત્ર તેને સજા કરે તેથી સમાજ સુધરે નહીં, શાંતિ સ્થપાય નહીં. ગુનાઓ અને આતંકની જડ પ્રજાના પરસ્પર માટેના અજ્ઞાન, પૂર્વગ્રહો અને નફરતમાં છે. જો આપણે એક બીજાના જીવનમાં રસ લઈએ, તેમના તહેવારો ઉજવવામાં ભાગીદાર થઈએ, સાથે ગાઈએ, નાચીએ, ભોજન લઈએ, પ્રાર્થના કરીએ તો આપોઆપ ઉપર કહી તેવી નકારાત્મક લાગણીઓ જન્મવાની શક્યતા ઘટી જાય એ હેતુથી આ સાંસ્કૃિતક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એવું તેમણે પ્રતિપાદિત કર્યું.
અર્ધા કલાક સુધી ખ્રિસ્તી પ્રાર્થનાનું રેવરન્ડ બોબ ડેએ કરેલ વાંચન, રબાઈ નાટન ફાગલમેનના બુલંદ સૂરમાં ગવાયેલ જુઇશ ધર્મની હિબ્રુ ભાષાની પ્રાર્થના, ઇમામ ઇરફાન ચિસ્તીએ ઊંચા સ્વરમાં ગયાયેલ કુરાનની આયાત, દાસ હની સીંગે ભક્તિભાવ પૂર્વક ગાયેલ સીખ અરદાસ, બુદ્ધ લાઈટ ઇન્ટરનેશનલ એસોસિએશને કરેલ બૌદ્ધ પ્રાર્થનાનું સમૂહ વાંચન અને મોક્ષ નામના સંગઠનના સામવેદના સંસ્કૃત શ્લોકના સુરીલા ગાનથી સમગ્ર હોલ ગુંજી ઊઠ્યો. દરેક પ્રાર્થનાનો અર્થ ટૂંકમાં સમજાવાયો જેથી શ્રોતાઓ તેનો પૂરેપૂરો રસાસ્વાદ માણી શક્યા. વળી, દરેક પ્રાર્થના કરનાર પોતપોતાના દેશના પારંપરિક પોશાક પહેરીને આવેલા, તેથી સમગ્ર દ્રશ્ય એક રંગીન અને વિવિધતાથી ભરપૂર ભાષા તથા પોષાકથી રસાયેલું લાગતું હતું. તે અવસરની એક તસ્વીર અહીં પ્રસ્તુત છે.
આ વિવિધ રંગી શહેરના તમામ પ્રકારના લોકોને સમાવિષ્ટ કરવાનો અભિક્રમ હતો. તેથી સાંસ્કૃિતક કાર્યક્રમની શરૂઆત આફ્રિકન કેરેબિયન ડિમેન્શિયા ક્વાયરના જીવંત ગાનથી થઈ. જે લોકો વિસ્મૃિતનો ભોગ બન્યાં છે એવાં ભાઈ-બહેનો, તેમનાં કુટુંબીજનો અને તેમની સંભાળ રાખનારાં આશાવાદી લોકોએ ભેળાં મળીને ત્રણ સુંદર રચનાઓ રજૂ કરી. ઈંગ્લીશ ભાષાના ગાન બાદ કિંગ ડેવિડ પ્રાથમિક શાળાના બાળકોએ હિબ્રૂમાં સાબાથને આવકારતાં ત્રણ ગીતો ભારે ઉત્સાહ સાથે ગાયાં. ત્યાર બાદ બૌદ્ધ બહેનોએ મંજુશ્રી મંત્ર અભિનય સાથે રજૂ કરીને શ્રોતાઓને પરમ શાંતિનો અનુભવ કરાવ્યો.
કોઈ પણ મેળાવડો હોય ત્યાં ખાણી-પીણી પણ તેનું અવિભાજ્ય અંગ હોય છે. માન્ચેસ્ટર ટાર્ટ, કોશર પેસ્ટ્રી અને કૅઇક એ આ શહેરની વિશિષ્ટ વાનગીઓ, જે આરોગતાં લોકોને એકબીજાનો પરિચય કેળવતા જોઈને મન ખુશ થઈ ગયું.
માન્ચેસ્ટરના લોર્ડ મેયર ઑસ્ટીન બેહન, પોલીસ કમિશનર ટોની લોઇડ અને ચીફ પોલીસ ઇન્સ્પેકટર ઉમેર ખાને વિચાર પ્રેરક વક્તવ્યો આપ્યાં. તેઓને માર્ટિન લ્યુથર કિંગ અને મહાત્મા ગાંધીના વિચારોએ ખૂબ પ્રેરણા આપી છે અને તેથી જાતિ, રંગ, ધર્મ, કે સંસ્કૃિત જેવા કશાના ભેદભાવમાં ન માનતા હોવાને કારણે પ્રજાને વિભાજીત કરનારા તત્ત્વો સામે ઐક્યની ભાવના કેળવવાની સહુને ટહેલ નાખી.
દરેકના ટેબલ પર ‘તમારી કોમમાં અને બે અલગ અલગ કોમ વચ્ચે શાંતિ અને એખલાસ સ્થાપવા – ટકાવી રાખવા તમે શું કરશો?’ એ પ્રશ્ન મુકેલો. હાજર રહેલા સહુને વ્યક્તિદીઠ ત્રણ સૂચનો મેળવીને તેમાંથી કોઈ એક પસંદ કરી પાન આકારના કાગળ પર લખી એક સુંદર નાના ઝાડ પર મુકવાનું કહેવામાં આવ્યું. જે સૂચનો વંચાયાં એ સાંભળીને હાજર રહેલા લોકો તમામ કોમ માટે કેટલો આદર ધરાવે છે, એકબીજા વિશે જાણવા કેટલું ખુલ્લું મન ધરાવે છે અને કેટલી શાંતિપ્રિય છે તે જાણીને તેમને માટે માન ઉપજ્યું.
વક્તવ્યો અને ચર્ચા બાદ સેક્રેડ સાઉન્ડ વિમેન્સ કવાયરની બહેનોએ સર્બિયન ભાષામાં ગવાયેલ એક લોકગીત રજૂ કર્યું જેમાં ગન એક બાજુ મૂકી, લડાઈ છોડીને શાંતિની શોધમાં નીકળી પડીને સાથે મળીને નાચવાનું આમન્ત્રણ છે. તેમની બીજી રચના હિબ્રુ ભાષામાં હતી જેનો અર્થ છે, મને તારો અવાજ સાંભળવા દે, કેમ કે તે અતિ સુંદર છે. આ બહેનોએ તો શ્રોતાઓને પણ પોતાના ગાનમાં જોડી દીધાં. નોર્થ વેસ્ટની જાણીતી સૂફી કવયિત્રી અને ગાયિકા સારાહ યાસીને તેના સાથીદારો સાથે ત્રણ નશીદ રજૂ કરીને એક જુદી જ સંગીત પ્રણાલીનો પરિચય કરાવ્યો. તેમના સંગીતના તાલે કશ્મીરી લોકોને અભિનય કરતા જોવાનો લ્હાવો મળ્યો. બારથી ચૌદ વર્ષની ઉંમરના ચાર બાળકોએ તેમના કુમળા પણ સંપૂર્ણ તાલીમ પામેલા કંઠમાં બાજા અને તબલાની સંગાથે ત્રણ સીખ શબદ ગાઈને સહુને પ્રભાવિત કરી દીધા. તે પછી સ્ટેજનો કબજો બે યુવા ગાયકોએ લીધો. તેમણે ઉર્દૂમાં ખ્રિસ્તી ધર્મનાં ગીતો એવી હલકથી ગાયાં કે શ્રોતાઓના પગ થનગની રહ્યા. સૂફી નર્તકોની આગેવાની હેઠળ ધીરે ધીરે લગભગ બધા શ્રોતાઓ/દર્શકો નર્તન કરવા લાગ્યા. ત્રણેય કવાયરની બહેનો, શાળાના બાળકો તો છૂટથી જોડાયા, પરંતુ માન્ચેસ્ટર કેથેડ્રલના ડીન, લોર્ડ મેયર, પોલીસ કમિશનર, ચીફ પોલીસ ઇન્સ્પેકટર, રબાઈ, ક્રિસ્ટિયન મિનિસ્ટર, સૂફી ભક્ત, બૌદ્ધ બહેનો, ઇમામ અને કાર્યક્રમનું સંચાલન કરનારા સહુ એકદમ સહજતાથી એકબીજાની કમરે હાથ મૂકીને ઝૂમી ઝૂમીને મિનિટો સુધી આનંદે તાલબદ્ધ નાચતા રહ્યા અને ત્યાર બાદ ખૂબ પ્રમેથી એકબીજાને ભેટતા રહ્યા, એ આખું દ્રશ્ય આંખને ભીંજવી ગયું. તેની ઝાંખી એક નાની ક્લિપથી આપવા કોશિશ કરું છું.
https://www.facebook.com/snehal.pandit.923/videos/649567085193323/
આયોજન કરનાર માન્ચેસ્ટર કેથેડ્રલ, કાઉન્સિલ અને તેની સમિતિના સભ્યોને ધાર્યા કરતાં વધુ સફળતા મળ્યાનો સંતોષ થયો, ભાગ લેનારા કલાકારોને આવી સુંદર તક માટે આભારની લાગણી થઈ અને શ્રોતાઓને આવા અદ્દભુત ઐક્યના અનુભવ બદલ આનંદ થયો એ આ કાર્યક્રમની ફલશ્રુતિ. ‘આવો મેળાવડો દર વર્ષે કરશોને?’ એવું પૂછીને લોક જુદા પડયા.
કોણ કહે છે ધર્મ અને સંસ્કૃિત એકબીજાને વિભાજીત કરે છે? આવા સાંસ્કૃિતક કાર્યક્રમો જેમનાં મન અસંતોષ, નફરત, ક્રોધ અને હિંસાથી ભરાઈને ભટકી રહ્યાં છે તેમની પાસે લઈ જવા રહ્યા.
e.mail : 71abuch@gmail.com