મહેનકશ માણસ ગૌરવપૂર્ણ જિંદગી બસર કરી શકે તે આપણા તરુણ રૉયિસ્ટની નિસબત હતી.
સુપ્રતિષ્ઠિત કાનૂનચિંતક ઉપેન્દ્ર બક્ષી અને એવા જ સુપ્રતિષ્ઠ કાનૂનવિદ-ભૂતપૂર્વ એટર્ની જનરલ સોલી સોરાબજી આજે મહાનગર અમદાવાદમાં માનવીય ગૌરવના ઝુઝારુ સિપાહી, ગુજરાતમાં એક તબક્કે તો સિપેહસાલાર સરખા ચંદ્રકાન્ત દરુની જન્મશતાબ્દી નિમિત્તે હોવાના છે. જન્મે ગુજરાતી (સૌરાષ્ટ્રી) બક્ષી ઝાઝો સમય ગુજરાત બહાર રહ્યા છે – ઠીક ઠીક વરસો દિલ્હી અને લાંબા કાળથી વૉરિક યુનિવર્સિટી (યુકે) પણ ગુજરાતને એમનો પ્રત્યક્ષ પરિચય નહીં જ હોય એવું તો કહી શકાય એમ નથી, કેમ કે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે એમની કીર્તિદા કામગીરી રહી છે.મહેનદ્ર
ડાબેથી જમણે, મહેન્દ્ર આનંદ, ગિરીશ પટેલ, ઉપેન્દ્ર બક્ષી, સોલી સોરાબજી તેમ જ ગૌતમ ઠાકર [છબિ સૌજન્ય : બિનીત મોદી]
છબિ સૌજન્ય : તેજસ વૈદ્ય
વચલા સમયમાં કૉમન યુનિવર્સિટી ઍક્ટ અને હાલ હાયર એજ્યુકેશન કાઉન્સિલ બિલ આસપાસના આપણા અનુભવ વચ્ચે તેમ જ સ્વાયત્તતા વિરોધી માહોલના આજના દિવસોમાં એ સંભારવું સ્ફૂિર્તપ્રદ શૂળ જેવું થઈ પડશે કે પાંત્રીસ વરસ પર આ એક મરદ ગુજરાતી શિક્ષણકાર અને વિધિવેત્તા હતો જેણે સ્વાયત્તતાલક્ષી જોગવાઈ અને ખોળાધરીને ધોરણે જ પોતે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની જવાબદારી સ્વીકારી શકે એ સાફ કરી દીધું હતું. રાજ્ય સરકાર અને સંબંધિત સૌએ જ્યારે આ વાત અંકે કરી ત્યારે જ બક્ષીને નર્મદ જેવા જુસ્સાથી ઉતરાણ કીધું હતું. દરુ સાહેબને યાદ કરતે કરતે બક્ષીનામાનો રસ્તે ચઢી ગયો છું તો ભેગંભેગા એક જાહેર અંગત સાંભારણ પણ જોડી દઉં. બક્ષીનું નામ પહેલવહેલું કદાચ ત્યારે ગાજ્યું હતું જ્યારે એમની પહેલથી મથુરા કેસ ખૂલ્યો. ગુજરાતમાં એ 1982માં આવ્યા, પણ આ વાત 1979ની છે. એમણે અને બીજા બે ત્રણ જાગ્રત મિત્રોએ સુપ્રીમ કોર્ટને પત્ર લખ્યો હતો કે બળાત્કારના કેસમાં ભોગ બનેલી સ્ત્રીને, કેમ કે આ એક સ્ત્રીપુરુષ સંબંધી વાત છે, તમે બારોબાર સંમતિપૂર્વકના કિસ્સામાં ઘટાવો તે બરાબર નથી. યૌન સંબંધમાં પક્ષકાર તો બેઉ હોય છે, પરંતુ આ પક્ષકારિતામાં સંમતિનું નહીં પણ બળજોરીનું તત્ત્વ કામ કરી ગયું હોય એનું શું. આ કેસ ફેર ખૂલ્યો અને ન્યાયની દિશામાં એક નવો ચીલો પડ્યો.
કટોકટી સામેના લડવૈયા તરીકે ઉચિત રીતે જ વધુ સંભરાતા દરુના જન્મશતાબ્દી વર્ષે થોડાંક પૂર્વરંગ કે કંઈક પિછવાઈરૂપે આ બે દાખલા, એક શૈક્ષણિક સ્વાયત્તતાનો ને બીજો નારીગૌરવનો, એટલા માટે સંભાર્યા કે આપણને ખયાલ આવે કે જેપી આંદોલન અને કટોકટી પ્રતિકાર(1974-1977)ને પગલે સમજ અને સંકલ્પનો જે એક અરુણોદય થયો તે શો હતો. માર્ચ 1977ના જનતા રાજ્યરોહણને બીજું સ્વરાજ કહેવાનો ચાલ છે તે એક અર્થમાં ઠીક જ છે. લોકશાહી અધિકારીઓની ગાડી ખડી પડી હતી તે પાછી પાટે ચડાવવાનું રૂડું કામ એથી થયું હતું. પણ કમબખ્ત સ્વરાજ જેનું નામ એ પણ જાલીમ પ્રેમની પેઠે સતત સાધ્ય કરતા રહેવું આપણને લમણે લખાયેલ છે. આ જાગૃતિનો અને લોકશાહીના ઔપચારિક માળખાને વટી જઈ બાકી સઘળાં ક્ષેત્રોમાં ય સમતા અને સ્વતંત્રતાના સાર્વત્રિક સંચારનો ધક્કો, કહો કે પહેલીબીજી નહીં પણ સળંગ સ્વરાજલડતનો ધક્કો માર્ચ 1977એ આપ્યો છે.
કોણ હતા આ દરુ? જૂન 1975માં કટોકટી જાહેર થઈ અને મૂળભૂત અધિકારો સસ્પેન્ડ થઈ ગયા ત્યારે દેશમાં બે સરકારો હતી, ગુજરાતમાં બાબુભાઈના નિવાસસ્થાને પ્રવેશતા જ એ દિવસોમાં અશ્વમેઘના ઘોડાને આંતરતા લવકુશનું ચિત્ર ધ્યાન ખેંચતુ.) પણ બે રાજ્યો પૈકી ગુજરાત વિશેષરૂપે સ્વાધીનતાનો ટાપુ હતું એ ત્યારે સમજાઈ રહ્યું જ્યારે જયપ્રકાશ-તારકુંડે આદિ સ્થાપિત જનતંત્ર સમાજે યોજવા ધારેલ ઑલ ઇન્ડિયા સિવિલ લિબર્ટિઝ કન્વેન્શન માટે તમિળનાડુની આનાકાની હતી પણ ગુજરાત સરકારે આવું કંઈ યોજવા વિશે સંમતિ બાબતે પૂર્વચર્ચાની જરૂર જોઈ નહોતી. જે અર્થમાં અને જે ઉત્કટતાથી જનતા મોરચો જેપી આંદોલનમાં સંકળાયેલો હતો એ અર્થમાં દ્રમુકનું સંધાન ઓછું ને ઔપચારિક જેવું હતું.
ઑક્ટોબર 1975માં મળેલા આ સંમેલનનો સંદેશો છેક આંતરરાષ્ટ્રીય વર્તુળોમાં ગાજ્યો હતો. ગુજરાતમાં એના યશસ્વી આયોજનનું દાયિત્વ નભાવવા બદલ કોઈ એક જ વ્યક્તિનું નામ લેવાનું હોય તો તે દરુ અને દરુ જ હતા. એમની ફરતે સૂત્રરૂપ બની આવેલી કામગીરીમાં સાથીઓનો ફાળો અલબત્ત ચોક્કસ હતો. એ પછી થોડે મહિને બંધારણ બચાવો પરિષદ મળી ત્યારે પણ પાયારૂપ કળશ-કામગીરી દરુની હતી.
આ દરુ મૂળે તો સ્કૂલમાં શિક્ષક પછી રૉયની રેડિકલ ડેમોક્રેડિક પાર્ટીના હૉલ ટાઇમર. રૉય આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ક્રાંતિકારી અને કૉમિન્ટર્ન (કૉમ્યુિનસ્ટ ઇન્ટરનેશનલ) પર એક તબક્કે લેનિન અને બીજાઓની હારોહાર, પણ વૈચારિક વલણવિકાસે છૂટા પડ્યા અને ભારતમાં પુન: સક્રિય થયા. અહીં એ આખી દાસ્તાંમાં નહીં જતા એટલું જ કહીશું કે સ્વરાજ પછી ગાંધીએ જેમ કૉંગ્રેસ વિખેરી લોકસેવક સંઘનું સપનું જોયું હતું તેમ રૉયે વિધિવત્ પક્ષ વિસર્જિત કરી સ્વરાજલાયક માનવમૂલ્યો માટેની શૈક્ષણિક-સાંસ્કૃિતક ચળવળ(રેનેસાં)નો રાહ લીધો.
નવી રેનેસાંના આ સિપાહીઓ કેવળ બૌદ્ધિક નહોતો, નવા સમાજના વિચારને વરેલા કર્મશીલ હતા. દરુ એ નાતે મજૂર ચળવળમાં વળ્યા અને લેબર કોર્ટમાં પ્રૅક્ટિસ કરતા થયા. મહેનતકશ માણસ ગૌરવપૂર્ણ જિંદગી બસર કરી શકે તે આપણા તરુણ રૉયિસ્ટની (કહો કે માનવવાદીની) નિસબત હતી. 1947ના ઔદ્યોગિક ધારાના પ્રગતિશીલ ને માનવીય અર્થઘટનની દૃષ્ટિએ એમની મજૂર વકાલત નવી ભોં ભાગનારી હતી. કંત્રાટી મજૂરને કાયમી મજૂરનો દરજ્જો અપાવી શકતા દરુ, બલકે સમગ્ર રૉય મંડળી, મૂડીવાદ અને સામ્યવાદ-રાજ્યવાદથી ઉફરાટે કોઈ ત્રીજા રસ્તામાં આઝાદ રોટી ને માનવીય ગૌરવની ખોજમાં હતી. બંધારણના મૂળભૂત અધિકારો (અને એથી પણ આગળ જતા માનવ અધિકારો) માટેની મથામણ દરુને બંધારણી પ્રૅક્ટિસ ભણી લઈ ગઈ, અને એ કોળ્યા. પ્રૅક્ટિસ સાથે આજે જેને નાગરિક સમાજ સક્રિયતા (સિવિલ સોસાયટી ઍક્ટિવિઝમ) કહેવાય છે તે પણ અભંગ અવિરત હતી જ.
સિવિલ લિબર્ટીઝ કૉન્ફરન્સના હેવાલ સબબ ‘ભૂમિપુત્ર’ પર પ્રીસેન્સરશિપ ઑર્ડરને ધોરણે સરકારી તવાઈ ઊતરી ત્યારે દરુએ આપેલી યાદગાર કાનૂની લડાઈ પછી ગુજરાત હાઇકોર્ટે આ ઑર્ડરને ખુદને જ રદબાતલ ઠરાવ્યો. અલબત્ત, મિસા હેઠળ જેલ રાહ જોતી જ હતી, એ જુદી વાત છે.
માર્ચ 1977ના જનતા આરોહણ પછી પણ, માનવમૂલ્યોને ધોરણે, ‘પોતાની’ સરકાર સામે પણ લડવાનો પ્રસંગ આવે તો તે માટેની તૈયારી રૉય-ગાંધીના માણસોની રહી છે. એન્ટિ-એસ્ટાબ્લિશમેન્ટ હોઈ શકતી આ ભૂમિકા, કેમ કે તે મિલકત અને સત્તાના કેન્દ્રીકરણથી ઉફરાટે ત્રીજા રસ્તાની ખોજમાં છે, ‘વિકાસ’થી વધી શકતી વિષમતા અને વંચિતતા કે પછી સંઘર્ષસાથી તરીકે જનસંઘ લોકશાહીની મર્યાદામાં રહ્યો હતો તે અતિરાષ્ટ્રવાદી ઉપાડા સાથે નાઝી-ફાસી સંકેતો આપતો હોય ત્યારે દરુ અને આ મંડળી ચૂપ રહી શકે? પૂછો સોલી સોરાબજીને સિવિલ લિબર્ટીઝ કૉન્ફરન્સના ચાર દાયકા પર સામેલ થનાર તરીકે તે સૂર પુરાવશે કે આજે પણ એવી ભૂમિકા રાહ જોઈ રહી છે.
સૌજન્ય : ’મૂલ્યોના મશાલચી’, “દિવ્ય ભાસ્કર”, 16 જુલાઈ 2016