તિર્યકી
ઃ અભિનંદન! તમારાં નગર ‘સ્માર્ટ’ બનવાનાં છે તે માટે તમને સહુને.
ઃ ઠીક છે. આપો છો તો લઈએ. બાકી અમે ખુદ તો સ્માર્ટ પહેલેથી જ હતાં.
ઃ કેમ એમ બોલો છો? સ્માર્ટ સિટીના નાગરિક પદથી તમે રોમાંચિત નથી? તમારાં હૃદય આભારથી ગદ્ગદ્ નથી?
ઃ અમને એવી નાની-નાની વાતે રોમાંચ નથી થતા. અમે તો મહાનગરનાં મહાનાયક-નાયિકાઓ ઉચ્ચ અપેક્ષાઓ અને મહાત્ત્વાકાંક્ષાઓ અને …
ઃ ઓ. કે … ઓ. કે … સમજી ગયાં. તમારાં લક્ષ્ય આભમાં. પણ આ વિશેષ નવાજેશથી તમે કેવું ફીલ કરો છો, એ તો કહો!
ઃ ફીલમાં તો હવે એવું કે ખાસ કશું ફીલ થતું નથી. શું કહીએ!
ઃ તમે કશી એક્સાઇટમૅન્ટ નથી અનુભવતા? કમાલ છે!
ઃ બહુ-બહુ તો નામ પાછળ ‘વી એ એસ’ લખીશું, ડિગ્રીની જેમ.
ઃ એ વળી શું ?
ઃ ‘વી આર સ્માર્ટ’નું શૉર્ટ ફૉર્મ, બીજું શું ?
ઃ તે આ ‘વી એ એસ’નાં કોઈ ખાસ લક્ષણો?
ઃ થોરને ગુલછડી ને પાણીમાં દૂધ દેખાડે તે સ્માર્ટ નંબર વન!
ઃ યુ મીન થોર ખરેખર ગુલછડી બની જાય? કંઈ મૅજિક જેવું?
ઃ હોતું હશે યાર? આ તો થોરની પ્રશસ્તિ એવી કરવાની કે સુગંધ-સુગંધ ફેલાતી લાગે, ને પાણીમાં વખાણ એવાં કે એને ઘટ્ટ, મીઠું, પૌષ્ટિક ગણી બધાં હરખાઈ-હરખાઈને પીએ!
ઃ ફેંકાફેંક ના કરો. ધીસ ઇઝ ઇમ્પૉસિબલ.
ઃ ત્યાં જ તમે સ્માર્ટ નથી એ સાબિત કર્યુંને! ધીસ ઇઝ વેરી મચ પૉસિબલ. સાવ સરેરાશ હોય તે હવે અગ્રણી અને સરેરાશથી અડધો ઇંચ વધારે હોય, તે પ્રખર અને પ્રતાપી.
ઃ આ તો નર્યું જૂઠાણાંનું બજાર, આમાં ‘સ્માર્ટનેસ’ ક્યાં આવી?
ઃ તે ભલા’દમી, જૂઠામાંનું બજાર સ્માર્ટલોકોથી જ બનેને? બાકી સાચના સિપાહીને સ્માર્ટનેસનો શો ખપ?
ઃ તે તમે ગાંધીમૂલ્યોમાં વિશ્વાસ …
ઃ રાખીએ ને, ગાંધીમૂલ્યો, સરદારમૂલ્યો, વિનોબામૂલ્યો, અંબાણીમૂલ્યો, અનુપમ ખેરમૂલ્યો … બધાંએ મૂલ્યો અમારાં. બધું ઉત્તમ લણીલણીને લઈએ, એવા ગુણગ્રાહી સ્માર્ટ અમે!
ઃ દીઠી તમારી ગુણગ્રાહી વૃત્તિ. મૂલ્યોને પગલૂછણિયાં નીચે દાબી જે મળે તે લેવા હાથ લાંબા કરો છો ને એને દેશપ્રેમમાં ખપાવો છો તે કંઈ નથી ખબર અમને!
ઃ સમૃદ્ધિ એમ જ આવે, બંધુ! પોલું-પોલું તોયે ઢોલ, એને ધનધનાવીને વગાડો તે ગામ આખું ભેગું થઈ જાય. તાકાત જોઈ છે ઢોલની? બસ, એનું નામ સ્માર્ટનેસ. સિટી તો પાછળથી આવેલો વિચાર, પહેલાં તો લોકો દીઠા અને થયું કે ચાલો, એમનાં નગરોને પણ સ્માર્ટ બનાવી દઈએ!
ઃ તે હવે સત્યનિષ્ઠા, પ્રામાણિકતા, ત્યાગ, નિર્ભય અડગપણું અને હૃદયસંપત્તિનાં ગુણગાન નહીં ગવાય?
ઃ ગવાશેને! પણ નવીનીકરણ સાથે સોગઠાં ગોઠવે તે સત્યનિષ્ઠ, પ્રપંચ ફાવે તે પ્રામાણિક, તડતડ ફૂટે તે ત્યાગપુરુષ, એલફેલ બબડતા રહે તે નિર્ભય ને અડગ, હદબહારનાં બનાવટી તે હૃદયસંપન્ન, અને લાગ જોઈ ફેરવી તોળે તે સાહસિક …
ઃ હે રામ! આવા દેશકાળમાં જીવવાનું? સતત કુરનિશ બજાવતાં નવાં ગુલામો વચ્ચે?
ઃ વાહ! હવે બરાબર બોલ્યા તમે, આ નવાનક્કોર કડકડતા ગુલામો હવેના સમયમાં સ્વાતંત્ર્યસેનાનીની ઓળખ પામશે, ક્રાંતિવીર-વીરાંગના તરીકે એમનો જયજયકાર થશે, એમનાં નામની તકતીઓ …
ઃ બસ, ઇનફ, સ્ટૉપ … અત્યારે હું પેલાં ત્રણ વાનરોમાંનો એક છું, બંધ કાનવાળો!
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2016; પૃ. 20