િતર્યકી
– પછી તો તાપીકુંવરીએ માંડ્યું આખ્યાન.
સાંભળનારાં ઓછાં ને તાપીકુંવરી જાણે કે કળિકાળમાં આવાં આખ્યાન સાંભળનારાં ઓછાં જ હોય. પણ કથા કરવાનો એનો ધરમ, ને સ્વધર્મનું પાલન પ્રાણાન્તેય કરવું એ સત્ય એ પરમાણે.
પ્રસ્તુત આખ્યાનનું ધ્વનિમુદ્રણ આ લખનાર દાસીએ કર્યું અને જેવું એ કહેવાયું તેવું આપની સામે ધર્યું :
નમન
સર્વ દેવીદેવતાઓને અને સકલ ગ્રહોને.
સુજ્ઞજનોને અને અજ્ઞજનોને, સ્વાર્થીજનોને અને નિઃસ્વાર્થીજનોને, નિર્મલજનોને અને મલિનજનોને, કીડીથી કુંજર લગીની જીવસૃષ્ટિને, અને તૃણથી મહાતરુવર લગીની વનસૃષ્ટિને નમન.
નમન કરીને માંડીએ,
માંડીએ આખ્યાન એક તેજપુંજનું
જેમને હૃદિયે વસે રાંક જનતા,
સાચું કે ખોટું તે તો હરિ એક જાણે,
પણ એ ખુદ તો રોજ એમ કે’તા !
જનતા સવારે ને જનતા બપોરે,
જનતાનું હિત એ સેવંતા.
જનતાનાં દુઃખોને ફેડવા કાજે,
એ મૂકે એવી બળ-દોટ,
ઓળંગે સમદર ને ઓળંગે પહાડ,
વળી ઓળંગે કાંગરા ને કોટ.
એક દી’ સવારે તે મનમાં શું આવીયું,
ને સરજાવ્યું એમણે એક વસ્ત્ર,
સૂર્ય જેમ ઝળહળે, સોના તારે પરજળે,
જ્યમ્ ધારણ કર્યાં હોય શસ્ત્ર !
વસ્તર મૂલવાન ને પે’રનારા ગુણવાન
લોક થયું આખું હક્કબક્ક !
આવું તે વસ્તર પે’રીને એ તો મહાલિયા,
ને રંકગણ થયું ધોળું ફક્ક.
પહેર્યું જો હોત ભુવનખૂણે, અંધારે,
તો નહોતી ખરે જ કોઈ આપદા,
આ તો પહેર્યું ધમાલભેર, દેખી-દેખાડીને,
દીનદુઃખિયાંના કંઠ થયા ભારે !
દુઃખિયાં વિમાસે કે આપણે તો રુદિયામાં
આવા આ મહાજન ના વસીએ,
કેમ કરી, કરી શકે આવા આ દાખડા ?
બાજી બાજીને આપણ મરીએ !
તે દી’થી તેજ કેરા પુંજનું શું ઘટિયું
એ શાણુંજન મૌનમાં વિચારે,
ઝાંખા એ લાગતા, ને બોલ એના ગાજતા
તે બોદા ને ઠાલા ઘણા ભાસે !
ગર્વીલા કંઠનાં કામણ કંઈ ખૂટ્યાં,
ને જાદુ સહુ ઓસર્યા અચાનક,
આંખ્યુંમાં ધૂળ એવી અણધારી ઊડી,
કે સૈન્ય એનું થંભ્યું બેબાકળ.
કારણ સમજાયું નહીં, એવું તે શું થિયું,
એક વસ્તર જ્યાં ઝળહળતું પહેરિયું ?
પણ શાણું સહુ લોક એક જાગતી રે નગરીનું,
સમજીને સાને ઘણું પામિયું.
પિસાતું લોક અને કચડાતું લોક, કોણ પીડા તે અહીં એની પેખે ?
રોજરોજ કન્યાઓ મરતી ને લૂંટાતી, વેદના એની કોણ દેખે ?
જાતે રે જીવ ટૂંપે કેટલાયે જન, વ્યાકુલ-વેરાન અહીં કેટલાંયે મન !
બળબળતું, ટળવળતું, વલવલતું ભાસે સૂકું તે ભઠ્ઠ મારું માદરે વતન !
આવાં અણિયાળાં દુઃખો ઠેસે ફંગોળી,
એક ટોળકી ફરે મદમાતી,
હુંકારા કરી-કરી, છાકોટે ચડી,
પોણી પરજા જ્યાં મરસિયાં ગાતી !
રંકની મજાક ભ’ઈ ધૂળ બની વળગી, હું-હુંની પોટલી આખી રે સળગી,
આપણેયે ભોટ ખરાં, બુદ્ધિનાં બાપડાં, તે તેજપુંજ ગણી લીધા એહને,
જેહને તો વહાલેરાં વસ્તર છે સોનાનાં,
જેહ સામે જેકારે વામનો ટોળાનાં,
જેહ પહેરે ઝળહળતું વસ્તર,
જેહના હાથ નીચે પાંગરે મોહ ને મત્સર …
ધાર્યા કંઈ કેવા, ને દેખ્યા હવે કેવા, એ તો નીકળ્યા
સાવે સાવ, છેકેછેક …
•
હવે આટલું બોલતામાં તાપી કુંવરીનો કંઠ રૂંધાયો, ને ઠસકે ચડ્યો. એવે ઠસકે ચડ્યો, તે આખ્યાન રહ્યું અધૂરું અને ફલશ્રુતિ રહી બાકી, તે વળી ફરી ક્યારેક …
કળિકાલમાં વળી કયા આખ્યાનની સમાપ્તિ જાણી ?
સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2015, પૂ. 20