ઉપરોક્ત વિધાન મેં ગુજરાતમાં ત્રણ માતા-પિતાને મુખે સાંભળ્યું, એમ કહું તો વાચકો માની શકશે? હા, આ હકીકત છે અને તે પણ 2014ના નવેમ્બર માસની મારી ગુજરાતની મુલાકાત દરમ્યાન થયેલ આ સુખદ અનુભૂતિ માન્યામાં ન આવે એવી છે ને? ખરું કહું છું, મને પણ સુખદ આશ્ચર્ય થયેલું એ યુવાન પેઢીના આવો નિર્ણય સાંભળીને અને એથી જ તો મેં એમની સાથે લંબાણથી ચર્ચા કરી અને ખાતરી કરી કે તેઓ પૂરેપૂરા હોશમાં છે અને ઊંડું સમજી વિચારીને બોલે છે.
વાત એમ છે કે સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પહેલાં જન્મેલા આપણા વડવાઓ ગમ ગચ્છ = to go એવી રીતે ગણિત, વિજ્ઞાન અને ઇતિહાસ તો શું પણ પોતાની માતૃભાષા અને ખુદ સંસ્કૃત પણ અંગ્રેજી માધ્યમ દ્વારા જ શીખેલા. બ્રિટિશ શાસકોની મૂળ ભારતીયોને શિક્ષણ આપવા પાછળની એક માત્ર નીતિ હતી કારકુન વર્ગ પેદા કરવાની, જે એમના હુકમ મુજબ દેશનો વહીવટ સંભાળે. કોઈ પણ પ્રજાનું હીર ચૂસી લેવું હોય તો તેની માતૃભાષા ઝુંટવી લેવી એ કીમિયો બરાબર જાણતા હોવાને લીધે તત્કાલીન શાસકોએ તમામ શાળાઓમાં શિક્ષણનું માધ્યમ ઇંગ્લિશ રાખ્યું અને તેમનો હેતુ સર્યો. ગુલામ પ્રજાને પોતાના હિત માટે કોઈ પણ નિર્ણય લેવા જેટલી મુક્તિ નથી હોતી અને બે સદીના ગાળામાં તો ભારતીય પ્રજા પોતાની ઓળખ, સંસ્કૃિત અને અસ્મિતા સારી પેઠે ગુમાવી બેઠેલી. પરિણામે જે કેટલાક જાગૃત અને સ્વાભિમાની આગેવાનો ઇંગ્લિશ માધ્યમથી અપાતા શિક્ષણનો વિરોધ કરવા પ્રયત્નશીલ હતા તેમને નમાલી પ્રજાનો સાથ ન મળી શક્યો.
સ્વાતંત્ર્યની ચળવળ દરમ્યાન અસહકાર આંદોલનના ભાગરૂપે રાષ્ટ્રીય શાળાઓ ખૂલી જેમાં માતૃભાષાએ શિક્ષણના માધ્યમનું માનભર્યું સ્થાન મેળવ્યું. પહેલાં દસેક વર્ષ એ જુવાળ ઠીક ઠીક ટકી રહ્યો. કમનસીબે વિશ્વના તખ્તા પર પોતાની પ્રતિમા ઊભરી આવે તેવા અબળખા સેવતું ભારત એમ માનવા લાગ્યું કે માત્ર ઇંગ્લિશ ભાષા સારી રીતે શીખવાથી આપણું દળદર નહીં ફીટે, એ માટે તો શિક્ષણનું માધ્યમ જ ઇંગ્લિશ હોવું ઘટે જેથી કરીને વિજ્ઞાન અને ટેકનોલોજીમાં કૂદકે ને ભૂસકે આગળ વધતી પશ્ચિમી દુનિયાને આંબી જઈ શકાય. આ વિચારથી ભ્રમિત થયેલ કેટલાક દાનેશ્વરી દાતાઓ અને શિક્ષકોએ ઇંગ્લિશ માધ્યમની શાળાઓ ખોલી અને પછી તો ઘેટાંની આપણા દેશમાં ક્યાં ત્રુટી છે? બ્રિટિશ રાજ સમયની મિશન સ્કૂલો અને સેન્ટ મેરી તથા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલો તો હજુ હતી જ તેમાં ઇંગ્લિશ માધ્યમની ખાનગી શાળાઓ ખુલવા લાગી. પ્રખર ગાંધીવાદી અને સારા કેળવણીકાર મગનભાઈ દેસાઈએ લોકોની ઇંગ્લિશ માટેની ઘેલછાને સરકાર ટેકો ન આપે તે માટે ખૂબ પ્રયાસ કરેલા, જેને મગન માધ્યમ તરીકે ખ્યાતિ મળેલી. સરકારની ઉત્તમ શિક્ષકો રોકીને સાત ધોરણ સુધીના ફરજિયાત શિક્ષણને સુધારવાના પોતાના કાર્યને પ્રાથમિકતા આપવા બાબતની ઉદાસીનતાનો લાભ વેપારીઓ અને ઉદ્યોપતિઓએ લીધો અને શિક્ષકોને ઇંગ્લિશ માધ્યમની શાળાઓ શરૂ કરવા ઉદારતાથી દાન આપવા લાગ્યા. પરિણામ એ આવ્યું કે છેલ્લા પાંચ દાયકામાં તો બિલાડીના ટોપની માફક ગામે ગામ નહીં, શેરીએ શેરીએ ઇંગ્લિશ માધ્યમની શાળાઓ ખુલવા લાગી.
શિક્ષણનું માધ્યમ ઇંગ્લિશ હોવું જોઈએ તેવી ઘેલછાનું પરિણામ શું આવ્યું? શું ભારતમાં શિક્ષણનો પ્રસાર વધ્યો? શું તેની ગુણવત્તા સુધરી? શું એ પ્રથાને કારણે ભણીને ઉતરેલા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ વિશ્વના તખ્તા પર નામ કમાનારની સંખ્યા વધી? શું તેનાથી ભારતને દુનિયાના બીજા દેશોએ શાબાશી આપી? હકીકત તપાસતાં માલુમ પડશે કે ઇંગ્લિશ માધ્યમ વાળી નિશાળો મુખ્યત્વે ખાનગી ધોરણે જ સ્થપાઈ અને તેના વહીવટમાં નફાખોરી ઘુસી ગઈ એટલું જ નહીં, બાળકોને શારીરિક શિક્ષા થતી હોવાના પુરાવા છે, એવી શાળાઓમાં શિક્ષણના ધોરણ માટે પ્રશ્નો ઉઠાવી શકાય તેમ છે, ત્યાં શિક્ષકોને પૂરતા પગાર ન મળે, વેકેશનમાં છુટ્ટા કરી દેવામાં આવે એ હકીકત પણ સર્વ વિદિત છે. અલબત્ત, અહીં એમ કેવાનો આશય બિલકુલ નથી કે તમામ ઇંગ્લિશ માધ્યની શાળાઓમાં આવી ગેરરીતી પ્રવર્તતી જોવા મળે છે. પરંતુ પોતાની આવક અને બચતમાંથી ખાસ્સી રકમ ફાળવીને કે કેટલાક કિસ્સાઓમાં ઉધાર લઈને પણ ઇંગ્લિશ માધ્યની શાળાઓમાં પ્રવેશ આપવા માટે માગવામાં આવતા ‘દાન’ની મસ મોટી રકમ ભરનારા મા-બાપ એવા ભ્રમમાં રહ્યા કે મારા સંતાનને હું ‘ઉત્તમ’ શિક્ષણ આપું છું જેને પરિણામે તેને ભારતમાં ઊંચા પગારની નોકરી મળશે અને નસીબ પાધરું હશે તો વિદેશ જવા મળશે અને એ માલામાલ થશે અને અમારા આખા કુળને નીચલા મધ્યમ વર્ગના શાપિત કળણમાંથી ઉઠાવીને સીધા ઉચ્ચ વર્ગના સિંહાસને બેસાડી દેશે એટલે પોષક ખોરાક ન ખાઈ-ખવડાવીને કે જરૂરી દવા ન કરી-કરાવીને આપેલ ભોગ લેખે લાગશે.
પણ પરિણામ ધાર્યા કરતાં જુદું આવ્યું. એવી શાળાઓમાં નિમણુક પામેલા ઘણા ભાગના શિક્ષકો નથી તો પોતાના વિષયમાં નિષ્ણાત હોતા, નથી ઇંગ્લિશ ભાષાને કુશળતાથી ભણાવી શકતા. એટલે એવી શાળાઓના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં પ્રથમ દસમાં સ્થાન મેળવે એવી કોઈ ખાતરી નથી હોતી. વળી તેમાંના જેટલી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોલેજનું શિક્ષણ લેવા નસીબદાર નીવડ્યા તેમને ભાગે રોજગારીને બદલે બે-રોજગારી આવી અને વિદેશ જવાનું સ્વપ્ન તો હજુ પણ મુઠ્ઠીભર ધનિકોના કે રાજકીય લાગવગ ધરાવનારના સંતાનોને જ ફાળે આવ્યું. પછી બાપનો ધીકતો ખેતી, કાપડનો કે કરિયાણાનો ધંધો છોડીને કોઈ કોલ સેન્ટરમાં ‘હલ્લો, આઈ એમ પીટર સ્પીકિંગ, મોમ’ એમ બોલતો પ્રવીણ એક સામાન્ય નોકર તરીકે બે છેડા ભેગા કરવા જિંદગીભર આધુનિક સ્વરૂપની ગુલામી કરવા ઘાણીના બળદની માફક આંખ મીંચીને મચી પડે, તેમાં શી નવાઈ?
આ તો થયો શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાલતનો ચિતાર। આપણો સમાજ તેની બીજી આડ અસરનો પણ સ્વાદ ચાખી ચુક્યો છે. મા-બાપ પોતાનાં બાળકોનાં શિક્ષણમાં રસ લઈ ન શક્યાં, માત્ર પોતાનો દીકરો કે દીકરી ઇંગ્લિશમાં ગોટપીટ કરે ત્યારે સમજ્યા વિના બસ ગૌરવ અનુભવ કરતા રહ્યાં. બાળકો ‘ટ્વિન્કલ ટ્વિન્કલ લીટલ સ્ટાર’ ગાતાં ગાતાં ક્યારે પોતાની ભાષા સાથે પોતાની સંસ્કૃિતથી દૂર થઈ ગયા તેનું ઓસાણ પણ ન રહ્યું.
રહી વાત ઇંગ્લિશ ભાષી દેશો તરફથી શાબાશી મળવાની વાત. વિદેશ જઈને અભ્યાસ કરવા કે સ્થાઈ થવા નસીબદાર નીવડેલા લોકોને અનુભવ થયો કે દુનિયામાં ભારત એક માત્ર એવો દેશ છે કે ગુલામીમાંથી મુક્ત થયા પછી પણ પોતાના ભૂતપૂર્વ શાસક દેશની માતૃભાષાના માધ્યમથી પોતાની નવી પેઢીને શિક્ષણ આપે છે. અરે મેં તો એક કુટુંબીને ઘેર તેમની પૌત્રી અને દોહિત્રાઓ ઇંગ્લિશ માધ્યમની શાળામાં ભણે છે તેના નર્સરીમાંથી પહેલા ધોરણ – ના સોરી હોં, first standardમાં જતી વખતના graduation કાર્યક્રમની સી.ડી. જોતાં જાણ્યું કે એ શાળામાં ભણતાં તમામ ભુલકાંઓને કહેવામાં આવે છે કે તેમણે માત્ર ઇંગ્લિશમાં જ વાતચીત કરવી અને જ્યાં ઇંગ્લિશ શબ્દ ન આવડે ત્યાં ન છૂટકે હિન્દી શબ્દ વાપરવો. હવે આવા નિયમો બનાવનારની શિક્ષણ અને બાળ માનસ વિશેની સમજણ માટે શું કહેવું? તેઓ આ બાળકો પાસેથી શું બનવાની અપેક્ષા રાખતા હશે? આવો નિયમ ઘડતાં પહેલાં વિચાર નહીં આવ્યો હોય કે અમે કે અમારાં સંતાનો તો આવી નિશાળમાં નહોતાં ભણ્યાં, તો આજે એવું શું બન્યું કે ગુજરાતમાં જન્મેલ બાળકો પોતાની માતૃભાષા બોલી ન શકે? અને તે પણ જે ઉંમરે તેમની ભાષાનો સહુથી વધુ વિકાસ થાય. કલ્પના શક્તિ ખીલે અને અભિવ્યક્તિ માટે મોકળાશ મળે તે સમયે જ તેને માના ધાવણ સમી માતૃભાષાથી વેગળાં કરવામાં કયું ડહાપણ બતાવવા માંગતા હશે?
અમારા એક કુટુંબીને બે દીકરા. હવે તેમને ઘેર પાંચ-સાત વર્ષનાં સંતાનો છે. તેમાં એક દીકરાએ પોતાના દીકરાને ઇંગ્લિશ માધ્યમની શાળામાં દાખલ કર્યો કેમ કે એનું માનવું છે કે ગુજરાતી માધ્યમની શાળામાં શિક્ષણનું ધોરણ સારું નથી. અને મજાની વાત તો એ છે કે એક જ ગામમાં રહેતા તેના સગા ભાઈએ પોતાના બંને સંતાનોને ગુજરાતી માધ્યમની શાળામાં ભરતી કર્યા, છે ને તાજુબની વાત? કહે છે, એક વેલનાં બે તુંબડા સરખા ન પણ હોય તે ખરું છે. બીજી એક મા જે પોતે ગણિત સાથે એમ.એ.ની ડિગ્રી અને તેમાં ગોલ્ડ મેડલ મેળવી ચુકી છે તેનો આગ્રહ છે કે પોતાની દીકરી તો ગુજરાતી માધ્યમમાં જ ભણશે કેમ કે તે પોતે તેના ઉછેર, શિક્ષણ અને કેળવણીમાં પૂરો હિસ્સો લેવા માંગે છે. ત્રીજા મા-બાપને તો પોતાનાં ત્રણેય સંતાનો ગુજરાતી માધ્યમની શાળામાં ભણીને ઉત્તમોત્તમ ઉપાધિઓ મેળવશે અને ઇંગ્લિશ માધ્યમમાં ભણેલ લોકો કરતાં પણ વધુ સારી નોકરી મેળવશે એવી ખાતરી છે. અને એ વાત પોતાના કુટુંબીઓ અને પડોશીઓ પાસે સાબિત કરવા માંગે છે.
મને લાગ્યું કે એ પેઢીને આપણે ઇંગ્લિશ માધ્યમમાં ભણાવ્યા તેમની આંખ સામેથી પડદો હઠી ગયો છે અને તેઓ પોતાના બાળકોનાં શિક્ષણની દિશા અને દશા જે સ્વાતંત્ર્ય બાદ હોવી જોઈતી હતી તે જ નક્કી કરવા માગે છે. દિલ તો કહેવા લાગ્યું કે એ મા-બાપ અને તેમના જેવા બીજાં મા-બાપને જાહેરમાં અભિનંદન આપવાનો કાર્યક્રમ કરું અને તેમના ગળે ‘માતૃભાષામાં શિક્ષણ આપીશું, તમે પણ સાથે જોડાઓ’ એવું લખીને ઇંગ્લિશ માધ્યમની શાળાઓના દરવાજે લઈ જાઉં.
e.mail : 71abuch@gmail.com