ઓગણીસમી સદીના અંત પહેલાં આપણી ભાષાનાં સામયિકોમાં ધારાવાહિક નવલકથાનું આગમન થઈ ચૂક્યું હતું અને વીસમી સદીનાં પહેલાં પચાસેક વર્ષ તો આપણાં સામયિકો અને અખબારો માટે ધારાવાહિક નવલકથા નાયકને સ્થાને બિરાજમાન થઈ હતી. કનૈયાલાલ મુનશી, રમણલાલ દેસાઈ, ઝવેરચંદ મેઘાણી, ગુણવંતરાય આચાર્ય, દર્શક, પન્નાલાલ પટેલ, ચુનીલાલ મડિયા – આપણો કોઈ નવલકથાકાર ભાગ્યે જ એવો હશે કે જેની બધી નહિ તો ય બે-ચાર નવલકથા ધારાવાહિક રૂપે પ્રગટ ન થઈ હોય. પણ ૧૯૫૦ પછીનાં વર્ષોમાં આપણા કેટલાક વિવેચકો હપ્તાવાર પ્રગટ થતી નવલકથાને અને તેના લેખકોને સાહિત્યની પંગતમાંથી જ ઉઠાડી મૂકવા આતુર બન્યા હતા. જે કાંઈ લોકપ્રિય બને તેની સામે તેઓ ખફામરજી થતા. આથી તેમને મતે ધારાવાહિક નવલકથા એ સાહિત્યની સૃષ્ટિમાં ખલનાયકને સ્થાને હતી. પણ ધારાવાહિક નવલકથાઓનો ઇતિહાસ આલેખવાની કે તેના સ્વરૂપનો વિચાર કરવાની કોઈએ ભાગ્યે જ તસ્દી આજ સુધીમાં લીધી છે.
બ્રિટનમાં વિક્ટોરિયન યુગ દરમ્યાન સામયિકોમાં નવલકથાનું હપ્તાવાર પ્રકાશન શરૂ થયું. ચાર્લ્સ ડિકન્સને ધારાવાહિક નવલકથાનો જનક માનવામાં આવે છે. તેની ‘પિક્વિક પેપર્સ’ ૧૮૩૬માં હપ્તાવાર પ્રગટ થઈ અને તેને અસાધારણ સફળતા મળી ત્યારથી ત્યાં નવલકથાનું હપ્તાવાર પ્રકાશન પ્રચલિત બન્યું. અલબત્ત, આ પ્રકાશન પણ અકસ્માત થયું હતું. મૂળ તો અગાઉથી તૈયાર થયેલાં ચિત્રોને આધારે, તેમને સાંકળીને વાર્તા લખવા માટે ડિકન્સને રોકવામાં આવેલો. પહેલા બે હપ્તા તેણે એ રીતે લખ્યું પણ ખરું, પણ પછી તંત્રીને કહી દીધું કે ચિત્રો કરવાં હોય તો કરાવજો, પણ મેં લખેલી વાર્તા પ્રમાણે, અને પ્રકરણ લખાઈ જાય તે પછી.
તો ફ્રાન્સમાં ૧૮૩૬માં જ પહેલવહેલું ફ્રેંચ દૈનિક શરૂ થયું. તે અગાઉ જે સમાચાર પત્રો પ્રગટ થતાં હતાં તે બધાં અઠવાડિક હતાં. હવે સવાલ એ હતો કે લોકોને દર અઠવાડિયાને બદલે દર રોજ છાપું ખરીદતા કઈ રીતે કરવા? એ વખતના અત્યંત લોકપ્રિય નવલકથાકાર બાલ્ઝાકની નવલકથા ‘ધ ઓલ્ડ મેઈડ’ રોજ પ્રગટ થવા લાગી અને લોકો તે અખબારની નકલો માટે પડાપડી કરવા લાગ્યા. તો અમેરિકામાં ૧૮૫૧માં પહેલી વાર ધારાવાહિક નવલકથા પ્રગટ થઈ. એ હતી ‘અંકલ ટોમ્સ કેબિન.’
પછી તો થોડા વખતમાં બ્રિટન, યુરપ, અને અમેરિકામાં એમ મનાવા લાગ્યું કે ઉત્તમ નવલકથાકારોની કૃતિઓ તો પહેલાં હપ્તાવાર જ પ્રગટ થાય. બીજા-ત્રીજા વર્ગના લેખકોને એવો લાભ મળે નહીં, અને એટલે તેમની નવલકથાઓ સીધી પુસ્તકરૂપે પ્રગટ થાય. બ્રિટનમાં ધારાવાહિક નવલકથાનું એક બીજું રૂપ પણ જોવા મળ્યું. મેગેઝિનના કદમાં, મેગેઝિનનો અંક હોય તેમ લાગે એવાં રૂપ રંગમાં, દર અઠવાડિયે કે દર મહિને નવલકથાનાં બે-ચાર પ્રકરણ પ્રગટ થતાં જાય. સાથે બીજું કશું છાપ્યું ન હોય. લેખક, પ્રકાશક અને વાચક, ત્રણે માટે આમાં ફાયદાનો સોદો હતો. લેખકે પોતાની નવલકથા ધારાવાહિક રૂપે છાપવા માટે કોઈ મેગેઝિન તૈયાર થાય તેની રાહ ન જોવી પડે. પ્રમાણમાં કાગળ હલકો વપરાય, છપામણી અને બાંધણી સાધારણ હોય, એટલે પ્રકાશકના પૈસા બચે. આખી નવલકથા ખરીદવા માટે એક સાથે ઘણા પૈસા આપવા પડે. જ્યારે આ રીતે દર મહિને થોડા પૈસા ખર્ચી વાચક નવલકથા વાંચી શકે તે તેનો ફાયદો. અને હા, બે-પાંચ હપ્તા પછી નવલકથા ન ગમે તો ખરીદવાનું બંધ કરી બાકીના પૈસા બચાવી શકાય.
ધારાવાહિક નવલકથાના લેખકને બીજો પણ એક ફાયદો થતો. મોટે ભાગે તેને હપ્તાવાર મહેનતાણું ચૂકવાતું. આથી લેખકો પોતાની નવલકથાને બને તેટલી લંબાવતા. ફ્રાન્સના અત્યંત લોકપ્રિય નવલકથાકાર એલેક્ઝાન્ડર ડૂમાને તો લીટી પ્રમાણે મહેનતાણું ચૂકવાતું. આથી એક નવલકથામાં તેણે એક એવું પાત્ર દાખલ કરેલું કે જે કોઈ પણ સવાલનો જવાબ એક જ શબ્દમાં આપતું. દરેક પાત્રનો સંવાદ જુદી લીટીમાં છપાય એટલે દર હપ્તે લીટી ઘણી વધી જાય. પણ સંપાદક કાંઈ બુદ્ધુ નહોતો. તેણે કહ્યું કે મહેનતાણું છાપેલી આખી લીટી પ્રમાણે ચૂકવાશે, એક-બે શબ્દોની લીટીને ગણતરીમાં નહિ લેવાય. એટલે પછીના હપ્તામાં ડૂમાએ એ પાત્રને મારી નાખ્યું! એક જમાનામાં આપણે ત્યાં પણ ચાર, ત્રણ કે બે ભાગમાં છપાતી નવલકથાઓની સંખ્યા મોટી હતી તે પણ કદાચ હપ્તાવાર ચૂકવાતા મહેનતાણાને કારણે.
સૌજન્ય : ‘ડાયરી’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 25 મે 2014