
રમેશ ઓઝા
“યે હો ક્યા રહા હૈ?” મને ખાતરી છે કે ૧૪મી અને ૧૫મી તારીખે એક ભક્તે બીજા ભક્તને આવો સવાલ કર્યો હશે અને બીજા ભક્તે જવાબમાં કહ્યું હશે કે “મુઝે ભી કુછ સમઝમેં નહીં આ રહા હૈ.” ૧૪મી તારીખે વડા પ્રધાને તેમની પાળીતી ચેનલોનાં પત્રકારોને મુલાકાત આપતા કહ્યું હતું કે હિંદુ મુસલમાનનું કોમવાદી રાજકારણ? છી! છી! છી! આવું ગંદુ રાજકારણ મેં જિંદગીમાં ક્યારે ય કર્યું જ નથી અને જો હું કરું તો જાહેરજીવનમાં રહેવાની કોઈ લાયકાત હું ધરાવતો નથી. એ પછી એમનું હંમેશનું કથન. મુસલમાનો સાથે તો બાળપણનો સંબંધ છે. ઇદના દિવસે મુસલમાનના ઘરે ભોજન કરતો હતો, સેવૈયા ખાતો હતો, તાજીયાના જુલુસમાં ભાગ લેતો હતો વગેરે વગેરે. અને છેલ્લે રાહુલ ગાંધીએ હજુ અઠવાડિયા પહેલાં ભવિષ્ય ભાખ્યું હતું એમ થોડું રુદન. રાહુલે કહ્યું હતું કે ચૂંટણીનાં ભા.જ.પ. માટે અઘરા રાઉન્ડ શરૂ થશે એ પહેલાં રુદન પણ જોવા મળશે અને મળ્યું. અનપ્રેડીક્ટેબલ વડા પ્રધાન પ્રેડીક્ટેબલ બની ગયા છે.
૧૫મી તારીખના ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં પહેલાં પાને વડા પ્રધાનની આ હેડલાઈન હતી અને એ જ અખબારનાં એ જ દિવસનાં અંદરનાં પાને અન્યત્ર જગ્યાએ કરેલી મુસલમાનોની નિંદા હતી. જો મુક્ત પત્રકારત્વનો જમાનો હોત તો આ બન્ને સમાચાર એક જ સ્થળે બાજુબાજુમાં છપાયા હોત.
પણ આ કથન આશ્ચર્યજનક છે. ૨૩ વરસથી તેઓ સતત હિંદુ-મુસ્લિમ કરે છે અને એ આ જગતમાં કોણ નથી જાણતું? હકીકતમાં તેમની ઓળખ જ એ છે અને તેને કારણે તો તેમને ભક્ત મળ્યા છે. ભક્તને એ જ ભગવાન ભાવે જે એના મનોરથ પૂરા કરતો હોય. માત્ર ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વખતે હિંદુ-મુસ્લિમ નહોતું કર્યું, કારણ કે ત્યારે તેમને દિલ્હી પહોંચવું હતું. બાકી યુ ટ્યુબ પર સર્ચ કરશો તો મુસલમાનોને ગાળો દેનારી સો ક્લિપ્સ તો સહેજે મળશે. પંદર-વીસ ક્લિપ્સ તો આ વરસની જ મળી રહેશે. દસેક ક્લિપ્સ ચૂંટણીપ્રચાર શરૂ થયો એ પછીની મળી રહેશે. રાજસ્થાનમાં બાંસવાડાનું તેમનું ભાષણ સાંભળી લો. આવું જ ભક્તોને ભ્રમિત કરી દે એવું ચોંકાવનારું કથન ૮મી મેના રોજ તેમણે તેમના મિત્ર અદાણી અને અંબાણી વિષે કર્યું હતું. એ બન્નેએ ટેમ્પો ભરીને પૈસા કાઁગ્રેસને આપ્યા છે. પોતાના ભાઈબંધની વફાદારી વિષે આમ કહ્યું હતું. ભક્તોને હજુ તો એની કળ વળી નહોતી ત્યાં આ બીજું નિવેદન. માટે ભક્તોએ એકબીજાને ફોન કરીને પૂછ્યું હશે કે યે હો ક્યા રહા હૈ?
આવી રીતે સૂર બદલવાનું કારણ શું? જો કે વિરોધાભાસની તેમણે ક્યારે ય ચિંતા કરી નથી; પછી એ મનરેગા હોય, જી.એસ.ટી. હોય, આધાર કાર્ડ હોય, ખેડૂતોને ટેકાના ભાવ હોય, પેન્શન હોય, ભષ્ટાચાર હોય, ચીન હોય કે બીજું કાંઈ પણ હોય. નરેન્દ્ર મોદી ભારતના પહેલા વડા પ્રધાન છે જેમનાં પોતાનાં જ પરસ્પર વિરોધી નિવેદનોનો એક કોશ બને. આજ કુછ, કલ કુછ. જરૂરિયાત બદલાઈ કે ભાષા બદલાઈ. એક જ અભિપ્રાયને વળગી રહેવું કે ટેકીલા રહેવું એ નમાલાઓનો ગુણ છે, ભડવીર તો સભાએ સભાએ જુદું બોલે. તેમના આ ખાસ ગુણના કારણે મોદી કી ગારંટીની મતદાતાઓ ઉપર કોઈ અસર થતી નથી. પણ આ વખતે અદાણી – અંબાણીનાં નામ પોતાનાં મુખેથી લીધાં અને મુસલમાનો સાથે મોહબ્બત કરવાની જે વાત કરી એ રાબેતાનાં પરસ્પર વિરોધી નિવેદનો કરતાં ઘણું વધુ છે.
શા માટે?
એક કારણ એવું દેખાય છે કે વિશ્વદેશો ભારતની ચૂંટણી પર નજર રાખી રહ્યા છે અને નરેન્દ્ર મોદી ૨૦૦૨ની કોમવાદી અને તિરસ્કૃત ભાષા પર ઉતરી આવ્યા છે એવું જગતનાં અખબારો લખવા માંડ્યા છે. સરકારો કહેવા લાગી છે કે ભારતમાં લોકતંત્ર જળવાઈ રહેશે અને ચૂંટણી મુક્ત અને ન્યાયી હશે એવો અમને વિશ્વાસ છે. આવું કેમ કહ્યું? આ પહેલાં તો ક્યારે ય આવું કોઈ દેશે ભારતનાં લોકતંત્ર અને ચૂંટણી વિષે કહ્યું નહોતું? વગોવણી એટલી હદે થઈ રહી છે કે ભારતના વિદેશ પ્રધાને કહેવું પડ્યું કે ભારતનાં લોકતંત્રની બીજા દેશોએ ચિંતા કરવાની જરૂર નથી, એ આમરી અંગત બાબત છે. હજુ થોભો, રશિયા પાસે કહેવડાવવામાં આવ્યું કે અમેરિકા ભારતની ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
હવે સમસ્યા એ છે કે નરેન્દ્ર મોદીને સત્તા પણ જોઈએ છે અને જગતને ચોરે પાંચમાં પૂછાવું પણ છે. જવાહરલાલ નેહરુને અહીં આંબી જવા છે અને આગળ નીકળી જવું છે. હવે ઓર્દેગોન(તુર્કીના વડા)ને તો આદર મળે નહીં, આદર તો સભ્ય માણસને જ મળે! એટલે હવે જ્યારે ૫૪૪ બઠકોમાંથી ૩૭૮ બેઠકો પર મતદાન થઈ ચુક્યું છે ત્યારે પ્રમાણમાં અજાણ્યો રાગ માણસાઈ આલાપવામાં જોખમ નથી. અને વળી પક્ષના કાર્યકર્તાઓ, સાયબર સેલ અને ભક્તો તો છે જે ઝેર ફેલાવવા માટે. તો બદલાયેલા સૂર પાછળનું પહેલું કારણ જગતમાં ભૂંડા લાગવાથી બચવાનું હોઈ શકે છે.
બીજું કારણ એ છે કે ન કરે નારાયણ અને જો બહુમતી ન મળે અને બીજાના સથવારે સરકાર ચલાવવી પડે તો ઘમંડ, મનમાની, દાદાગીરી અને ઉન્માદ છોડીને વચ્ચે આવવું પડે અને ત્યારે એ બહુ વસમું લાગે. એનાં કરતાં અત્યારથી જ વચ્ચે શા માટે ન આવવું? તમે જોયું હશે કે ગોદી ચેનલો વચ્ચે આવવા માંડી છે અને રાહુલ ગાંધી તેમ જ વિરોધ પક્ષોના નેતાઓને તેમ જ તેમના ચૂંટણી પ્રચારને બતાવવા લાગી છે. દેશમાં ઉન્માદ પેદા કરવાના ગુનેગાર તેઓ બનવા માગતા નથી. આમ પણ આગળ કહ્યું એમ બે તૃતીયાંશ બેઠકોની ચૂંટણી તો થઈ ગઈ છે. તો આ બીજું એટલું જ પ્રબળ કારણ છે.
અને જો જનતાજનાર્દન રૂઠે અને પરાજય થયો તો? તો તો ડહાપણ અને માણસાઈ જ તારી શકે. કઢીચટ્ટાઓ એક એક કરીને ભાગી જાય. અત્યારે જ મૂકેશ અંબાણીની ચેનલો અને ગૌતમ અદાણીની ચેનલો અપમાન સહન કરીને પણ નરેન્દ્ર મોદીને સાથ આપે છે અને બીજી બાજુ પવન જોઇને બીજાને સાથ આપવા માંડ્યા છે. કઢીચટ્ટાઓનો સ્વભાવ છે કઢી ચાટવાનો, એ કોની છે એનાથી તેમને કોઈ ફરક પડતો નથી.