
પ્રકાશ ન. શાહ
જોતજોતામાં વેડછી સ્વરાજ આશ્રમને સો વરસ થઈ ગયાં! નવેક દિવસ પર, તેરમી મેના રોજ અશોક ચૌધરી અને સાથીઓના સદ્દભાવથી આ શતવર્ષી નિમિત્તે ‘સ્વરાજની સંકલ્પના’ આસપાસ થોડા વિચારો રજૂ કરવાનું બન્યું, ત્યારે સ્વાતંત્ર્ય ચળવળ અને સ્વરાજ નિર્માણના દાયકાના દાયકા ચિત્તપટ પર કેમ જાણે ચિત્રપટ પેઠે ઊતરી આવ્યા હતા.
ઘણી વાર એમ લાગે છે કે આપણે વિસ્મૃતિના અજબ જેવા દોરમાંથી પસાર થઈ રહ્યા છીએ. આ લખું છું ત્યારે સાંભરે છે કે ગુજરાતના અલગ રાજકીય એકમની સ્થાપનાને પચાસ વરસ થયાં તે નિમિત્તે 2010માં રાજ્ય સરકારે તંત્ર મારફતે ગામોગામ ઠામોઠામ ઉજવણીનો પરિપત્ર કાઢેલો.
શું શું કરી શકાય, એના એક સૂચન રૂપે એમાં ગુજરાત રાજ્યના ઉદ્દઘાટક રવિશંકર મહારાજને યાદ કરવાનીયે વાત હશે એટલે સુરત કને કોઈ તાલુકા મથકે જે પ્રસંગનું આયોજન થયું એમાં શ્રી શ્રી રવિશંકરની છબિ મૂકાયાના હેવાલો હતા. કેમ કે વેડછી પંથકની વાત કરું છું, સુરત ભણીનો આ દાખલો લગરીક શૂળ પેઠે સાંભરી આવ્યો. પણ આવાં દૃષ્ટાંત તમને વડોદરા-અમદાવાદ-રાજકોટ આસપાસ નહીં જ જડે એમ ખાતરીપૂર્વક કહી શકાતું નથી.
ગમે તેમ પણ, આપણે વેડછીની વાત કરતા હતા – એ વેડછીની, જેનો સોજ્જો અભ્યાસ ગુજરાતના શીર્ષ સમાજશાસ્ત્રી આઈ.પી. દેસાઈએ વારાણસીના ગાંધિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટડીઝના કહ્યે હાથ ધર્યો હતો. વેડછી આમ તો જૂના વારાના સુરત મહાલનું કહો કે છેવાડાનું ગામ. સ્વરાજ ચળવળમાં વધારે ચમકેલું નામ બારડોલીનું, જેણે વલ્લભભાઈને ‘સરદાર’ બનાવ્યા.
એ તો જો કે જરી મોડેથી, 1928માં, પણ જેમાં વલ્લભભાઈની હૂંફે પણ જુગતરામ દવે જેવાના તપે સાંસ્થાનિક સંક્રાન્તિમાંથી સ્વરાજ નિર્માણનો રોડમેપ કહેવાય એવું કાંક ઉપજાવી જાણ્યું એ તો બારડોલીથીયે વળી અંતરિયાળ વેડછી : ત્યાંથી જે બની આવ્યું તે સમાજશાસ્ત્રી આઈ.પી.ના શબ્દોમાં ‘વેડછી મુવમેન્ટ’ (વેડછી આંદોલન) એવી ઓળખ પામ્યું છે.
કોણ હતા આ જુગતરામ જે વેડછી પ્રયોગના પર્યાયપુરુષ રૂપે ઉભર્યા? મૂળ લખતરના પણ દક્ષિણ ગુજરાતમાં વેડછીના વતની થઈને રહ્યા, જેમ હળવદના બબલભાઈ ખેડા પંથકમાં થામણાના થઈને રહ્યા. કરાંચીમાં ઉચ્ચ ભણતરની તક હતી, પણ ‘કાલેલકરના લેખો’ વાંચ્યા પછી ગામડું સાદ દેતું હતું – અને એ બબલભાઈને છેવટ જતાં થામણા લઈ ગયું.
જુગતરામ મુંબઈના હાજી મોહમ્મદના ‘વીસમી સદી’માં કામ કરતા હતા ત્યાંથી સ્વામી આનંદના સંપર્કે કાલેલકર પાસે પહોંચ્યા અને ગ્રામસેવા ને શિક્ષણના ક્ષેત્રે સ્વરાજ સૈનિક થઈને રહ્યા. બારડોલી અને ખેડૂતોની વાત આપણે એક ઇતિહાસવસ્તુ તરીકે ખાસી કરતા હોઈએ છીએ, પણ એને અતિક્રમીને વેડછીની વાત કરીએ ત્યારે આપણા ભારતીય સમાજમાં જે આખાના આખા પ્રજાવર્ગો લગભગ છૂટી ગયા જેવા હતા – પેલું કહે છે ને કે દસાડા દફતરમાં નામ જ નહીં, એવું કાંક – તે પૈકી આદિવાસીઓ પણ છે સ્તો.

જુગતરામભાઈ દવે
આમ તો એ કાળી પરજ તરીકે ઓળખાય પણ સમાનતાલક્ષી નવયુગી સંદર્ભમાં એમને વાજબી રીતે જ ‘રાની પરજ’ શી નવી ઓળખ મળી. જે કેટલાક સ્વરાજ સૈનિકોએ આ રાની પરજમાં ભળી જઈ જાગૃતિ અને નવસંસ્કારનું કામ કીધું, એમાં જુગતરામ દવે (આમ તો ધીરે ધીરે એ જુ’કાકા એટલે જુગતરામ કાકા તરીકે પંકાયા) એક મોખરાનું નામ છે.
ખેડૂતોની વાત આપણે કરીએ છીએ પણ જમીનદારો તળે ચંપાતા હાળીઓની તો વાત જ કરતા નહોતા. આદિવાસીઓ વચ્ચે રચનાત્મક કામ અને પાયાના શિક્ષણ વાટે જુગતરામ કાકા અને સાથીઓએ હાળીને હળપતિ બનાવ્યા. એમને શિક્ષિત કરવાની કોશિશે સ્વાતંત્ર્ય લડતના સમર્થક સમ્પન્નોને ચિંતામાંયે નાખ્યા હતા કે આ લોકો ભણશે તો આપણાં કામ કોણ કરશે. એમની જાગૃતિ વર્ગસંઘર્ષ નો’તરશે એવીયે ફરિયાદ સરદાર સુધી પહોંચી હતી.
સરદારે જો કે ફરિયાદીઓને સમજાવ્યું કે જુગતરામ ને બીજા છે તો ન્યાય ને સમન્વયની એમની રીતે સંઘર્ષ નિવારી શકાશે. કેટલીક વાર જુગતરામ અને એમના સાથીઓએ ઉજળિયાતોનો વિરોધ વેઠીને સમજાવટ છતાં મક્કમતા સાથે કામ પણ લીધું હશે.
તમે જુઓ, આ જે જાગૃતિ આવી, ખાદી કામની સંગઠના થઈ, જંગલ સહકારી મંડળીઓ બની, શિક્ષણ પ્રસર્યું, આદિવાસી બાળકોના સરળ સામાજિકીકરણની કોશિશ રૂપ ‘બાલવાડી’નું હવે ભારતસ્વીકૃત દૃષ્ટાંત ઉભર્યું, ગાંધીની સ્વરાજ લડત સાથે આદિવાસી જાગૃતિની અનોખી ગાંઠ બંધાઈ, કેટલી મોટી વાત હશે !
ઉમાશંકર જોશીએ એકવાર જુ’કાકા વિશે વાત કરતાં જયપ્રકાશને જરા જુદી રીતે સંભાર્યા હતા કે પોતે એમને મળ્યા ત્યારે જે.પી.એ પૂછ્યું કે હમણાં કોઈ નવી રચના? તો, હિંદીમાં ‘રચના’ એ પ્રયોગ કોઈ કૃતિ માટે તેમ પ્રત્યક્ષ કાર્ય એમ બેઉ અર્થમાં થાય છે : ઉમાશંકરે કહ્યું જુ’કાકા અમારામાંથી છટકી ગયેલા રચનાકાર છે. કેવળ એક જ રચના ‘અંતરપટ આ અદીઠ’ થકી પણ એ કવિ તરીકે સુપ્રતિષ્ઠ થઈ ગયા હતા.
પોતે જેલમાં છે એટલે ભીંતની આડશને એમણે અંતરપટ કહી છે. આ અંતરપટ, મને લાગે છે, કથિત ઉજળિયાત અને આદિવાસી વચ્ચેનુંયે છે. તે ગયા વિના ‘ચેન પડે નહીં ચિત્ત’ એવો ઘાટ છે. જો કે, જુગતરામ કાકાના જીવનકાર્યને સંભારું ત્યારે રવીન્દ્રનાથની એમણે ગુજરાતીમાં ઉતારેલી રચના મને હંમેશ પ્રધાનપણે સાંભરે છે : ચરણ આપના ક્યાં વિરાજે … નીચાંમાં નીચાં, દૂબળાં બાપડાં જ્યાં – ચરણ આપના ત્યાં વિરાજે, ચરણ આપનાં ત્યાં!
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 22 મે 2024