જન્મ દસકોઈ તાલુકાના ભુવાલડી જેવા સાવ નાનકડા ગામમાં. ભણતરની શરૂઆત ત્યાંની જ નિશાળમાં. પછી અમદાવાદમાં ભણી મેટ્રિક થયા. નોકરી મુંબઈની પોલીસ કોર્ટમાં ઇન્ટરપ્રિટરની. પણ આપબળે સંસ્કૃત અને અંગ્રેજીનો સારો એવો અભ્યાસ કરેલો. પરિણામે કવિ કાલિદાસના વિખ્યાત કાવ્યનો ગુજરાતી અનુવાદ કર્યો જે તેમના જમાનાના વિવેચકો અને વાચકો બન્નેએ માણ્યો અને વખાણ્યો હતો. અને એ માત્ર અનુવાદ નહોતો. મુંબઈની તે વખતની રોયલ એશિયાટિક સોસાયટી(હાલની એશિયાટિક સોસાયટી ઓફ મુંબઈ)માં દિવસોના દિવસો સુધી બેસી, અંગ્રેજી અને સંસ્કૃત પુસ્તકોનો અભ્યાસ કરી, અનુવાદ સાથે જોડવા માટે તેમણે વિસ્તૃત પ્રસ્તાવના પણ તૈયાર કરી હતી. એ પુસ્તકની પહેલી આવૃત્તિ ૧૯૧૩માં અને બીજી આવૃત્તિ ૧૯૨૩માં પ્રગટ થઈ હતી. જો કે બીજી આવૃત્તિ પ્રગટ થઈ તે પહેલાં અનુવાદકનું તો ૧૯૧૪માં અવસાન થયું હતું. એ પુસ્તક તે કાલિદાસના મેઘદૂત કાવ્યનો અનુવાદ, અને એ અનુવાદ કરનાર તે કિલાભાઈ ઘનશ્યામ ભટ્ટ. પણ વખત જતાં તેમનું નામ અને કામ ધીમે ધીમે વિસારે પડવા લાગ્યું. એક કારણ એ પણ ખરું કે ‘મેઘદૂત’ના બીજા ગુજરાતી અનુવાદો પણ પ્રગટ થયા હતા, અને તેમાંના કેટલાક સાહિત્યની દુનિયાનાં કેટલાંક મોટાં માથાંએ કર્યા હતા.
પણ વિસરાઈ જવા આવેલા આ પુસ્તકને થોડાં વર્ષો પહેલાં મુંબઈના હીરાલક્ષ્મી મેમોરિયલ ફાઉડેન્શન દ્વારા નવજીવન આપવામાં આવ્યું. અને તે પણ આજના જમાનાને અનુરૂપ એવી રીતે. આમ થાય તે માટે પ્રકલ્પના સંપાદક રજનીકુમાર પંડ્યાએ ઘણી જહેમત લીધી. પુસ્તકમાં કિલાભાઈનો અનુવાદ તો આખેઆખો છાપ્યો જ. પણ એ અનુવાદ પદ્યમાં, સંસ્કૃતના મંદાક્રાન્તા શ્લોકમાં છે. વળી ભાષા આજથી લગભગ સો વર્ષ પહેલાંની. એટલે આજના વાચકને સમજવા-માણવામાં કદાચ થોડી મુશ્કેલી પડે. તો એ ટાળવા માટે સંસ્કૃત સાહિત્યના ગાઢ અભ્યાસી ગૌતમ પટેલે લખેલું વિવરણ પણ સાથોસાથ છાપ્યું. પછી તેમાં પાને પાને ઉમેર્યાં વાસુદેવ સ્માર્તનાં બહુરંગી ચિત્રો. બીજા કેટલાક કલાકારોનાં ચિત્રો પણ ઉમેર્યાં. અને આ બધું જાડા આર્ટ પેપર પર સુંદર સુભગ મુદ્રણ દ્વારા રજૂ થયું. એટલે પુસ્તક માત્ર વાંચવા માટેનું ન બની રહ્યું, સાથોસાથ જોવા જેવું પણ બન્યું. પણ આ અનુવાદ આખો વાંચવો ન હોય અને છતાં માણવો હોય તો? આજના માણસને વાચક બનવા કરતાં શ્રોતા અને દૃષ્ટા બનવાનું વધુ ફાવે છે. એટલે વાચન અંગે બહુ ઉમળકો ન હોય તેવા ભાવકો માટે પણ અહીં સગવડ કરી છે. આપણા અગ્રણી ગાયક-સંગીતકાર આશિત દેસાઈએ બધા શ્લોકોને સંગીતબદ્ધ કર્યા, અને જાણીતા ગાયક પ્રફુલ્લ દવેએ તેને પોતાનો કંઠ આપ્યો. પુસ્તકમાં સાથે મૂકાયેલી બે ઓડિયો સીડીમાં એ ગાન સંઘરાયું છે જે સાંભળતાં કાલિદાસ અને કિલાભાઈની પ્રતિભાની સાથોસાથ સંગીતકાર અને ગાયકની પ્રતિભાનો પણ પરિચય થાય છે.
આ ઉપરાંત પુસ્તકમાં કેટલીક પૂરક સામગ્રી પણ સૂઝપૂર્વક ઉમેરવામાં આવી છે. ‘મેઘદૂત’ વિશેના કવિ રવીન્દ્રનાથ ટાગોરના શબ્દોનો અનુવાદ, ‘મેઘદૂત’ ફિલ્મમાનું કૃતિના સારાંશ રૂપ ગીત, આપણા દેશના ટપાલ ખાતાએ ૧૯૬૦માં બહાર પાડેલી ટપાલ ટિકિટ વિશેની માહિતી, મેઘદૂતનું રચના સ્થળ મનાય છે તે રામટેક વિશેની માહિતી, ઉજ્જયીનીમાં આવેલી કાલિદાસ સંસ્કૃત અકાદમીનો પરિચય, મેઘદૂતના કેટલાક ગુજરાતી અનુવાદો વિશેની માહિતી, કાલિદાસ અને કીલાભાઈનો પરિચય, મેઘદૂતમાં ઉલ્લેખિત સ્થાનોનો પરિચય, અને મેઘમાર્ગનું નિદર્શન કરતો નકશો. આ બધું અહીં શ્રમ અને સૂઝથી ઉમેરવામાં આવ્યું છે. પુસ્તક માટેનું પૂરક લેખન કરવાનું તથા પરામર્શન કરવાનું કામ બિરેન કોઠારીએ કર્યું છે. ૧૯૧૩માં પ્રગટ થયેલી પહેલી આવૃત્તિમાં માત્ર અનુવાદ આપ્યો હતો, મૂળ સંસ્કૃત પાઠ આપ્યો નહોતો. પણ આ ખોટ બીજી આવૃત્તિમાં મૂળ સંસ્કૃત પાઠ ઉમેરીને પૂરી કરાઈ હતી. ૨૦૧૦માં પ્રગટ થયેલા આ નવા સંસ્કરણમાં થોડાક જ મૂળ સંસ્કૃત શ્લોકો આપ્યા છે. બધા જ શ્લોકો આપ્યા હોત તો પુસ્તક વધુ ઉપયોગી બની શક્યું હોત. પણ પ્રશિષ્ટ કૃતિઓને આમ નવા રૂપે રંગે રજૂ કરવાનો વિચાર જ ગમી જાય તેવો છે, અને એવા વિચારણના ફળ જેવું આ પુસ્તક પણ સાહિત્યપ્રેમીઓના હૃદયમાં વસી જાય એવું છે.
કવિ ભાસના એક સંસ્કૃત નાટકમાં રાજા વિદૂશકને પૂછે છે કે એવી કઈ વસ્તુ છે જે માણસને સુખ અને દુઃખ બંને આપે છે. ત્યારે વિદૂષક જવાબ આપે છે કે ‘લાડુ. કારણ મારે જો લાડુ બીજાના ભાણામાં જ જોવાનો હોય તો તે મને દુઃખ આપે છે. પણ જો મારા ભાણામાં હોય તો મને તે ખાવાનું સુખ આપે છે.’ એવી જ રીતે કવિતાની વાત સુખ નથી આપતી, કવિતા પોતે જ સુખ આપે છે. એટલે હવે આ પુસ્તકમાં કિલાભાઈનો જે અનુવાદ છાપ્યો છે તેમાંથી કેટલાક શ્લોકો જ જોઈએ. (જોડણી મૂળ પ્રમાણે રાખી છે.)
સ્વામી સેવા વિસરિ, મહિમાભ્રષ્ટ થૈ, કોઈ યક્ષ,
કાન્તાત્યાગે વિષમ, ધણિનો વર્ષનો પામિ શાપ;
સીતાસ્નાને પુનીત જલાના, મીઠડી છાંયવાળા,
રામાદ્રિમાં, વિચરિ વસિયો, આશ્રમોમાં રૂપાળા.
***
ધૂમ્ર, જ્યોતિ, જળ, પવનના, મેઘ ક્યા આ બનેલા,
ક્યા સંદેશા, સમજણભર્યાં પ્રાણિથી લઇ જવાતા;
એવું કાઈ ણ લહિ, અધીરો યાચાતો યક્ષ એને,
કામી નિશ્ચે જળ સજીવમાં ભેદ ના કૈં પ્રમાણે.
***
વર્ષી ખાલી થઇ, ગજમદે કૈંક તીખું સુગંધી,
જંબુ કુંજે ખળિ રહ્યું ભરી, પાણી એનું ફરીથી;
ભારે થાતાં ઘન! નહિ શકે વાયુ ખેંચી તને ત્યાં,
હોયે ખાલી હલકું સઘળું, ભાર છે પૂર્ણતામાં.
***
રસ્તો વાંકો અહીથી બહુ છે, ઉત્તરે મેઘ! જાતાં
તો’યે ઊંચા ભવન પર જૈ બેસજે ઉજ્જનીમાં;
વિદ્યુત્તેજે નયન મિચતી નાગરીનાં કટાક્ષો,
જોતો ત્યાં ટુ રમિશ નહિ તો જાણજે રે ઠગાયો.
***
લંબાવીને મુખ નભ થકી, ઇન્દ્રના હસ્તિ પેઠે,
જો ગંગાનું સ્ફટિક સરખું સ્વચ્છ, ટુ વારિ પીશે;
તો આ તારી વિશાળ જળમાં, પેસતી શ્યામછાયે,
ગંગા વચ્ચે મળતી યમુના હોય, તેવી જણાશે.
***
નાનાં વસ્ત્રો, મધુ નયનને આપનારું વિલાસ,
તાજાં પુષ્પો, કિસલય રૂડાં, ભૂષણો ભાતભાત;
તાજો રાતો સરસ અળતો રંગવા પાદપદ્મ,
આપે છે જ્યાં સકળ અબળાભૂષણો, કલ્પવૃક્ષ.
ત્યાં હર્મેથી ધનપતિતણા, ઉત્તરે ધામ મારું,
દ્વારે ઊંચી સુરધનુસમી છે કમાને સુહાતું;
જેની પાસે સુતસમ ગણી વા’લીએ છે ઉછેર્યો,
ગુચ્છે ઝૂકી કર અડકતો દેવ મંદાર નાનો.
***
શ્યામાવેષે નહીં નીચીઉંચી, ફૂટડાં ગાત્રવાળી,
ઘાટે નાની, હરિણી સરખાં નેત્રવાળી રૂપાળી;
હારે હારે દશન કણિઓ રત્ન જેવી જણાતી,
શોભે ઝીણી કળિ અધરની બિંબશી રાતી રાતી;
ઊંડી નાભિ ઉદર વિલસે; પાતળી કેડ જેની,
ભારે ઊંચા સ્તનથી કટિમાં, સે’જ નીચી નમેલી;
શ્રોણીભારે, મલપતી રૂડી ચાલતી ધીમી ચાલે,
નારીરૂપે, પ્રથમ વિધિએહોય નિર્મેલી જાણે.
***
સાધી, મારું પ્રિય, અઘટતું છે છતાં પ્રાર્થનાથી,
કાં મૈત્રીથી,વિરહિ સમજીને દયા આણી મારી;
વર્ષાશ્રીથી સુભગ બનતો, જા ગમે તે તું દેશ,
માં થાશો એ! ક્ષણ વીજળીથી, આમ તારો વિયોગ.
***
રવીન્દ્રનાથ ટાગોરે સાચું જ કહ્યું છે કે મેઘદૂતના મંદાક્રાન્તાના સઘન સંગીતમાં વિશ્વના તમામ વિરહીઓનો શોક ઘોળાયેલો છે. અષાઢ મહિનો ગઈ કાલથી (27 જૂનથી) શરૂ થઈ ગયો છે ત્યારે મેઘદૂતની આ તો થોડી પ્રસાદી.
e.mail : deepakbmehta@gmail.com
સૌજન્ય : દીપક મહેતા સંપાદિત ‘ગ્રંથયાત્રા’, “ગુજરાતમિત્ર”, 28 June 2014
અા સંગીતબદ્ધ 'મેઘદૂત'ની અા કડી માણવા જેવી :
hhttp://rankaar.com/blog/tag/kilabhai-ghanshyam-2