નરેન્દ્ર મોદીની સરકારે હજી તો મહિનો જ પૂરો કર્યો છે ત્યારે એનું મૂલ્યાંકન કરવું અઘરું છે અને કરવું પણ ન જોઈએ. આ એક મહિનામાં એણે લીધેલા નિર્ણયો, કરેલાં નિવેદનો ને આપેલા સંકેતો ચિત્ર કેવું હશે એ આગળ જતાં સમજવામાં ઉપયોગી થશે
કોઈ ચિત્રકાર ચિત્ર દોરવાનો આરંભ કરે ત્યારે કૅન્વાસ પર જે બિંદુઓ માંડે કે રેખાઓ દોરે એને આધારે કહેવું મુશ્કેલ હોય છે કે અંતે ચિત્ર કેવું બનશે. બીજી બાજુ જ્યારે ચિત્ર પૂરું થાય છે ત્યારે એ ચિત્રમાં પહેલા દિવસે માંડેલાં બિન્દુઓનો અને રેખાંકનોનો ફાળો હોય છે. ચિત્ર દોરવાની સમગ્ર પ્રક્રિયા દરમ્યાન માંડેલાં બિન્દુઓ, રેખાંકનો અને વાપરેલા રંગોનો સરવાળો એટલે એ ચિત્ર હોય છે. આ વાત દેશમાં નવા શરૂ થયેલા શાસનપવર્ને પણ લાગુ પડે છે. નરેન્દ્ર મોદીની સરકારે હજી તો મહિનો જ પૂરો કર્યો છે ત્યારે એનું મૂલ્યાંકન કરવું અઘરું છે અને કરવું પણ ન જોઈએ. આમ છતાંય ચિત્રકારે માંડેલાં બિન્દુઓ અને દોરેલી રેખાઓની માફક આ એક મહિનામાં મોદીસરકારે લીધેલા નિર્ણયો, કરેલાં નિવેદનો અને આપેલા સંકેતો કુલ ચિત્ર કેવું હશે એ આગળ જતાં સમજવામાં ઉપયોગી થશે. પુત્રનાં લક્ષણ પારણામાં અને વહુનાં લક્ષણ બારણામાં કળાય છે એવી કહેવત ધ્યાનમાં રાખવા જેવી છે.
મારા PCમાં મેઝરિંગ મોદી નામની એક ફાઇલ છે જેમાં કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર રચાઈ ત્યારથી સરકાર દ્વારા લેવામાં આવેલા મહત્વના નિર્ણયો અને વડા પ્રધાન કે સિનિયર પ્રધાનો દ્વારા કરવામાં આવેલાં મહત્વનાં નિવેદનોની એમાં નોધ છે. નોંધના બે વિભાગ છે; પૉઝિટિવ અને નેગેટિવ. જે કામ, નિવેદન કે સંકેતમાં મને દેશનું હિત દેખાય છે એને હું પૉઝિટિવ કૉલમમાં નોંધું છું અને જેમાં મને દેશહિત નજરે નથી પડતું એને હું નેગેટિવ કૉલમમાં ખતવું છું. આગળ કહ્યું એમ સરકારના મૂલ્યાંકનનો આ સમય નથી, પણ ચિત્રકારના ચિત્રની જેમ સરકારની દિશા વિશે આછો સંકેત તો મળે છે. અહીં એ નોંધ કોઈ પણ પ્રકારની ટીકા-ટિપ્પણ વિના વિગતે આપી છ., જોઈ જુઓ તમારા મનમાં કેવી છાપ પડે છે.
૧. સંસદનાં બન્ને ગૃહોમાં આપેલા મંગળ પ્રવચનમાં કોઈ પણ પ્રકારની સંકુચિત વાત કરવામાં નહોતી આવી.
૨. સંસદમાં નરેન્દ્ર મોદીએ આપેલું તેમનું પહેલું ભાષણ જવાહરલાલ નેહરુની યાદ અપાવે એવું ઉદાર હતું.
૩. વડા પ્રધાનપદની સોગંદવિધિમાં SAARC દેશોના નેતાઓને બોલાવ્યા અને દરેક સાથે અંગત મંત્રણા કરી.
૪. નાના પ્રધાનમંડળની રચના.
૫. નિર્ણયપ્રક્રિયામાં વિલંબ કરનારી ગ્રુપ ઑફ મિનિસ્ટર્સની રચના કરવાનો રિવાજ પડતો મૂક્યો.
૬. અમલદારો સાથે લાંબી બઠક કરી. તેમને ઝડપી નિર્ણયો લેવાની સલાહ આપી, નિર્ણયની જવાબદારી સરકારની રહેશે એવો સધિયારો આપ્યો. કયા નકામા કાલબાહ્ય કાયદાઓ રદ કરવા જેવા છે એની વિગતો માગી અને ગમે ત્યારે વડા પ્રધાનનો સંપર્ક કરી શકાય એ માટે અંગત મોબાઇલ નંબર અને ઈ-મેઇલ ID આપ્યાં.
૭. સરકારી ખર્ચે અંગત મદદનીશ તરીકે સગાઓની નિમણૂક નહીં કરવાનો પ્રધાનોને આદેશ આપ્યો.
૮. રિઝર્વ બૅન્કના ગવર્નરને તેમના હોદ્દા પર ચાલુ રાખ્યા.
૯. ઝડપી નિર્ણયો લેવા એવી એપોઇન્ટમેન્ટ કમિટી બનાવવામાં આવી છે જેમાં બે જ વ્યક્તિનો સમાવેશ થાય છે; વડા પ્રધાન અને ગૃહપ્રધાન.
૧૦. ગોવાના પ્રધાનોને ફૂટબૉલની મૅચ જોવા વિદેશ જતા રોક્યા.
૧૧. ભુતાનની સફળ યાત્રા.
મારી દૃષ્ટિએ નેગેટિવ સાઇડ પર આટલી બાબતો છે :
૧. એકંદરે નબળું પ્રધાનમંડળ અને સ્મૃતિ ઈરાનીને માનવ સંસાધન પ્રધાન બનાવ્યાં.
૨. નાણાપ્રધાન અરુણ જેટલી અર્થશાસ્ત્રની જાણકારી નથી ધરાવતા.
૩. આર્ટિકલ ૩૭૦નો વિવાદ.
૪. આગલી સરકારના પ્રધાનોના અંગત મદદનીશોને મદદનીશ તરીકે ચાલુ નહીં રાખવાનો પ્રધાનોને આદેશ.
૫. કૉન્ગ્રેસના લોકસભા પક્ષના નેતાને વિરોધ પક્ષના નેતાનો દરજ્જો ન આપવામાં આવ્યો.
૬. UPA સરકાર દ્વારા નિયુક્ત ગવર્નરોને રાજીનામાં આપવાનું આપવામાં આવેલું સૂચન.
૭. પોતાના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નરેન્દ્ર મિશ્રાની નિમણૂક કરવા વટહુકમ બહાર પડાવ્યો.
૮. NGO વિકાસમાં અવરોધ પેદા કરે છે એવો ગુપ્ત રિપોર્ટ IB પાસે તૈયાર કરાવ્યો.
૯. જનરલ વી. કે. સિંહે નવા લશ્કરી વડા પર આરોપ કરીને તેમના જાણીતા દ્વેષ અને દોઢડહાપણનું પ્રદર્શન.
૧૦. રેલવેમાં વિચાર્યા વિનાનો ભાડાવધારો અને એ પણ પાછલે બારણેથી, જ્યારે લોકસભામાં રેગ્યુલર બજેટ દસ દિવસ પછી પેશ થવાનું હતું.
૧૧. જાણીતા ધારાશાસ્ત્રી ગોપાલ સુબ્રમણ્યમને સુપ્રીમ કોર્ટના જજ થતા અટકાવ્યા, કારણ કે તેમને કારણે ગુજરાત સરકાર અને અમિત શાહ મુશ્કેલીમાં મુકાયા હતા.
૧૨. દિલ્હી યુનિવર્સિટીના શૈક્ષણિક સુધારાઓને એક વર્ષ પછી અટકાવવામાં આવી રહ્યા છે જેને વર્ષ પહેલાં UGCએ માન્યતા આપી હતી.
૧૩. ભુતાનમાં ત્યાંની સંસદને સંબોધતાં ત્રણ વખત ભુતાનની જગ્યાએ બીજા દેશોનો ભૂલમાં ઉલ્લેખ કરીને ભાંગરો વાટ્યો. વિદેશી બાબતોમાં દરેક નેતા હંમેશાં લેખિત ભાષણ કે નિવેદન વાંચે છે, પછી ભલે ગમે એવો મોટો વક્તા હોય.
૧૪. મુંબઈમાં CBIની અદાલતમાં હાજર નહીં રહેવા માટે જજ જે. ટી. ઉત્પલે અમિત શાહની ટીકા કરી એના બીજા દિવસે જ જજ ઉત્પલની બદલી કરવામાં આવી.
૧૫. આજ સુધી પૉલિસી સ્ટેટમેન્ટ કરવામાં આવ્યું નથી, જે વાત વડા પ્રધાને કરી છે એ વિશલિસ્ટ છે. તો આ છે મહિનાની કામગીરી. વિચારી જુઓ કોઈ ચિત્રનો આછો અંદાજ મળે છે?
સૌજન્ય : ‘મંતવ્ય-સ્થાન’, “ગુજરાતી મિડ-ડે”, 27 જૂન 2014