ગુજરાતી વ્યાકરણનાં બસો વર્ષ / ઊર્મિ ઘનશ્યામ દેસાઈ. અમદાવાદ: પાર્શ્વ પબ્લિકેશન, ૧ આવૃત્તિ, ૨૦૧૪. ૫૧૦ પાનાં, રૂ. ૪૫૦
ગુજરાતી ભાષાના વ્યાકરણનાં પહેલવહેલાં પુસ્તકો કોણે તૈયાર કર્યાં હતાં? કોઈ ગુજરાતીએ?
ના. ૧૮૦૮માં પ્રગટ થયેલું પહેલવહેલું વ્યાકરણ ડો. રોબર્ટ ડ્રમન્ડ નામના અંગ્રેજે લખ્યું હતું. તેઓ વ્યવસાયે ડોક્ટર હતા અને કેટલોક વખત તેમણે વડોદરા રાજ્યમાં કામ કર્યું હતું એટલે ગુજરાતી ભાષા જાણતા હતા. ૧૮૩૯માં પ્રગટ થયેલું બીજું વ્યાકરણ એક મરાઠી ભાષીએ, ગંગાધર શાસ્ત્રી ફડકેએ લખ્યું હતું. ડ્રમન્ડનું વ્યાકરણ બ્રિટીશ અમલદારો અને પાદરીઓને મદદરૂપ થવાનાં આશયથી લખાયું હતું અને એટલે અંગ્રેજીમાં લખાયું હતું. જ્યારે ફડકેનું વ્યાકરણ તે વખતે નવી શરૂ થયેલી બ્રિટીશ પદ્ધતિનું શિક્ષણ આપતી સ્કૂલોમાં પાઠ્ય પુસ્તક તરીકે વાપરવા માટે લખાયું હતું અને તેથી ગુજરાતીમાં લખાયું હતું.
આ અને આવી બીજી ઘણી બધી રસપ્રદ હકીકતો ડો. ઊર્મિ દેસાઈના પુસ્તક ‘ગુજરાતી પુસ્તકનાં બસો વર્ષ’માંથી જાણવા મળે છે. ૧૮૦૮થી માંડીને ૨૦૦૬ સુધીમાં પ્રગટ થયેલાં પચાસ જેટલાં વ્યાકરણનાં પુસ્તકોને આ અભ્યાસમાં લેખિકાએ આવરી લીધાં છે. આ પુસ્તક અંગે પહેલી વાત એ નોંધવી જોઈએ કે ગુજરાતી વ્યાકરણનાં પુસ્તકોનો આટલો વ્યાપક અભ્યાસ કરતું આ પહેલું પુસ્તક છે.
બીજી વાત એ કે પહેલી નજરે લાગે તેટલું આ કામ સહેલું નથી. ખાસ કરીને ૧૯મી સદીમાં પ્રગટ થયેલાં પુસ્તકો મેળવવાનું કેટલું અઘરું છે તે તો આવાં કામ કર્યાં હોય તે જ જાણે. વળી આવાં પુસ્તકોને ઘણી વાર પાઠ્ય પુસ્તકો માની લેવામાં આવે છે, અને ઘણી લાયબ્રેરીઓ તેની નકલો લાંબો વખત સાચવતી નથી. અરે, ૧૯૬૦-૧૯૬૫ દરમ્યાન ચાર ભાગમાં પ્રગટ થયેલું મનસુખલાલ ઝવેરીનું ‘ભાષા-પરિચય’ પુસ્તક કોઈ લાયબ્રેરીમાંથી ન મળતાં લેખિકાએ મુંબઈના વર્તમાન પત્રમાં તેની નકલ માટે જાહેર ટહેલ નાખવી પડી હતી. લેખિકા પોતે આપણાં એક અગ્રણી ભાષાશાસ્ત્રી છે એટલે વિષયને તો બરાબર ન્યાય આપી શકે છે, પણ વ્યાકરણનાં પુસ્તકો જેવા વિષયની રજૂઆત ઓછામાં ઓછી શુષ્ક બને તેનો તેમણે સભાન પ્રયત્ન કર્યો છે.
સમીક્ષિત પુસ્તકોને તેમણે ત્રણ તબક્કામાં વહેંચી નાખ્યાં છે. ઓગણીસમી સદીમાં પ્રગટ થયેલાં પુસ્તકોને પહેલા તબક્કામાં મૂક્યાં છે. તેમાં વળી બે ભાગ પાડ્યા છે : ગુજરાતી ભાષામાં લખાયેલાં છ વ્યાકરણો પહેલા ભાગમાં, અને અંગ્રેજીમાં લખાયેલાં ૧૧ પુસ્તકો બીજા ભાગમાં. જો કે બસો વર્ષની કાળક્રમે વાત કરવાની હોય ત્યારે આવા બે ભાગ ન પાડતાં આ સત્તરે પુસ્તકોને એક જ ભાગમાં પ્રકાશનના કાલક્રમે ગોઠવીને વાત કરી હોત તો ઐતિહાસિક વિકાસક્રમનો વધુ સરળતાથી ખ્યાલ આવી શક્યો હોત. બીજા તબક્કામાં કુલ ૧૫ પુસ્તકોનો સમાવેશ કર્યો છે જે ૧૯૧૯થી ૧૯૬૫ સુધીમાં પ્રગટ થયાં હતાં. ત્રીજા તબક્કામાં વળી પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ એવા બે ભાગ પાડ્યા છે. અર્વાચીન ભાષાશાસ્ત્રની વિચારણાને લક્ષમાં લઈ, ગુજરાતી ભાષાને તેના પોતાના જ બંધારણ અનુસાર તપાસવાના નવા અભિગમ સાથે રચાયેલાં પુસ્તકોને પૂર્વાર્ધમાં મૂક્યાં છે. તો વ્યાકરણના એક એક પાસા પર ધ્યાન કેન્દ્રિત કરીને લખાયેલાં પુસ્તકોને ઉત્તરાર્ધમાં સમાવ્યાં છે.
પુસ્તકના પ્રવેશકમાં રમણ સોનીએ કહ્યું છે તેમ, “બહુ મોટી બાથ ભીડી છે ઊર્મિબહેને. એમની અખૂટ જિજ્ઞાસાએ અને નિરંતર સંશોધનવૃત્તિએ આ મહત્ત્વાકાંક્ષી કામ કરાવ્યું છે એમની પાસે.”
સૌજન્ય : બુકમાર્ક, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 01 જૂન 2014