વીસમી સદીમાં હિટલર, મુસોલિની અને સ્તાલિનનો એકસાથે અને પ્રચંડ તાકાત સાથે એવો ઉદય થયો કે જાણે એ ૧૯મી સદીની માનવતાવાદી મૂલ્યવ્યવસ્થાને ખતમ કરી દેવા માટેની કોઈ ઈશ્વરી યોજના હોય! આ ઉદય એ ૧૯મી સદીમાં વિકસેલી વૉલ્તેરથી વિવેકાનંદ સુધીની માનવતાવાદી પણછ સામેની પ્રતિક્રિયા હતી કે કવિન્યાય હતો?
બન્યું એવું કે જે દિવસે નરેન્દ્ર મોદીની ભારતના ૧૫મા વડા પ્રધાન તરીકે સોગંદવિધિ થઈ એના બીજા દિવસે ૨૭ મેએ જવાહરલાલ નેહરુની ૫૦મી પુણ્યતિથિ હતી. કેટલાક લોકો આને યોગાનુયોગ તરીકે જુએ છે તો કેટલાક યુગપરિવર્તન તરીકે જુએ છે. ભારતીય સમાજજીવનમાં નેહરુયુગ પૂરો થયો અને એની જગ્યાએ નેહરુવિરોધી એવો હિન્દુ બહુમતીવાદી યુગ શરૂ થયો જે સહઅસ્તિત્વ માટે સહિષ્ણુતામાં નહીં પણ શરતોમાં માને છે. નેહરુએ આજીવન મેજોરિટેરિયન નૅશનલિઝમનો વિરોધ કર્યો હતો, જ્યારે BJP મેજોરિટેયન નૅશનલિઝમમાં માને છે. કેટલાક નેહરુવિરોધીઓ માટે કદાચ આ કવિન્યાય પણ હશે. ગાંધીનો તાપ અને નેહરુનો દબદબો એવો છે કે આ યોગાનુયોગને કે યુગપલટાને કવિન્યાય તરીકે ઓળખાવનારા લોકો મુક્ત કંઠે એમ કહેતાં શરમ અનુભવે છે. ક્યાંક કશુંક એવું છે આ બે જણના વારસામાં જે નકારી શકાતું નથી.
શું છે જવાહરલાલ નેહરુનો વારસો અને એ વારસામાં એવી કઈ ચીજ છે જે તેમના વિરોધીઓને ગમતી નથી પણ કહેતાં શરમ આવે છે? અને બીજી એક મહત્ત્વની વાત. નકારાત્મકતા રચનાત્મકતાની જગ્યા લઈ શકે ખરી? પ્રજાના વલણમાં પરિસ્થિતિજન્ય હિલોળા આવતા હોય છે, પણ સરવાળે નકારાત્મકતા રચનાત્મકતાને મિટાવી શકે ખરી? અંતિમ વિજય કોનો થાય છે? માનવઇતિહાસ શું કહે છે? ૧૯મી સદીમાં ફ્રેન્ચ ક્રાન્તિ પછી યુરોપમાં જે મૂળભૂત માનવીય મૂલ્યો વિકસ્યાં અને જે ધીરે-ધીરે રાજ્યવ્યવસ્થાનો ભાગ બની રહ્યાં હતાં એના પર માત્ર સો વર્ષની અંદર યુરોપમાં જ કુઠારાઘાત થયો. વીસમી સદીમાં હિટલર, મુસોલિની અને સ્તાલિનનો એકસાથે અને પ્રચંડ તાકાત સાથે એવો ઉદય થયો કે જાણે એ ૧૯મી સદીની માનવતાવાદી મૂલ્યવ્યવસ્થાને ખતમ કરી દેવા માટેની કોઈ ઈશ્વરી યોજના હોય! ૨૦મી સદીમાં હિટલર, મુસોલિની અને સ્તાલિનનો ઉદય એ ૧૯મી સદીમાં વિકસેલી વૉલ્તેરથી વિવેકાનંદ સુધીની માનવતાવાદી પણછ સામેની પ્રતિક્રિયા હતી કે કવિન્યાય હતો?
વિનોબાએ બહુ સરસ વાત કહી છે. માનવતા માનવીએ જ વિકસાવી છે અને એ સતત વિકસાવી રહ્યો છે. માણસનું માનવતાની દિશામાં સતત આરોહણ થતું આવ્યું છે અને હજી વધુ થવાનું છે. ક્યારેક એમાં અવરોહણ નજરે પડે તો એ અપવાદ છે, નિયમ નથી. નિયમ તો આરોહણ છે. માણસ સ્થિર ગતિએ ચડતો હોય એ આપણા ધ્યાનમાં નથી આવતું, પણ તે જ્યારે ઠેબું ખાય ત્યારે એ તરત આપણા ધ્યાનમાં આવે છે. ઠેબું એ ક્ષણિક અવરોધ છે, આરોહણનો અંત નથી અને ઠેબું ખાનાર માણસ માટે આપણી શી પ્રતિક્રિયા હોય છે? આપણે તરત તેને સંભાળી લેવા, તેનો હાથ પકડવા દોડી જઈએ છીએ. આ આપણામાં રહેલા માનવતાના સ્થાયી ભાવનાં લક્ષણો છે. સ્થાયી ભાવ અને આગંતુક ભાવમાં ફરક છે. આગંતુક ભાવ સ્થાયી ભાવની કાયમ માટે જગ્યા ન લઈ શકે.
તો જવાહરલાલ નેહરુની ૫૦મી પુણ્યતિથિની પૂર્વસંધ્યાએ નરેન્દ્ર મોદીનો રાજ્યારોહણ એ યોગાનુયોગ છે કે યુગપલટો છે કે પછી કવિન્યાય છે એનો નિર્ણય તમારે, સુજ્ઞ વાચકે લેવાનો છે. અહીં નેહરુના વારસાની ચર્ચા આગળ વધારીએ.
ગાંધી-નેહરુનો સૌથી મહત્ત્વનો વારસો છે શરતરહિત સહઅસ્તિત્વનો. વાસ્તવમાં આ ભારતનો પરંપરાગત વારસો છે જેને ગાંધી અને નેહરુએ રાજકીય માન્યતા આપી છે. ભારતમાં જેટલી વિદેશી કોમ આવી છે એ બધી કોમને ભારતે વિનાશરત આવકાર આપ્યો છે. એક વર્ગ આને ભારતની નબળાઈ સમજે છે, જ્યારે ગાંધી અને નેહરુએ એને સ્વીકાર અને સહઅસ્તિત્વના ઉદાત્ત વારસા તરીકે સ્વીકારીને એને ભારતના રાજકારણનું અંગ બનાવ્યો હતો.
આજે જગત આખામાં સહઅસ્તિત્વ વિશે ચર્ચા ચાલી રહી છે. વૈશ્વીકરણના આજના યુગમાં વિશ્વપ્રજા સ્થૂળ રીતે અને સાંસ્કૃિતક રીતે નજીક આવી ગઈ છે. અચાનક અજાણ્યા સાથેની સહોપસ્થિતિએ સામાજિક, સાંસ્કૃિતક, આર્થિક અને માનસિક સમસ્યાઓ પેદા કરી છે જે રાજકારણમાં પ્રતિબિંબિત થાય છે. આજના વૈશ્વિકરણના યુગમાં સહઅસ્તિત્વથી બચી શકાય એમ નથી અને સહઅસ્તિત્વ સહજ પણ નથી. અજાણ્યા પરત્વેના અજ્ઞાન, ઈર્ષા, દ્વેષ અને ભય માણસના વર્તનને પ્રભાવિત કરે છે અને રાજકારણીઓ એ ગ્રંથિનો ઉપયોગ કરીને રાજકીય લાભ ઉઠાવે છે.
સહઅસ્તિત્વ જો અનિવાર્ય હોય અને એનાથી બચી શકાય એમ ન હોય તો એને આસાન કેવી રીતે બનાવવું એ આજના યુગનો કૂટપ્રશ્ન છે. વિશ્વદેશોએ, ખાસ કરીને વિકસિત પાશ્ચાત્ય દેશોએ સહઅસ્તિત્વને સ્વીકાર્ય બનાવવાના ઉપાય શોધવા અનેક પ્રયત્નો કર્યા છે. બ્રિટને કમિશન ઑન ધ ફ્યુચર ઑફ મલ્ટિ-કલ્ચરલ બ્રિટનની રચના કરી હતી જેના અધ્યક્ષ લૉર્ડ ભીખુ પારેખ હતા. યુનિવર્સિટીઓએ પણ મલ્ટિ-કલ્ચરલિઝમનો અભ્યાસ કરવા વિભાગોની રચના કરી છે. ભારતની સાંસ્કૃિતક પરંપરા વિશે ઊંડો અભ્યાસ કરનાર વિદુષી ડાયના એલ. એક હાવર્ર્ડ યુનિવર્સિટીમાં પ્લુરલિટી પ્રોજેક્ટ ચલાવે છે અને એમાં તેમને ભારતની સહઅસ્તિત્વની પરંપરા ખૂબ કામમાં આવી રહી છે.
પશ્ચિમમાં સહઅસ્તિત્વ માટેના બે અભિગમ અત્યારે ચર્ચામાં છે. એક અભિગમ શરત વિનાનો છે જેને અંગ્રેજીમાં હાઇફનેટેડ નૅશનલિઝમ અથવા બાઉલ ઑફ સૅલડ કહે છે. કોઈ માણસ મૂળ સ્પૅનિશ હોય અને અમેરિકામાં રહેતો હોય તો તેને સ્પૅનિશ-અમેરિકન તરીકે અમેરિકામાં ઓળખવામાં આવે છે. સ્પૅનિશ અને અમેરિકન વચ્ચે જે આડો લીટો છે એને અંગ્રેજીમાં હાઇફન કહેવામાં આવે છે. માણસ એક જ સમયે અને એક જ સ્થળે બે કે એનાથી વધુ ઓળખ સાથે જીવી શકે અને એ ઓળખ કોઈ પણ પ્રકારની શરતો વિના હાઇફન દ્વારા વ્યક્ત થઈ શકે છે. હાઇફનેટેડ નૅશનલિઝમની ખૂબી એ છે કે સ્પૅનિશ અને અમેરિકન એ બે ઓળખ વચ્ચે આંતરવિરોધ નથી અને બેમાંથી એક ઓળખ ઓગાળી દેવાનો કોઈ આગ્રહ નથી. સૅલડના બાઉલમાં પણ કાંદા, ટમેટાં, મરચાં, મૂળા કે બીટ વચ્ચેનો સંબંધ પોતપોતાની ઓળખ જાળવી રાખીને સૅલડ નામની નવી ઓળખ વિકસાવવાનો છે.
બીજો અભિગમ શરતવાળો છે. એને અંગ્રેજીમાં મેલ્ટિંગ પૉટ અભિગમ કહેવામાં આવે છે. જે રીતે રાંધેલી ચીજમાં વાપરવામાં આવેલી દરેક ચીજ પોતાની ઓળખ ઓગાળી દે છે એ રીતે રાષ્ટ્રની પ્રજાએ પોતાની ઓળખ ઓગાળી દેવી જોઈએ. આમાં ફાયદો એ છે કે એક વાર ઓળખ ઓગાળી દીધા પછી વિવિધ ઓળખો વચ્ચે સંઘર્ષની સંભાવના રહેતી નથી. આમાં નુકસાન એ છે કે ઓળખ ગુમાવનાર ક્રમશ: ઓળખ ગુમાવતો જાય છે અને તે મુખ્ય ઘટક એટલે કે બહુમતીની તરફેણમાં ઓળખ ગુમાવે છે. દાખલા તરીકે દૂધીના શાકમાં બટાટા હશે; ચણાની દાળ હોઈ શકે; ટમેટાં હોઈ શકે; મેથી, હળદર, મરચું, કોથમીર પણ હશે; પરંતુ છેવટે એ દૂધીનું શાક કહેવાશે કારણ કે દૂધી એમાં મુખ્ય ઘટક છે, બહુમતીમાં છે. દેશના સંઘર્ષરહિત ઝડપી વિકાસ માટે બહુમતી કોમના કેટલાક લોકો આ બીજા મેલ્ટિંગ પૉટના અભિગમની વકીલાત કરે છે.
હવે ખાસ વાત એ છે કે ભારત તો પહેલેથી જ, લગભગ અઢી-ત્રણ હજાર વર્ષથી બાઉલ ઑફ સૅલડ જેવો જ દેશ રહ્યો છે અને એ પણ કોઈ મોટા સંઘર્ષ વિના. વાંશિક અને કોમી હુલ્લડો એ પાશ્ચાત્ય રાષ્ટ્રવાદની કલ્પના હિન્દુસ્તાનમાં આવી એ પછીની, ૧૯મી અને વીસમી સદીની ઘટનાઓ છે. એ પહેલાં ભારતની વિવિધ પ્રજાઓ વચ્ચે આવા કોઈ મોટા સંઘર્ષ થયા હોય એવું જાણમાં નથી. ટૂંકમાં બાઉલ ઑફ સૅલડ એ ભારત માટે સહજસાધ્ય છે, કારણ કે એ તો ભારતની પરંપરા છે. ઊલટું શરતો અને આગ્રહો ધરાવતો, બહુમતી પ્રજાકેન્દ્રિત, સીમાબદ્ધ રાષ્ટ્રવાદ ભારત માટે અજાણી ચીજ છે. મેલ્ટિંગ પૉટ નૅશનલિઝમ ભારતમાં આયાત કરવામાં આવ્યો છે. આવા રાષ્ટ્રવાદની ઓળખ ભારતમાં અંગ્રેજો આવ્યા એ પછી ભારતની પ્રજાને થયેલા પાશ્ચાત્ય વિચારધારાના પરિચયના પરિણામે થઈ હતી.
ભારતની પ્રજામાં જ્યારે આઝાદીની ઝંખના જાગી ત્યારે પ્રશ્ન ઉપસ્થિત થયો હતો કે શરતો આધારિત પાશ્ચાત્ય રાષ્ટ્રવાદ-મેલ્ટિંગ પૉટ નૅશનલિઝમ અને આપણા પરંપરાગત શરતો વિનાના – બાઉલ ઑફ સૅલડવાળા ભારતીય સમાજ વચ્ચે મેળ કઈ રીતે બેસાડવો? વિડંબના એવી છે કે જે લોકો હિન્દુ ધર્માભિમાની અને દેશાભિમાની હતા તેઓ પાશ્ચાત્ય રાષ્ટ્રવાદની વકીલાત કરતા હતા અને જે લોકો વૈશ્વિક અભિગમ ધરાવતા હતા એ લોકો ભારતીય પરંપરાવાળા બાઉલ ઑફ સૅલડવાળા રાષ્ટ્રમાં માનતા હતા. ગાંધીજીએ આ અભિગમને રાષ્ટ્રીય રાજકારણનો અંગ બનાવીને એને રાજકીય માન્યતા આપી હતી અને જવાહરલાલ નેહરુએ વડા પ્રધાન બન્યા પછી બાઉલ ઑફ સૅલડના અભિગમને શાસકીય માન્યતા આપી હતી.
આનો અર્થ એવો નથી કે ગાંધી-નેહરુના બાઉલ ઑફ સૅલડવાળા ઉદારમતવાદી અભિગમનો વિરોધ કરનારાઓએ પોતાના શરતી અને આગ્રહી રાષ્ટ્રવાદને ત્યજી દીધો હતો. તેઓ એનો સતત વિરોધ કરતા હતા અને પોતાનો મત લોકો સુધી પહોંચાડવા મથતા હતા. નરેન્દ્ર મોદીની RSSના એક અદના પ્રચારકથી શરૂ કરીને છેક દિલ્હી સુધી પહોંચવા સુધીની યાત્રા એ આ અભિગમ માટેની જદ્દોજહદનો વિજય છે. એટલું તો કબૂલ કરવું રહ્યું કે આઠ દાયકાના પ્રયત્નો પછી RSSએ મેલ્ટિંગ પૉટ નૅશનલિઝમને રાષ્ટ્રીય રાજકારણમાં માન્યતા અપાવી દીધી છે, પણ એને શાસકીય માન્યતા અપાવવી મુશ્કેલ છે. ભારત રાજ્યસંઘની સ્થાપના અને એને માટેનું બંધારણ બાઉલ ઑફ સૅલડના તત્ત્વ પર આધારિત છે અને એ બદલવું મુશ્કેલ છે.
સમાજમાં ક્રિયા-પ્રતિક્રિયાની ઘટમાળ ચાલતી રહે છે, પણ પ્રતિક્રિયા ક્યારે ય ક્રિયાની જગ્યા ન લઈ શકે. નકારાત્મકતા રચનાત્મકતાની જગ્યા ન લઈ શકે. અંતિમ વિજય શરતરહિત રાષ્ટ્રવાદનો જ થવાનો છે. જ્યાં શરતી અને આગ્રહી રાષ્ટ્રવાદનો જન્મ થયો એ યુરોપના દેશો હવે કમિશન ઑન ધ ફ્યુચર ઑફ મલ્ટિ-કલ્ચરલ બ્રિટન જેવા અભ્યાસ-અહેવાલો તૈયાર કરાવે છે અને પ્રજાને બાઉલ ઑફ સૅલડનો સ્વીકાર કરવા માનસિક રીતે તૈયાર કરી રહ્યા છે. જ્યાં રાષ્ટ્રવાદનો જન્મ થયો એ દેશોની બે વિશ્વયુદ્ધ પછી સાન ઠેકાણે આવી છે અને યુરોપ સંઘની સ્થાપના કરી છે. આજે પાશ્ચાત્ય દેશો શરતરહિત બાઉલ ઑફ સૅલડ જેવા રાષ્ટ્રવાદની જરૂરિયાત અને ઉપયોગિતા સમજાવતી વખતે ભારતનું ઉદાહરણ આપે છે, જ્યારે ભારતમાં આજે ઘરઆંગણેનો પોતીકો રાષ્ટ્રવાદ છોડીને પરાયા અને આયાતી રાષ્ટ્રવાદ માટે આકર્ષણ વધી રહ્યું છે. નરેન્દ્ર મોદીનો ઉદય એ યુગપરિવર્તન જરૂર છે, પણ એ પ્રતિક્રિયારૂપ યુગપરિવર્તન છે.
વિનોબા કહે છે એમ માણસ સદૈવ આરોહણ જ કરે છે. ક્યારેક ઠેબું આવે અને માણસ પડતો દેખાય તો એને અપવાદ સમજવો.
http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj-01062014-24
સૌજન્ય : લેખકની ‘નો નૉન્સેન્સ’ નામે કટાર, “ગુજરાતી મિડ-ડે”, 01 જૂન 2014