મહેન્દ્રભાઈ મેઘાણી છેલ્લા ઘણા દાયકાથી વિચારવાહક તરીકે કાર્યરત છે. વિદ્વાનોના પોષક અને ઉપયોગી વિચારોને લોકગત કરવામાં મહેન્દ્રભાઈ માહેર છે. નાની પુસ્તિકાઓ મારફતે તેઓએ વિચારોને લોકો સુધી પહોંચાડી તેમના મનારોગ્યને નિરામયતા બક્ષવાનું એક મિશન ઉપાડ્યું છે. તેઓ મિશનરી અવશ્ય છે પણ મર્સિનરી નથી. ખૂબ જ વાંચતાં રહે છે અને અન્યોને એમના મંથન પહોંચાડતાં રહે છે.
તાજેતરમાં એમણે ‘ઝવેરચંદ મેઘાણીની વિચારકણિકા અને ઝવેરચંદ મેઘાણી : સ્મરણાંજલિ’ નામની ૩૨ પૃષ્ઠીય પુસ્તિકા પ્રગટ કરી છે. ત્રણ હજાર નકલ છાપી છે અને કિંમત માત્ર ૧૦ રૂપિયા રાખી છે. ખોડીદાસ પરમારનાં મુખપૃષ્ઠ અને છેલ્લા પૃષ્ઠ ઉપરનાં આવરણચિત્ર ઝવેરચંદ મેઘાણીના લોકસાહિત્યને પોષક છે.
મેઘાણી પ્રથમ તો સાહિત્યકાર છે, લોકસાહિત્યના આરૂઢ ઉપાસક પણ છે. એમનાં લખાણ મહદંશે, લોકપ્રયોગશાળામાં ચકાસાઈને ચળાઈને તૈયાર થયાં છે અને તેથી તેમનાં લખાણમાં એક તરફ સત્યનો રણકાર સંભળાય છે, તો બીજી બાજુ લોકસમસ્તને શું પ્રેય અને શ્રેય છે, તેની જાગૃત સૂઝ પણ એમાં વર્તાય છે. આ સૂઝ જ એમને ઇતિહાસ – લેખક બનાવે છે. કઈ વસ્તુ ચારિત્ર્યઘડતરમાં ઉપયોગી છે અને કઈ જ્ઞાનદીપક તરીકે ઉપયોગી છે, એમાંથી લોકોને કેવાં પ્રેરણા અને પ્રકાશ ઉપલબ્ધ થવાં જોઈએ, એ દૃષ્ટિ નજર સમક્ષ રાખી મેઘાણીએ ઇતિહાસમાં વૃત્તાંત આલેખ્યાં છે. (જુઓ રસેશ જમીનદાર, તવારીખ કિતાબોના લેખક મેઘાણી, મેઘાણી વિવેચનસંદોહ-૨, પૃષ્ઠ ૪૨૬થી ૪૩૧, અલબત્ત મૂળ આ લખાણ પ્રતિભા દવે સંપાદિત ‘રેલ્યો કસુંબીનો રંગ’, ૧૯૯૬માં પ્રગટ થયું હતું.)
પ્રસ્તુત પુસ્તિકામાં પ્રથમ પંદર પૃષ્ઠમાં ઝવેરચંદ મેઘાણીના સમગ્ર વિચારવૈભવના સોનેરી થાળમાંથી ચૂંટેલી વિચારકણિકા છે, તો શેષ પંદર પૃષ્ઠમાં ઝવેરચંદ વિશે સમકાલીન સાહિત્યકારોએ અભિવ્યક્ત કરેલાં મૂલ્યાંકનમાંથી થોડાક અંશ પ્રસ્તુત છે. સંપાદકનો મુખ્ય ઉદ્દેશ ‘મેઘાણીની પછીની પેઢીના લેખકોને, ભાષા અને સાહિત્યના અભ્યાસીઓને તેમાં રસ પડશે એવી આશા છે’ રહેલો છે. મહેન્દ્રભાઈનો હેતુ આ પુસ્તિકાના વાચનથી સફળ રહેલો ખસૂસ જણાય છે.
પ્રથમ સમકાલીન સાહિત્યજ્ઞોના મૂલ્યાંકનમાંથી થોડાંક વિધાનવાક્ય પ્રસ્તુત કરીશું :
એમણે કબર ખોદી કાઢીને મૈયતોને ઉઠાડ્યાં અને જિવાડ્યાં એમણે મસાણે માણસ જગાડ્યાં, હજારો પ્રેતોને કપડાં પહેરાવ્યાં. (દુલા ભાયા કાગ) ગાંધીજીએ લોકજીવનના વિશાળ ક્ષેત્રમાં જે કાર્ય કર્યું તે જ કાર્ય ભાઈ મેઘાણી સાહિત્યના ક્ષેત્રમાં આદરી ગયા. (પરમાનંદ કું. કાપડીઆ) લોકમાનસ, લોકજીવન અને લોકસાહિત્યની એકાગ્ર નિષ્ઠાથી ભક્તિ ઝવેરચંદ મેઘાણીનો જોટો હિંદુસ્તાનમાં મળવો મુશ્કેલ છે. (કાકા કાલેલકર) શહેરનો પવન ત્યાં ઘૂસ્યો છે, છતાંય આ અજ્ઞાન પ્રજામાં કળા, સૌંદર્ય વગેરે ઘણું ભર્યું છે. એ સાહિત્યની શોધખોળ પાછળ મેઘાણી ગાંડા હતા. (મો.ક. ગાંધી) એમના જીવનમાં પરમ પ્રસન્નતા દેખાતી. (ઉમાશંકર જોશી). નિરક્ષર જનતાના ગળામાં ડૂકી ગયેલી લોકવાણીને એમણે સજીવન કરી (મનસુખલાલ ઝવેરી). શ્રમની તલમાત્ર સૂગ નહીં, કોઈ કામનો સંકોચ નહીં. તસુભાર અન્યાયને સાંખી ન શકે એવો નિર્ભય મિજાજ (રસિક ઝવેરી). ગુલામીમાં સબડતી પ્રજાની વેદનાને હૈયાસોંસરી ઊતરી જાય એવી આર્તવાણીમાં ગુજરાત ખાતે કોઈએ ઉતારી હોય, તો તે એક મેઘાણીએ (ધીરુભાઈ ઠાકર). મેઘાણીભાઈ કુશળ બાજીગરની અદાથી વિરાટ જનમેદની ઉપર ભૂરકી પાથરી દેતા અને કંઠની મોરલીએ સભાઓને મણિધરની જેમ ડોલાવતા. (બાલમુકુંદ દવે). મેઘાણીને નારીવૃંદે આપ્યાં તાજાં ફૂલોની જેમ મઘમઘતા લોકગીતો. ખવાસણો, કાઠિયાણીઓ, વણિક ને બ્રાહ્મણ એમ અનેક કોમની સ્ત્રીઓએ ગીતોની છાબ છલકાવી દીધી. (મકરન્દ દવે) મહાત્મા ગાંધીએ ભણેલા લોકોને લોકાભિમુખ થવાને પ્રેર્યા. પણ મેઘાણીએ લોક શું છે તેને સજીવ કરી બતાવ્યું (મનુભાઈ પંચોળી). સૂતેલાને જગાડે અને જાગેલાને ગુલામીની શૃંખલાને તોડવા પ્રેરે તેવી બળબળતી વાણીમાં સ્વાતંત્ર્યની ઝાલર મેઘાણીએ એમની કવિતામાં વગાડી છે (ઉપેન્દ્ર પંડ્યા). મેઘાણી જનતાના લાડકવાયા સાક્ષર હતા (રામનારાયણ વિ. પાઠક). ગાંધીજી એટલે લોક, ન્હાનાલાલ એટલે સાહિત્ય, મેઘાણી એટલે લોકસાહિત્ય. આ ત્રણ મનુષ્યોએ ગુજરાતને જેટલો પ્રેમ આપ્યો છે, એટલો અન્ય કોઈ મનુષ્યે આપ્યો નથી. (નિરંજન ભગત). માહિતી-દાતાનું હૈયું ખોલવાની શક્તિમાં મેઘાણી અદ્વિતીય છે. વિશ્વાસ જગાડવાની એમનામાં શક્તિ છે (હસુ યાજ્ઞિક). ગુજરાતી સાહિત્યમાં ગદ્યમાં તથા પદ્યમાં આજપૂર્વે ન જોવામાં આવેલી એવી રંગમયતા, મીઠાસ અને વેગ મેઘાણી લઈ આવ્યા છે (સુન્દરમ્).
હવે મેઘાણીના કેટલાક વિચારમૌતિક જોઈએ :
જનતા મારી જનેતા બની. * શરીરને ઘડે, સ્વજનોને રાહત આપે, પૈસાનો દુર્વ્યય બચાવે, એવો ગૃહવ્યાયામ એ સર્વોપરિ વ્યાયામ છે. * તમારા ગામનો ઇતિહાસ તમારા છોકરાને તમે કદી શીખવ્યો છે ? * જન્મભૂમિ તો જીવે છે એના શૌર્યના ઇતિહાસમાં. * ક્યાં ગયા પેલા પુનિત દિવસો, જ્યારે હિંદુને આંગણે અક્કેક દુઝાણું બંધાતું ? * ચોરો માટીની ચાર દીવાલો ને છાપરું નથી. એના પરમાણુ-પરમાણુએ ગામનો ઇતિહાસ પડ્યો છે. * જે કાંઈ આપો તે તમારા ૧૦૦ ટકા શ્રમનું પરિણામ હોવું જોઈએ. પરિશ્રમ મને પ્રિય છે. * હું કંઈ વિદ્વાન નથી ! આવા બચાવોમાં છલ રહેલું છે. * એક વાત સર્વ ચંદ્રકો પરત્વે કહેવા જેવી છે. ચંદ્રક એની વિરલતાએ કરીને વધુ શોભે કે વિપુલતાએ ? ચંદ્રક તો એક ગૌરવચિહ્ન છે. ચંદ્રકો વધારવાથી સાહિત્યની પ્રગતિ વધારી શકાય તેવું નથી. * બુકસેલર તો પોતાના શહેરનો જ્ઞાનમાળી બની શકે છે. તે તો મોટો સાહિત્યસેવક છે. * જે ગામને પાદર નદી નથી એ ગ્રામ કુગ્રામ છે, એની મિસાલે જે ગામમાં સાહિત્યની સરિતાને આજીવન રાખનાર એક સારો બુકસેલર નથી તે ગામ કુગ્રામ છે. * કલમની પછવાડે પણ જોર છે અણથક ઉદ્યમનું. * લેખિની પોતાનું સ્થાન જે દિવસે કોશ-પાવડીની સંગાથે લેશે તે દિવસે સાહિત્યમાં પણ ચમકશે. * સાહિત્ય તો જીવનના વિશાળ ક્ષેત્રને પ્લાવિત કરી મૂકે.
અને છેલ્લે : સભાઓનાં પ્રમુખસ્થાનો, જાહેર ચર્ચાઓની વાંઝણી કડાકૂટ, મોખરે સ્થાન મેળવવાની મહત્ત્વાકાંક્ષા, બંધારણોના ઝઘડા – એ બધી સાહિત્ય તપોવન પર ત્રાટકનારી અપ્સરાઓનાં રૂપોમાં હું અંજાયો નથી. એને મેં સાહિત્યકારની તપશ્ચર્યાને ધૂળમાં મેળવનાર ગણી છે.
સરવાળે સમકાલીન સાહિત્યકારોનાં વિધાન અને ઝવેરચંદ મેઘાણીની સ્વયંની વિચારકણિકા પ્રસ્તુત કર્યા પછી અવલોકનકારને કશું કહેવાની જરૂર નથી. માત્ર મહેન્દ્રભાઈ મેઘાણીને અભિનંદન. આવી રીતે લોકભોગ્ય પુસ્તિકાઓથી ગુજરાતને રળિયાત રાખે તેવું નિરામય દીર્ઘાયુ ઈશ્વર તેમને બક્ષો.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉગસ્ટ 2015; પૃ. 16-17