ભારતસરકારના એક પ્રધાને સપ્ટેમ્બરમાં અખબારો અને ટીવીને સારો એવો મરીમસાલો પૂરો પાડ્યો હતો. નવાઈની વાત એ છે કે આ મંત્રીમહોદય મોદી સરકારના મહત્ત્વપૂર્ણ પ્રધાનોમાં સામેલ નથી. તેમણે સંસદમાં પહેલી વાર પ્રવેશ કર્યો છે. તેમની પાસે નાણાં, સંરક્ષણ, વિદેશ અને ગૃહ એમ ચાર મોટાં મંત્રાલયોમાંથી કોઈ મંત્રાલયની જવાબદારી નથી. તેઓ ઓછા મહત્ત્વપૂર્ણ એવા સાંસ્કૃિતક વિભાગની જવાબદારી સંભાળે છે. વળી, તેઓ ભાજપના મોટા નેતા પણ ગણાતા નથી. વાત છે મહેશ શર્માની.
મહેશ શર્મા સપ્ટેમ્બરમાં સમાચારો અને કટારલેખોમાં છવાયેલા રહ્યા. અખબારો અને ટીવીમાં મંત્રીમહોદય પ્રત્યાઘાતી અને વિદેશીઓ પ્રત્યે તીવ્ર અણગમો ધરાવતા હોય તેવું જણાય છે. તેમનું માનવું છે કે છોકરીઓએ ઘરની બહાર ન નીકળવું જોઈએ અને પત્નીનું સ્થાન ફક્ત રસોડામાં છે તેમ જ ભારતીય સંસ્કૃિતએ પાશ્ચાત્ય અસરોથી બચવું જોઈએ. તેઓ શાળાઓમાં રામાયણ અને ગીતાનો અભ્યાસ ફરજિયાત કરવાના હિમાયતી છે, પણ બાળકોને બાઇબલ અને કુરાન ન ભણાવવાં જોઈએ તેવું દૃઢપણે માને છે. વિશ્લેષકોનું કહેવું છે કે મહેશ શર્માનો વાણીવિલાસ હકીકતમાં સરકાર પર સંઘની વધતી જતી પકડને સૂચવે છે.
હું આ વિશ્લેષણ સાથે સંમત છું. મહેશ શર્માનાં વિધાનોમાં પ્રત્યાઘાતી અને પુરુષવાદી દૃષ્ટિકોણ સ્પષ્ટ દેખાય છે. પણ મારા માટે તેમના વિધાન કરતાં વધારે મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે એક વરિષ્ઠ પ્રધાન નિયમિતપણે આવો વાણીવિલાસ કરે છે અને વડાપ્રધાન તેમને રોકતા નથી. બધા જાણે છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રૂઢિચુસ્ત સંસ્થા છે અને તેની પૃષ્ઠભૂમિ ધરાવતા એક પ્રધાન સામે મજબૂત નેતા ગણાતા વડાપ્રધાન અત્યારે નબળા સાબિત થઈ રહ્યાં છે.
જ્યારે નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં સત્તાનાં સૂત્રો સંભાળ્યાં હતાં, ત્યારે તેઓ મજબૂત નેતા ગણાતા હતા અને તેમના પુરોગામીથી અલગ જણાતા હતા. મનમોહનસિંહ મિતભાષી હતા. તેમનો પોતાનો જનાધાર નહોતો. તેઓ મોટા ભાગે કૉંગ્રેસ અધ્યક્ષના આદેશોનું પાલન કરતા હતા. બીજી તરફ, નરેન્દ્ર મોદીએ ભાષણો અને કાર્યશૈલીમાં પોતે દૃઢ અને મજબૂત નેતા હોય તેવી છાપ ઊભી કરી હતી. તેમણે ગુજરાતમાં સતત ત્રણ વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો. ગુજરાતમાં પક્ષ અને સરકાર બંનેમાં મોદી જ સર્વેસર્વા હતા.
જે સંઘ ભાજપશાસિત અન્ય પ્રદેશોના મુખ્યમંત્રીઓને પોતાની કઠપૂતળી બનાવીને રાખતું હતું, તેની ચાવી પણ મોદીના હાથમાં આવી ગઈ હતી. લોકસભાની ચૂંટણીમાં આ બાબત વધારે સ્પષ્ટપણે જોવા મળી હતી. જે રીતે મોદીએ પહેલાં ભાજપમાં અને પછી વિપક્ષમાં પોતાના વિરોધીઓનાં સૂપડાં સાફ કરી નાંખ્યાં, તેને તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વનો પુરાવો માનવામાં આવી. ટીકાકારો અને પ્રશંસકો એક વાત પર સંમત હતા કે વર્ષ ૧૯૭૧માં ઇન્દિરા ગાંધી પછી કોઈ પણ નેતાનો કોઈ ચૂંટણીમાં આટલો બધો પ્રભાવ જોવા મળ્યો હતો. જ્યારે લોકસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો, ત્યારે તેમના ટીકાકારો અને પ્રશંસકો બીજી એક બાબત પર પણ સંમત હતા કે મનમોહન સિંહની સરખામણીમાં મોદીની કાર્યશૈલી વધારે કેન્દ્રિત અને મજબૂત હશે. પ્રશંસકો વિચારતા હતા કે ’ગુજરાત કા શેર’ વહીવટ પર પોતાની અમીટ છાપ છોડશે અને સુસ્ત નોકરીશાહીમાં નવો પ્રાણ ફૂંકશે. તો ટીકાકારોને ડર હતો કે તેઓ સરમુખત્યાર જેવા બની જશે અને ઇન્દિરા ગાંધીની જેમ પ્રેસ અને વિરોધીઓને દબાવી દેશે.
તેમના શાસનના શરૂઆત દિવસોમાં દિલ્હીમાં એવી હવા ઊભી કરવામાં આવી હતી કે મોદીથી તેમના પ્રધાનો ડરે છે. એક પ્રધાનને વિદેશમાં તેમના પુત્રના દીક્ષાંત સમારંભમાં જવાની મંજૂરી ન મળી અને એક પ્રધાનને રજાના દિવસોમાં કેવો પોશાક પહેરવાનો છે, તેના આદેશ આપવામાં આવ્યા, તેવા કિસ્સાઓ ઠેરઠેર સાંભળવા મળતા હતા. દિલ્હી અફવાઓનું શહેર છે. અહીંની તાસીર જ એવી છે કે ભાતભાતની કલ્પનાઓને પાંખો તરત મળી જાય છે અને આ કિસ્સાઓ પણ આવી જ કપોળકલ્પનાઓ હોય તેવું બની શકે છે. આવા કિસ્સાઓ સતત સંભળાતા હતા. એટલે લોકો માનતા હતા કે વડાપ્રધાન પોતાના સાથીદારોને નિયંત્રણમાં રાખી શકે છે.
મે ૨૦૧૪માં એક વરિષ્ઠ ટેક્નોલોજિસ્ટ અને સરકારમાં વિવિધ ઉચ્ચ હોદ્દાઓ પર કામ કરી ચૂકેલી એક વ્યક્તિએ તેમની ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે મને જણાવ્યું હતું કે મનમોહન સિંહના શાસનમાં સત્તાનું કોઈ કેન્દ્ર નહોતું અને દરેક પ્રધાન મનસ્વીપણે વર્તતા હતા, પણ નરેન્દ્ર મોદીના શાસનમાં વધુ પડતું કેન્દ્રીકરણ થશે અને પ્રધાનોને સ્વતંત્ર રીતે કામ કરવાની છૂટ નહીં મળે. હવે ૧૬ મહિના પછી આ જ સજ્જન મને આશ્ચર્ય સાથે જણાવે છે કે નરેન્દ્ર મોદીની સરકાર પણ મનમોહન સિંહની સરકાર જેટલી જ દિશાહીન છે. મોદીરાજમાં પણ પ્રધાનો મનસ્વીપણે વર્તે છે, તેમનું ધાર્યું જ કરે છે અને સરકારી અધિકારીઓને અગાઉની જેમ લીલાલહેર છે. યુપીએ સરકારમાં વિવાદાસ્પદ વિધાનો કરતા મોટા ભાગના પ્રધાનો વિદેશમાં કે સેન્ટ સ્ટિફન્સમાં ભણેલા હતા, જ્યારે મોદીરાજમાં વાણીવિલાસ કરતા મોટા ભાગના પ્રધાનો સંઘની નજીક છે, જેમ કે રાજનાથસિંહ અને મહેશ શર્મા.
અહીં પ્રશ્ર એ છે કે યુપીએ સરકાર અને મોદીરાજમાં વડાપ્રધાનને ક્ષોભજનક સ્થિતિમાં મુકાવું પડે તેવાં વિધાનો કરવાનું સાહસ પ્રધાનો શા માટે કરે છે? મને લાગે છે કે બંને સરકારના પ્રધાનોને ખબર છે કે તેમને અટકાવવામાં નહીં આવે. વળી, નરેન્દ્ર મોદીના દોઢ વર્ષના શાસનમાં સ્પષ્ટ દેખાય છે કે તેઓ ઘણી બાબતે મનમોહન સિંહ સાથે સમાનતા ધરાવે છે. પોતાના શાસનનાં શરૂઆતનાં વર્ષોમાં મનમોહન સિંહે વહીવટી સુધારણા પંચ અને નૉલેજ કમિશનની રચના જેવાં મોટાં પગલાં લીધાં હતાં પણ કેટલાક મુદ્દે તેમના પ્રધાનોએ વિરોધ કરતા મનમોહન સિંહ ’મૌનમોહન સિંહ’ બની ગયા હતા અને પીછેહઠ કરી હતી. તેમની જેમ જ નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ગાદી પર બેઠા પછી જોરશોરથી ’સ્વચ્છ ભારત અભિયાન’ અને ’બેટી બચાવો, બેટી પઢાવો’ જેવા કાર્યક્રમોની જાહેરાત કરી હતી. પણ અત્યારે ડૅન્ગ્યુનો આતંક જે રીતે ફેલાયો છે, તેના પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે આ મોરચે ખરેખર કેટલી કામગીરી થઈ છે.
નરેન્દ્ર મોદી અન્ય એક બાબતે પણ મનમોહન સિંહ સાથે સમાનતા ધરાવે છે. બંનેને વિદેશમાં ફરવું ગમે છે. મોદીએ વડાપ્રધાન બન્યા પછી અત્યાર સુધી ૨૫ દેશોનો પ્રવાસ ખેડ્યો છે. ભારતના વડાપ્રધાને વિશ્વના અન્ય દેશોના નેતાઓ સાથે સંપર્કમાં રહેવું જોઈએ અને વિદેશનીતિની દૃષ્ટિએ તે લાભદાયક બાબત છે. પણ મોદી અને મનમોહન સિંહના વિદેશના પ્રવાસો પરથી એવું લાગે છે કે તેમની પ્રાથમિકતા પોતાના દેશમાં સુશાસન સ્થાપિત કરવાની નથી. કદાચ મનમોહન સિંહની જેમ મોદીને પણ વિદેશમાં પોતાના અહંકારને તુષ્ટ કરવાની તક મળે છે, જે તેમને હવે દેશમાં મળતી નથી. જેમ જ્યૉર્જ બુશ અને ઓબામાની પ્રશંસાથી મનમોહન સિંહ ખુશ થતા હતા, તેમ મોદી બિનનિવાસી ભારતીયોની વાહવાહી લૂંટીને પોતે સૌથી લોકપ્રિય નેતા હોવાના ભ્રમને પોષી શકે છે.
નરેન્દ્ર મોદી તેમના પુરોગામી મનમોહન સિંહથી એક બાબતે અલગ છે. મનમોહન સિંહ બહુ સારા વક્તા નહોતા, જ્યારે મોદી પોતાની વાક્પટુતાથી જનતાને મંત્રમુગ્ધ કરી શકે છે. મનમોહન સિંહ પોતાના જ્ઞાનથી ફક્ત વિદેશી નેતાઓને પ્રભાવિત કરી શકતા હતા. આ જ કારણે કૉંગ્રેસના ચૂંટણી-કાર્યક્રમોમાં મનમોહન સિંહની ખાસ ભૂમિકા નહોતી, પણ મોદી ભાજપનું મોટું આકર્ષણ છે. એટલે જ તેમણે વડાપ્રધાન બન્યા પછી મહારાષ્ટ્ર, હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં સ્ટાર-પ્રચારક ભૂમિકા અદા કરી હતી, અને અત્યારે બિહારમાં તેઓ જ ભાજપને ચહેરો છે.
છેલ્લે, વડાપ્રધાન બન્યા પછી મોદીએ વિદેશમાં પસાર કરેલા સમયને અન્ય રાજ્યોની ચૂંટણીની રેલીઓમાં પસાર કરેલા સમય સાથે જોડી દેવામાં આવે, તો સ્પષ્ટ છે કે મનમોહન સિંહ કરતાં નરેન્દ્ર મોદી વધારે સમય દિલ્હીમાંથી ગાયબ રહ્યા છે. તેઓ દિલ્હીમાં ઓછો સમય રહે છે, એટલે તેઓ તેમના પ્રધાનોની કથનીકરણી પર નજર કેવી રીતે રાખી શકે? આ સ્થિતિમાં તેમની સરકાર દિશાહીન છે, તેની નવાઈ ન લાગવી જોઈએ. આપણે જાણીએ છીએ કે મનમોહન સિંહ ઓછું બોલતા હતા અને તેનાથી પણ ઓછું કામ કરતા હતા. હવે આપણને ધીમે-ધીમે સમજાય છે કે નરેન્દ્ર મોદી બહુ બોલે છે, પણ કામકાજ એટલું જ ઓછું કરે છે.
[કોલકાતાથી પ્રસિદ્ધ થતા અગ્રણી અંગ્રેજી દૈનિક અખબાર ’ધ ટેલિગ્રાફ’માં ૦૩ ઑક્ટોબરના રોજ પ્રકાશિત થયેલા લેખનો તરજુમો, કેયૂર કોટક]
સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2015; પૃ. 09-10