Opinion Magazine
Number of visits: 9978884
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અસાધારણ સિદ્ધિઓ કે સામાન્ય સવલતો?: સપનાં બુલેટ ટ્રેઇનનાં છે, પણ મોત મેનહોલમાં મળે છે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|5 July 2026

મોટી સિદ્ધિઓની ઉજવણી વચ્ચે તૂટેલા ફૂટપાથ અને ખુલ્લા મેનહોલ વચ્ચે જીવનારાં (કે મરનારાં) નાગરિકોને ભૂલી જઇએ ત્યાં પ્રશ્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે સરકારોનો નહીં સામૂહિક વિવેકનો છે.

ચિરંતના ભટ્ટ

મુંબઈમાં ગયા અઠવાડિયે એક માણસ ખુલ્લા મેનહોલમાં પડ્યો અને ગરકાવ થઇ ગયો. ચેમ્બુરમાં ઝાડ પડવાથી એક છોકરાનો જીવ ગયો. મુંબ્રા અને ડોમ્બીવલીમાં ખુલ્લા કેબલ અને ગટરના કારણે બે જણા કરંટ લાગવાથી મોતને ભેટ્યાં. એ પહેલાં ખુદ મેયર જ્યારે વરસાદી કામગીરીની તપાસ કરતા હતા, ત્યારે તેમની પાછળ જ એક કર્મચારી ગટરના ખુલ્લા ઢાંકણામાં પડ્યો! આ અરાજકતા છે, અંધાધૂંધી છે. દુનિયાની આર્થિક રાજધાની ગણાતા શહેરમાં આવી ઘટનાઓ ગણતરીના દિવસોમાં થઇ હોવા છતાં કોઈ નાટ્યાત્મક ફેરફાર ન આવ્યા. કટોકટી માટે કોઈ સત્ર ન ભરાયું. બી.એમ.સી.માં એક કમિટી બની ગઈ અને અઠવાડિયું હંમેશાંની માફક આગળ વધી ગયું.

વાત માત્ર મુંબઈની નથી. આસામમાં દર વર્ષે સરકારી કૅલેન્ડરની ચોકસાઈની જેમ પૂર આવે છે. ગામો ડૂબે છે, રાહત જાહેર થાય છે, ફોટોગ્રાફ લેવાય છે અને નવેમ્બર સુધીમાં આસામ ભૂલાઈ જાય છે, આવતા જૂનમાં રિપીટ થવા માટે. ગુજરાત, સૌરાષ્ટ્ર, ચેન્નઈ, બૅંગાલુરુ, દિલ્હી સુધ્ધાં; નામો બદલાય છે, પૅટર્ન નથી બદલાતી. ગણતરીના કલાકોના વરસાદમાં શહેરો ભાંગી પડે છે, રસ્તાઓ નદી બની જાય છે અને સોશ્યલ મીડિયા પર તરતી કારોના વીડિયોને લાખો વ્યૂઝ મળે છે, પણ જવાબદારીના મામલે કોઈનું અલ્ગોરિધમ મચક નથી આપતું.

વરસાદ અટકે એટલે આક્રોશ પાણી સાથે વહી જાય છે અને આપણે ધીરજથી આવતા વર્ષની રાહ જોઇએ છીએ. આપણે ગર્વથી આને ‘રેઝિલિયન્સ’ કે ‘કેઓસમાં જીવવાની આદત’ કહીએ છીએ, પણ ખરેખર તો આપણને જે અસ્વીકાર્ય હોય તેને સ્વીકારવાની રાષ્ટ્રીય આદત પડી ગઈ છે.

જરા સરખા વરસાદમાં શહેરો ધમરોળાઈ રહ્યાં હતાં, લોકો મોતનો કોળિયો બની રહ્યા હતાં ત્યારે આપણું ધ્યાન હતું સોશ્યલ મીડિયા યૂઝરનેમ પૉલિસી પર. વૉટ્સએપ ડિબેટ સંસદીય મુદ્દો બની ગઈ. બ્યુટિફિકેશન કે ડેકોરેશન બહુ જ જરૂરી છે એવો આભાસ ખડો કરવામાં આપણે અસાધારણ રીતે કુશળ બની ગયાં છીએ. માળખાકીય સમસ્યાઓને આપણે બેકગ્રાઉન્ડ નોઇસ માની લઇએ છીએ. અઠવાડિયાનો આક્રોશ આવે છે, ટોચ પર પહોંચે છે અને બસ પતી જાય છે. ચોમાસાના લયમાં અને એટલી જ ગંભીરતા સાથે. મેનહોલ ટ્રેન્ડ નથી કરતા, બસ માણસને ગળી જાય છે. 

અકાળે મોત પામેલા આ લોકોના સમાચાર સાંભળી આપણે નિસાસા નાખીએ છીએ. બીજો મુદ્દો શું છે? રામ મંદિર આપણે બહુ હોહા કરીને બાંધ્યું. સભ્યતા, સંસ્કૃતિ, ગૌરવ એવી બધી વાતો કરી અને એવું છે પણ ખરું. અબજો રૂપિયા ભેગા થયા અંતે હૂંડી લૂંટાઈ ગઈ. આપણે જે મુદ્દાની વાત કરવાની છે આજે તેને ધર્મશાસ્ત્ર સાથે કોઈ લેવાદેવા નથી, પણ મોટા પાયે ઘોંઘાટ કરતો બધા જ પ્રકારનો પ્રતીકવાદ આપણે એક દેશ તરીકે ક્યાં ઊભા છીએ તેના પ્રામાણિક સમીકરણમાં કોઈ સ્થાન નથી ધરાવતો. આપણે ભવ્યતા ખડી કરવા સક્ષમ છીએ, પ્રતિષ્ઠા, ભક્તિ બધું જ છે પણ પછી સ્મારક છે, હૂંડી ગાયબ છે. ગટર ઊભરાય છે અને મેનહોલ ખુલ્લો રહે છે.

સાડાચાર હજાર વર્ષ પહેલાં, વગર ટેક્નોલૉજીએ હડપ્પીય સભ્યતાને જે જાહેર વ્યવસ્થા સમજાતી હતી તે આપણે ચૂકી ગયાં છીએ. સભ્યતાઓનું મૂલ્ય તેની ભવ્ય મહત્ત્વાકાંક્ષાથી નહીં, પણ કપરા સમયમાં તેમણે બનાવેલું શું ટકી ગયું તેનાથી વર્તાય છે. આપણે સ્મારકોથી મોહિત થયાં અને ગટરો ભૂલી ગયાં.

આ બધી બાબતો પર સામાન્ય પ્રતિક્રિયા સરકારને દોષ આપવાની હોય છે. અને સરકારો એટલે પછી તે મહાનગરપાલિકાની હોય, રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર, દરેક પોતાની જવાબદારીના હિસ્સા જેટલી ટીકા લાયક તો છે જ. પાંચ વર્ષ ટકે તેવા રસ્તાઓ પાંચ મહિનામાં તૂટી પડે છે અને અધિકારીઓ એ.સી. ચેમ્બરમાં બેઠા બેઠા નાળાઓની તપાસના અહેવાલો પર સહી કરે છે. પણ અહીં કોઈ એક ખલનાયક નથી, વાત આખી માનસિકતાની છે. પોતાના ફાયદા માટે કોઈ બિલ્ડર નાળું પુરાવી દે, આસપાસ રહેનારા બાલ્કનીમાંથી પ્લાસ્ટિક ફેંકી સ્ટોર્મ ડ્રેન બ્લોક કરી દે અને કોર્પોરેટ કેમ્પસની બહારના તૂટેલા ફૂટપાથની જવાબદારી કોઈ ન લે. ‘ચલતા હૈ’નો અભિગમ એ આપણી નાગરિક સંસ્કૃતિની ઑપરેટિંગ સિસ્ટમ બની ગઈ છે, જે માત્ર એ વ્યક્તિ માટે કામ નથી કરતી જે મેનહોલમાં પડીને મોતનો કોળિયો બની ગઈ.

આપણે એક દેશ તરીકે વિશેષ પ્રકારનો માનસિક વિરોધાભાસ સાધી લીધો છે. જી.ડી.પી.માં જર્મની, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં સિલિકોન વેલી અને સ્પેસમાં ઇસરો સાથે સરખામણી કરતું આપણું રાષ્ટ્ર, જ્યારે પોતાના જ ઘર બહારના ખાડા કે તૂટેલા ફૂટપાથ વિશે પૂછવામાં આવે ત્યારે અચાનક “વસ્તી બહુ વધારે છે” જેવા બહાનાઓ કાઢવા માંડે છે. એક દેશ વૈશ્વિક શક્તિઓની હરોળમાં સ્થાન માંગે અને સાથે જ શાંતિથી એ પણ સ્વીકારી લે કે તેના નાગરિકોએ રસ્તો પાર કરતી વખતે જીવ બચાવવા કરતબ બતાવવા પડશે, આ બંને વિરોધાભાસી વાતો લાંબો સમય ન ચાલી શકે.

આપણે સતત ‘Ease of Doing Business’ વિશે વાત કરીએ છીએ, કદાચ હવે ‘Ease of Living’ની માંગ કરવાનો સમય આવી ગયો છે. વિકસિત દેશ એ નથી જ્યાં અબજ ડૉલરની કંપનીઓ હોય પણ સામાન્ય નાગરિકો તૂટેલા ફૂટપાથ અને ટ્રાફિક જંક્શન વચ્ચે જીવ હથેળીમાં રાખીને જીવતા હોય. આપણે અસાધારણ સિદ્ધિઓની ઉજવણી કરીએ છીએ, સૌથી લાંબો એક્સપ્રેસવે, સૌથી ઊંચી પ્રતિમા. પરંતુ કોઈ રાજકારણી એવા પ્રચાર સાથે ચૂંટણી નથી લડતો કે “મારા કાર્યકાળ દરમિયાન શહેરના દરેક મેનહોલને ઢાંકવામાં આવ્યું હતું.”

છતાં ય સત્યો એ છે કે આ ન દેખાતી, આકર્ષક ન લાગતી અને મોટી ઉજવણીને લાયક નથી એવી સામાન્ય કાર્યક્ષમતા, દોડતાં રહી કામ કરતાં રહેતાં શહેરો અને માત્ર સપનાં જોતાં શહેરોની વચ્ચેનો મોટો તફાવત છે. વિશ્વનું શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો એ છે જેની કોઈ નોંધ નથી લેતું, કારણ કે તે બસ અવરોધ વગર પોતાનું કામ કરતું રહે છે. તે ચાલે છે, અટકતું નથી અને અવરોધ નથી બનતું.

બાય ધી વેઃ

વિકસિત રાષ્ટ્ર રોજેરોજ અસાધારણ દિવસોનું પ્રોમિસ નથી આપતું, તે સામાન્ય દિવસો પર ભરોસો કરી શકાશે તેની ખાતરી આપે છે—કે વરસાદ પડશે પણ વૉટરલોગિંગ નહીં થાય, ફૂટપાથ પર ચાલી શકાશે, મેનહોલ ખુલ્લાં નહીં હોય. આ શાંઘાઇ કે ચીન બનવાનાં સપનાં નથી આ ઓછામાં ઓછી અપેક્ષાઓ છે. આપણે સતત અસાધારણ સિદ્ધિઓનો પીછો કરીએ છીએ પણ નાનામાં નાની સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ જઇએ છીએ. દર ચોમાસે ગરકાવ થઇ જતાં શહેરો માટે વરસાદ સમસ્યા નથી. તે ક્યારે ય નહોતી. વરસાદ તો વર્ષમાં એક વાર આવતી મોસમ છે જ્યારે વાસ્તવિકતાને ન તો સંભાળી શકાય છે ન તો તેને કોઇ સ્પિન આપી શકાય છે કે ન ટ્રેન્ડિંગ વિષયોથી ઢાંકી શકાય છે. આ મોસમમાં ખુલ્લા મેનહોલ અવગણવા શક્ય નથી કારણ કે કોઇના મોતના સમાચાર આપણે વાંચ્યા હોય છે. વર્ષના બાકીના મહિનાઓમાં આપણી નિયત પ્રાથમકિતાઓ નકારી શકાય તેવી નથી રહેતી. કોઈ રાષ્ટ્રનું મૂલ્ય તે સામાન્ય દિવસોમાં કેવા જોખમો સાથે જીવતા શીખી જાય છે તેના પરથી નક્કી થાય છે અને માટે જ સામાન્ય દિવસે ગોઝારા ન બને તેની સહિયારી જવાબદારી લેવાનો સમય ક્યારનો ય પાકી ગયો છે. કદાચ સમસ્યા વરસાદ નથી. કદાચ સમસ્યા એ છે કે આપણે દર વર્ષે વરસાદ પહેલાં બદલાવની રાહ જોઈએ છીએ અને વરસાદ પછી ભૂલી જઈએ છીએ.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 05 જુલાઈ 2026

Loading

5 July 2026 Vipool Kalyani
← મેઘ આગમન

Search by

Opinion

  • મેઘ આગમન
  • ચલ મન મુંબઈ નગરી—348
  • ઇંધણના ભાવ ગમે એટલા ઘટે, સરકાર ભાવ ઘટાડવાની નથી –
  • નાતજાતકોમનો  ભેદભાવ  એક પા : જેન ઝી, જંતરમંતર જગન બીજી પા
  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved