સૂર્ય ઉપાસના
પદયાત્રી : સૂર્ય ઉપાસનાનું તમારું અવલંબન શું ? સૂર્ય અંગેની વૈદિક કલ્પના કે સૂર્ય અંગેનું વૈજ્ઞાનિક સંશોધન ?
વિનોબા : આ કહેવું મુશ્કેલ છે, જો મારા માટે વ્યક્તિગત સવાલ હોય તો; કેમ કે મેં વૈદિક અધ્યયન પણ ઘણું કર્યું છે અને વિજ્ઞાન વિશે પણ મારી બહુ પ્રીતિ છે. પણ હું તો સૂર્યની ઉપાસના કરતો જ નથી. જેમ ઘડિયાળને સામે રાખીને ઉપાસના થાય નહીં તેવી રીતે ઊગતા સૂર્યને નજર સામે રાખીને ઉપાસના કરીએ તો ઉપાસના ન થાય. હું તો જે ઉપાસના કરું છું તે તો આત્મ-સૂર્યની કરું છું. એને માટે વેદમાં નાનકડો મંત્ર છે :
सूर्य आत्मा जगतस्तु चक्षु:।
સૂર્ય એ સ્થાવર-જંગમનો આત્મા છે. આત્માનું નામ સૂર્ય છે; તો એવી રીતે સૂર્ય પર પણ આત્માની ભાવના કરી શકાય. કુરાનમાં એક વાક્ય લખ્યું છે. તેમાં એક વિશેષ શ્રદ્ધા પ્રગટ થાય છે. તે જ મારી શ્રદ્ધા છે કે તમે જો ઈશ્વરની ઉપાસના કરવા માગતા હો તો તેની જ ઉપાસના કરો. સૂર્ય, ચંદ્ર એ બધાને પરમેશ્વરે ઉત્પન્ન કર્યા છે, તેની ઉપાસના ન કરો, પણ જેણે આ બધી વસ્તુ પેદા કરી છે તેની ઉપાસના કરો. એટલે કે કર્તાની ઉપાસના કરો, કર્મની નહીં. હું એમ જ માનું છું પણ જ્યારે સૂર્યોદય થાય છે ત્યારે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિમાં નિઃસંશય પ્રાણસંચાર થાય છે. એમાં જેને અનુભવ હોય તે કબૂલ કરી શકે, પણ જેને અનુભવ ન હોય તે પણ કલ્પનાથી સમજી શકે છે. એટલે મને તો સૂર્યોદયનો સમય બહુ મહત્ત્વનો લાગે છે.
અમે જ્યારે જેલમાં હતા ત્યારે અમારો ઘણો સમય આનંદદાયી ચર્ચામાં જતો હતો, ખાસ કરીને મારો સમય તો બહુ આનંદમાં વ્યતીત થતો હતો. જ્યારે કેટલાકને તો આશા-નિરાશા અને દુઃખનાં અનેક કારણો મળતાં હતાં. પરંતુ મને એવું કશું થતું નહોતું, જે કંઈ થતું તે મને સુખમય જ લાગતું. એક દિવસ જેલરે આવીને મને પૂછ્યું કે તમારું જીવન તો બહુ સુખમાં છે, તમને કોઈ દુઃખ હોય તેવું દેખાતું નથી. ત્યારે મેં કહ્યું કે દુઃખ દેખાતું તો નથી પણ છે ખરું; તો સાત દિવસ તમે વિચાર કરીને શોધી કાઢો. તો સાત દિવસ પછી એ પાછો આવ્યો અને કહેવા લાગ્યો કે હું તો તમને કોઈ પણ દુઃખમાં જોતો નથી. ત્યારે મેં કહ્યું કે સવારના પહોરમાં અને સાંજે મને સૂર્યનું દર્શન નથી થતું તે મારું દુઃખ છે. પણ તે દુઃખ મટાડવાનો ઉપાય જેલમાં નહોતો.
તો, સૂર્યદર્શન એ બહુ જ ઉત્સાહદાયક દર્શન છે; અને એ નિમિત્તે ઈશ્વરની ઉપાસના કરીએ તો તે સારું છે. મને સૂર્ય જેટલું સ્ફૂિર્તદાયક મંદિર, આશ્રમ કે કાબા કે કંઈક બીજું સ્થાન નથી લાગતું. એ એટલું મોટું ને મહાન સ્ફૂિર્ત-સ્થાન છે. એને ઈશ્વરનું પ્રતીક સમજીને પરમેશ્વરની ઉપાસના કરીએ તો સારું છે.
પદયાત્રી : ચિંતન સાથે સૂર્ય-ઉપાસનાનો શો સંબંધ છે ?
વિનોબા : મારી એવી ધારણા છે કે સૂર્ય અને આપણી વચ્ચે એક સંબંધ છે. ઉપનિષદમાં પણ એક વાક્ય આવે છે કે સૂર્યકિરણ નાડી મારફત હૃદયમાં પહોંચે છે, અને સૂર્ય અને હૃદયની વચ્ચે એક રસ્તો બનેલો છે, અને ત્યાંથી અહીં અને અહીંથી ત્યાં આવી-જઈ શકાય છે. જેમ સૂર્યકિરણ હૃદયમાં આવે છે તેમ હૃદયથી સૂર્ય સુધી પહોંચી શકાય છે. એવો હૃદય અને સૂર્ય વચ્ચેનો એક ધોરી રસ્તો તૈયાર થયો છે. મને તો એવો અનુભવ થયો છે. સૂર્યનું જ એવું થાય છે તેમ નહીં, તારાઓ વિશે પણ મને એવો જ અનુભવ થાય છે.
અત્યાર સુધી હું આગ્રહપૂર્વક ખુલ્લા આકાશમાં સૂતો હતો. વરસાદમાં થોડા વખત માટે અંદર ચાલ્યો જાઉં, પણ ઘણી વાર તો ઓઢીને બહાર જ પડ્યો રહું. ઘણી વાર તો ખબર જ ન પડે કે વરસાદ પડે છે. સવારે ઊઠું ત્યારે ખબર પડે કે ઓઢવાનું ભીંજાઈ ગયું છે. આમ, રાતનું આકાશદર્શન કરીએ તો તારકો અને આપણી વચ્ચે કંઈક રસ્તો બનેલો છે એવો ભાસ થાય.
– નવાવાસ તા. ૪/૧/૫૯
પદયાત્રી : હૃદય એ કરુણા અને પ્રેમનું સ્થાન છે, તો સત્યનું સ્થાન કયું ?
વિનોબા : હૃદય એ કરુણા અને પ્રેમનું અંદરનું સ્થાન છે, પણ બહાર તો કરુણા અને પ્રેમનું સ્થાન સૃષ્ટિ જ છે. તેનું પ્રતિબિંબ હૃદયમાં પડે છે.
તેવી રીતે સત્ય પણ સૃષ્ટિમાં છવાયેલું છે. અને તેનું પ્રતિબિંબ પણ એ જ હૃદયમાં પડે છે, જેમાં કરુણા અને પ્રેમનું પડે છે. જેમ પ્રેમ અને કરુણા માટે, તેમ સત્ય માટે પણ. બહાર અને અંદર એક જ સ્થાન છે. બહારનું આખું વિશ્વ અને અંદર હૃદય, એ સત્ય-પ્રેમ અને કરુણા માટેનાં સ્થાન છે.
પદયાત્રી : આપણી પદયાત્રામાં (સૂર્યોદય સમયે) આ જે પ્રાર્થના ગવાય છે, તે સમજાવશો ?-
सत्येन लभ्यस्तपसा ह्येष आत्मा
सम्यग् ज्ञानेन ब्रह्मचर्येण नित्यम् ।
अंत:शरीरे ज्योतिर्मयो हि शुभ्रो यं
पश्यन्ति यतय: क्षीणदोषा: ।।
सत्यमेव जयते नानृतम
सत्येन पंथा विदतो देवयान: ।
येनाक्रमन्ति ऋषयो ह्याप्तकामा
यत्र तत् सत्यस्य परमं निधानम् ।।
વિનોબા : આ મંત્ર એક બહુ ગંભીર મંત્ર છે. એ મુંડકોપનિષદ્નો મંત્ર છે. (૩ઃ૧ઃ૫-૬) અને મૂળ સૂર્યની ઉપાસના માટે નથી કહેવાયો. પણ હું એનો ઉપયોગ સૂર્ય-ચિંતન માટે કરું છું. ह्येष आत्मा – હૃદયમાં જે આત્મા છે તે પણ સૂર્ય છે અને આ જે સૂર્ય છે તે પણ આત્મા છે. જેમ બહાર સૂર્ય-જ્યોતિ છે, તેમ અંદર સત્ય-જ્યોતિ છે. એ બંને જ્યોતિની ઉપાસના આપણા પૂર્વજો કરતા હતા. એક બાજુ સૂર્ય-પ્રતીક અને બીજી બાજુ આત્મ-પ્રતીક ! આવો અર્થ કરીને સૂર્યોપાસના કરીએ તો સત્યની પ્રાપ્તિ સુલભ થાય.
પહેલું સાધન : સત્ય
આ મંત્રમાં આત્માની પ્રાપ્તિ માટે ચાર સાધનો મૂક્યાં છે. તેમાં સૌથી પહેલું મૂક્યું છે તે સત્ય. તે બહુ મહત્ત્વનું છે. બંગાળમાં અને અહીં ગુજરાતમાં પણ, એક વ્યાખ્યાનમાં મેં કહેલું કે એક બાજુ આખું નીતિશાસ્ત્ર હોય અને બીજી બાજુ કેવળ સત્ય હોય તો બંનેની તુલના કરતાં સત્યનું પલ્લું જ વધુ વજનદાર ઠરે. એટલે સત્ય સૌથી શ્રેષ્ઠ નીતિધર્મ છે. બીજા બધા નીતિધર્મો સત્યની સરખામણીમાં ગૌણ છે. એ અર્થમાં સત્યને અહીં પહેલું સ્થાન આપ્યું છે. ખાસ કરીને આત્મપ્રાપ્તિ માટે સત્ય બહુ મહત્ત્વનું છે. સત્ય એટલે કેવળ વાણીનું સત્ય નહીં, પણ મનસા-વાચા-કર્મણા સત્ય. મનુષ્યનું જીવન જો સત્ય પર ઊભું રહે તો જ આત્માનું દર્શન થાય.
બીજું સાધન : તપ
બીજું સાધન તપનું બતાવ્યું છે. સત્યને સમજવા માટે જે મહેનત કરવી પડે તે તપ જ કહેવાય. ખાસ કરીને જો ઇન્દ્રિયો ઉપર કાબૂ મેળવાય તો તેની મારફત સત્ય સુધી પહોંચી શકાય અને તો એ બહુ સરળ થઈ શકે. પણ જો ઇન્દ્રિયો ઉપર કાબૂ ન હોય અને તેના વશમાં આપણે હોઈએ તો આપણી સ્થિતિ પેલા ઘોડેસવાર જેવી થાય, જેના હાથમાં લગામ નથી. તપસમાં મુખ્યત્વે ઇન્દ્રિય ઉપરનો કાબૂ આવે. તે ઉપરાંત સત્યપ્રાપ્તિ માટે જે પ્રયોગ કરવા પડે તે પણ તપસમાં આવે. મનુષ્યને કલ્પના તો ઘણી આવે, ને તેનાથી એને અંદરથી સ્ફૂિર્ત પણ મળતી રહે. પરંતુ તે કલ્પના ખરી છે કે ખોટી તે સમજવા માટે તો પ્રયોગો કરી જોવા પડે. અને તેમાં જે તકલીફ પડે છે તે તપસ્ છે. તો સત્યના પ્રયોગો કરવા અને તેને અંગે ઇન્દ્રિયો ઉપર કાબૂ રાખવો એ બે ક્રિયા તે તપ છે.
ત્રીજું સાધન : સમ્યગ્ જ્ઞાન
ત્રીજું સાધન સમ્યગ્ જ્ઞાનનું. આત્માના સ્વરૂપનું આકલન કરવા માટે યોગ્ય બુદ્ધિ હોવી જોઈએ. યોગ્ય બુદ્ધિ એટલે અનાસક્ત બુદ્ધિ. જેમાં પૂર્વગ્રહો ન હોય એવી બુદ્ધિ, તે સમ્યગ્ જ્ઞાન કરાવી શકે. પૂર્વગ્રહરહિત બુદ્ધિથી જ આત્માનું દર્શન થાય.
ચોથું સાધન : બ્રહ્મચર્ય
ચોથું સાધન બ્રહ્મચર્યનું બતાવ્યું છે. અહીં બ્રહ્મચર્ય અને તપસ્ અલગ પાડ્યાં છે. એટલે બ્રહ્મચર્યમાં મુખ્યત્વે અધ્યયન, ચિંતન, મનન વગેરે સમજવું જોઈએ, કેમ કે જો તપને અલગ ન રાખ્યું હોત તો બ્રહ્મચર્યમાં તપ આવી જ જાત, પણ તપને અલગ રાખ્યું છે એટલે બ્રહ્મચર્યમાં બ્રહ્મનું ચિંતન, મનન, અધ્યયન વગેરે જે કરવું પડે તે સમજવું જોઈએ.
આ રીતે सत्य એક નૈતિક મૂળ તત્ત્વ થયું, અને तमस् એટલે તેને માટે પ્રયોગો કરવા પડે તેની તૈયારી થઈ. सम्यग् ज्ञान એટલે કે બુદ્ધિની સૂક્ષ્મતા અને તટસ્થતા. અને બ્રહ્મચર્ય એટલે કે નિરંતર અધ્યયન, સતત ચિંતન વગેરે. આ બધું જો હોય તો આત્મદર્શન થાય.
अंत: शरीरे ज्योतिर्मयो हि शुभ्रो – જેવી રીતે બહાર સૂર્યનારાયણનો ઉદય થાય છે, તેવી રીતે અંદર પણ સૂર્યનારાયણ છે. જેમ બહારનો સૂર્ય વાદળથી ઢંકાઈ જાય તો તેનું દર્શન ન થાય, તેવી રીતે હૃદય પર જો પડદા આવી જાય, તો અંદર જે જ્યોતિ છે તેનું દર્શન ન થાય. અંદર જે સૂર્ય છે તે અત્યંત જ્યોતિર્મય છે, એટલે જેમ સૂર્યમાં સ્વયંભૂ પ્રકાશ છે તેમ આમાં સ્વયંભૂ જ્ઞાનપ્રકાશ છે અને એ પ્રકાશ શુભ્ર છે.
यं पश्यन्ति यतय: क्षीणदोष: । યતિ એટલે કે યત્નવાન સંન્યાસી. એનો સરળ અર્થ યત્ન કરનારો એટલો થાય. સાધકો જ્યારે ક્ષીણ દોષવાળા થાય છે, એમના દોષો ઘસાઈ જાય છે, ત્યારે એ લોકો એનું દર્શન કરે છે. એટલે જ્યાં સુધી દોષો છે ત્યાં સુધી આવરણ છે. એ દોષો જો જાય તો દર્શન થાય. એના દર્શન માટે દોષ-નિરસન એ ઉત્તમ ઉપાય છે. તેને માટે ચાર સાધનો બતાવ્યાં. એનો ઉપયોગ કરીને જો દોષ ક્ષીણ થાય તો અંદર જે સૂર્ય છે તેનું દર્શન થાય.
सत्यमेव जयते । न अनृतम – આ બંને વાક્ય જુદાં દેખાય છે, પણ હકીકતમાં તે એક જ છે. એક બાજુ કહે છે સત્યનો જ જય થાય છે. અને બીજી બાજુ કહે છે કે અનૃતનો કદી જય થતો નથી. વળી ઉપર જે સાધનો બતાવ્યાં તેમાં સત્યને પ્રધાન બતાવ્યું. તો આ રીતે એમાં સત્ય પર જ બધો ભાર મૂક્યો છે.
सत्येन पंथा विततो देवयान: – દેવના દર્શનનો માર્ગ સત્યથી જ પથરાયેલો છે. देवयान: એટલે કે દેવ તરફ જવાનો માર્ગ. મતલબ કે પરમેશ્વર સુધી પહોંચવાનો માર્ગ સત્યથી જ બનેલો છે.
येनाक्रमन्ति ऋषयो व्याप्तकामा: । જેઓ નિષ્કામ ઋષિ છે અને જેમની કામનાઓ પરિપૂર્ણ થઈ છે તેવા ઋષિઓને आप्तकाम કહ્યા છે. અને ઋષિ છે. એટલે સત્યનું દર્શન કરી રહ્યા છે. અને તેઓ ક્યાં પહોંચે છે? यत्र तत् सत्यस्य परमं निधानम । પણ દર્શન કરીને પછી તેઓ જ્યાં પહોંચે છે તે સ્થાન પણ સત્યનું પરમધામ છે, છેલ્લો મુકામ છે. ત્યાં પહોંચવાનો રસ્તો પણ સત્ય છે. અને એની ઝાંખી થઈ હોવાથી એમના પગ ઊપડે છે, તે દર્શન પણ સત્યનું જ છે. આ રીતે ચાલવાનું સાધન તે પણ સત્ય, ચાલવાનો રસ્તો તે પણ સત્ય, અને જ્યાં પહોંચવું છે તે મુકામ પણ સત્ય. આ બંને મંત્રો મળીને આવો અર્થ થાય છે.
યાત્રિક : બાબા, આત્માનું સ્વરૂપ કેવું હોય ? ….. આત્મ-સાક્ષાત્કાર કેવી રીતે થાય ?
વિનોબા : આત્મા કોઈ પદાર્થ નથી કે જેથી એની કોઈ એક નિશ્ચિત વ્યાખ્યા થઈ શકે. જુદાં જુદાં સ્વરૂપ હોય છે, અને આત્મદર્શનના માર્ગો પણ અનેકવિધ હોય છે. બાળકને માટે શરીર એ એનો આત્મા છે; કારણ કે એ શારીરિક રીતે જીવે છે. એનું શારીરિક સુખ એ જ એનું આત્મિક સુખ હોય છે. પછી થોડું મોટું થતાં તે મનોમય થઈ જાય છે, મનની ઇચ્છા પર ચાલે છે. પછી આગળ વિકાસ થતાં પોતાનો દરેક વ્યવહાર બુદ્ધિથી કરતો થાય છે. બુદ્ધિની પરિપક્વતા અને સ્થિરતાને કારણે તે શરીર અને આત્માના ભેદને સમજવા માંડે છે. એમ ઉત્તરોત્તર આત્મદર્શનની શક્તિ મેળવતો થાય છે.
પ્રશ્ન : આજના યુગમાં મોક્ષપ્રાપ્તિનું સૌથી સહેલું સાધન કયું ?
વિનોબા : મોક્ષ પ્રાપ્તિનું સૌથી સહેલું સાધન સમાજસેવા છે. આપણે સમાજના ખૂબ જ ઋણી છીએ. સમાજસેવા એ કાંઈ સમાજ ઉપર ઉપકાર નથી. જે સમાજ પાસેથી આપણે ભરીભરીને મેળવ્યું છે, તે સમાજના ઋણમુક્ત થવાનો આપણો પ્રયાસ છે એમ સમજવું જોઈએ. એ આપણો સહજ ધર્મ છે. ગ્રામસફાઈ, શ્રમ વગેરે કરીને, દિલમાં સમાજ માટે પ્રેમ અને કરુણા રાખીને, સહકાર અને પરિવારભાવના રાખીને, સાથે મળીને સેવા કરશું, કામ કરશું, તો ગીતાના ૧૧મા અધ્યાયમાં કૃષ્ણના હજારો હાથપગવાળા ગ્રામેશ્વરનાં દર્શન થશે.
સંકલિત
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 16 ડિસેમ્બર 2016; પૃ. 01-03