
મદન મોહનન ગોયેલ
પ્રોફેસર મદન મોહન ગોએલ Needonomics School of Thoughtના પ્રણેતા છે. તેઓ કુરુક્ષેત્ર યુનિવર્સિટીના ત્રણ વખત વાઇસ ચાન્સેલર પદે સેવા બજાવી ચુક્યા છે. અનેક રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં 46 વર્ષના શિક્ષણ અને 17 વર્ષના વહીવટી ક્ષેત્રમાં ઉચ્ચ પદ ભોગવનાર મદન મોહન ગોએલને અનેક માન અકરામ મળ્યા છે, તેમાંનું એક યુનિવર્સલ પીસ ફેડરેશન તરફથી ‘એમ્બેસેડર ફોર પીસ’નો ઇલકાબ એનાયત કરવામાં આવ્યો છે એ ઉલ્લેખનીય છે.
મદન મોહન ગોએલના નામે 524 જેટલાં પ્રકાશનો બોલે છે અને 50થી વધુ સંશોધનકર્તાઓને તેમણે માર્ગદર્શન પૂરું પાડ્યું છે. શિક્ષણ, આર્થિક અને સામાજિક વ્યવસ્થાની નીતિ લોકોની જરૂરિયાતને આધારે ઘડાય અને તેનો અમલ પણ એ સિદ્ધાંતને અનુસરીને કઈ રીતે કરી શકાય તે વિશે અલગ અલગ વક્તવ્યો અને લેખો દ્વારા તેઓ યુવા વર્ગને પ્રેરણા પૂરી પાડતા રહે છે.
આજે મદન મોહન ગોએલના એક લેખનો અનુવાદ તેમની અનુમતિ સાથે અહીં પ્રસ્તુત કરું છું.
− આશા બૂચ
•
કુરુક્ષેત્ર સ્થિત નીડોનોમિક્સ સ્કૂલ ઓફ થોટ્સ સાથે સંલગ્ન નિષ્ણાતોનું જૂથ નૈતિક મૂલ્યોને ધ્યાનમાં રાખીને રાખેલા સંયમ, સ્વ-શિસ્ત, નૈતિક વર્તન અને ફરજોના પાલનથી જીવન દોરવવાવું જોઈએ નહીં કે અમર્યાદિત એષણાઓ, આકર્ષણો અને લોભામણી વસ્તુઓથી એ વિચાર પર ભાર મૂકે છે. એ “નીડો-લાઈફ સ્ટાઇલ” એટલે કે “જરૂરિયાત આધારિત જીવન પદ્ધતિ”ની ભલામણ કરે છે જેનાં મૂળ સચ્ચાઈ, મનની સમતુલા અને સચેત જીવનમાં પડેલાં છે. આ પ્રણાલીના જીવનમાં સાચી પ્રગતિ માત્ર ભૌતિક વસ્તુઓના સંગ્રહ પરથી નથી માપવામાં આવતી, પરંતુ માનવીના ચારિત્ર્ય, શાંતિમય સહઅસ્તિત્વ અને નૈતિક મર્યાદાઓની અંદર જીવાતા શિસ્તબદ્ધ જીવનથી મપાય છે.
‘સચ્ચાઈનો માર્ગ’ કે ‘સીમાંકિત માર્ગ’ જેવા શબ્દ પ્રયોગો નીડોનોમિક્સના હાર્દને સુંદર રીતે દર્શાવે છે. માનવ જીવન ત્યારે સુંદર બને છે જ્યારે વ્યક્તિ પોતે પોતાની નૈતિક મર્યાદાઓની અંદર રહીને વર્તે છે, સામાજિક જવાબદારીઓ નિભાવે છે અને આંતરિક શિસ્તનું પાલન કરે છે. આવી શિસ્ત ભય કે દબાવ કરીને બહારથી નથી લાદવામાં આવતી, પરંતુ શાણપણનો આધાર લઈને જાગૃત મનથી સ્વના અંતરમાં જ શિસ્ત નીપજે છે. આથી જ તો નીડોનોમિક્સ ‘બાહ્ય આકર્ષણ વિહોણી આંતરિક શિસ્ત’ને પ્રોત્સાહન આપે છે.
આ તાત્ત્વિક વિચારને કઠોપનિષદમાં સબળ ટેકો મળી રહે છે. તેમાં યમ રાજા સત્ય શોધક નચિકેતાને શ્રેય (જે આપણા માટે લાભદાયી છે) અને પ્રેય (જે આપણને પ્રિય લાગે છે, મનભાવન ભાસે છે) વચ્ચેનો તફાવત સમજાવે છે. આ વાર્તાલાપ ભારતીય જ્ઞાન અને વિદ્વત્તાની પરંપરામાં માનવીની એ બે વિકલ્પો વચ્ચેની પસંદગી અને નૈતિક જીવનનું ગહન ચિંતન દર્શાવે છે.
પ્રેય : આકર્ષક, પણ અલ્પજીવી માર્ગ
પ્રેય તાત્કાલિક મોજ મજાનું દ્યોતક, સુખ સગવડ પૂરું પાડનારું, ઇન્દ્રિયોને સંતોષ આપનારું, અહમ્ને પોષનારું અને ભૌતિક વસ્તુઓમાંથી નિપજતા આનંદ તરફ ખેંચનારું હોય છે. એ માનવ મનને આકર્ષે છે કેમ કે ક્ષણવારમાં આનંદ અને ભાવનાત્મક ઉત્તેજના પૂરા પાડે છે. મૂલ્યોની જાળવણી વિના પ્રાપ્ત કરેલ ધન સંપત્તિ, જવાબદારીના ભાન વિના ભોગવવામાં આવતી સત્તા, સ્વયં શિસ્ત વિના કરવાના આવતો ઉપભોગ અને નૈતિકતા વિના પ્રાપ્ત કરેલી સફળતા એ પ્રેયના દાયરામાં આવે છે.
આધુનિક ગ્રાહકવાદ મહદ્દ અંશે પ્રેય પ્રત્યેના આકર્ષણ ઉપર જ નભે છે. તેમાં માનવ જાતને સતત બાહ્ય સિદ્ધિઓ, એશ આરામના સાધનો, એકબીજાની તુલના અને અંતહીન ઇચ્છાઓને સંતોષવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. આ બધું જ અલ્પ સમય માટે સુખનો અનુભવ કરાવી શકે, પણ તે મોટે ભાગે માનસિક તનાવ, અસંતોષ, સ્પર્ધા અને ઊર્મિનો ખાલીપો પેદા કરતા હોય છે. પ્રેય તરફનું વધુ પડતું ખેંચાણ વ્યક્તિની આંતરિક શિસ્તને નબળી પાડે છે અને તેને પોતાના જીવનના મૂળભૂત હેતુથી દૂર ફેંકી દે છે. નીડોનોમિક્સ સ્કૂલ ઓફ થોટ્સ ચેતવણી આપે છે કે અમર્યાદ ઇચ્છાઓ માનવીને લોભ અને નકલ કરવાની આદતના કેદી બનાવી દે છે. તેનું પરિણામ સામાજિક સંઘર્ષ, પર્યાવરણમાં અસમતુલા, માનસિક તનાવ, લાંચ-રૂશ્વત અને માનવીય મૂલ્યોના હ્રાસમાં આવે છે.
શ્રેયઃ અનંત કલ્યાણનો માર્ગ
સામા પક્ષે જોઈએ તો શ્રેય મૂળભૂત રીતે કલ્યાણકારી, શાણપણ ભર્યો, નૈતિક ફરજથી દોરવાયેલ, આત્મજ્ઞાનથી ભરપૂર અને આંતરિક શાંતિનો માર્ગ આપણી સામે ધરે છે. શરૂઆતમાં આ પથ પર ચાલવું કઠિન લાગે કેમ કે તેમાં ધૈર્ય, ભોગ આપવાની તૈયારી, શિસ્ત અને સ્વ નિયંત્રણની જરૂર પડે છે. પરંતુ કડવી દવાની માફક એ આપણા સ્વાસ્થ્યને દુરસ્ત કરે છે. આખરે શ્રેય આપણને એકબીજા સાથે કાયમી સહમતી, પરસ્પર સંવાદિતા અને વ્યક્તિગત મુક્તિ તરફ લઇ જાય છે.
શાણો માણસ (ધીર) બંને માર્ગનું કાળજીથી પરીક્ષણ કરે છે અને એ શ્રેયની પસંદગી કરે છે. એવી વ્યક્તિ સમજે છે કે કાયમી શાંતિ બાહ્ય આકર્ષક વસ્તુઓના અમર્યાદિત ઉપભોગમાંથી નથી પેદા થતી હોતી. સાચો સંતોષ પોતાની લાલસાઓ પર વિજય મેળવવામાંથી, સાદગી ભર્યું જીવન જીવવાથી, અર્થ યુક્ત સંબંધોમાંથી, નીતિ યુક્ત કાર્ય પદ્ધતિમાંથી અને આધ્યાત્મિક જાગૃતિમાંથી ઉદ્ભવતી હોય છે.
નીડોનોમિક્સ સ્વાભાવિક રીતે જ શ્રેયના તત્ત્વજ્ઞાન સાથે અનુબંધ ધરાવે છે. એ કહે છે કે માનવીની જરૂરિયાતોને સીમા હોય છે, પરંતુ લોભ અસીમ હોય છે. આથી હવે સમાજે ‘લોભ સંચાલિત અર્થવ્યવસ્થા’થી દૂર થઈને ‘જરૂરિયાત આધારિત અર્થવ્યવસ્થા’ તરફ આગળ વધવું જોઈએ. આપણું લક્ષ્ય જીવનનો ત્યાગ કરવાનું નથી, પણ આપણી ઇચ્છાઓ અને વાસનાઓને શાણપણ અને નૈતિક સભાનતાથી સંયમમાં રાખવાનું છે.
નીડોનોમિક્સની કાર્યપદ્ધતિનું માળખું અને વ્યવસ્થા
શ્રેય અને પ્રેય વચ્ચેનો મુખ્ય તફાવત તેની વ્યવસ્થા પદ્ધતિ અને નેતૃત્વમાં છે. આધુનિક વ્યવસ્થાતંત્ર મહદ્દ અંશે નફો, તંત્રનો વધતો વ્યાપ, સ્પર્ધા અને ઉપભોગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આવું વ્યવસ્થાતંત્ર ટૂંકા ગાળા માટે લાભદાયક સાબિત થઇ શકતું હોય છે, પણ લાંબે ગાળે સમાજનો તેના પ્રત્યે વિશ્વાસ નબળો પડે, નોકરિયાતોની સુખાકારી જોખમાય, નૈતિક ધોરણો નીચાં ઉતરે અને પર્યાવરણની જાળવણી જોખમાય એ શક્ય છે. નીડોનોમિક્સનું માળખું વ્યવસ્થાતંત્રની વ્યાખ્યા આ રીતે કરે છે : વ્યવસ્થાતંત્રનો અર્થ છે, કાર્યક્ષમતા અને નૈતિકતા વચ્ચે સંતુલન રાખવું, પ્રગતિની સાથે સારી ગુણવત્તા જાળવી રાખવી અને સફળતાની સાથે સામાજિક જવાબદારી સંકળાયેલી રાખવી. સાચો વહાવસ્થાપક માત્ર સંસાધનોને નિયંત્રણમાં રાખનારો જ નથી હોતો, પરંતુ એ માનવીની ગરિમા અને સમાજના સામૂહિક હિતનો રખેવાળ પણ હોય છે.
શ્રેય થી પ્રેરિત વ્યવસ્થાતંત્ર નીચે મુજબના મુદ્દાઓને પ્રોત્સાહન આપે છે :
- નીતિમત્તાને કેન્દ્રમાં રાખીને નિર્ણયો લેવા
- જવાબદાર નેતૃત્વ વિકસાવવું
- ટકાઉ વિકાસની નીતિ અપનાવવી
- કામના સ્થળે કરુણાસભર વર્તનની સંસ્કૃતિ હોવી ઘટે
- વિશ્વાસ આધારિત સંબંધો જાળવવા
- માનવતાના રક્ષણ સાથે શિસ્તનું પાલન કરવું અને કરાવવું
- ટૂંકા ગાળાના પ્રલોભનને સ્થાને લાંબા ગાળાના હિતનો વિચાર કરવાની નીતિ અપનાવવી
બીજી બાજુ જોઈએ તો માત્ર પ્રેયથી સંચાલિત વ્યવસ્થાતંત્ર શોષણ, કુશળતાનો કંપની કે સંગઠનના હિત માટે જ ઉપયોગ કરવો, તંદુરસ્ત ન કહી શકાય તેવી સ્પર્ધામાં ઉતરવું અને નફો કરવાની અદમ્ય ઇચ્છાથી ગ્રસિત મનોદશાના ભોગ બનવા જેવી સ્થિતિમાં ફસાઈ જતા હોય છે.
આથી જ નીડોનોમિક્સ સ્કૂલ ઓફ થોટ્સ સંસ્થાઓ, સંગઠનો અને વ્યક્તિઓને પોતાની નીતિના ઘડતરમાં, નેતૃત્વમાં, શિક્ષણમાં અને આર્થિક વ્યવસ્થાતંત્રમાં શ્રેયનો માર્ગ લેવા માટે પ્રોત્સાહન આપે છે. આવો અભિગમ માત્ર આર્થિક સમૃદ્ધિ જ નથી અપાવતો, પરંતુ એ સામાજિક સુસંવાદિતા અને આધ્યાત્મિક સંતોષ પણ પેદા કરે છે.
સમાપન
કઠોપનિષદમાં દર્શાવેલ કાલાતીત શાણપણ ભર્યા કથન વર્તમાન માનવીય સમાજ માટે પણ માર્ગદર્શક બની રહે છે. દરરોજ માનવી શ્રેય અને પ્રેયના ચારરસ્તા પર આવીને ઊભો રહેતો હોય છે. એક માર્ગ તાત્કાલિક પ્રલોભન આપે છે, પણ એ સંતોષ અલ્પજીવી હોય છે; જ્યારે બીજો માર્ગ શિસ્તની અપેક્ષા રાખે છે, પણ કાયમી શાંતિ આપે છે. નીડોનોમિક્સ સ્કૂલ ઓફ થોટ્સ માનવજાતને યાદ અપાવે છે કે અનંત કાળ સુધી ટકી રહે તેવું સુખ સીમા વિહીન ઉપભોગમાંથી નથી મળતું, પણ સદ્દવર્તન, નૈતિક મર્યાદામા રહીને જીવેલા જીવન, આંતરિક શિસ્ત અને ખરેખર જરૂરિયાત હોય તેટલી જ વસ્તુઓને સંતોષવાથી ખરું સુખ પ્રાપ્ત થાય છે. પ્રેય ને બદલે શ્રેય પસંદ કરવાથી વ્યક્તિ અને સમાજ શાંતિ, સંતુલન, ગરિમા અને શ્રેષ્ઠત્વ આધારિત સંસ્કૃતિ તરફ ગતિ કરી શકે.
ટૂંકમાં કહીએ તો નીડોનોમિક્સ એ માત્ર આર્થિક વિચારધારા નથી; એ શાણપણ, સંયમ અને નૈતિક જાગૃતિથી દોરવાયેલી જીવનની માર્ગદર્શિકા છે.
e.mail : 71abuch@gmail.com
![]()

