અમૃતલાલ શેઠ / લેખક – વર્ષા દાસ : નવી દિલ્હી, નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા : ૧ આવૃત્તિ, ૨૦૧૨ : ૮ + ૭૪ પાનાં, સચિત્ર : રૂ. ૫૫
એક જમાનામાં ‘સૌરાષ્ટ્રના સિંહ’ તરીકે વિખ્યાત થયેલા અમૃતલાલ શેઠે કાઠિયાવાડમાં એક પ્રખર પત્રકાર અને સત્યાગ્રહી તરીકેની જ્વલંત કારકિર્દી દ્વારા ઘણા લોકોને પ્રેરણા આપી હતી. દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં એવા ઘણા લડવૈયાઓ હતા જેમના પ્રદાન અંગે એમના પ્રદેશની બહારના લોકો બહુ જાણતા નથી હોતા. આવા લોકોને અમૃતલાલ શેઠના જીવન અને કાર્યની માહિતી મળે તે માટે એક પુસ્તક એમનાં દૌહિત્રી અને આપણાં જાણીતાં લેખિકા વર્ષા દાસે અંગ્રેજીમાં લખ્યું હતું. તેનો આ ગુજરાતી અનુવાદ પણ તેમણે પોતે જ કર્યો છે.
પ્રાસ્તાવિક અને સંદર્ભ ગ્રંથ સૂચિ ઉપરાંત પુસ્તકમાં કુલ ૧૮ પ્રકરણ છે. પહેલા બે પ્રકરણમાં અમૃતલાલભાઈનાં કુટુંબ, બાળપણ, શરૂઆતમાં કરેલી વકીલાત વગેરેની વિગતો આપી છે. બે વરસ પછી ઓગસ્ટની ૨૫મી તારીખે જેમના જન્મને ૧૨૫ વર્ષ થશે તે ૧૮૯૧માં જન્મેલા અમૃતલાલભાઈએ ૧૯૨૧ના ઓક્ટોબરની બીજી તારીખે રાણપુરથી ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિકનો આરંભ કર્યો. દેશી રાજ્યોમાં રૈયતને જે અત્યાચારો સહન કરવા પડતા હતા તેને વાચા આપવા માટે મુખ્યત્વે આ છાપું શરૂ થયું હતું, પણ ગાંધીજીની આઝાદી માટેની લડતને પણ તેનો પૂરો ટેકો હતો. નીડરતા, આજે જેને ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કહીએ છીએ તેનો ઉપયોગ, આગ ઝરતી ભાષા-શૈલી, વગેરેને કારણે ‘સૌરાષ્ટ્ર’ જોતજોતામાં લોકપ્રિય થઇ ગયું. અમૃતલાલભાઈની લેખન શૈલીમાં સાહિત્ય, દેશભક્તિ, અને ઉત્તેજનાનો સમન્વય હતો. કાકાસાહેબ કાલેલકર એ શૈલીને ‘સૌરાષ્ટ્ર શૈલી’ કહેતા. તેઓ કહેતા કે આ શૈલીમાં અતિશયતાનો રંગ હોય છે, ભાષામાંથી તણખા ઝરતા હોય છે, અને પડકારો ઝીલવાના તથા કરવાના હોય છે. સર્વાંશે એ શૈલીમાં લડાયક ખમીર વહેતું હોય છે.
ગાંધીજીની રાણપુરની મુલાકાત, દેશી રાજ્યોના રાજવીઓની તુમાખીભરી વર્તણુક, ધોલેરા સત્યાગ્રહ, અમૃતલાલભાઈની ધરપકડ અને શરતી છુટકારો, ગોળમેજી પરિષદ અંગે લંડનની મુલાકાત, વગેરેની વાત કર્યા પછી બારમાં પ્રકરણમાં લેખિકા અમૃતલાલભાઈએ મુંબઈમાં શરૂ કરેલા જન્મભૂમિ વર્તમાન પત્રોની જન્મકથા આપી છે. ‘સૌરાષ્ટ્ર’ના કેટલાક સાથીઓ સાથે મતભેદ થતાં અમૃતલાલભાઈએ ૧૯૩૪ના જૂનની નવમી તારીખે સાંજના દૈનિક ‘જન્મભૂમિ’ની શરૂઆત કરી. જાપાન અને બર્મામાં તેમણે કરેલાં સાહસિક કાર્યો, જૂનાગઢની આરઝી હકૂમતમાં લીધેલો આગળ પડતો ભાગ, અને અન્ય સાહસોની વાત કર્યા પછી છેલ્લા પ્રકરણમાં જીવનના અંતિમ દિવસોની વાત કરી છે. ૧૯૫૪ના જુલાઈની ૩૦મી તારીખે અમૃતલાલભાઈનું અવસાન થયું. અમૃતલાલ શેઠે પોતાના જીવન અને સમય વિષે અખબારોમાં ઘણું લખ્યું હતું, પણ કમનસીબે એ બધું કાળજીથી સચવાયું નથી. પરંતુ કેટલાંક ગુજરાતી પુસ્તકોમાંથી લેખિકાએ શક્ય તેટલી માહિતી મેળવીને આ પુસ્તક તૈયાર કર્યું છે. પોતે અમૃતલાલભાઈનાં વંશજ હોવા છતાં ક્યાં ય તેમનાં વધુ પડતાં ગુણગાન ગાયાં નથી, અને એક સારા ચરિત્રકારની જેમ તટસ્થતા જાળવી છે. આથી પુસ્તક માહિતીપ્રદ ઉપરાંત શ્રદ્ધેય પણ બન્યું છે.
સૌજન્ય : ‘બુકમાર્ક’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની આરાધના’, “ગુજરાતમિત્ર”, 25 અૉગસ્ટ 2014