મહાભારતમાં આ સૂત્ર વાંચવા મળશે જેનો અર્થ છે, તમે ધર્મની રક્ષા કરો, તો ધર્મ તમારી રક્ષા કરશે. એટલે કે આ વાયદો પરસ્પરનો પરસ્પરને માટે છે. એમાં વન વે નથી. આપણે ધર્મે કંડારેલી પગદંડી પર ચાલીશું તો એ આપણને ધોરી માર્ગ પર થઈને જીવન સંપૂર્ણ કરવાનું બળ આપશે. દરેક વ્યક્તિ અને સમાજ આખાએ પોતે જેની પાસેથી રક્ષણની અપેક્ષા રાખી છે તેની જાળવણી કરવાની પોતાની ફરજ સમજીને નિભાવી ત્યાં સુધી બંનેનું હિત જળવાયું. અધર્મી વ્યક્તિ કે ધર્મચ્યુત પ્રજાનું કોઈ ધર્મ આપોઆપ રક્ષણ કરે એવી અપેક્ષા રાખવાનું આ સૂત્રમાં નથી કહ્યું.
છેલ્લા કેટલાક દાયકાઓથી જે ધર્મે માનવ જાતનું રક્ષણ કર્યું, તેના પ્રતિપાલનમાં ચૂક આવી છે. માનવ પોતે પોતાના ધર્મનું પાલન નથી કરતો અને ધર્મના નામે અધાર્મિક કૃત્યો કરીને પછી ધર્મ સંસ્થાઓ તથા રાજ્ય પાસેથી પોતાના રક્ષણની માંગણી કરે છે.
એવે ટાણે વિચાર આવે કે ધર્મએ આપણને શું શું આપ્યું? પ્રથમ ફાયદો માનવ જગતને નૈતિક મૂલ્યોની પ્રાપ્તિ થઈ એ છે. આમ જોવા જઈએ તો નીતિમત્તા એ કદાચ આધુનિક સંગઠિત ધર્મની વિભાવના કરતાં ઘણી જૂની માર્ગદર્શિકા છે, પરંતુ ધર્મના સંસ્થાપન બાદ નૈતિક મૂલ્યોને વધુ પ્રગટપણે એક ચોક્કસ સ્થાન પ્રાપ્ત થયું એમ કહી શકાય. એટલે દરેક ધર્મના અનુયાયીઓને પોતપોતાના ધાર્મિક ઉપદેશો, વાર્તા-કથાનકો અને પ્રાર્થના-ભક્તિગીતો દ્વારા નીતિમત્તાના ધોરણોની મંજૂષા મળે છે એમ સ્વીકારી શકાય. ધર્મનું બીજું પ્રદાન એ છે કે તે કોઈ ચોક્કસ માનવ સમૂહને સંગઠિત કરવામાં પણ કારણભૂત છે જે તેનું એક ઉત્તમ પાસું છે. જે તે ધર્મના અનુયાયીઓ એક બીજાના હિતમાં સાથે મળીને કામ કરે અને જરૂર પડયે સંકટ સમયે મદદ કરવા હાજર રહે એમ એક માનવીય પાસું ખીલે અને પોષાય છે તે નફામાં.
ધર્મના અનુસરણથી થતો ત્રીજો મહત્ત્વનો ફાળો એ થયો કે આપણને અનેકાનેક સુંદર પૂજગૃહો મળ્યા. દરેક ધર્મને પોતાની એક આગવી પૂજા-પ્રાર્થના-ઇબાદતની ખાસિયત હોય છે. તો એને માટે બાંધવામાં આવતા ગિરજાઘર, સિનેગોગ, મંદિર અને મસ્જિદ એક અભૂતપૂર્વ સ્થાપત્ય અને કલાના નમૂના પૂરા પાડે છે. એ મકાનોના બાંધકામમાં ગણિત, વિજ્ઞાન, શિલ્પ-સ્થાપત્ય અને ચિત્ર કલાઓનો સુભગ સંયોગ થાય છે. ઈશ્વરાભિમુખ બનવા એ સ્થાનોની સ્વચ્છતા અને શુચિતા જળવાઈ રહેતી હોય છે અને પૂજા, પ્રાર્થના કરતી વખતે તથા ઉપદેશાત્મક પ્રવચનો કરવાને સમયે એક વિશિષ્ટ શિષ્ટાચાર અને શિસ્તનું પાલન થતું હોય છે જે કોઈ પણ માનવ સમૂહ માટે કેળવવા જેવો ગુણ છે.
ચોથું અને આસ્તિક કે નાસ્તિક સહુને સ્પર્શી જાય તેવું ધર્મનું પ્રદાન હોય તો સંગીત-નૃત્ય જેવી લલિત કલાઓને પોષવાની તેની ક્ષમતા. મસ્જિદ પરથી પોકારાતી બાંગ સાંભળો, ગુરુદ્વારામાં ગવાતાં શબદના શબ્દો ઝીલો, ગીર્જાઘરમાં શિસ્તબદ્ધ રીતે ઘૂંટાઈને આવતા હિમ્સના સુરો સાંભળો કે મંદિરોની ઝાલરના રણકારે લલાકારાતા ભજનોની મસ્તી માણો; સાંભળનારને સંગીતના જાદુનો સ્પર્શ કરાવ્યા વિના ન રહે. ગોડ, અલ્લાહ અને ઈશ્વરને યાદ કરવાની કે તેના ગુણગાન ગાવાની રીત જો આવી રસીલી ન હોત, લોક ક્યારનું ય તેનાથી વિમુખ થઈ ગયું ન હોત, ભલા ? જે જે ધર્મમાં ભક્તિ સંપ્રદાય ફૂલ્યો ફાલ્યો, તે તે પ્રજાને ધર્મના ઓઠા હેઠળ નૃત્ય અને નાટ્ય કળા વિકસાવવાની તકો પણ મળી. પુરાતન કાળમાં રાજાઓ અને આધુનિક સમયમાં રાજ્ય કે અન્ય દાનેશ્વરીઓના ટેકાથી આ તમામ કલાઓ વિકસી અને નભી છે તે શેં ભૂલાય? રામ કથા ભજવાતી હોય કે કબીરનાં ભજનો ગવાતાં હોય, ધર્મને નામે અભિનય શક્તિ અને સુર-તાલની કાબેલિયતનો પરચો કરાવવાની તક મળે એ કંઈ ઓછો લાભ કહેવાય?
ધાર્મિક દ્રષ્ટિએ પવિત્ર ગણાતાં સ્થળોની યાત્રા કરવાનું મહત્ત્વ દુનિયાના મુખ્ય મુખ્ય ધર્મોમાં લગભગ સરખું ગણવામાં આવે છે જેને પરિણામે લોકોમાં ભાવનાત્મક એકતા પેદા થાય છે. એ ધર્મનું પાંચમું પ્રદાન માની શકાય. મોટા ભાગનાં યાત્રાધામો પર્વત ઉપર, રણમાં, અતિ ઠંડા પ્રદેશમાં, કોઈ ઊંડી ખીણમાં, ગુફામાં કે માનવ વસતિથી અતિ દૂર એવા સપાટ મેદાનમાં રચવા પાછળ લોકો થોડી સાહસિકતા કેળવે, પ્રકૃતિની મજા માણે, થોડું કષ્ટ ભોગવતા શીખે, સહનશીલ બને, મક્કમ નિર્ધારથી ધ્યેય પ્રાપ્ત કરવાનું બળ મેળવે એ હેતુ હશે, એમ જરૂર માનવાનું મન થાય. જુઓને ભારત જેવા અતિ વિશાળ દેશમાં ચાર ધામની યાત્રા કરવા લોકો પગપાળા, ગાડામાં કે ટ્રૈનમાં જતાં ત્યારે મારગમાં આવતાં જંગલ, ઝાડી, નદી, પર્વતો, હવા પાણી જેવાં કુદરતી તત્ત્વોની વિવિધતા માણતાં અને સાથે સાથે જે તે પ્રદેશના લોકોની બોલી, પહેરવેશ, ખોરાક, તેમની આગતા સ્વાગતા અને રીત રિવાજોથી પણ પરિચિત થતા. કોઈ પણ દેશની પ્રજા માટે ભાવનાત્મક એકતા કેળવવાનું અને ટકાવવાનું આ એક બહુ મોટું પરિબળ છે.
આમ જોઈએ તો ધર્મની ધજાની છાંવમાં માનવ જીવનના વિવિધ પાસાંઓને લાભકારક હોય એવા અનેક ક્ષેત્રોનો ઉદ્દભવ, પોષણ અને વિકાસ થતો રહ્યો છે. આમ છતાં આજે દુનિયા ભરમાં અનેક લોકો ધર્મથી વિમુખ થતા જણાય છે. સંભવ છે કે ધર્મને નામે ધાર્મિક વડાઓ, ઉપદેશકો અને સંસ્થાઓ દ્વારા થતા શોષણ, પાખંડ અને ઢોંગી ધુતારાઓનું વધતું વર્ચસ્વ અને બે ધર્મો વચ્ચે અને એક ધર્મમાં ય અંદરોઅંદર ચાલતા હિંસાત્મક સંઘર્ષોથી વાજ આવીને નવી પેઢી હવે આત્માની ઉન્નતી અને મનની શાંતિ માટે અન્યત્ર શોધ આદરી રહી છે. તો શું હવે માણસ કોઈ ધર્મ નહીં પાળે? ધર્મ વિહીન સમાજ કેવો હશે?
અત્યારે તો એવી ભીતિ રહે છે કે આવનારી પેઢી અનૈતિક જીવન તરફ દોરાઈ રહી છે અને માનવ સમાજ એક વિગઠિત, કળા અને સંસ્કૃિતથી વિખુટો પડી ગયેલો માત્ર અને માત્ર ભૌતિક સુખો પાછળ દોટ મુકતો એક પશુઓનો સમૂહ ફક્ત થઈ જશે. ‘અહિંસા પરમો ધર્મ’ – એ સૂત્રને આધારે ટકેલો સમાજ આજે ધર્મ, સંપ્રદાય અને જ્ઞાતિના વાડાઓ થકી વેરણ છેરણ થઈને હિંસક બની ગયો છે. હિંદુ ધર્મના તેમ જ બીજા સઘળા ધર્મના મુખ્ય ઉપદેશોમાંનો એક છે, ‘યતો ધર્મ તતો જય:’ એટલે કે જે વ્યક્તિ અને સમાજ ધર્મને – ફરજને અનુસરીને કર્તવ્ય કરશે તેનો જ જય થશે એટલે કે પોતાનું ધ્યેય સિદ્ધ કરવામાં સફળતા મેળવશે. હાલમાં એવું જણાય છે કે ભૌતિક સુખની પાછળ આંધળી થઈને દોડનાર પ્રજાને મૂડીવાદ મીઠો લાગે એટલે નૈતિકતાને નેવે મૂકી ધર્મની પહેલી દેનને તેણે વિસારે પાડી દીધી છે. માનવી જાણે એ હકીકત વિસરી ગયો છે કે ધર્મની કેડી ભૂલવાને પરિણામે એ ‘ધર્મેન હીન: પશુભી: સમાન:‘થશે.
દિલનો વલોપાત થોડો શમતાં થયું કે એમ સાવ નિરાશ થવા જેવું છે ખરું? સંભવ છે કે moral અને ethics એટલે કે નૈતિકતાની પરિભાષા નહીં બદલાય પણ તેનો માપદંડ જુદો હશે અને એ માટેની માર્ગદર્શિકા ધર્મને બદલે સામાજિક ધારાધોરણો અને લોકોના માનવતાવાદી મૂલ્યોમાંથી મળી આવશે. તો વળી લોકોને પરસ્પરની સાથે જોડી રાખનાર પરિબળો તરીકે હવે રમત-ગમત, સંગીત કે મનોરંજન ઉદ્દભવતા હોય તેમ ભાસે છે. શિલ્પ સ્થાપત્યના નમૂનાઓ હવે કદાચિત આર્ટ ગેલેરી, મ્યુિઝયમ, સંગીત-નાટ્યના સભાગૃહો કે પ્રાકૃતિક સૌન્દર્યના સ્થળોની જાળવણી માટેના સ્મારકોમાં જોવા મળશે કે જ્યાં તમામ રસિક જનોને કોઈ પણ ભેદભાવ વિના પ્રવેશ મળશે જેમાં કંઈ ખોટું નથી.
કળા માત્ર કલાને ખાતર વિકસે એવો સમય પાકી ગયો છે. તેને ધર્મ, સંપ્રદાય કે રાજ્યના આશ્રયનો ખપ હવે નથી એમ લાગે છે. સંગીત, નૃત્ય અને નાટ્ય જેવી લલિત કલાઓનું કથાવસ્તુ અને પ્રદર્શિત કરવા માટેના નિમિત્ત હવે શક્ય છે કે બદલાતી ઋતુઓ, દેશ-વિદેશમાં બનતી ઘટનાઓ કે પ્રાકૃતિક પરિબળો પર આધારિત હોય. છેલ્લા વીસેક વર્ષ દરમ્યાન પશ્ચિમી કલાને પૂર્વીય શ્રોતાઓને માણતા અને પૂર્વની કલાને પશ્ચિમના શ્રોતાઓ-દર્શકો આનંદે વધાવતા જોતી આવી છું એટલે એ આશા દ્રઢ થાય છે કે હવે ‘આ મારું સંગીત, નૃત્ય કે નાટ્ય છે’ એવો એકાધિકાર રાખવાને બદલે ‘અમે અમારી માતૃભાષાનું નાટક ભજવીએ છીએ, જેને નાટ્ય કાળમાં દિલચસ્પી હોય તે જરૂર જોવા આવે, અમે એક સામાન્ય ભાષામાં તેની સમજણ આપીશું’ એવો સર્વસમાવેશક દ્રષ્ટિકોણ ખીલશે એવાં એંધાણ જણાય છે.
રહી વાત ધાર્મિક સ્થળોની યાત્રા, કથા શ્રવણ, ભક્તિ ગાન અને તહેવારોની ઉજવણીથી કેળવાતી ભાવાત્મક એકતાની. કુદરતી સૌન્દર્યથી ભરપૂર સ્થળોની મુલાકાત વેળાએ, સુંદર વક્તવ્ય કે સંગીત સાંભળતી વખતે અને અન્ય પ્રકારનાં સંગીત ગાતી વખતે પણ લોકોના દિલના તાર એવા જ સહેલાઈથી જોડાતા અનુભવ્યા છે.
એવું માનવાને મન થાય છે કે વિજ્ઞાનની પ્રગતિને પગલે ધર્મની વ્યાખ્યા બદલાઈ રહી છે. આગામી સદીઓમાં નૈતિકતા, માનવતા અને સૌન્દર્ય દ્રષ્ટિ સચવાઈ રહેશે તો ધર્મનું રક્ષણ થશે અને બદલામાં એ પણ માનવીનું રક્ષણ કરશે.
e.mail : 71abuch@gmail.com