સામાન્ય રીતે સાહિત્યકારોના બે પ્રકાર પાડી શકાય. પ્રથમ પ્રકાર એવો છે જેમાં ઢગલો નામો આવે. મોટામોટા સાહિત્ય સમારોહમાં વાહવાહી લૂંટતા કવિઓ-લેખકો. અધિકારીઓની, સગાંવહાલાંઓની, નેતાઓની ચાપલૂસી કરતા અને એમનાં તળિયાં ચાટતા, એમના કાયમ (ખભે) ઊંચકીને ફરતા સાહિત્યકારો. ન તો તેમની કૃતિમાં સમાજ માટે કંઈ નક્કર દર્શન કે વાસ્તવનો રણકો હોય કે ન તો તેમના અંગત જીવનમાં. આવા સાહિત્યકારો ભારતની દરેક ભાષામાં છે અને આપણી ગરવી ગુજરાતી ભાષા તો આ બાબતે ખાસ્સી રળિયાત ગણાવી શકાય!
બીજો પ્રકાર એવા સાહિત્યકારોનો છે કે જેમની જીવનસમજ સ્પષ્ટ છે. એ વાડાઓમાં બંધાયેલા નથી. એમના સાહિત્યની જે ગરિમા છે એ જ એમના જીવનની પણ છે. તેઓ કટ્ટર કે હિંસક ટોળાથી પણ ડરતાં કે દોરવાતા નથી. શાલો ઓઢવા માટે કે એવોર્ડ પામવા માટે કે સરકારી પ્રવાસ-પ્રોજેક્ટમાં નામ ઘુસાડવા માટે પોતાની કલમ કે અવાજ વેચતા નથી. આવા સાહિત્યકારો તેમના સાહિત્ય અને કામ થકી સમાજમાં જે ખોટું છે તેની સામે પડે છે. તેઓ સમાજને પરંપરામાંથી પ્રગતિશીલતા તરફ વાળે છે. આપણા ઉમાશંકર જોષીની હરોળમાં આવે એવા કન્નડ ભાષાના સાહિત્યકાર ઉડુપિ રાજગોપાલાચાર્ય અનંતર્મૂિત યાને કે યુ.આર. અનંતર્મૂિત સામા પ્રવાહે તરનારા બીજા પ્રકારના સાહિત્યકાર હતા, જેમનું તાજેતરમાં ૨૨મી ઓગસ્ટ, ૨૦૧૪ના રોજ અવસાન થયું.
યુ.આર. અનંતર્મૂિતનો જન્મ ૨૧ ડિસેમ્બર, ૧૯૩૨માં શિમોગા જિલ્લાના તીર્થહલ્લી તાલુકાના મેલિગે ગામમાં થયો હતો. તેમનું પ્રાથમિક શિક્ષણ પરંપરાગત રીતે સંસ્કૃતમાં થયું. મૈસુરમાં એમ.એ.ની પદવી મેળવી તેમણે વધુ અભ્યાસ ઇંગ્લેન્ડમાં કર્યો. ૧૯૬૬માં તેમણે '૧૯૩૦ના દાયકામાં રાજનીતિ અને સાહિત્ય' વિષય પર સંશોધન નિબંધ લખી ડોક્ટરેટની ઉપાધિ મેળવી. ૧૯૫૦ના દાયકામાં કન્નડ ભાષામાં પ્રગતિશીલતાનું 'નવ્યા આંદોલન' શરૂ થયું તેના તેઓ અગ્રદૂત બન્યા. અલબત્ત, ફક્ત પોતાની કૃતિઓ થકી જ નહીં, રાજનીતિથી સમાજજીવન સુધીનાં લગભગ તમામ પાસાંઓ પર પોતાનો અવાજ તેમણે બુલંદ રાખ્યો. તેમણે પરંપરાગત વિભાવનાને તહસનહસ કરતી 'સંસ્કાર' અને 'ભારતીપુરા' જેવી ઉત્તમ નવલકથાઓ લખી, સાથે સમાજજીવનની બારીકી વર્ણવતા અને વાસ્તવનું દર્શન કરાવતા 'ઘટ શ્રાદ્ધ' જેવા વાર્તાસંગ્રહો પણ આપ્યા. 'સંસ્કાર' સહિત તેમની ઘણી કૃતિઓ ગુજરાતી સહિત અનેક ભારતીય અને વિદેશી ભાષાઓમાં અનુવાદિત થઈ છે. એમની નવલકથામાં પાત્રોનાં મનોવૈજ્ઞાાનિક પાસાંઓ સહજતાથી અને ઝીણવટથી ઉજાગર થયાં છે. પાત્રો પર પડઘાતાં સામાજિક-રાજકીય દબાણો તથા હિંદુ સમાજની વિસંગતિઓને તેમણે હલબલી જવાય તે રીતે વર્ણવી છે. તેમની રચનાઓ કર્ણાટકની જાતિવ્યવસ્થા અને બ્રાહ્મણોના વર્ચસ્વ સામે મોરચો માંડે છે. સ્થળ-કાળ-પાત્ર-સમાજ-રાજનીતિને સહજતાથી એકરૂપ કરી રજૂ કરવાની આગવી સાહિત્યિક પ્રતિભાના તે માલિક હતા. પાત્રોની ભિન્નતાઓ અને અનેક રાજનૈતિક-મનોવૈજ્ઞાનિક પાસાંને આવરી લીધા પછી પણ એક મુક્ત ન્યાયી સમાજની ધખના અને તેની મથામણ એ તેમની કૃતિઓનો મૂળ ભાવ છે.
૧૯૮૪માં રાજ્યોત્સવ પુરસ્કાર, ૧૯૯૪માં જ્ઞાાનપીઠ પુરસ્કાર, ૧૯૯૮માં પદ્મભૂષણથી સન્માનિત યુ.આર. અનંતર્મૂતિ અંગ્રેજીના પ્રોફેસર અને મહાત્મા ગાંધી વિશ્વવિદ્યાલયના કુલપતિ પણ રહી ચૂકેલા. ૧૯૯૨માં નેશનલ બુક ટ્રસ્ટના અધ્યક્ષ અને ૧૯૯૩માં સાહિત્ય અકાદમીના પ્રમુખપદે પણ રહ્યા. દેશની અને વિદેશની અનેક ભાષાઓમાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે સેવા આપનાર અનંતર્મૂિતએ અંગ્રેજીનું અખૂટ જ્ઞાન હોવા છતાંયે કવિતા-નાટક-નવલકથા-વિવેચન-વાર્તાઓ સહિત પોતાનું તમામ સાહિત્ય માતૃભાષા કન્નડમાં જ રચ્યું. અંગ્રેજીને સમાંતર પ્રાથમિક શિક્ષણમાં કન્નડને સામેલ કરવા માટે પણ લડાઈ લડી. રાજનૈતિક કર્મશીલ અને રાજનૈતિક સાહિત્યકાર એમ બેઉ મોરચે તેમણે એટલું પ્રદાન કર્યું છે કે તેમના અવસાન વખતે ફટાકડા ફોડનારા કટ્ટરવાદી મૂર્ખાઓને બાજુ પર મૂકીએ તો વર્તમાન વડાપ્રધાન સહિત અનેક મહાનુભાવોએ સામે છેડે હોવા છતાં તેમને અંજલિ આપી છે.
આપણે ત્યાં દિગ્ગજ સાહિત્યકારો પણ રાજનૈતિક-સામાજિક હાલત સામે આંખ આડા કાન કરી જંગલ-ઝરણાં-નદીનાળાં ને પ્રેમલા-પ્રેમલી લખ્યા-બોલ્યા કરે છે ત્યારે 'સાહિત્યકાર' યુ.આર. અનંતમૂર્તિ 'કર્મશીલ' અનંતમૂર્તિથી અલગ કદી ન થયા. દેશ અને દુનિયાને લગતા બનાવો હોય કે પરંપરાઓ, તેમનો અભિગમ અને મંતવ્ય ઘરના ખૂણે કે દોસ્તોની ગપસપમાં નહીં ડંકે કી ચોટ પર વહેતો રહ્યો. બેંગ્લોરનું નામ બેંગ્લુરુ કરવાની વાત હોય કે પછી પરમાણુ ઊર્જા સામેનાં જોખમોને લઈને કુડનકુલન પ્રોજેક્ટનો વિરોધ હોય, યુ.આર. અનંતમૂર્તિ સતત સજાગ અને સત્ય અને લોકોની પડખે ઊભા રહેતા. હિંદુ સમાજની બદીઓની સામે એમનો અવાજ કાયમ બુલંદ રહ્યો. તેમની કટ્ટરવાદી તત્ત્વોની ટીકા કડક અને શબ્દો ચોર્યા વગરની સ્પષ્ટ છે. અફઝલ ગુરુ હોય કે બીજો કોઈ પણ, આખું ગામ જ્યારે ફાંસી ફાંસી એવી બૂમો પાડે છે ત્યારે એ મોતની સજાનો વિરોધ કરનારા જૂજ લોકોમાંના એક એ પણ હતા. એમણે કહેલું કે, માનવ સભ્યતાના જે તબક્કામાં આપણે છીએ એ જોતાં મોતની સજા નાબૂદ થવી જોઈએ. મોતની સજાથી સંભવિત અપરાધીઓ અપરાધ કરતા અટકી જાય છે એવું કોઈ અનુભવ આધારિત પ્રમાણ નથી અને જ્યારે આજીવન કારાવાસ જેવી સજા અમલમાં છે તો પછી સામાજિક નીતિની રીતે પણ મોતની સજા સામેની શંકા વાજબી છે.
પોતાની રાજનૈતિક સજાગતા બાબતે તેઓ પોતે પણ કાયમ અવગત હતા. તેઓ લોહિયાવાદી હતા, પણ લોહિયાના શિષ્યો ઉત્તરપ્રદેશ-બિહારમાં જે કરી રહ્યા હતા તેનાથી નિરાશ હતા. પર્યાવરણીય પ્રશ્નો બાબતે તેઓ પર્યાવરણવાદીઓની પડખે ઊભા રહેતા. પરમાણુ ઊર્જાનો તેમણે સ્પષ્ટ રીતે વિરોધ કર્યો હતો. વર્તમાન રાજકીય પરિસ્થિતિ વિશે તેમણે કહ્યું હતું કે, આ અજબ સમય આવ્યો છે જ્યારે લોકો સ્વતંત્રતાને ભોગે સુચારુ વ્યવસ્થા ઇચ્છે છે. બેશક તેઓ આપણા ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજનીતિના પ્રખર વિરોધી હતા, પણ ગુજરાતી પ્રેમ વચ્ચે લાવ્યા વગર એ એક વાત બાજુ પર મૂકીએ તો પણ તેમનું સાહિત્યિક અને સામાજિક પ્રદાન નવી ચેતનાનું હતું તે તો સ્વીકારવું અને સમજવું જ રહ્યું.
અરે, આપણે તો હજી ગુજરાતી ઉમાંશકરને પણ ક્યાં સરખા સમજી શક્યા છીએ તે છેક કર્ણાટકના કન્નડ સાહિત્યકાર સુધી લાંબા થઈએ? જો ગૌરવની ચોટલી બાંધી બેસી રહીશું અને અનંતમૂર્તિના વાંચન કે અંજલિ સુધી લાંબા નહીં થઈએ તો પ્રચલિત અર્થ મુજબ લાંબા જ થઈ જઈશું, કેમ કે ઇતિહાસ કહે છે કે સામા પ્રવાહે તરનારા આવા કર્મઠ લોકો જ સમાજને બદલે છે. તેમના અવસાન નિમિત્તે ફટાકડા ફોડનારા અને કટ્ટરતાવાદીઓને ન તો સંસ્કારની સમજ છે ન તો સંસ્કૃિતની. અનંતમૂર્તિ આજીવન અનેકને આંખમાં કણાની જેમ ખટકતા રહ્યા અને ભવિષ્યમાં પણ તેમની કૃતિઓ થકી ખટકતા જ રહેશે કેમ કે એ પરંપરાના મૂક પ્રેક્ષક નહીં પણ પ્રગતિશીલતાનાં પથદર્શક હતાં. એમની ખોટ કાયમ વર્તાશે.
e.mail : mmehul.sandesh@gmail.com
http://www.sandesh.com/article.aspx?newsid=2979486
સૌજન્ય : ‘વિગતવાર’ નામે લેખકની કટાર, “સંદેશ”, 27 અૉગસ્ટ 2014