રાજા-મહારાજાઓ રાજ મહેલો બંધાવે, હાથી ઘોડા પાળે, જર ઝવેરાત એકઠું કરે, પણ હસ્તપ્રતો સંઘરે ખરા?
સંસ્કૃત હસ્તપ્રતો ભેગી કરવાનો શોખ બહુ ઓછા રાજવીઓને હતો. તેમાંના એક તે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા. પોતાના રાજ્યમાં અનેક મૂલ્યવાન હસ્તપ્રતો ઠેર ઠેર વેરાયેલી પડી છે એ વાત જાણે. આવી હસ્તપ્રતો ભેગી કરવાનો અને તેમને છપાવીને પ્રગટ કરવાનો નિર્ણય તેમણે કર્યો ૧૮૯૩માં. આ માટે તેમણે ગાયકવાડ ઓરિએન્ટલ સિરીઝની શરૂઆત કરી. દિવાન મણિભાઈ જશભાઈને કામ સોંપ્યું યોગ્ય સંપાદક શોધવાનું, અને મણિભાઈએ પસંદગી કરી ગુજરાતી અને સંસ્કૃતના જાણીતા વિદ્વાન મણિલાલ નભુભાઈ દ્વિવેદીની.
તેમનું મુખ્ય કામ સંસ્કૃત ગ્રંથોનો ગુજરાતી અનુવાદ કરવાનું હતું. અનંતકૃષ્ણ શાસ્ત્રીને આખા દેશમાંથી હસ્તપ્રતો શોધીને એકઠી કરવાનું કામ સોંપ્યું. તેમણે લગભગ એક હજાર હસ્તપ્રતો ભેગી કરી. એ હજાર હસ્તપ્રતોના સંગ્રહમાંથી વખત જતાં બની વડોદરાની ઓરિએન્ટલ ઇન્સટીટ્યૂટ. આ કામ કાંઈ સહેલું તો નહોતું જ, એટલે ગાયકવાડ ઓરિએન્ટલ સીરીઝનું પહેલું પુસ્તક પ્રગટ થઈ શક્યું છેક ૧૯૧૬માં. રાજશેખરના સંસ્કૃત ગ્રંથ ‘કાવ્યમીમાંસા’નું સંપાદન કર્યું હતું ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલે.
હસ્તપ્રતોનું મૂલ્ય સયાજીરાવ બરાબર સમજતા હતા એટલે તેમની જાળવાની કરવા માટે ૧૯૨૩માં તેમણે સ્ટીલના બે ફાયર પ્રૂફ કબાટ ભેટ આપ્યા. હસ્તપ્રતો તેમાં મૂકાઈ અને વડોદરાની સેન્ટ્રલ લાયબ્રેરીમાં ખસેડાઈ. ૧૯૨૭ના સપ્ટેમ્બરની પહેલી તારીખે હસ્તપ્રતોના સંગ્રહને લાયબ્રેરીથી અલગ કરી ઓરિએન્ટલ ઇન્સટીટ્યૂટ નામની અલગ સંસ્થા શરૂ થઈ. તેને માટે સયાજીરાવે ખાસ ફાયર પ્રૂફ મકાન એ જમાનામાં બંધાવ્યું. વડોદરા રાજ્યના શિક્ષણ ખાતામાં કામ કરતી ભાષાંતર શાખાને ૧૯૩૧માં આ ઇન્સટીટ્યૂટમાં ભેળવી દેવામાં આવી. શ્રી સયાજી માળા હેઠળ ગુજરાતી, મરાઠી અને હિન્દીમાં ૬૦૦ કરતાં વધુ પુસ્તકો પ્રગટ થયાં છે. સંસ્કૃત અને પ્રાકૃતના ઉચ્ચ અભ્યાસ માટેની વ્યવસ્થા પણ ઇન્સટીટ્યૂટમાં કરવામાં આવી. ૧૯૩૩માં ઓલ ઇન્ડિયા ઓરિએન્ટલ કોન્ફરન્સનું સાતમું અધિવેશન વડોદરામાં ભરાયું ત્યારે સયાજીરાવે જે શબ્દો કહ્યા હતા તે આપણી દરેક યુનિવર્સીટીના સંશોધન વિભાગમાં કોતરાવી રાખવા જેવા છે. તેમણે કહ્યું હતું : “તમારા વિદ્યાર્થીઓ પીએચ.ડી. થવા માટે જે મહાનિબંધો લખે તેના મહત્ત્વનો આધાર તેમના કદ, સંખ્યા, કે વિષય નાવીન્ય પર નહિ, પણ તેમાં તેમણે બતાવેલ પરિપક્વ તોલનબુદ્ધિ, જાગરુક સમીક્ષાવૃત્તિ, અને વૈજ્ઞાનિક પધ્ધતિ પર રહેશે.”
આઝાદી પછી ૧૯૪૯માં મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી ઓફ બરોડાની સ્થાપના કરવામાં આવી ત્યારે ઓરિએન્ટલ ઇન્સટીટ્યૂટ તેનો એક મહત્ત્વનો ભાગ બની. પહેલા વાઈસ ચાન્સેલર ડો. હંસા મહેતાએ ૧૯૫૧ના માર્ચની ૧૨મી તારીખે આ ઇન્સ્ટીટ્યૂટમાં ‘રામાયણ વિભાગ’નું ઉદ્દઘાટન કર્યું. વાલ્મીકી રામાયણની ‘ક્રીટીકલ એડિશન’ તૈયાર કરી પ્રગટ કરવાના અત્યંત મહત્ત્વના કામની શરૂઆત થઈ. ૧૯૭૫ સુધીમાં સાત ખંડોમાં આ આવૃત્તિ પ્રગટ થઈ. આ સંસ્થા દ્વારા જર્નલ ઓફ ધ ઓરિએન્ટલ ઇન્સટીટ્યૂટ પણ પ્રગટ કરવામાં આવે છે. આવાં સંશોધનમૂલક સામયિકોની એક મુશ્કેલી એ હોય છે કે તેમનો ફેલાવો મર્યાદિત હોય છે. પણ આ જર્નલ યુનિવર્સીટીની વેબ સાઈટ પરથી મફતમાં ડાઉન લોડ કરી શકાય છે. અલબત્ત, છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ સંસ્થાનું તેજ થોડું ઝંખવાયું હોવાનું કેટલાક જાણકારોનું કહેવું છે.
સૌજન્ય : ‘લેન્ડમાર્ક’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની આરાધના’, “ગુજરાતમિત્ર”, 25 અૉગસ્ટ 2014