તાવ આવે ત્યારે કડુ કરિયાતું કટાણું મોં કરીને પી જઈએ અને જેવો તાવ ઊતરે કે તરત એ પીવાનું બંધ કરી દઈએ, એવી રીતે ભારતના પ્રજાજનોએ સ્વાતંત્ર્ય મેળવવા મને કમને ગાંધી ચિંધ્યા માર્ગે ભલેને લંગડાતે પગલે પણ ચાલવાનો પ્રયત્ન કર્યો. પણ જેવી રાજકીય આઝાદી મળવાની ઘોષણા થઈ કે કોણ ગાંધી અને કેવા એના સિદ્ધાંતો; એવાં વલણ સાથે ગાંધીએ આચરણમાં મુકેલ તમામ નિયમો અને જીવન પદ્ધતિને ભૂલીને હતા ત્યાંના ત્યાં પહોંચી ગયા.
આજે ભારતમાં અને સારા ય વિશ્વમાં અનેકવિધ પ્રશ્નો ઊભા થતા અને ગૂંચવાતા જતા નજરે ચડે છે. મોટા ભાગની સમસ્યાઓનો હલ વધુ કાયદાઓ ઘડીને, સરકારી સત્તાની પકડ મજબૂત કરીને, કડક નિયમો લાદીને કે છેવટ શસ્ત્રોનો ઉપયોગ કરીને જ લાવવાનું માણસ જાત સમજે છે. આજના કહેવાતા શિક્ષિત અને આધુનિક વિચારધારા ધરાવવાનો દાવો કરતા લોકોને જો ‘લોકોએ આ માટે અસહકાર કરવો જોઈએ’ કે ‘અહીં સત્યાગ્રહ કરીએ તો સમસ્યા હલ થાય’ એમ કહીએ તો જવાબ મળે, “એ તો ભાઈ બધા જૂના હથિયારો છે. આજના જમાનામાં એ ન ચાલે. વળી એને માટે ગાંધી જેવો મહા પુરુષ નેતા તરીકે દોરવે તો થાય, બાકી આમાં આપણું ગજું નહીં. અને ખરું પૂછો તો ત્યારે તો વિદેશી સરકાર હતી, અત્યારની વાત જ જુદી.”
અન્યાયી કાયદાઓ સામે નાગરિકોના અધિકારોના રક્ષણ માટેનાં હથિયાર તરીકે અસહકાર અને સત્યાગ્રહની શોધ દક્ષિણ આફ્રિકામાં થઈ, જેનો ભારતની સ્વતંત્રતા મેળવવામાં અસરકારક ઉપયોગ થયો અને તે પછી અમેરિકામાં માર્ટીન લ્યુથર કિંગ જુનિયર અને નેલ્સન માંડેલા જેવા વીર પુરુષોએ મશિનગન કે મિસાઈલ્સ છાંડીને એ જ હથિયાર વાપર્યાં. તો આરબ સ્પ્રિંગ જેવી પોતાના જ દેશના સરમુખત્યાર સામે લોકશાહી શાસન પદ્ધતિ લાવવાની માંગણી હોય કે યુક્રેઇનમાં રશિયાની દખલગીરી સામે વિરોધ દર્શાવવાનો હોય. શસ્ત્રો દ્વારા એ સમસ્યાઓનો ઉકેલ નથી જ આવતો એ સાબિત થઈ ચુક્યું છે, તો હવે થાકી હારીને તો અસહકાર અને સત્યાગ્રહનો માર્ગ અપનાવી જોવા જેવો ખરો ને?
ભારતની વાત કરીએ તો બ્રિટિશ રાજ દરમ્યાન અંગ્રેજો ભારતીય પ્રજાનું શોષણ કરતા, એમની અર્થનીતિને પરિણામે આપણા ગ્રામોદ્યોગો પડી ભાંગ્યા, બેકારી વધી અને દેશ પાયમાલ થઈ ગયો. ત્યારે રેંટિયો અપનાવ્યો, હાથ બનાવટની અને ગ્રામ્ય વિસ્તારમાં પેદા થતી ઉપજ વાપરવાનો આગ્રહ સેવ્યો. આજે પણ દેશી અને વિદેશી મહાકાય કંપનીઓ ગ્રામ્ય અર્થ વ્યવસ્થા અને સંસ્કૃિતને એક ફૂંકે હવામાં ઉડાડી દે છે. તો તેની સામે એ જ અસહકારની રીત કામ આવે. એના સુફળ આપણે નિરમા સામેના વિરોધમાં અને અન્ય કંપનીને પોતાની ખેડાઉં જમીન પડાવી જતા રોકવામાં મળેલ સફળતામાં જોવા મળે છે. વિકેન્દ્રિત ઉદ્યોગ અને વ્યાપાર વ્યવસ્થા પ્રજાના તમામ સ્તરના લોકો માટે લાભકારક છે એ જો 40-50ના દાયકામાં સાબિત થઈ ચૂકેલું તો એ આજે પણ એટલું જ પ્રસ્તુત છે, એમ ગરીબ-તવંગરની મસ મોટી ખાઈ જોઇને સમજાય તેવું નથી શું?
એવી જ રીતે એક તરફ રાજકીય સ્વતંત્રતા મેળવવાની ઝુંબેશ ચાલતી હતી તો બીજી તરફ ભારતની 33 કરોડ પ્રજાના દિલ-દિમાગને ગુલામી માનસમાંથી મુક્ત કરવાના કાર્યક્રમો હાથ ધરાયેલા, ત્યારે આપણે સ્વાતંત્ર્યને લાયક બની શકેલા એ કેમ ભૂલી શકાય? અંગ્રેજ શાસકોએ પોતાના લાભાર્થે માત્ર કારકુનોની પલટન તૈયાર કરવા બ્રિટિશ રાજ દરમ્યાન અંગ્રેજી માધ્યમથી શિક્ષણ આપીને અર્ધ ગુલામ એવા કારકુનો બનાવ્યા એ સમજાય. તેમણે પ્રજાહિતને ધ્યાનમાં લેવાને બદલે સત્તા ટકાવવાને અને પોતાનો દોર દમામ વધારવાને વધુ વહાલાં ગણ્યાં એટલે ભારતીય લોકોની અસ્મિતા ઝૂંટવાઈ ગઈ તેનો તેમને લેશ પણ રંજ ન હોય તે સ્વાભાવિક છે. પરંતુ જો વિદેશી ભાષાના માધ્યમથી શિક્ષણ લેવાથી બાળ માનસ પર વિપરીત અસર થાય, તેના શૈક્ષણિક સ્તરનાં માઠાં પરિણામ આવે અને એમ કરતાં માતૃભાષાની સાથોસાથ પોતાની સંસ્કૃિત તેમ જ અસ્મિતાને હાંસિયામાં ધકેલી દેવી પડે, એ જો સાઈંઠ વર્ષ પહેલાં સાચું હતું તો આજે પણ એટલું જ સાચું છે. તો પછી કૂદકે અને ભૂસકે વધતી ખાનગી ઈંગ્લિશ માધ્યમ વાળી શાળાઓ માટે આજે અસહકાર કરવો જરૂરી નથી શું? લોકોને ‘હિન્દુત્વ’ની જાળવણી માટે દેવી પૂજા શાળાઓમાં દાખલ કરવાનો વિચાર આવશે અને મારી મચડીને હકીકત દોષ સહિતનો ઇતિહાસ ભણાવવાનું યોગ્ય લાગશે, તેવે સમયે શું જ્ઞાન અને વ્યવહારુ શક્તિઓની તાલીમ આપી સારા તટસ્થ નાગરિકો કેળવે તેવી શિક્ષણ સંસ્થાઓ સરકાર અને અન્ય તજ્જ્ઞોએ ઊભી કરવાની આવશ્યકતા હતી અને હજુ પણ છે એવું નથી લાગતું?
સ્વતંત્ર થયા બાદ ભારતની અવિકસિત દશા માટે આપણે ગુલામી અવસ્થાને દોષ દેતા રહ્યા. હવે છ છ દાયકાના વ્હાણાં વાઈ ગયાં બાદ પૂછવાનું મન થાય કે આપણી ગુલામી શું ગોરી ચામડીના લોકો દ્વારા જ લદાયેલી હતી કે પછી એના જેવી જ પ્રજાએ ચૂંટેલી છતાં શોષણ યુક્ત રાજ્ય અને અર્થવ્યવસ્થાની ઉપજ છે? ખરું જુઓ તો જે શોષણ કરે અને આમ જનતાને લૂંટે તે નરાધમ કહેવાય, પછી તે રાજ્યકર્તા વિદેશી હોય કે સ્વદેશી. જેમ ઘરેલુ અન્યાય, અત્યાચાર અને હિંસા કુટુંબીઓ, સગાં સંબંધીઓ અને ઓળખીતાઓ વધુ કરતા જોવા મળે છે તેમ વિદેશી સરકારને તો તેના ગુલામો સબડે તેનું પેટમાં ન બળે, પણ કહેવાતી પોતાની સરકાર અને પોતાના જ નેતાઓ એવો જ કે એથી ય વધુ અન્યાય અને શોષણ કરતા હોય છે અને એવામાં પ્રજા કોની પાસે સહાય માગવા જાય?
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનો ઇતિહાસ જાણનારને યાદ હશે કે બ્રિટનની ઔદ્યોગિક ક્રાંતિને નભાવવા ભારતના નાના મોટા ઉદ્યોગોનો ભોગ લેવાયેલો. એ આર્થિક શોષણની નાગચૂડમાંથી છૂટવા સ્વદેશીની ચળવળ શરુ થઈ, રેંટિયો શોધાયો અને ભારતીય સંપત્તિને દરિયા પાર જતી અટકાવવાના પ્રયાસો થયા. આજે આપણે શું કરીએ છીએ? મુક્ત બજાર અને વિકાસને નામે દેશી અને વિદેશી મહાકાય કંપનીઓને છુટ્ટો દોર આપીને વિદેશી રાજ્ય કરતાં અનેક ગણું નુકસાન કરીએ છીએ. એટલે રાજ્ય દેશી હોય કે વિદેશી, વંચિત તો એ પ્રજા જ રહી. માત્ર માલેતુજારની અટક અને નામ બદલાયાં. વિદેશી સત્તા માટે ભારતના લોકો પારકા હતા એટલે તેમને ડામ દેતાં થડકારો નહોતો થતો, પણ આ તો પોતાની પ્રજાને ઠંડે કલેજે ગરીબીની શીલાઓ નીચે રહેંસી નાખતાં શરમાય નહીં, તેવી સરકાર સામે અવાજ ઉઠાવવા ખમીરવંતા નાગરિકોની તાતી જરૂર જણાય છે. રેંટિયો પાછો ન લાવીએ પણ એ વિચારધારા પર આધારિત આર્થિક અને સામાજિક માળખું ઊભું કર્યા વિના ઉગારો નથી એ સ્પષ્ટ દેખાય છે.
કમનસીબે, આજે પણ ભારતમાં શું કે અન્ય દેશોમાં, સરકાર દ્વારા ઘડાતા કાયદાઓ, સરકારી વહીવટી તંત્રની નીતિઓ, જે તે દેશની વિદેશ નીતિ અને અર્થવ્યવસ્થા એવાં છે કે જેમાં તેની સામાન્ય પ્રજાનું હિતનું રક્ષણ અને માનવ અધિકાર ક્યાંક ને ક્યાંક જોખમાય છે. લોકશાહી રાજ્ય તંત્રમાં લોક જાગૃત ન હોય તો તંત્ર આપખુદ બની જાય. એટલે લોકોએ પોતાને મળેલ શિક્ષણ અને કેળવણીનો બહુજન હિતાય ઉપયોગ કરીને ન્યાય, સમાનતા અને બન્ધુતાના રક્ષણ ખાતર પોતાની ફરજ ચૂકી જતી અથવા માત્ર સ્વહિતમાં રાચતી સરકાર, મોટી કંપની કે આગેવાન વ્યક્તિઓને સાચા રાહ પર લાવવા હજુ પણ સત્યાગ્રહ અને અસહકારનો કીમિયો જ કારગત નીવડશે એવી શ્રદ્ધા છે. વિનોબાજી કહે છે તેમ સત્યાગ્રહી બનવા પહેલાં આપણે સત્યગ્રાહી બનવું જોઈશે. માત્ર જરૂર છે એ માટેની ખુમારીની અને હિંમતની.
e.mail : 71abuch@gmail.com