શાંતિ અને સદ્દભાવ જ સૌથી મોટો વિકાસ છે
આપણે આની પહેલાંની વાતો ભૂલી જઈએ તો પણ રાજધાની દિલ્હીની નજીક દાદરી ગામમાં ૨૯મી સપ્ટેમ્બરે મોહમ્મદ અખલાકની હત્યાથી લઈને ૧૧મી ઑક્ટોબરે હિમાચલ પ્રદેશમાં નોમન અખ્તરની હત્યાથી જે ઝેર ફેલાઈ રહ્યું છે, તેનાથી અમે ઘણા વ્યથિત અને શરમિંદા છીએ. અને આ આગમાં જે રીતે વડાપ્રધાન તેમની સરકાર અને તેમનો પક્ષ જ ઘી પૂરી રહ્યા છે, તે કંઈક અપશુકન જેવું લાગે છે. મુંબઈમાં સુધીન્દ્ર કુલકર્ણીના મોં પર લગાડાયેલી કાળી શાહી ફેલાતી-ફેલાતી કાશ્મીર સુધી પહોંચી છે અને અંધારું ઘેરાઈ રહ્યું છે. અમે પૂરી જવાબદારી સાથે કહેવા માંગીએ છીએ કે આ ઘટનાઓ અફવાઓથી ગુસ્સે ભરાયેલા ટોળાના ગાંડપણને કારણે નથી ઘટી, પણ એની પાછળ દેશનું સાંપ્રદાયિક વાતાવરણ ડહોળવાના યોજનાબદ્ધ પ્રયાસો કામ કરી રહ્યા છે. આ બધાના કારણે દેશમાં એવું વાતાવરણ ઊભરતું દેખાય છે, જેનાં કાનૂન, બંધારણ અને એનાથી ઉપર ભારતીય સમાજની સમન્વયકારી સંસ્કૃિત પર સતત ઘા પડી રહ્યા છે.
અમે જાણીએ છીએ કે પહેલાં પણ બીજી સરકાર, પોલીસવ્યવસ્થા વગેરે પોતાના કર્તવ્યપાલનમાં નિષ્ફળ જતી હતી અને સમાજનો સાંપ્રદાયિક સદ્દભાવ તૂટતો રહ્યો હતો. પણ આજે આપણે ચિંતા અને આશંકાથી જોઈ રહ્યા છીએ, તે તો એવું વાતાવરણ છે, જેમાં લઘુમતીઓને સતત અસલામતી તરફ ધકેલવામાં આવી રહી છે અને આ વાતાવરણ વિશે લોકોને સાવચેત કરતા લેખકો બુદ્ધિજીવીઓને મારવાનો અને અપમાનિત કરવાનો ક્રમ ચલાવાઈ રહ્યો છે. લેખકો અને કલાકારોએ સરકારી સન્માન-પુરસ્કાર પરત કરવાનું શરૂ કર્યું છે, તે અસહમતિ બતાવવાની તેમની રચનાત્મક કોશિશ છે. તેમની લાગણીને માન આપવાના બદલે, તેમની વ્યથા સમજવાના બદલે તેમની મશ્કરી કરવામાં આવી રહી છે અને તેમના પર બદઇરાદાનો આક્ષેપ મુકાઈ રહ્યો છે. અમે કેન્દ્ર સરકારને સાવચેત કરીએ છીએ કે તેના આશય પર દેશભરમાં ગંભીર સવાલ ઊભા થઈ રહ્યા છે. સરકાર આ સમસ્યાને અવગણશે તો તેને ખુદને તેમ જ શબ્દ અને સમાજને પણ ઘણું સહન કરવું પડશે. અમારી ચિંતા પક્ષ કે સરકાર કરતાં ભારતીય સમાજની એ સંરચના વિષે છે જે આ રાષ્ટ્રનો આત્મા છે, અને જેની સાથે અમે કોઈને છેડછાડ કરવા દઈશું નહીં.
આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાક્રમમાંથી સરકાર શું બોધપાઠ લે છે અને અમારી ચેતવણીનો શું જવાબ આપે છે, તેના પર અમારી અને પૂરા દેશની નજર રહેશે. ગાંધીવાદી પરિવારના પ્રતિનિધિ તરીકે અમે એ સૌની માફી માંગીએ છીએ, જેમના ઘર-પરિવારને નુકસાન થયું છે. અમે સૌ ભારતીયોને કહેવા માગીએ છીએ કે આજે શાંતિ અને સદ્દભાવ જ સૌથી મોટો અને અમૂલ્ય વિકાસ છે.
ગોપીનાથ નાયર, અધ્યક્ષ કુમાર પ્રશાંત, અધ્યક્ષ
રામચંદ્ર રાહી, સચિવ અનુપમ મિશ્ર, સંપાદક ‘ગાંધીમાર્ગ’
(ગાંધી સ્મારક નિધિ) (ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન કેન્દ્ર)
સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2015; પૃ. 05