સુરેશ દલાલે, એક દા, કહેલું, ‘ગોવર્ધનરામ, મુનશી, પન્નાલાલ પટેલ પછી તરત જ કોઈનું નામ લેવાતું હોય તો તે નવલકથાકાર ‘દર્શક’નું. ‘દર્શક’ પાસે કાળવેધી ઇતિહાસદૃષ્ટિ છે. ગાંધીજીના આદર્શો તથા લોકભારતી જેવી શિક્ષણસંસ્થાના અનુભવે સર્જકને માતબર ભાથું જ હશે. ‘દર્શક’ નાટ્યકાર, ચિંતક અને વિચારક છે. એ જે કંઈ બોલે કે લખે તે અનુભવના નિચોડ રૂપે જ પ્રકટે. જીવનલક્ષી આ સાહિત્યકારનું ઉપનામ અત્યંત સૂચક છે. એમની કથા-કલાકૃતિમાં પ્રચારશૂન્ય ધન્યતાની સઘન અને ગહન અનુભૂિત થાય છે. … ‘દર્શક કવિતાના ચાહક છે અને લોકસાહિત્યના ભાવક છે.‘
મનુભાઈ પંચોળી[15.10.1914 – 29.08.2001]ની 101મી જયંતીનું આ વરસ છે. િવશ્વ ફલકે વિસ્તરી ગયેલા આ પ્રજાપુરુષ સાહિત્યકારે પરદેશે વસી ગુજરાતી વસતીને મબલખ વહાલ કર્યું છે અને ફાંટું ભરીને સમજણવાળું માર્ગદર્શન આપ્યું છે. જગતભરમાં પથરાયેલી ગુજરાતી આલમની એક અદકેરી ટૂંક એટલે પણ મનુભાઈ પંચોળી ‘દર્શક’. એ ટૂંકેથી ‘દર્શકે’ ગુજરાતી ડાયસ્પોરાને ઘડવાનું સુપેરે કામ કરેલું છે. વિલાયત માંહેના એમના વિવિધ પ્રવાસો વેળા ય, એમણે અહીંતહીં આપેલાં વ્યાખ્યાનો આની સબળ સાહેદી પૂરે છે. એમના આવાઆવા અનેક નરવા જગપ્રવાસો દરમિયાન, મનુભાઈ પંચોળીએ લોકકેળવણીનું પણ ચોમેર સુપેરે કામ કર્યું છે.
‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ તેમ જ તેની સભ્યગણની બિરાદરીને સારુ મનુભાઈ પંચોળી ‘દર્શક’ અજાણ્યું નામ નથી. આ મુલકે મનુભાઈ ચારેક વાર આવ્યા છે અને અકાદમીના નેજા હેઠળ એમને નિરાંતવા સાંભળ્યા ય છે.
મનુભાઈ પંચોળી ‘દર્શક’ને પામવા માટે એમના વિરાટ વ્યક્તિત્વને સમજવું પડે. તેમના વ્યક્તિત્વનાં વિવિધ પાસાં તરફ નજર નાંખવી પડે. તેમના વિશાળ શબ્દસાગરમાં તરવું પડે. વિવિધ વિચારોની પગદંડી પર લાંબુ ચાલવું પડે. ઇતિહાસનાં અધ્યયનની ઊંડી ખીણમાં ઊતરવું પડે. ક્યારેક પ્રકાશભાઈ ન. શાહની, ક્યારેક રઘુવીરભાઈ ચૌધરીની, તો ક્યારેક રમેશ ર. દવેની, તો વળી, ક્યારેક મનસુખભાઈ સલ્લાની આંગળી પકડીને થાક લાગે તેટલું ચાલવું પડે. 'દર્શક'ની બધી વાતો સરળતાથી સમજાઈ જાય તેવું પણ નથી, તેથી આપણી સમજને દર્શકની સમજના સ્તરે લઈ જવા થોડું મથવું પણ પડે.
જાણીતા વિચારક, વક્તા, કર્મશીલ તેમ જ “નિરીક્ષક”કાર પ્રકાશ ન. શાહ આ અવસરે મુખ્ય મહેમાન છે.
‘ગુજરાતી સાહિત્ય અકાદમી’એ મનુભાઈ પંચોળીને સંભારી, બે દિવસીય ભાષા-સાહિત્ય પરિષદ યોજવાનું ઠેરવ્યું છે. આ નવમી પરિષદ શનિવાર, 29 અૉગસ્ટ – રવિવાર, 30 અૉગસ્ટ 2015ના દિવસોએ, વેમ્બલી ખાતે, ‘માન્ધાતા યૂથ અૅન્ડ કમ્યુિનટી અૅસોસિયેશન’[20A Rosemead Avenue, Wembley HA9 7EE]ના હૉલમાં સવારે દશથી બેસશે.
આ દેશમાં વસતા ગુજરાતી ભાષા-સાહિત્યના એક વરિષ્ઠ સાહિત્યકાર અદમ ટંકારવી આ પરિષદના અધ્યક્ષસ્થાને વરાયા છે.
બે દિવસ પથરાઈ આ પરિષદની આછેરી વિગતો આ મુજબ છે :
શનિવાર સવારે મળનારી પહેલી બેઠક આરંભ – અભિવાદન – ઉદ્દબોધનની હશે. નવમી ભાષા-સાહિત્ય પરિષદના અધ્યક્ષ અદમ ટંકારવીનું ઉદ્દબોધન થશે. આ બેઠક વેળા ગુજરાતી સાહિત્ય અકાદમી પ્રકાશભાઈ શાહને તેમ જ દીપકભાઈ બારડોલીકરને માનદ્દ અધ્યેતા (ફૅલૉ) પદથી સગૌરવ નવાજશે. અત્યાર પૂર્વે અધ્યેતા (ફૅલૉ) પદ એનાયત થયેલાની યાદી આમ છે : રઘુવીરભાઈ ચૌધરી, જગદીશભાઈ દવે, મનુભાઈ પંચોળી ‘દર્શક’ [દિવંગત], હસુભાઈ યાજ્ઞિક, જયન્તભાઈ મ. પંડ્યા [દિવંગત], મહેન્દ્રભાઈ મેઘાણી, પોપટલાલભાઈ જરીવાળા [દિવંગત] તેમ જ વિપુલભાઈ કલ્યાણી.
વળી, ચંપાબહેન પટેલનાં ચિત્રોનું એક પ્રદર્શન પણ વિધિવત્ સ્થળ પરે ઉદ્દઘાટિત કરાશે. વિચારપત્ર “ઓપિનિયન”ના તમામ અંકોની તૈયાર થયેલી ડી.વી.ડી.ને ય પ્રસંગ ટાંકણે લોક અર્પિત કરવામાં આવશે.
બપોરે મળનારી બીજી બેઠક : ‘રતિલાલ ચંદરિયા : દેણગી. ઈન્ટરનેટ જગત, ભાવિનો પથ તેમ જ દશા ને દિશા’. ભદ્રાબહેન વડગામાના સભાસંચાલન હેઠળ અશોક કરણિયા, નીરજ શાહ તેમ જ ધવલ સુધન્વા વ્યાસ વક્તવ્ય આપશે. રતિલાલભાઈનું આ પ્રદાન તે ગુજરાતી ડાયસ્પોરિક સમાજની મુખ્ય પ્રવાહને જબ્બર મોટી દેણગી છે.
સાંય ભોજન પછી મુશાયરો હશે અને તેનું સંચાલન અદમભાઈ કરશે. ‘ઝૈનાહ બિલાલ’ને નામ યોજાતી શાયરોની આ મજલિસના મેજબાન જાણીતા શાયર ઈબ્રાહિમભાઈ રાઠોડ ‘ખય્યામ’ હશે. જ્યારે આ મુલકે પ્રવાસે આવનારા આપણા જાણીતા સાહિત્યકાર ચિનુ મોદી મુશાયરા વેળા અતિથિ વિશેષ હશે.
રવિવારે સવારે મળતી ત્રીજી બેઠકનો વિષય ‘દર્શક’નું સાહિત્યવિશ્વ' હશે. પંચમ શુક્લના સભાપતિપદે આશાબહેન બૂચ, અનિલભાઈ વ્યાસ તથા ચિનુભાઈ મોદી વક્તા હશે. બપોરે મળતી ચોથી ને આખરી બેઠકનો વિષય : ‘મનુભાઈ પંચોળીની સમાજચર્યા’ છે. આ પરિષદના મુખ્ય મહેમાન પ્રકાશભાઈ ન. શાહ અતિથિ વક્તા હશે.
બન્ને દિવસોએ સવારે દશ વાગ્યાથી આ પરિષદનો આરંભ થશે. સવારસાંજ ચા-પાણી તેમ જ ભોજનની ગોઠવણ દરેકને સારુ કરી હશે.