માનવ-અધિકારોની હિમાયત કરતી અને સાહિત્ય તથા અભિવ્યક્તિ – સ્વાતંત્ર્યને પ્રોત્સાહન આપતી સંસ્થા પી.ઈ.એન. (PEN) ઇન્ટરનેશનલની સ્થાપના ૧૯૨૧માં લંડનમાં બ્રિટિશ કવિ, નાટ્યકાર અને શાંતિ કર્મશીલ સી.એ. ડૉસનસ્કૉટ દ્વારા કરવામાં આવી હતી. આ બિનરાજકીય આંતરરાષ્ટ્રીય સંસ્થા સંયુક્ત રાષ્ટ્રસંઘમાં મંત્રણાત્મક દરજ્જો અને યુનેસ્કોમાં સહાયક દરજ્જો ધરાવે છે. હાલ ૧૦૦ દેશોમાંથી ૨૫,૦૦૦ લેખકો PEN ઇન્ટરનેશનલ સાથે જોડાયેલા છે.
૧૭ ઑક્ટોબર, ૨૦૧૫ના રોજ કૅનેડાના ક્યુબેક શહેરમાં PEN ઇન્ટરનેશનલની ૮૧મી કૉંગ્રેસ દરમિયાન સંસ્થાએ લેખકો અને કલાકારોની હત્યા દ્વારા સ્વતંત્ર અવાજોને દબાવી દેવાના પ્રયાસોનો વિરોધ કરતા ભારતીય લેખકો અને કલાકારોનું ઉત્કટ સમર્થન કર્યંુ છે. વિશ્વભરના ૭૩ દેશોના પ્રતિનિધિઓએ આવી વ્યક્તિઓને વધુ રક્ષણ પૂરું પાડવા અને ભારતની સંવૈધાનિક જોગવાઈ મુજબ વાણીસ્વાતંત્ર્યને સંરક્ષણ પૂરું પાડવાનો અનુરોધ કર્યો છે. PEN લેખકોએ આ તમામ બાબત તેમના સમર્થનના નિવેદનમાં વ્યક્ત કરી છે, જે નીચે મુજબ છે :
ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, છતાં ભારતમાં વધતી જતી અસહિષ્ણુતાનું વાતાવરણ એવું છે, જ્યાં સનાતની વિચારધારા અને અંતિમવાદને પડકારનાર, વધુ હુમલાપાત્ર બની ગયા છે.
સાર્વજનિક જીવનના ત્રણ બૌદ્ધિકોની હત્યા થઈ છે. PEN ઇન્ટરનેશનલ અજાણ્યા હુમલાખોરો દ્વારા હત્યા કરાયેલ એમ.એમ. કલબુર્ગી, ગોવિંદ પાનસરે અને નરેન્દ્ર દાભોલકરના મૃત્યુ પર શોક જાહેર કરે છે અને આ ગુનો આચરનારાને શોધીને ધરપકડ કરવાનો ભારત સરકારને અનુરોધ કરે છે.
કલબુર્ગી ભારતના સૌથી ઉચ્ચ સાહિત્યિક પુરસ્કારમાંનાં એક, સાહિત્ય અકાદેમી પુરસ્કારથી સન્માનિત કરાયેલા હતા તેમની હત્યા બાદ, અકાદેમીના કેટલાક સભ્યોએ વિરોધ રૂપે રાજીનામાં આપ્યાં અને ઘણા લેખકોએ પુરસ્કાર પરત કર્યા હોવા છતાં અકાદમીએ મૌન સેવ્યું છે.
પુરસ્કાર પરત કર્યા હોય તેવા લેખકોના હેતુઓ પર ભારત સરકારના બે મંત્રીઓએ પ્રશ્ન ઉઠાવ્યા છે. ભારતના હાલના વાતાવરણમાં જાહેર રીતે જાહેર મતભેદ વ્યક્ત કરવા માટે હિંમત જરૂરી છે. નીચે દર્શાવેલ જેઓએ પુરસ્કાર પરત કર્યા છે અને અકાદમીના સભ્યપદ કે તેના સંચાલકમંડળમાંથી રાજીનામાં આપ્યાં છે, તેમની હિંમતને PEN ઇન્ટરનેશનલ સલામ કરે છે અને તેમનું ઉત્કટ સમર્થન કરે છેઃ
ઉદયપ્રકાશ, નયનતારા સહગલ, અશોક વાજપેયી, રહેમાન અબ્બાસ, સારાહ જૉસફ, કુમાર વીરભદ્રપ્પા (કુમવી), મંગલેશ ડબરાલ, રાજેશ જોશી, કેકી દારૂવાલા, ક્રિશ્ના સોબતી, ગણેશ દેવી, વીરન્ના મદીવલર, ટી.સતીષ જાવરે ગૌડા, સંગમેશ મેનાસીના ફાઈ, હનુમંથ હલીગરી, શ્રીદેવી અલુર, ચિદાનંદ સલી, ગુરબચન સિંહ ભુલ્લર, અજમેર સિંગ ઔલખ, આતમજીત સિંગ, વરયામ સંધુ, જી.એન. રંગનાથ, ડી.એન. શ્રીનાથ, એન. શ્રીનિવાસ, એન. શિવદાસ, મેઘરાજ મિત્તર, ઈ.વી. રામક્રિષ્ણન, કે. એસ. રવિકુમાર, એસ.આર. પ્રસાદ, ગુલામ નબી ખ્યાલ, રહેમત તરીકરી, સુરજીત પત્તર, બલદેવ સિંગ સડકનામા, જસ્વીન્દર, દર્શન બુત્તર, અનિલ જોશી, અમન સેઠી, ચમનલાલ, પ્રદન્યા પવાર, ભાઈ બલદીપ સિંગ, હોમેન બોરગોહેન, નિરૂપમા બોરગોહેન, મન્દાક્રાંતા સેન, ચંદ્રશેખર પાટિલ, ઇબ્રાહીમ અફઘાન, મુકુંદ કુલે, ઉર્મિલા પવાર, મિલિન્દ માલશે, રાજીવ નાયક, મોહન પાટિલ, હરિશ્ચંદ્ર થોરાટ, સંજય ભાસ્કર જોશી, ગણેશ વિસપુતે, દલીપ કોર ટિવાના, કે. સચ્ચિનંદ, પી.કે. પરાક્કાવડુ, અરવિંદ મલાગટ્ટી અને શશી દેશપાંડે.
આ દુઃખદ ઘટનાક્રમ અંગે ભારતના સાંસ્કૃitક મંત્રી મહેશ શર્માએ કરેલું વિધાન ‘જો તેઓ (લેખકો) કહે છે કે તેઓ લખવા પામતા નથી, તો તેમણે લેખન બંધ કરવું જોઈએ, પછી આપણે જોઈશું,’ PEN ઇન્ટરનેશનલને ખૂબ ચિંતાજનક લાગે છે.
કૅનેડાના ક્યુબેક શહેરમાં PEN ઇન્ટરનેશનલની ૮૧મી કૉંગ્રેસમાં ભાગ લેવા આવેલા વિશ્વભરના લેખકો ભારતીય સાહિત્યની વ્યાપકતા, વિવિધતા અને શ્રેષ્ઠતાનું પ્રતિનિધિત્વ કરનારા આ લેખકોને સલામ કરે છે.
વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતું લોકશાહી ભારત પોતાના સંવિધાનના ઉચ્ચ આદર્શો મુજબ વર્તે, જેથી પ્રત્યેક ભારતીય એવા દેશમાં જીવી શકે, જ્યાં ‘મન ભયમુક્ત અને મસ્તિષ્ક ઉન્નત હોય’ એવી PENની અપેક્ષા છે.
PEN લેખકોનાં ઉપરના વિધાનના બિડાણ સાથે PENના પ્રમુખ જૉન રાલ્સ્ટન સૉલે ભારતના રાષ્ટ્રપતિ, ભારતના વડાપ્રધાન અને સાહિત્ય અકાદમીના પ્રમુખને સંબોધી નીચે મુજબ પત્ર લખ્યો છે. (પત્ર તારીખ ૧૭ ઑક્ટોબર, ૨૦૧૫)
કૅનેડાના ક્યુબેક શહેરમાં આયોજિત PEN ઇન્ટરનેશનલની ૮૧મી કૉંગ્રેસમાં ઉપસ્થિત ૧૫૦ દેશોમાંથી આવેલા લેખકોએ વિખ્યાત વિદ્વાન અને બૌદ્ધિક એમ.એમ. કલબુર્ગીની હત્યા બાદ ઊભા થયેલા સંકટ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે મને, PEN ઇન્ટરનેશનલના પ્રમુખ તરીકે તમારા સુધી અમારો દૃઢ મત પહોંચાડવાનો અનુરોધ કર્યો છે કે ભારતીય સમાજ અને સંસ્કૃિતની શ્રેષ્ઠતમ પરંપરાઓ અને ચોક્કસ, ભારતીય સંવિધાનના આધાર અને આત્મામાંના લેખકો અને કલાકારો સહિત, પ્રત્યેકના હક્કોનું રક્ષણ કરવા તાત્કાલિક પગલાં લેવામાં આવે.
આ માટે, પોતાના મંત્રીઓ વિવિધ મતો પ્રત્યે સહિષ્ણુ છે, એવી ખાતરી ભારત સરકારે લેખક અને કલાકાર-સમુદાયને આપવી ઘટે.
વધુમાં, એમ.એમ. કલબુર્ગી, નરેન્દ્ર દાભોલકર અને ગોવિંદ પાનસરેની હત્યા અંગે સરકારે તટસ્થ અને ત્વરિત તપાસ કરાવવાની અને હત્યારાઓને સજા કરવાની ખાતરી કરવી જોઈએ.
અકાદેમીના પુરસ્કાર પરત કરનાર પચાસથી પણ વધુ નવલકથાકારો, વિદ્વાનો, કવિઓ અને જાહેરક્ષેત્રના બૌદ્ધિકોનું અમે ઉત્કટ સમર્થન કરીએ છીએ અને તેમની હિંમત બિરદાવીએ છીએ.
(નોંધ : www.pen-international.org પર ઉપલબ્ધ સામગ્રીનું ભાષાંતર-સંકલન)
સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2015; પૃ. 04