પાઠયપુસ્તકોની બાબતમાં જરી ઠરીઠામ થયા પછી સોસાયટીએ મુંબઈ બહાર મરાઠીભાષી અને ગુજરાતીભાષી વિસ્તારો તરફ ધ્યાન આપ્યું. આ બંને વિસ્તારોમાં સ્કૂલો શરૂ કરતાં પહેલાં સરકારી ખર્ચે માસ્તર તરીકેની તાલીમ ચૂંટેલા પુરુષોને આપવામાં આવી. તે પછી ૧૮૨૬ની ૧૯મી મેએ લેવાયેલી પરીક્ષામાં ૧૪ મરાઠી ઉમેદવારો પાસ થયા તેમને મરાઠીભાષી વિસ્તારોમાં સ્કૂલો શરૂ કરવા મોકલ્યા. એ જ વર્ષના ઓગસ્ટની ૧૪મીએ લેવાયેલી પરીક્ષામાં દસ ગુજરાતી ઉમેદવારો પાસ થયા. તેમાંથી સોસાયટીએ દુર્ગારામ મંછારામ, પ્રાણશંકર સોમનાથ અને હરિરામ દયાશંકરને સુરત મોકલ્યા. તુળજારામ સુખરામ, ધનેશ્વર સદાનંદ અને ગૌરીશંકર કૃપાશંકરને અમદાવાદ મોકલ્યા. મુંકુંદરામ આશારામ અને હરહરરામ આશારામ એ બે ભાઈઓને ભરૂચ મોકલ્યા, તથા મયાશંકર જયશંકર અને લક્ષ્મીનારાયણ સેવકરામને ખેડા મોકલ્યા. દરેક શિક્ષકનો માસિક પગાર વીસ રૂપિયા હતો. આ દસ માસ્તરોએ શરૂ કરેલી નિશાળો તે બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપતી ગુજરાતની પહેલી સ્કૂલો. આ સ્કૂલોમાં મુંબઈની સોસાયટીએ તૈયાર કરેલાં પાઠયપુસ્તકો જ ભણાવાતાં. જેને ગેરસમજણપૂર્વક પહેલાં ગુજરાતી પાઠયપુસ્તકો તરીકે ઓળખાવવામાં આવે છે તે હોપ વાચનમાળાનાં પુસ્તકો તો છેક ૧૮૫૯માં પહેલીવાર પ્રગટ થયેલાં.
ગુજરાતી પાઠયપુસ્તકોની બાબતમાં ગુજરાતની નિશાળો ત્રીસેક વર્ષ સુધી મુંબઈ પર આધાર રાખે તે તો સમજી શકાય, કારણ ઈલાકાનું તે પાટનગર હતું. પણ સુરત મિશન પ્રેસ અને દમણમાં ફરદુનજીએ શરૂ કરેલા પ્રેસને બાદ કરતાં છેક ૧૮૪૫ સુધી ગુજરાતી મુદ્રણ માટે પણ મુંબઈ પર જ બધો મદાર રહ્યો હતો. ખુદ અમદાવાદમાં પહેલું છાપખાનું છેક ૧૮૪૫માં શરૂ થયું હતું. બાજીભાઈ અમીચંદનું આ છાપખાનું શિલાછાપ પદ્ધતિનું હતું. પુસ્તક વૃદ્ધિ કરનાર મંડળીનું છાપખાનું તે જ વર્ષે કે ૧૮૪૬માં શરૂ થયું. ૧૮૪૯માં ગુજરાતનું પહેલું અખબાર ‘વરતમાન’ શરૂ થયું.
તે આરંભમાં બાજીભાઈ અમીચંદના છાપખાનામાં જ છપાતું, અને ૧૮૫૦માં શરૂ થયેલું ‘બુદ્ધિપ્રકાશ’ માસિક પણ ત્યાં જ છપાતું. આજે આપણને નવાઈ લાગે પણ ૧૮૬૩ સુધી અમદાવાદમાં મુવેબલ ટાઈપ વાપરતું એક પણ પ્રેસ નહોતું. ૧૮૬૩માં દલપતરામ મુંબઈ ગયા ત્યારે તેમણે દફતર આશકારા પ્રેસની મુલાકાત લીધી. તેના માલિક બહેરામજી ફરદુનજીએ ટકોર કરી કે અમદાવાદ જેવા શહેરમાં મુવેબલ ટાઈપ વાપરતું એક પણ પ્રેસ નથી તે શરમજનક કહેવાય. આ ટકોરથી ઘવાયેલા દલપતરામે બીજા ત્રણ ભાગીદારો સાથે મળીને ૧૮૬૩માં યુનાઇટેડ પ્રિન્ટિંગ એન્ડ જનરલ એજન્સી કંપની લિમિટેડ નામનું મુવેબલ ટાઈપ વાપરતું પ્રેસ શરૂ કર્યું.
દલપતરામને જેમની મોટી ઓથ હતી તે એલેકઝાન્ડર કિનલોક ફાર્બસની ૧૮૫૦માં સુરત બદલી થઈ. તેમની પ્રેરણાથી ૧૮૫૦ના ઑકટોબરની દસમીથી સુરત સમાચાર નામનું અખબાર શરૂ થયું. બેજનજી પાલનજી તથા દુર્ગારામ મંછારામ આ અખબાર સંભાળતા. ૧૮૫૭માં ખેડાથી ખેડાનીતિપ્રકાશ અને ભરૂચથી વરતમાંન નામનાં અખબાર શરૂ થયાં. સૌરાષ્ટ્રનાં શહેરોમાં તો અમદાવાદ કરતાં ય છાપખાનાં મોડાં શરૂ થયાં. ૧૮૬૩માં રાજકોટ ગેઝેટ પ્રેસ અને ૧૮૬૫માં ભાવનગર દરબારી પ્રેસ શરૂ થયા. તે સૌરાષ્ટ્રનાં પહેલાં બે છાપખાનાં. આમ થવાનું કારણ એ કે સૌરાષ્ટ્રનો મોટા ભાગનો વિસ્તાર એ વખતે દેશી રાજાઓની હકૂમત હેઠળ હતો. અને આમાંના ઘણા ખરા રાજાઓ છાપખાનાં, સામયિકો, અખબારો, તરફ શંકાની નજરે જોતા. રૈયતની ઉશ્કેરણી કરવા માટે આ સાધનોનો ઉપયોગ થાય એ બીકે તેઓ તેમને પ્રોત્સાહન નહોતા આપતા. કાઠિયાવાડ એજન્સીએ સીધી કે આડકતરી રીતે દબાણ કર્યા પછી જ આ રાજાઓએ આ ત્રણે સાધનો શરૂ કર્યાં, પણ સાથોસાથ તેમના પર રાજયનો અંકુશ રહે એવી વ્યવસ્થા પણ કરી.
(વધુ હવે પછી)
સૌજન્ય : ‘ફ્લેશબેક’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની આરાધના’, “ગુજરાતમિત્ર”, 01 સપ્ટેમ્બર 2014