પ્રિય મિત્ર,
સપ્રેમ જય જગત !
લોકસભાના પરિણામો જોયા પછી આ લખવા બેઠો છું. મને એવી સલાહ મળી છે કે હમણાં રોકાઈ જાઓ, પરિસ્થિતિ જુઓ, પછી લખો. મને લાગે છે કે આ પત્ર પણ થોડું વિચારવાની તક આપવાનો પ્રસંગ છે. તેથી બહુ મોડું ન કરતાં, થોડા વિચારો પ્રગટ તો કરવા જ જોઈએ.
સહુથી મોટી ચિંતા જીતેલા પક્ષના નાયકના વિચાર-ચિંતન બાબતમાં છે. હમણાં સુધીની તેની કાર્યપદ્ધતિ ફાસીસ્ટ પદ્ધતિને મળતી રહી છે.
(1) વિશિષ્ટ અમીર વર્ગનો સાથ લીધો.
(2) વાતાવરણ તૈયાર કરવામાં પોતાના વાક્ચાતુર્યની મદદ મળી.
(3) દેશની કદાચ સહુથી વધુ અનુશાસિત તથા દેશભરમાં ફેલાયેલી સંસ્થા સાથેનો સંબંધ તથા પૂરું સમર્થન પ્રાપ્ત થયું.
(4) લગભગ બધાં માધ્યમોને ખરીદી લીધાં.
(5) જેની સામે લડવાનું હતું તે શક્તિ સંપૂર્ણપણે ખોખલી થઈ ગઈ હતી.
તેઓ માટે દેશની ભાવિ દિશા માટે પહેલાં સાંસ્કૃિતક રાષ્ટૃવાદ અથવા ધર્મનો આધાર હતો, પાછળથી તેઓએ ‘વિકાસ’ શબ્દ પસંદ કર્યો છે. તેઓની વિકાસની દિશા તથા કૉંગ્રેસના વિકાસમાં ખાસ અંતર નથી. બન્ને તે શક્તિઓનું આંધળું અનુકરણ કરે છે, જે ખૂબ જલદી જગતને ડૂબાડી દેશે. આપણા દેશમાં ખૂબ ઝડપે વધી રહેલા માધ્યમ વર્ગને આ પ્રગતિ અથવા વિકાસમાં સ્વર્ગ દેખાઈ રહ્યું છે. તેઓના સમર્થનથી ફાસીવાદ જીત્યો છે અને તે જોતજોતામાં જ હુકમ માનવાવાળો – કાયર બૌદ્ધિકવર્ગ બની જશે. આંતરરાષ્ટૃીય માનસિકતા ટૂંકા સમયમાં યુદ્ધ પ્રતિ લઈ જઈ શકે છે.
પ્રશ્ન એ છે કે આવી પરિસ્થિતિમાં જીવનની તાકાતોનું કર્તવ્ય શું હોઈ શકે ? આપણે લોકો, પોતાને ગાંધીના વિચાર સાથેના સમજીએ છીએ તેવા લોકોનું કર્તવ્ય શું ? પરંતુ આપણે પોતે જ કર્તવ્યવિમૂઢ છીએ, વર્તમાન પ્રવાહ સાથે રહેવા ઈચ્છીએ છીએ, મનમાં ને મનમાં પોતાના સિવાય અન્યને જ દોષિત ગણીએ છીએ અને લગભગ નિષ્ક્રિય અથવા જડતાથી ભરેલા છીએ.
વિચારવું એ જોઈએ કે દેશમાં કોઈ નવી તાકાતો અંકુરિત થઈ રહી છે ખરી ?જે દિશાને વળાંક આપવામાં સહાય કરી શકે, જે અંદરોઅંદર લડીને પોતાની શક્તિ બરબાદ ન કરે. જેઓ દેશને નવી દિશામાં લઈ જવા સમર્થ ન હોય, તેઓ ઓછામાં ઓછું દેશમાં થતા પતનને રોકવાની કોશિશ તો કરે. આવા લોકોમાં નીચે લખેલા વર્ગોને સામેલ કરી શકાય ? શું તેઓને સાચી દિશા દેખાડી શકાય ? ભલે આજે નહીં તો થોડાં વર્ષો પછી દેશ કોઈ નૂતન દર્શન જગત સામે રાખી શકશે ? ખાસ કરીને એવી પરિસ્થિતિમાં − જ્યારે આપણી પાસે ગાંધી નથી અને વિવેકાનંદ પણ નથી.
[૧] નવો યુવા વર્ગ : દુનિયાભરમાં કદાચ ક્યાં ય ન હોય તેવડો મોટો યુવા વર્ગ આપણી પાસે છે. જેની સમક્ષ આજે તો સિનેસ્ટાર અથવા રમતગમતના હીરો સિવાય કોઈ રોલમેડેલ નથી. તેઓ કોઈ રોલમોડેલની ખોજમાં પણ નથી. આ વર્ગ દિશાહીન ભટકે છે અથવા કોઈ સ્પર્ધામાં ઝૂકાવે છે. તેમાં થોડાક સફળ થાય છે અને વધુ તો નિરાશ થાય છે. તેઓ ગાડરિયા પ્રવાહમાં ફસાઈ જાય છે અથવા તો અપરાધની ચુંગાલમાં ફસાઈ જાય છે. બગડેલી દુનિયાને વધુ બદતર બનાવવામાં તેઓ સહાય કરે છે. તેઓને સંભાળવા એ જ જાણે શાસનના પરાક્રમનો મુખ્ય વિષય બની જાય છે.
[૨] બીજા છે દલિત, આદિવાસી અને અન્ય પછાત જાતિના લોકો. તેમાંનો બહુ નાનો ભાગ જાગ્રત છે. અધિકતર તો ચૂપ છે, દબાયેલા છે. તેઓ કઈ કક્ષામાં છે તે પણ જાણતા નથી. તે વર્ગ પાસે સમાજને ધિક્કારવા સિવાય કોઈ પણ દર્શન નથી. ઓછામાં ઓછું આપણે તો અંદરોઅંદર લડીને શક્તિ બરબાદ કરવી જોઈએ નહીં, એટલી સમજ પણ તેઓમાં નથી. તેઓમાં જે જાગ્રત છે તેઓ પરસ્પરના અભિમાનની ટકરામણમાં શક્તિ બરબાદ કરે છે. જેઓ જાગ્રત નથી તેઓ સૂતેલા છે. તેઓ કોઈ સ્વપ્ના પણ નથી જોતા.
[૩] નારીશક્તિ : આમાં જે જાગ્રત છે તે કાં તો પુરુષના તિરસ્કારમાં છે – તેઓ પાસે સદીઓનો અનુભવ અને પીડા છે. અને જેઓ તિરસ્કાર નથી કરતી તે પુરુષોની આજની દુષ્ટ વ્યવસ્થાનું અનુકરણ કરવામાં ગૌરવ અનુભવે છે. મૌલિક સૂઝ ખૂબ ઓછી દેખાય છે, પરંતુ આ શક્તિમાં ખૂબ બધી શક્તિઓ છે. તે શક્તિઓમાં અનેક સંભાવનાઓ છે તેને કોણ જગાડશે ?
[૪] એક શક્તિ બાબાના ભક્તો પાસે છે. તેમાં વધુ તો ઘેટાંનાં ટોળાં છે, પરંતુ તેમાં થોડાક એવા છે જેને આજની પરિસ્થિતિમાં આધ્યાત્મિક ઉકેલ જોઈએ છે. તેમાં ખૂબ ભણેલા-ગણેલા-વિચારવંત લોકો પણ છે, પરંતુ તેમાં કોઈ એવો માર્ગદર્શક જોઈએ જે આંતરિક સંતોષ આપે. બહારથી જે સુખ મળે છે તેને ચાલુ રાખે. તેમાંથી પણ કોઈ બળવો કરનાર નીકળશે ખરા ? જેઓ પોતે જ ત્યાગ-તપસ્યાના રોલમોડેલ બની શકે ? તેઓ મહાત્માઓના કેવળ પ્રચારક બનીને ન રહી જાય ?
આ પરિસ્થિતિમાં શું કરવું તે પ્રશ્ન થાય છે. આજે લખવામાં સંકોચ એટલા માટે થાય છે કે થોડા મહિનાઓ પછી મારી વય 90 વર્ષ પૂરાં કરશે. મનનો ઉત્સાહ ભલે પહેલાં જેટલો જ જોશપૂર્ણ હોય, પરંતુ શરીરની મર્યાદા તો છે જ. આમ છતાં વિચારની દૃષ્ટિએ થોડાં સૂચનો કરું છું.
બની શકે ત્યાં તૃણમૂલ(ગ્રાસરૂટ)ને મજબૂત બનાવવામાં શક્તિ લગાવવી જોઈએ. આજે ભલે વિરોધી વાતાવરણ દેખાતું હોય, કાલે તે અનુકૂળ પણ થઈ શકે છે. તેવી પરિસ્થિતિ ઊભી કરવા અથવા તેનું સ્વાગત કરવા માટે નક્કર પરિસ્થિતિ જોઈએ. એ ત્યારે જ થશે જ્યારે સમાજના નિમ્નતમ સ્તર(ગ્રાસરૂટ્સ)માં કોઈ તાકાત બચી હશે.
જયપ્રકાશજીએ વર્ષો પહેલાં જે કાર્યક્રમો રજૂ કરેલા તે જ કાર્યક્રમ મને તો સૂઝે છે તે ચતુર્વિધ કાર્યક્રમ હતા : [અ] પ્રબોધન [બ] સંગઠન [ક] નમૂના (પ્રયોગક્ષેત્ર) [ડ] સંઘર્ષ.
સકારાત્મક વિચારોનો ફેલાવો કરવાની ખૂબ જરૂર છે. શાળાના બાળકોથી માંડીને વૃદ્ધો સુધીના માટે. તેનું માધ્યમ અલગ અલગ હોઈ શકે છે. મને ગાંધીકથાનું માધ્યમ સૂઝી ગયું છે.
તેમાં હું યથાશક્તિ-મતિ સુધારા-સંશોધન કરતો રહીશ. સાંભળ્યું છે કે કેટલાક લોકો આ માધ્યમને સ્વીકારવા ઈચ્છે છે. તેઓનું સ્વાગત છે, પરંતુ અહીં વધુ ધ્યાન એ બાબતનું રાખવું જરૂરી છે કે આપણા વિચારો અને માહિતી પાકી હોવી જોઈએ. તેમાં જો શિથિલતા હશે તો લાભ થવાને બદલે વધુ નુકસાન થશે.
અલગ અલગ સ્તરના શ્રોતાઓ માટે પ્રબોધનનું માધ્યમ પણ અલગ અલગ હોઈ શકે. ગુજરાતમાં જેટલું ધ્યાન પ્રાથમિક શિક્ષણમાં અપાયું છે તેટલું ઉચ્ચ શિક્ષણમાં નથી અપાયું.
સંગઠનમાં હજુ સુધી અનુકરણ જ જોવા મળે છે. સંગઠન માટે સ્વાભાવિક મૌલિક પ્રયોગો કરવા પડશે. અંગ્રેજો આવ્યા તે પહેલાં આપણે ત્યાં સંગઠનોનું જે સ્વરૂપ હતું, તેના પર ધ્યાન આપીને કંઈક તેનું નવ-સંસ્કરણ કરવું પડશે.
સંગઠનોને ભ્રષ્ટ કરવા માટે આજકાલનો સરળ માર્ગ ચૂંટણી છે. આપણે ચૂંટણીનો વિકલ્પ પણ શોધવો પડશે. કંઈક મૌલિક-લોકતાંત્રિક માર્ગ શોધવો પડશે. તેમાં તમે કંઈ સૂચવી શકો છો ? ડૉ. આંબેડકરને પરંપરાગત ગ્રામીણ રીતો પ્રતિ ચીડ હતી, કારણ કે તેના સહુથી વધુ ખરાબ પરિણામ તેઓ ભોગવી ચૂક્યા હતા. ગાંધીએ ગામની પોતાની કલ્પનાની સાથે પોતાના આદર્શોને પણ જોડ્યા હતા. હકીકતે પહેલાં ક્યારે ય એવી વ્યવસ્થા ન પણ રહી હોય ! સંગઠનો અંગે કેટલાક પ્રયોગો વિદેશમાં પણ થયા છે. જેમ કે ક્વેકર સંપ્રદાયના વિશ્વભરના ક્રિયાશીલોના પ્રયોગો પણ તપાસી જોવા જોઈએ. આપના આ અંગે કોઈ સુઝાવ છે ?
સંઘર્ષની ગાંધીની રીત – સત્યાગ્રહ. તેનાથી સમગ જગત આકર્ષિત છે, પરંતુ સત્યાગ્રહનો સમાનાર્થી અર્થ ગાંધીએ Love Force − પ્રેમની શક્તિ કહેલ છે. આપણી સગવડતા ખાતર આપણે તે ભૂલી ગયા છીએ.
વિકલ્પ ઊભો કરવા આપણે ખૂબ શક્તિ લગાવવી જોઈએ. ઓછામાં ઓછું જીવનની પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ તો આપણાં ગામો પેદા કરી લે. ચારે બાજુ પરમાણુ શક્તિથી ઘેરાયેલા આપણાં ચાર લાખ ગામો સ્વાવલંબી બનાવવા માટે સર્વોત્તમ સુરક્ષાના પગલાં લેવાય. આ વિચાર ઇઝરાઇલના કિબુત્સુના અનુભવી લોકોને પણ વ્યવહારિક લાગેલો.
વિકલ્પમાં કુમારપ્પા, શુમાખર વગેરેના આધુનિક વારસદારો નીકળવા જોઈએ. વિનોબાના વિચાર તો વિજ્ઞાન અને અધ્યાત્મના સંવાદના હતા. શું આપણામાંથી કોઈ તરુણને આને માટે પોતાનું તારુણ્ય ન્યોછાવર કરવાની પ્રેરણા આપીશું ?
આ તો મારા વિચારો બની શકે તેટલા સંક્ષેપમાં આપ્યા છે. આપ પણ આજની વર્તમાન પરિસ્થિતિ વિશે તથા તેના ઉપાયો વિશે વિચારતા હશો. મારા લંબાણપૂર્વકના પત્ર માટે મને ક્ષમા કરીને આપ આપના વિચાર-સુઝાવ મોકલશો.
સપ્રેમ.
− નારાયણ દેસાઈ
(સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય, વેડછી – 394 641, વાયા વાલોડ, જિલ્લો સુરત, ગુજરાત, ભારત)
સૌજન્ય : “િબરાદર”, અૉગસ્ટ 2014, પૃ. 03-05