– તમારું 'નાગરિક’ ન હોવું એમને ફળે છે
– સો દિવસને છેડે; 'વિકાસ’ની હવાઈ છત્રી તળે નાતજાતકોમનું રાજકારણ ધરાર બરકરાર
નમો શાસનને સો દિવસ થવામાં છે અને સર્વોચ્ચ અદાલત દેશનાં પ્રધાનમંડળોમાં દાગી મંત્રીઓના ધરાર હોવા વિશે દુ:ખ, ચિંતા અને નિસબતની લાગણી આક્રોશમાં ઝબકોળીને વ્યક્ત કરે છે. આ સૌને પરબારા ગેરલાયક ઠરાવવાનું તેને ઈષ્ટ લાગતું હોય તો પણ એ બંધારણની વર્તમાન જોગવાઈ ૭પ-૧ મુજબ પોતાનો સુવાંગ ઈલાકો નથી તે અલબત્ત સર્વોચ્ચ અદાલતના ખયાલમાં છે. એટલે વડા ન્યાયમૂર્તિ લોધા સહિતની પાંચ સભ્યોની બંધારણીય ખંડપીઠે, છેવટે, આ આખી વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યોના મુખ્યમંત્રીઓના વિવેક પર છોડી છે.
તેઓ ચાહે તો પોતાના દાગી મંત્રીઓને પડતા મૂકી શકે છે. સર્વોચ્ચ અદાલતે જે વિવેક વાસ્તે આરતભરી આશાટહેલ નાખી છે તેનો વિધાયક પ્રતિસાદ નમો કેવો અને કેટલો આપે છે એના પરથી એમના પહેલા સો દિવસનું એક માપ જરૂર મળી રહેશે. જો ગુજરાતમાં પુરુષોત્તમ સોલંકી અને બાબુભાઈ બોખીરિયાના દાખલા લક્ષમાં લઈએ અને બળાત્કારના આરોપસર તપાસ હેઠળ રાજસ્થાની કેન્દ્રીય મંત્રી નિહાલચંદ જૈનની ચાલુ દાસ્તાં લક્ષમાં લઈએ તો, કમનસીબે, પહેલા સો દિવસના સંદર્ભમાં આવી કોઈ ભેટ સંભવિત જણાતી નથી.
અર્થશાસ્ત્રી સ્વામીનાથ અંકલેસરિયા ઐયરે અર્થપ્રકરણી આશાભંગને જરી ફિલ્મી ઢબે વાચા આપી છે : 'હૈ મસ્ક્યુલર, હૈ પોપ્યુલર, બટ પપ્પુ કાન્ટ ડાન્સ સાલા.’ બને કે આ રીતની અભિવ્યક્તિ કઠે અને અમત્ર્ય સેન, જગદીશ ભગવતી, અરવિંદ પાનગરિયા, મોન્ટેક આહલુવાલિયાથી માંડીને રઘુરામ રાજન કે પછી ચિદમ્બરમ અને જેટલીના સ્તરે ચાલવી જોઈતી ચર્ચા એકદમ સડકછાપ બની ગયાનોયે પ્રતિભાવ જાગે. પણ અંકલેસરિયા ઐયર આપણા અર્થપ્રકરણી પત્રકારણની એક માહેર કલમ છે, અને આમ આદમીના આશાભંગને એમણે એની જ જબાનમાં વ્યક્ત કરવાપણું જોયું છે.
જોગાનુજોગ, આ સો દિવસોની જોડાજોડ મુઝફફરનગર કાંડને ય બરાબર એક વરસ પૂરું થાય છે. આ સહોપસ્થિતિ એ એક દુરદૈવ વાસ્તવનું સ્મરણ કરાવે છે કે વિકાસવેશી પ્રચારમારા તળે કોમી ધ્રુવીકરણ પ્રેરતી આખી એક રાજરમત ઉત્તરપ્રદેશમાં ભાજપ અને સમાજવાદી પક્ષના પોતપોતાના પ્રતિસ્પર્ધી કોમવાદથી રમાઈ હતી અને સૌ નિરીક્ષકો જે વિકાસફતેહ પર વારુંઓવારું છે તે ફતેહની ગાડીને કોમી ઊંજણ અને ઈંધણની એણે ભરચક સોઈ કરી આપી હતી.
આ લખી રહ્યો છું ત્યારે સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે કે ઉત્તર પ્રદેશ વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં ભાજપ તરફે સૌથી વડા ઝુંબેશકાર તરીકે યોગી આદિત્યનાથ રહેશે. તાજેતરમાં લોકસભાની ચર્ચા દરમિયાન જેમણે આદિત્યનાથને સાંભળ્યા હશે એમને દસ વરસ માટે કોમી હિંસાને મોરેટોરિયમ ફરમાવતી લાલ કિલ્લા તકરીર અને આ વડા ઝુંબેશકારની વાસ્તવિક ભૂમિકા બેઉ બે અને બે ચારની જેમ સમજાઈ રહેશે. કદાચ, એ એક ફાવી ગયેલો અને ફળતો રહેલો રવૈયો છે.
વિકાસ વાર્તાનું એર કવરેજ અને જમીની ખેલ કોમી દસ્તાનો ઉત્તર પ્રદેશના વરવા ચિત્રમાં અખિલેશ શાસનની કમજોરી અને દિલદગડાઈએ ભાજપના કોમી ધ્રુવીકરણના ગણિતને ખાસી મદદ કરી કરી છે તે ઉઘાડું છે. પણ ગમે તે કારણસર આઝમખાનથી કિનારો કરતી સમાજવાદી રણનીતિ અને આદિત્યનાથને આગળ જ આગળ કરતી ભાજપી રણનીતિ, નમોની મોરેટોરિયમ મુહિમને સવાલિયા દાયરામાં તો મૂકી જ આપે છે.
કહેવું હોય તો કહી શકાય – અને એમાં એક હદ સુધી સચ્ચાઈ પણ છે – કે બિહાર વિધાનસભાનાં ચૂંટણી પરિણામોએ કદાચ એવું બતાવી આપ્યું છે કે નમોની કથિત અપીલ ઉપરનો વરખ ઊખડી શકે છે. નીતિશ અને લાલુનું ભલે અસ્તંગમિત મહિમા સરખી તોયે કોંગ્રેસે સહિતનું સાથે આવવું નમો ભાજપ સામે પડકારરૂપ બની શકે છે. આ જ ધોરણે મુલાયમે માયાવતી સાથે સમજૂતીની તૈયારી બતાવી છે એ સૂચક છે. જો કે માયાવતીએ કોઈ વિધાયક પ્રતિસાદ નથી આપ્યો.
પણ એ સંભારવું રસપ્રદ થઈ પડશે કે ૧૯૯૨ની અયોધ્યા ફતેહ કલ્યાણસિંહ માટે ૧૯૯૩માં લખનૌ પરાજયમાં ફેરવાઈ ગઈ હતી એનું એક રહસ્ય સપ-બસપ (મુલાયમ-માયાવતી) એકત્ર આવ્યાં એમાં હતું. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં અને બિહારમાં મોદીની ઓબીસી ઓળખ કદાચ આ જ ધાટીએ ઉછાળાઈ હતી. મતલબ, કર્ણબધિરકારી વિકાસ શોર એને ઠેકાણે બરકરાર છે – બાકી, તમે કાં તો ઓબીસી સહિત ગોળબંદ હિંદુ વિ. મુસ્લિમ છો અગર ઉજળિયાત વિ. ઓબીસી વિ. દલિત છો. તમે તેમને સારુ ક્રયવસ્ત કે ક્રીડાવસ્તુ છો, નાગરિક નથી.
તમારું આ નાગરિક ન હોવું તમને પણ ફાવતું આવે છે અને એમને પણ ફળતું રહે છે. છેલ્લાં પચીસ વરસમાં કોઈ પણ પક્ષને કેન્દ્રમાં ન મળી હોય એવી અને એટલી બહુમતી પછી પણ જો આ જ ચિત્ર જોવાનું હોય તો લોકને મળી રહ્યું એ બદલી અવેજ કહેતાં સિબ્સ્ટટયૂટ હશે, વિકલ્પ કહેતાં ઓલ્ટરનેટિવ તો નથી. કબૂલ કે સો દિવસ માત્રથી આવા તારણ ઉપર એકદમ ઊતરી ન અવાય. કહી તો શકાય કે તમારે એમને સમય આપવો જોઈએ. એમની સામે હજુ પૂરી મુદ્દત પડી છે એ તો સાચું જ છે. થોભો અને રાહ જુઓ.
ભલે ભાઈ, આ તો લાગ્યું તેવું લખ્યું… બાકી બોલ્યુંચાલ્યું માફ
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 30 અૉગસ્ટ 2014
Cartoon courtesy : "The Indian Express", 30 August 2014