
રવીન્દ્ર પારેખ
ગુજરાતમાં દાયકાઓથી ભા.જ.પ.ની સરકાર છે ને તેણે અનેક ક્ષેત્રોમાં હરણફાળ ભરી છે, પણ કોણ જાણે કેમ, શિક્ષણ વિભાગનો બાલ્યકાળ પૂરો થતો જ નથી. ક્યાંક તે કોઈ માનસિક સમસ્યાથી પીડાય છે અથવા તો યૌવનકાળ ચાલતો હોવા છતાં, તેનું છોકરમતપણું છૂટતું જ ન હોય તેમ, એટલી બધી વખત છેક ભૂંસ ચાલે છે કે મૂળ વાત જ ઉકલતી નથી. તેનો શિક્ષકો અંગેનો એક પણ નિર્ણય સ્વસ્થતાનો દ્યોતક નથી. 2017થી બત્રીસેક હજાર શિક્ષકોની કાયમી ઘટમાં ખાસ ફેર પડ્યો નથી. શિક્ષકો સાથે જૂનું વેર હોય તેમ તેના હિતનો કોઈ વિચાર સરકારને આવતો જ નથી. પાયામાંથી બાળકોનું શિક્ષણ કાચું જ રહે તે માટે સરકાર પરિપત્રો બહાર પાડતી રહે છે, પણ મૂળ પ્રશ્ન ઊભો રહેવા દઈને સરકાર એવા ઉકેલ શોધે છે જે સમસ્યા વધારે. નવી શિક્ષણ નીતિમાં શિક્ષકો જરૂરી જ ન હોય તેમ શિક્ષક વગર શિક્ષણ આપવાના અખતરાઓ ચાલે છે. કાયમી શિક્ષકો ઘટતા હોય તો તેની નિમણૂક કરવી એ સાદો ઉકેલ હોય, પણ તેમ ન કરતાં સરકાર કામ ચલાઉ શિક્ષકોથી કામ કાઢે છે. એમ કરવાથી કાયમી શિક્ષકોની સમસ્યા કેવી રીતે ઉકેલાય તે સમજાતું નથી.
શિક્ષકોની કામ ચલાઉ નિમણૂકો સિવાય બીજું કોઈ કામ જ ન હોય તેમ એમાં ને એમાં જ શિક્ષણ વિભાગ સમય પસાર કરે છે. કાયમી શિક્ષકોને વિકલ્પે સરકારે વિદ્યા સહાયકો, પ્રવાસી શિક્ષકો, જ્ઞાન સહાયકો…ની કામચલાઉ વ્યવસ્થાઓ ઊભી કરી ને એમાં પણ એટલી વખત ફેરફારો કર્યા કે એ બધા છેવટે તો વિદ્યાર્થીઓ માટે છે એ વાત જ ગૌણ થઈ ગઈ. આખા ય ઉપક્રમમાં વિદ્યાર્થીઓ કોઈને બહુ યાદ આવતા જ નથી. ભણાવવા કરતાં ભણાવવાની વ્યવસ્થા જ ભણતર હોય એવી માનસિક્તાથી શિક્ષણ વિભાગ પીડાય છે. કેટલી ય સ્કૂલો શિક્ષકો વગર કે એકાદ શિક્ષકથી જ ચાલતી હોય ને એની જાહેરાત ખુદ સરકાર જ કરતી હોય તો એ સમસ્યા ઉકેલવાનું અગ્રતાક્રમે હોવું જોઈએ, પણ સરકારની એમ કરવાની દાનત નથી. ઉકેલ ન લાવવાથી જ શિક્ષણ ઉત્તમ થશે એવા કોઈ આસુરી આનંદથી સરકાર સ્વસ્થ છે. નિવૃત્તિનાં લાભો અને પેન્શનને મુદ્દે સરકાર શિક્ષકોની કાયમી ઘટ પૂરતી નથી ને એને બદલે કામચલાઉ નિમણૂકોથી આંગળાં ચાટીને હોજરી ભરે છે, તે શરમ જનક એટલે છે કે સરકારનાં અધિકારીઓ અને મંત્રીઓ કે વિધાનસભ્યો પેન્શન જતું કરવા તૈયાર નથી. પેન્શન પોતે છોડવું નથી ને શિક્ષકોને આપવું ન પડે એટલે વર્ષોથી કામચલાઉ નિમણૂકોનો કારભાર ચાલે છે.
છએક મહિના પર જ્ઞાન સહાયકોની પૂરતી નિમણૂક વગર જ પ્રવાસી શિક્ષકોને છૂટા કરી દેવાયા, પછી લાગ્યું કે જ્ઞાન સહાયકોની નિમણૂકમાં વાર લાગે એમ છે, એટલે પ્રવાસી શિક્ષકોને ફરી તેડાયા. મહેસાણામાં 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયકોની નિમણૂક થતાં 100 પ્રવાસી શિક્ષકોને પગાર પછી ચૂકવવાની શરતે, છૂટા કરવામાં આવ્યા, કારણ છેલ્લા મહિનાની ગ્રાન્ટ આવી ન હતી. કોઈ સરકારી અધિકારીને મોડો પગાર ચૂકવાતો નથી, તો પ્રવાસી શિક્ષકોને મહિનો પૂરો થવા આવે છતાં, પગાર ન ચૂકવાય એટલી ગરીબ સરકાર ક્યારથી થઈ તે નથી સમજાતું.
આમાં બીજી ગરબડ એ થાય છે કે જ્ઞાન સહાયકોની નિમણૂક તો થઈ જાય છે, પણ તેઓ કોઈક કારણસર હાજર થતાં નથી. તેઓ પણ નારાજ એટલે છે કે કાયમી નોકરી મળવાની શરતે જ તેમણે ટેટ-ટાટની પરીક્ષાઓ પાસ કરી ને હવે પાસ થયા પછી તેને 26 હજારની જ્ઞાન સહાયકની નોકરી ઓફર કરાય છે. આ રોકડો વિશ્વાસઘાત છે. સરકારના આ વિશ્વાસઘાતથી પણ ઘણા જ્ઞાન સહાયક થવા તૈયાર નથી. એમાં બીજી ગરબડ એ થાય છે કે જ્ઞાન સહાયકનું પાકું થાય તે પહેલાં પ્રવાસી શિક્ષકોને છૂટા કરી દેવાય છે. આ વેપલામાં રખડી પડે છે વિદ્યાર્થીઓ, જેનું હિત વિચારવાની કોઈને જ જરૂર જ નથી જણાતી. બને છે એવું કે સરકારે પ્રવાસીની દુકાન બંધ કરી દીધી હોય ને જ્ઞાન સહાયકનાં ઠેકાણાં ન હોય, એ સ્થિતિમાં પ્રવાસી શિક્ષકનો ખર્ચ જે તે સ્કૂલે વેઠવો પડે છે. કેટલી ય જગ્યાએ જે તે વિષયના શિક્ષકો નથી ને વર્ષ પૂરું થવા આવે ત્યાં સુધી નિમણૂકોનું ઠેકાણું પડતું નથી. આખું વર્ષ શિક્ષકોની નિમણૂકની ડુગડુગી વગાડીને સરકાર ખેલ કરવામાંથી જ ઊંચી નથી આવતી. આ ખેલ વર્ષોથી ચાલે છે, પણ કોઈ કાયમી ઉકેલ આવતો નથી, તે એટલે કે ઉકેલ લાવવો નથી.
આ મહેસાણાની જ વાત નથી, વડોદરાએ સરકારને એ જ્ઞાન આપવું પડે છે કે જ્ઞાન સહાયકોની ભરતી ન થાય ત્યાં સુધી પ્રવાસી શિક્ષકોને ચાલુ રાખો. જ્ઞાન સહાયકને મામલે સરકારને ખબર છે કે બધે ભરતી થઈ નથી, થઈ છે ત્યાં જ્ઞાન સહાયકો હાજર થયા નથી ને બોર્ડની પરીક્ષાઓ છાતી પર છે, તો સવાલ એ થાય કે એ નિમણૂકો પરીક્ષા પછી થવાની છે? વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ પરિણામ આવે પછી તપાસવાની કોઈ નવી સ્કિમ તો નથી આવવાનીને? પહેલી ટર્મ શરૂ થઈ ત્યારથી નિમણૂકની સમસ્યાઓ છે, પણ વર્ષ પૂરું થવા આવ્યું તો પણ તેનો ઉકેલ આવતો નથી, તો એની કોઈને નાનમ પણ નથી લાગતી. જગતમાં આટલું રેઢિયાળ અને નઘરોળ તંત્ર બીજે નહીં હોય !
રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં વર્ષોથી કાયમી શિક્ષક નથી, તેને વિકલ્પે પ્રવાસી શિક્ષકોથી ચલાવાયું, તે પછી જ્ઞાન સહાયકોની નિમણૂકની વાત આવી. તે થવા લાગી, તો શિક્ષકો આવતા નથી ને પ્રવાસી શિક્ષકો છૂટા કરી દેવાય છે. હવે પરીક્ષા માથે છે ત્યારે નથી કાયમી, નથી પ્રવાસી કે નથી જ્ઞાન સહાયક. આટલા શિક્ષિત બેકાર હોવા છતાં, શિક્ષકોનો દુકાળ ઘટતો નથી, તે એટલે કે એ દુકાળ ઘટે તેવી શિક્ષણ વિભાગની જ ઈચ્છા નથી. રાજ્ય શાળા સંચાલક મંડળના અધ્યક્ષના કહેવા મુજબ 8,500 શિક્ષકોની જરૂર હતી, તેની સામે 4,800 શિક્ષકો ચૂકવાયા. બીજા 3,700 શિક્ષકો ન હતા, એટલે ન આપ્યા? ના, શિક્ષકો ઓછા નથી, પણ જરૂર મુજબ ન ફાળવીને સરકાર કરકસર કરે છે. એ કસર બીજા જલસાઓમાં નથી થતી, પણ ગરીબાઈ શિક્ષણમાં છતી થાય એનો વાંધો સરકારને નથી. ગરીબાઈ હોય ને છતી થાય તો સમજાય, પણ આ તો ભર્યા ભંડારે ભૂખમરો વેઠવાની ફરજ પડાય છે. જ્યાં જે જરૂરી છે ત્યાં તો તે જોઈએને ! લગ્ન માટે અઢારની એકને બદલે નવ, નવની બે કન્યાથી ચલાવવાની વાત વાજબી છે? હાલની સ્થિતિમાં 300થી વધુ ગ્રાન્ટેડ સ્કૂલોમાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી જેવા વિષયના શિક્ષકો ન હોય કે ઉચ્ચતર માધ્યમિકમાં ઇકોનોમિક્સ કે સ્ટેટેસ્ટિક્સના શિક્ષકો ન હોય ને બોર્ડની પરીક્ષા મોઢું ફાડીને સામે ઊભી હોય, તો એ વિદ્યાર્થીઓની માનસિક હાલતની સરકારને કલ્પના પણ છે?
જ્ઞાન સહાયકોની નિમણૂક ન થઈ તો પ્રવાસી શિક્ષકોને વધુ છ મહિના ચાલુ રાખવાનું સરકારે નક્કી કર્યું. છ મહિના પછી પણ જ્ઞાન સહાયકોની નિમણૂક પૂરી નથી થઈ એ જાણવા છતાં, 4,300 પ્રવાસી શિક્ષકો છૂટા કરી દેવાયા. બિલકુલ રોબોટની જેમ સરકાર કઇ રીતે વર્તી શકે છે એ જ સમજાતું નથી. એ વિચાર સરકારને નથી જ આવતો કે જ્ઞાન સહાયક મુકાયા ન હોય તો પ્રવાસી શિક્ષકોને છૂટા ન કરાય, પણ કર્યા. આટલી બધી તવાઈ શિક્ષકો પર જ કેમ? એના કરતાં શિક્ષણ વિભાગને જ તાળું મારી દેવાય તો, કેમ? જ્ઞાન સહાયક, પ્રવાસી, સ્વર્ગવાસીની કોઈ પંચાત જ નહીં ! એમ.એ., એમ.કોમ થઈને પણ કંડકટર કે પટાવાળાની જ નોકરી કરવાની હોય તો ભણ્યા વગર પણ મજૂરી તો મળી જ રહેશે. ઝાડુ મારવા માટે પીએચ.ડી. થવાની જરૂર છે? એવે વખતે સ્કૂલો બંધ હોય તો સારું જ ને ! ભણતરનો ખર્ચ તો બચે !
આમે ય ભણતર એવું રહ્યું નથી કે તેની યોગ્ય કદર થાય. એ સ્થિતિમાં શિક્ષણ જ બંધ થાય તો ગુજરાતનો શિક્ષણ વિભાગ જરૂરી શિક્ષકોની નિમણૂક કરતાં કતરાય છે તે તો અટકે. શિક્ષણને જ તાળું મરાય તો વિભાગની, મંત્રીઓની કે અધિકારીઓની જરૂર જ ન રહે ને અબજો રૂપિયાની બચત થાય તે નફામાં. આ બધો ખર્ચ તો વિભાગ પોતાનાં ગજવામાંથી કરે છેને ! પ્રજા કયાં ટેક્સ ભરે છે કે તેની આશાએ શિક્ષણ વિભાગ બેસે ! આખા વિશ્વમાં ગુજરાત જ એવું છે કે પૂરતા શિક્ષકો હોવા છતાં, શિક્ષણ વિભાગ શિક્ષકો રાખવામાં પૂરતો દરિદ્રી છે. હવે તો પ્રાર્થના જ કરવાની રહે કે ભારતનું કોઈ રાજ્ય આટલું દળદરી અને ગરીબ ન હોય …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 29 જાન્યુઆરી 2024