આપણે વાત કરતા હતા પૂના નજીક આવેલા ભીમા કોરેગાંવના વિજય સ્મારકની જ્યાં દર વર્ષે પહેલી જાન્યુઆરીએ લાખોની સંખ્યામાં વિજયોત્સવ માટે દલિતો એકઠા થાય છે. પણ સવાલ એ છે કે વિજય કોનો થયો હતો અને કોની સામે થયો હતો. ઉત્તર બહુ સ્પષ્ટ છે ૧૮૧૭ની સાલમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો પૂનાના પેશ્વાઓ સામે વિજય થયો હતો. પણ અંગ્રેજોને ચતુરાઈમાં કોઈ ન પુગે. આપણે ત્યાં બીજાઓનો શ્રેય આંચકી લેવાની લાલચ કેટલાક લોકો રોકી શકતા નથી ત્યાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના હાકેમોએ કંપનીના વિજયનો શ્રેય મહારાષ્ટ્રના દલિત મહારોને આપ્યો હતો અને એવો પ્રચાર શરૂ કર્યો હતો કે દલિતોએ બ્રાહ્મણોને (અને એ પણ મહારાષ્ટ્રના ચિત્પાવન બ્રામણો) પરાજિત કર્યા હતા અથવા દલિતોનો બ્રાહ્મણો પર વિજય થયો હતો. ઈરાદો પોતાને સર્વશ્રેષ્ઠ માનતા બ્રાહ્મણોને નીચા દેખાડવાનો હતો અને દલિતોને બ્રાહ્મણોની સામે ઊભા કરવાનો હતો. આમ લાંબો સમય રાજ કરી શકાય એ માટે ચતુર અંગ્રેજોએ વિજયનો શ્રેય દલિતોને આપ્યો હતો.
આ દેશમાં મહત્તા કોને નથી ગમતી! ધીરેધીરે દલિતો પણ એમ માનવા લાગ્યા કે બ્રાહ્મણ પેશ્વાઓને તેમણે પરાજીત કર્યા હતા. વાસ્તવમાં અંગ્રેજોના સૈન્યમાં મરાઠા, મહાર, યહૂદી અને મુસલમાન પણ હતા. અંગ્રેજોનાં ૪૯ સૈનિકો લડાઈમાં મૃત્યુ પામ્યાં હતા જેમાં ૨૨ મહાર સૈનિકો હતા. વિજયસ્તંભ પર એ તમામ ૪૯ સૈનિકોનાં નામ આપવામાં આવ્યાં છે. દલિતોએ બ્રાહ્મણોને પરાજીત કર્યા એવો પ્રચાર દલિતો અપનાવતા ગયા અને એમાં પણ ૧૯૨૭ની સાલમાં પહેલી જાન્યુઆરીએ ડૉ. બાબાસાહેબ આંબેડકરે ભીમા કોરેગાંવના સ્મારકની મુલાકાત લીધી એ પછી પહેલી જાન્યુઆરીએ ભીમા કોરેગાંવ ખાતે વિજય ઉજવવા એકઠા મળવું એ દલિતો માટે એક વાર્ષિક કાર્યક્રમ બની ગયો.
બ્રાહ્મણો સામે દલિતોને ઊભા રાખવા અને એવા બીજા નુસખા વાપરીને બને એટલો લાંબો સમય ભારતમાં રાજ કરવું એ એ સમયની અંગ્રેજોની જરૂરિયાત હતી. બહુ ચતુરાઈપૂર્વક વિજયનો શ્રેય તેમણે દલિતોને આપ્યો હતો. સવર્ણોના વર્ચસવાળા ભારતીય સમાજમાં દલિત પ્રજાની અંદર ચેતના જાગૃત કરવી એ એ સમયે દલિતોની જરૂરિયાત હતી. ડૉ. આંબેડકરે દલિતોની અંદર ચેતના જાગૃત કરવા અને સામાજિક અસમાનતા તેમ જ અન્યાય સામે દલિતો અવાજ ઉઠાવતા થાય એ સારુ ભીમા કોરેગાંવની ઘટનાનો ઉપયોગ કર્યો હતો. જરૂરિયાત સમજવી અને જરૂરિયાત મુજબ સાધનોનો તેમ જ ઘટનાઓનો ઉપયોગ કરવો એમાં દુરન્દેશી છે.
પણ પછી જરૂરિયાત બદલાતી રહે છે અને જેમ જરૂરિયાત બદલાય એમ વલણમાં પણ ફેરફાર કરતા રહેવું જોઈએ. આજે જ્યારે ભારતમાં ફાસીવાદી રાજકારણે માથું ઊંચક્યું છે અને ભારતની પ્રજા તેના પ્રભાવમાં આવી રહી છે, ત્યારે બ્રાહ્મણ-દલિતોના જય-પરાજયના ઉત્સવો ઉજવવા એ કેટલું ઉપયોગી છે? તમને નથી લાગતું કે આવી આઝાદી પહેલાંની ચોક્કસ સ્થિતિમાં જેની જરૂરિયાત હતી એ અત્યારે કાલબાહ્ય થઈ રહી છે? સાવ સીધાસાદા અને એકંદરે માનવતાવાદી બ્રાહ્મણોને આજે પણ ગાળો દેતા રહીને, દરેક બ્રાહ્મણને મનુવાદના રક્ષક ગણાવીને, તેમનાં કુકર્મોને ઘૂંટતા રહીને આપણે એ બ્રાહ્મણને ફાસીવાદ તરફ ધકેલી રહ્યા છીએ. દેશમાં જ્યારે સર્વસમાવેશક રાષ્ટ્રવાદ કે સહિયારી રાષ્ટ્રીયતા સ્વીકૃત હતી, ત્યારે મોટાભાગના બ્રાહ્મણોએ પણ તેનો સ્વીકાર કર્યો હતો. સવર્ણોએ તેનો સ્વીકાર કર્યો હતો. અંગ્રેજીમાં જેને આપણે આઈડિયા ઓફ ઇન્ડિયા કહીએ છીએ એમાં એ લોકો પણ ભાગીદાર હતા જે એક સમયે સામાજિક સરસાઈ ધરાવતા હતા.
બન્યું છે એવું કે પ્રગતિશીલોના અતિરેકને કારણે, આક્રમકતા અને અસહિષ્ણુતાને કારણે તેમણે પરસ્પર એકબીજા વચ્ચે ઊંડી ખાઈ પેદા કરી છે. તેમણે પરસ્પર એકબીજાનો છેદ ઉડાડીને પોતાને જ નિર્બળ કર્યા છે અને ઉપરથી જે સવર્ણો સાથ આપતા હતા અથવા સહાનુભૂતિ ધરાવતા હતા તેમને પોતાનાથી દૂર કર્યા. આજે તેઓ સામેના છેડે જઈ રહ્યા છે અને તેના માટે પ્રગતિશીલોનું વલણ પણ જવાબદાર છે. કોઈ ધાર્મિક હોય, કોઈ જનોઈ પહેરતું હોય, કોઈ કર્મકાંડ કરાવતું હોય તો એ કોઈ અમાનવીય કૃત્ય તો નથી. પણ આજે એ લોકો જેઓ અમાનવીય પ્રવૃત્તિ કરે છે તેને સમર્થન આપે છે, કારણ કે પ્રગતિશીલોએ તેમની આક્રમકતા અને અસહિષ્ણુતા દ્વારા તેમને તેમનાથી દૂર કર્યા છે.
ભીમા કોરેગાંવમાં જે વિજય થયો હતો એ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો થયો હતો. તેમનો વિજય દલિતોને કારણે નહોતો થયો, પણ યુદ્ધ લડવાની તેમની આવડતને કારણે થયો હતો. પેશ્વાઓનો જે પરાજય થયો હતો એ દલિતોને કારણે નહોતો થયો, પરંતુ તેમના ફૂહડ રાજકાજને કારણે થયો હતો. તેમને રાજ કરતાં જ નહોતું આવડતું અને હાથ લાગેલી તક વેડફી નાખી હતી. આ વાસ્તવિકતા છે.
તો કહેવાનું તાત્પર્ય એટલું જ કે આજે જ્યારે ફાસીવાદે દેશ પર ભરડો લીધો છે ત્યારે સંસ્થાનવાદી ઘટનાઓ, ઇતિહાસ અને સંદર્ભો વિષે પુનર્વિચાર કરવો જોઈએ.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 28 જાન્યુઆરી 2024