જૂની મૂડી
શું આપણા દેશમાં કે શું દુનિયાના બીજા દેશોમાં, નાટક, સાહિત્ય, ચિત્ર, શિલ્પ અને બીજી કલાઓ પર આજ સુધી જે-તે દેશની માઈથોલોજીની જબરી અસર રહી છે. આપણે ત્યાં રામાયણ-મહાભારત અને પુરાણોનાં પાત્રો અને પ્રસંગોને આધારે અનેક કૃતિઓ દરેક ભાષામાં રચાઈ છે. આવી એક કથા તે રાજા હરિશ્ચન્દ્રની વાત. નરસિંહ મહેતાથી કવિ દયારામ સુધીના મધ્યકાલીન સાહિત્યમાં આખ્યાન, કથા-વાર્તા વગેરેમાં આ કથા જોવા મળે છે. ભવાઈ ભજવાનારાઓ માટે પણ રાજા હરિશ્ચન્દ્રની કથા હાથવગી હતી. આનું એક કારણ એ કે સામાન્ય માણસ પોતાના જીવનમાં જે કરી ન શકે એવું કરનારાઓ પ્રત્યે તેને હંમેશાં અહોભાવ અને આકર્ષણ રહે છે. ગાંધીજી રાજકોટની સ્કૂલમાં ભણતા હતા ત્યારે તેમણે ‘હરિશ્ચન્દ્રનું આખ્યાન’ નામનું નાટક જોયું હતું. એ અંગે આત્મકથામાં ગાંધીજી લખે છે: “એ નાટક જોતો હું થાકું જ નહિ. એ ફરી ફરી જોવાનું મન થાય. એમ વારંવાર જવા તો કોણ જ દે? પણ મારા મનમાં મેં એ નાટક સેંકડો વખત ભજવ્યું હશે.” ‘સત્યના પ્રયોગો અથવા આત્મકથા’ની ઓક્ટોબર ૨૦૧૮માં પ્રગટ થયેલી ‘સમીક્ષિત આવૃત્તિ’માં ત્રિદીપ સુહૃદ જણાવે છે તેમ ગાંધીજીએ જે નાટક જોયેલું તે આ રણછોડભાઈએ લખેલું નાટક.
૧૮૬૮ના મે મહિનાની ૧૬મી તારીખે બીજા ચાર મિત્રોને સાથે રાખીને કેખુશરુ કાબરાજીએ ‘વિક્ટોરિયા નાટક મંડળી‘ શરૂ કરી હતી. પણ પછી બીજા ભાગીદારો સાથે મતભેદ થતાં કાબરાજી તેમાંથી છૂટા થયા અને પોતાની નવી ‘નાટક ઉત્તેજક મંડળી’ શરૂ કરી. તેણે પહેલું નાટક ભજવ્યું તે કાબરાજીનું જ લખેલું ‘સૂડી વચ્ચે સોપારી.’ પણ તે ઝાઝું ચાલ્યું નહિ. કાબરાજીએ નક્કી કર્યું કે હવે પારસી નહિ પણ હિંદુ નાટક ભજવવું. એ જમાનાના જાણીતા નાટકકાર રણછોડભાઈ ઉદયરામ અને કાબરાજી મિત્રો. એટલે કાબરાજીએ તેમની પાસે આવા એક નાટકની માગણી કરી. અને ૧૮૭૧માં પ્રગટ થયેલું પોતાનું ‘હરિશ્ચન્દ્ર નાટક’ રણછોડભાઈએ તેમને આપ્યું.
રણછોડભાઈના આ નાટકનો નાનકડો ઇતિહાસ છે. માર્કંડેય પુરાણમાંની રાજા હરિશ્ચન્દ્રની કથા પરથી દક્ષિણ ભારતના એક મધ્યકાલીન લેખકે તમિળ ભાષામાં નાટક લખ્યું. સિલોન કહેતાં શ્રીલંકાના રહેવાસી તમિળભાષી મુથ્થુ કુમારસ્વામી(૧૮૩૪-૧૮૭૯)એ તેનો અંગ્રેજી અનુવાદ કર્યો. આ મુથ્થુ કુમારસ્વામી એટલે આખા એશિયા ખંડમાં પહેલવહેલો ‘સર’નો ઈલ્કાબ મેળવનાર. તેઓ વિલાયત જઈ બેરિસ્ટર થયેલા અને શ્રીલંકાની લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય નિયુક્ત થયા હતા. તેમણે એ તમિળ નાટકનો અંગ્રેજી અનુવાદ કરી વિલાયતમાં જ ૧૮૬૩માં પ્રગટ કર્યો. એ જ વર્ષના ડિસેમ્બરની આઠમી તારીખે આ નાટક રાણી વિક્ટોરિયા સમક્ષ ભજવાયું ત્યારે તેમાં રાજા હરિશ્ચન્દ્રની ભૂમિકા મુથ્થુ કુમારસ્વામીએ પોતે ભજવી હતી. મુથ્થુસ્વામી લેટિન, ગ્રીક, હિબ્રુ, પાલિ, અરબી, સંસ્કૃત સહિત કુલ ૧૨ ભાષા જાણતા હતા. પ્રખ્યાત કલામીમાંસક આનંદ કુમારસ્વામી તેમના દીકરા. પોતાના અનુવાદની એક નકલ તેમણે મુંબઈના કોઈ મિત્રને મોકલી. એ નકલ રણછોડભાઈના જોવામાં આવી. એ વખતે તેઓ હરિશ્ચન્દ્ર વિષે નાટક લખવાનો વિચાર કરતા જ હતા, પણ આ અંગ્રેજી અનુવાદ તેમને એટલો તો ગમી ગયો કે તેમણે મૌલિક નાટક લખવાને બદલે તેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો.
પોતાના આ અનુવાદની ૧૮૭૧માં પ્રગટ થયેલી પહેલી આવૃત્તિની નકલ રણછોડભાઈએ કાબરાજીને આપી. કાબરાજીને નાટક તો ઘણું ગમ્યું પણ તે ભજવતાં પહેલાં કેટલાક ફેરફાર કરવાનું જરૂરી હતું. પહેલું તો એ કે ૧૦૮ છાપેલાં પાનાંનું આ નાટક લાંબાં નાટકોના એ જમાનામાં પણ ટૂંકાવ્યા વગર ભજવી શકાય નહિ. બીજું એ વખતે ભજવાતાં નાટકમાં નાચગાન તો હોવાં જ જોઈએ એવો ચાલ. રણછોડભાઈના અનુવાદમાં પદ્ય હતું, પણ ગીતો નહોતાં. આ ફેરફારો માટે રણછોડભાઈએ સંમતિ આપી એટલે કાબરાજીએ પહેલાં તો નાટકમાં કાપકૂપ કરી. ત્રણેક ગીતો રણછોડભાઈએ લખી આપ્યાં. કવીશ્વર દલપતરામનું એક પદ અને એક ગરબી ઉમેર્યાં, અને એક પદ કવિ નર્મદનું ઉમેર્યું. દલપતરામ અને નર્મદની રચનાઓ એક જ કૃતિનો ભાગ બની હોય તેવો આ એકમાત્ર દાખલો. બાકીનાં ગાયનો કાબરાજીએ પોતે લખ્યાં. ખમાજ રાગની ઠુમરી પર અને પીલુ રાગમાં ગવાતી ગરબી પર નાચની તક ઊભી કરી. ભજવણી માટે તૈયાર થયેલી આ સ્ક્રિપ્ટ તેમણે ૧૮૭૬ના એપ્રિલમાં પુસ્તકાકારે પણ પ્રગટ કરી.
આમ, નાટક તો તૈયાર થઈ ગયું, પણ શરૂઆતમાં નાટક ઉત્તેજક મંડળીના બીજા ભાગીદારોએ આવું નાટક ભજવવા સામે વિરોધ કર્યો. મુખ્ય કારણ એ કે પારસી નટો હિંદુ પાત્રો ભજવે તે ન તો પારસી પ્રેક્ષકો સ્વીકારશે, કે ન તો હિંદુ પ્રેક્ષકો સ્વીકારશે એવી તેમને બીક હતી. બીજું, પારસી એક્ટરોને ‘શુદ્ધ’ ગુજરાતી ભાષા બોલવાનું ફાવશે નહિ અને તેઓ હાંસીપાત્ર થશે એમ પણ લાગતું હતું. વિક્ટોરિયા અને નાટક ઉત્તેજક, બંને મંડળીઓમાં કાબરાજીના ખાસ સાથી એવા ફરામજી ગુસ્તાદજી દલાલ ‘ઇન મેમોરિયમ : કેખુશરો નવરોજી કાબરાજી’ (૧૯૦૪) નામના સ્મૃતિ ગ્રંથમાંના લેખમાં જણાવે છે કે એ વખતે કાબરાજીએ કહ્યું કે પહેલાં આ નાટક હું તમને વાંચી સંભળાવું. પછી નક્કી કરજો કે એ ભજવવું કે નહિ. તેમણે લગભગ અડધું નાટક વાંચ્યું ત્યાં જ બધા ભાગીદારોએ કહ્યું કે આ નાટક તો આપણે ભજવવું જ જોઈએ. અને કાબરાજીએ ‘હરિશ્ચન્દ્ર’નાં રિહર્લસર્સ શરૂ કર્યાં.
કાબરાજી અને રણછોડભાઈએ નક્કી કર્યું કે નાટકનો પહેલો પ્રયોગ માત્ર આમંત્રિત મહેમાનો માટે જ કરવો. તેમની ‘હા’ હોય તો જ જાહેર પ્રયોગ કરવા. આવો ખાસ પ્રયોગ આમંત્રિત પ્રેક્ષકોને બેહદ પસંદ પડ્યો. પણ નાટક એવી જગ્યાએ રજૂ કરવું જોઈએ કે હિંદુ અને પારસી, બંને પ્રેક્ષકોને તે પાસે પડે. કાબરાજી અને રણછોડભાઈએ ઘણી મહેનત કરીને ધોબી તળાવ પરની ફરામજી કાવસજી ઇન્સ્ટિટ્યૂટની જગ્યા આખા એક વર્ષ માટે ભાડેથી મેળવી અને ૧૮૭૪માં ખેલ શરૂ કર્યા. ખેલ વખતે દર્શકોની એટલી ભીડ થતી કે એ ઈમારતના દરવાજા ખેલ શરૂ થતાં પહેલાં અડધા કલાકે બંધ કરી દેવા પડતા. અને એ જમાનામાં તેના કેટલા પ્રયોગ થયા હશે? પૂરા અગિયાર સો. આ નાટકમાંથી ‘નાટક ઉત્તેજક મંડળી’ને એટલી તો આવક થઈ કે તેમાંથી તેણે ખાસ પોતાનાં નાટક ભજવવા માટે ક્રાફર્ડ માર્કેટ પાસે નવું થિયેટર બંધાવ્યું.
નોંધ : ‘બુદ્ધિપ્રકાશ’માં ચિત્રો પ્રગટ થયાં નથી. અહીં લેખ સાથે ઉમેર્યાં છે.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “બુદ્ધિપ્રકાશ”; ડિસેમ્બર 2023