એક તબક્કે રામમંદિર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપતરાયે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ વિપક્ષોને ન આપવાની જાહેરાત કરી હતી, પણ પછી કૈં હૃદયપરિવર્તન થતાં જુદા જુદા વિપક્ષોને આમંત્રણ આપવાની શરૂઆત થઈ, તો વિપક્ષો ઑર ઊંચે ચડ્યા છે અને આમંત્રણને નકારીને પોતાનું અસ્તિત્વ જાહેર કરવા મથી રહ્યા છે. જેમ આમંત્રણ ન આપવામાં અનુદારતા હતી, એમ જ આમંત્રણ નકારવામાં પણ અવિવેક છે. એ જુદી વાત છે કે કોઇ આમંત્રણ સ્વીકારવું કે નકારવું વ્યક્તિગત બાબત છે, પણ કોઈ પક્ષ તે નકારે તો તે જે તે પક્ષના અવાજનો સામૂહિક પડઘો પાડે છે, એટલે નકાર, પછી વ્યક્તિગત ન રહેતા જે તે પક્ષનો સામૂહિક ઉદ્દગાર બને છે. ‘ઇન્ડિયા’ ગઠબંધનના મોટાભાગના સાથી પક્ષો જેવા કે તૃણમૂલ કાઁગ્રેસ, આર.જે.ડી., જે.ડી.યુ., સી.પી.એમ. વગેરેએ રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનાં નિમંત્રણનો અસ્વીકાર કર્યો છે ને તે ઓછું હોય તેમ છેલ્લે છેલ્લે, રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર ન રહેવાનો નિર્ણય કાઁગ્રેસે પણ લીધો છે. કાઁગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું છે કે કાઁગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત સોનિયા ગાંધી, લોકસભાના વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરી અને અન્ય નેતાઓ સમારંભમાં હાજર નહીં રહે. આ અગાઉ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે આમંત્રણ મળે તો પોતે જશે એવું કહ્યું હતું, પણ આમંત્રણ મળ્યું, તો આમંત્રણ આપનારને પોતે ઓળખતા નથી – એમ કહીને હાજર નહીં રહે એવી શેખી મારી છે. કાઁગ્રેસી નેતાઓ ખડગે, સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરીએ પણ અગાઉ સમારંભમાં હાજર રહેવાનો સંકેત આપેલો ને હવે આમંત્રણ મળ્યું છે તો નિમંત્રણનો આદરપૂર્વક અસ્વીકાર કર્યો છે.
22 જાન્યુઆરીનાં આમંત્રણનો અસ્વીકાર કરતાં કાઁગ્રેસે એવો ખુલાસો કર્યો છે કે ભા.જ.પે. અને આર.એસ.એસ.એ અયોધ્યાના રામમંદિરને રાજકીય પ્રોજેક્ટ બનાવી દીધો છે ને મંદિર અધૂરું છે, છતાં તેનું ઉદ્ઘાટન ચૂંટણીલક્ષી લાભ ખાટવા કરાઈ રહ્યું છે. શંકરચાર્યનો હવાલો આપતા એમ પણ કહેવાયું છે કે મંદિર અધૂરું હોય તો પ્રાણપ્રતિષ્ઠા ન થઈ શકે. ભા.જ.પ.ને રાજકીય લાભ લેવામાં જ રસ હોય તો મંદિર આખું હોય કે અધૂરું, બહુ ફેર ન પડે. એક શંકરાચાર્યે તો એવું પણ કહ્યું હતું કે વડા પ્રધાન પ્રાણપ્રતિષ્ઠા કરશે તે શું સંતોએ જોઈ રહેવાની છે? મતલબ કે સંતોની કોઈ ભૂમિકા ખરી કે કેમ? કાઁગ્રેસ દ્વારા ખુલાસો એવો પણ થયો છે કે કાઁગ્રેસ 2019ના સર્વોચ્ચ અદાલતના નિર્ણયને અને લોકોની આસ્થાને માન આપે છે, પણ ભા.જ.પ.ના રાજકીય પ્રોજેક્ટમાં ભાગીદાર થવા કાઁગ્રેસ તૈયાર નથી. પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનર્જી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનાં નથી. ટૂંકમાં, વિપક્ષો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ નહીં લે એ નક્કી છે.
વિપક્ષો તેમની રીતે સાચા હશે, પણ તેમના નકારની અસરો અંગે તેમણે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. અન્ય વિપક્ષોનું તો ગજું જ નથી, પણ સૌથી મોટા વિપક્ષ તરીકે કાઁગ્રેસે 2024ની ચૂંટણી સંદર્ભે લીધેલો આમંત્રણના અસ્વીકારનો નિર્ણય પોતાનું જ અહિત કરે એમ બને. એ રીતે તો તમામ વિપક્ષો નુકસાનમાં જ છે. એ સાચું કે ભા.જ.પ. અને આર.એસ.એસ.એ 2024ની ચૂંટણીનો રાજકીય લાભ ખાટવા જ અધૂરા રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાનો ઉપક્રમ યોજ્યો છે ને આ ઉપક્રમ ચૂંટણીમાં હુકમનું પાનું સાબિત ન થાય તો જ આઘાત લાગે, બાકી, તો એ લાભમાં રહેશે એમાં શંકા નથી. માની લઇએ કે ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ આખો ઉપક્રમ યોજાયો છે, તો સવાલ એ થાય કે તે કેમ ન યોજવો? રામને નામે મત ઉઘરાવવાનો ઉપક્રમ હોય તો આ કામ તો કાઁગ્રેસ પણ કરી શકી હોત, પણ તે દાયકાઓ સુધી ન થયું ને પછી કાઁગ્રેસ કહે કે તેને રામમાં પૂરી શ્રદ્ધા છે તો તે ગળે કેવી રીતે ઊતરે?
અડવાણીની રથયાત્રા, બાબરી ધ્વંસ, સુપ્રીમનો નિર્ણય ને હવે પ્રાણપ્રતિષ્ઠા જેવા ઉપક્રમમાં વિપક્ષોએ ક્યારે ય સક્રિયતા દાખવી છે? જે સંઘર્ષો થયા એમાં કાઁગ્રેસે કે અન્ય પક્ષોએ સાથ-સહકાર આપ્યો છે? ત્યારે તો ભા.જ.પ. પાસે સત્તા પણ ન હતી, એ સ્થિતિમાં કરોડો હિન્દુઓની અવગણના એ જ એક માત્ર લક્ષ્ય હતું. એવા સંઘર્ષ કાળમાંથી ભા.જ.પ. સત્તા પર અને ત્યાંથી રામમંદિર નિર્માણ સુધી આવ્યો છે, તો એ રાજકીય લાભ શું કામ ન ખાટે? ભા.જ.પ. વૉટની રાજનીતિ કરે છે, તો કાઁગ્રેસ નથી કરતી, એમ? ત્યારે કાઁગ્રેસે મુસ્લિમ વૉટની રાજનીતિ ખેલી, તો હવે ભા.જ.પ. હિન્દુ મતોની રાજનીતિ ખેલે તેમાં નવાઈ શું છે? આખા ય ઉપક્રમમાં પૂરેપૂરું રાજકારણ હોય તો પણ તે કાઁગ્રેસનાં અગાઉ ખેલાયેલ રાજકારણનો જ પડઘો છે, એવું નહીં? ખરેખર તો ભા.જ.પ. રાજકારણ ખેલે છે એમ કહીને વિપક્ષોએ સહાનુભૂતિ ઉઘરાવવાનું બંધ કરીને આવનારી ચૂંટણીમાં પોતાનું અસ્તિત્વ ટકાવવા શું કરવું જોઈએ એની યોજના વિચારવી જોઈએ. એક બાબત નક્કી છે કે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનાં આમંત્રણનો નકાર કોઈ પણ પક્ષને નહીં ફળે. કાઁગ્રેસે આમંત્રણ નકારીને ગુજરાતના કાઁગ્રેસી નેતાઓમાં પણ વિરોધનો સૂર ઉપસાવ્યો છે.
વરિષ્ઠ પ્રાદેશિક નેતા અર્જુન મોઢવડિયાએ સ્પષ્ટ કર્યું છે કે કાઁગ્રેસે આવા રાજકીય નિર્ણયો લેવાથી દૂર રહેવું જોઈએ. રામ આરાધ્ય છે ને એ આસ્થા અને વિશ્વાસની બાબત છે. જયરામ રમેશનાં નિવેદન સંદર્ભે પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે કહ્યું કે આવું નિવેદન કાઁગ્રેસના અસંખ્ય નેતાઓને નિરાશ કરનારું છે, તો ગુજરાત કાઁગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આવા મતોને સત્યથી વેગળા ગણાવી એટલો ઉમેરો કરે છે કે કાઁગ્રેસ રામની આસ્થા સાથે તો છે જ, પણ તેનો વાંધો ભા.જ.પ. રાજકીય લાભ ખાટવા આ ઉપક્રમ યોજે છે તેની સામે છે ને કાઁગ્રેસ એનો હિસ્સો ન થઈ શકે. આ સાચું હોય તો પણ તમામ વિપક્ષો પોતાના વાંધાઓ ઊભા રાખીને પ્રાણપ્રતિષ્ઠામાં જોડાય એવું દરેક હિન્દુ ઈચ્છે, પણ ખાસ કરીને કાઁગ્રેસ એ જ જૂની રીતરસમ જાળવવા મથે છે. તે મુસ્લિમ મતો જાળવી રાખવા પણ આમાં ન જોડાય તે સમજી શકાય એમ છે. એમ કરીને તે કરોડો હિંદુઓનાં મત ગુમાવવા તૈયાર છે, પણ આ વલણ કાઁગ્રેસની તરફેણમાં નહીં જાય તે પણ એટલું જ સાચું છે. કાઁગ્રેસે એ પણ જોવું જોઈએ કે કેટલાંક મુસ્લિમ અગ્રણીઓ ભા.જ.પ.ની સાથે છે. છેલ્લે છેલ્લે તો જાણીતા ફિલ્મી લેખક, ગીતકાર જાવેદ અખ્તરે તો ત્યાં સુધી કહ્યું છે કે રામ મંદિરનાં નિર્માણ સામે કોઈને પણ વાંધો ન હોવો જોઈએ ને આ વિશ્વનો સૌથી મોટો તહેવાર છે. એ ઉપરાંત ભા.જ.પ.માં પણ કેટલાંક મુસ્લિમ નેતાઓ-સાંસદો છે કે કેટલાંક તો મંત્રીઓ પણ રહી ચૂક્યા છે. આ સ્થિતિ હોય ત્યાં આમંત્રણનો અસ્વીકાર ગેરસમજમાં જ વધારો કરશે કે બીજું કૈં? મોટા ભાગની પ્રજા તો એમ જ માનશે કે કાઁગ્રેસે આમંત્રણ નકાર્યું છે તે ભા.જ.પ.ના વિરોધમાં નહીં, પણ રામના વિરોધમાં છે, એટલે જે કાઁગ્રેસને માને છે ને હિન્દુ છે ને રામના ભક્ત છે, તે અસ્વીકારના આ વલણથી રાજી નહીં થાય.
વિપક્ષોના આ નકારથી 2024ની ચૂંટણીનો લાભ તેમને તો નહીં થાય, પણ એનો ફાયદો ભા.જ.પ.ને જરૂર થશે ! એ કમનસીબી છે કે 28 વિપક્ષો ભા.જ.પ.ની સામે ભેગા થયા છે, પણ એક થયા નથી. દરેક વિપક્ષ પોતાનું વિચારે છે, પણ અન્યનું કોઈ વિચારતું નથી. વિપક્ષો પાસે કોઈ કોમન મિનિમમ પ્રોગ્રામ નથી, બધા વિપક્ષો વતી દેશ સામે ધરી શકાય એવો એક સ્પષ્ટ ચહેરો નથી. અત્યારે તો આવનારી ચૂંટણી સંદર્ભે વિપક્ષો વચ્ચે સીટોની ખેંચાખેંચી ચાલે છે. મમતા બેનર્જી બે જ સીટ આપવા તૈયાર છે, એવું જ અન્ય પક્ષોનું પણ છે. આવામાં રામને નામે વિપક્ષો અયોધ્યામાં એક થયા હોત ને થોડો સમય સાથે રહ્યા હોત તો કોઈનું કૈં બગડવાનું ન હતું, પણ આમંત્રણ નકારીને વિપક્ષોએ પોતાનું ઘણું બગાડ્યું છે. ગમ્મત તો એ છે કે વિપક્ષોના આવા નકારનો અવાજ પણ એક નથી, એ દરેકનો આગવો નકાર છે, એ પરથી પણ તેમની વચ્ચેની એકતાનો અંદાજ લગાવી શકાય એમ છે. આમ તો ‘ભારત જોડો ન્યાય યાત્રા’ કાઁગ્રેસની યાત્રા છે, પણ એ ઘણું ખરું તો રાહુલ ગાંધીની જ હોય એવું વધારે લાગે છે. એ મણિપુરથી 14મીએ શરૂ થવાની હતી, પણ તેને મંજૂરી મળી નથી. અહીં સવાલ એ થાય કે વિપક્ષો જો ખરેખર સાથે થયા હોય તો એ રાહુલ કે કાઁગ્રેસની જ યાત્રા હોય એવું કેમ લાગે છે? કેમ અન્ય વિપક્ષોને ભારતને જોડવાની કે ન્યાયની જરૂર નથી લાગતી? દૂરંદેશીપણાનો અભાવ અને અમર્યાદ સત્તાલાલસા, આત્મરતિ જેવાં લક્ષણો નહીં ઘટે તો વિપક્ષોથી ભા.જ.પ.ને ડરવાનું કોઈ કારણ નથી. વડા પ્રધાન તો બધું મળીને કોઈ એક જ થાય, પણ વિપક્ષો પર નજર નાખીએ તો લગભગ બધા વિપક્ષોને પોતપોતાના વડા પ્રધાન તો છે જ !
આવામાં જે પક્ષ પાસે દેખાડવા લાયક સતત એક જ ચહેરો છે, તે ખોટમાં નહીં જાય એવું ખરું કે કેમ?
વિપક્ષોએ વધારે નહીં તો મજબૂત વિપક્ષ તરીકે સંસદમાં બેસવા જેટલી ક્ષમતા દાખવવા કૈંક તો કરવું જ જોઈએ. એમ નહીં થાય તો 2024ની ચૂંટણી તો થશે, પણ તે પછી ચૂંટણી આવવા વિષે ભારોભાર શંકા જ રહેશે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 12 જાન્યુઆરી 2024