
રમેશ ઓઝા
જે વાચકોએ અયોધ્યાની મુલાકાત લીધી હશે તેમને જાણ હશે કે અયોધ્યામાં બે પાંચ નહીં સેંકડોની સંખ્યામાં મંદિરો છે. જે નથી ગયા તે એક વાર જઈને ખાતરી કરી આવે. અહીંયા સીતામાતાએ રસોઈ કરી હતી, અહીંયા કૈકેયી કોપિત થયાં હતાં, અહીં રાજા દશરથનો મહેલ હતો, વગેરે વગેરે. ભગવાન રામ સાથે સંકળાયેલાં હોય એવાં સેંકડો મંદિરો અયોધ્યામાં છે. ૧૯૯૨ની સાલમાં હું મારાં બાને લઇને અયોધ્યા ગયો હતો અને દરેક મંદિરે દર્શન કરવાનાં મારાં બાના આગ્રહને પરિણામે કંટાળીને હું ગુસ્સે થઈ ગયો હતો એ ઘટના પણ મને યાદ છે. કાશીમાં તો અયોધ્યા કરતાં પણ વધુ મંદિરો છે. ઓછામાં ઓછાં ત્રણ ગણાં હશે. આદિકેશવ ઘાટથી લઇને અસ્સી ઘાટ સુધી ભ્રમણ કરશો તો લગભગ દર ત્રીજા મકાનમાં મંદિર જોવા મળશે. આવું જ મથુરામાં અને અન્યત્ર યાત્રાસ્થાનોએ. બ્રાહ્મણોએ પોતાનાં જીવનનિર્વાહ માટે જ્યાં ત્યાં નિમિત્ત શોધીને નાનાંમોટાં મંદિરો બંધાવ્યાં હતાં અને તેની સાથે આસ્થા જોડી હતી.
હવે સવાલ એ છે અને એનાં તરફ મારા એક મિત્રએ ઘ્યાન દોર્યું છે કે એમાંનાં કેટલાં મંદિરો પ્રાચીન છે? પ્રાચીન એટલે એટલાં પ્રાચીન કે જ્યારે ઇસ્લામનો ઉદય પણ નહોતો થયો અને કોઈ મુસલમાને ભારતમાં પગ પણ નહોતો મૂક્યો, એ પહેલાંનાં મંદિરો. અર્થાત્ ઇસ્વી સનની સાતમી શતાબ્દી પહેલાંનાં મંદિરો. માંડ એકાદ બે મળી શકે અને એ બાબતે પણ શંકા છે. જ્યાં જ્યાં પ્રાચીનતાનો દાવો કરવામાં આવે છે ત્યાં કારબન ડેટિંગ કરીને ખાતરી કરી લેવી જોઈએ. વધુમાં વધુ ૯૫ : ૫ની સરેરાશ મળે. સોમાંથી પાંચ પ્રાગ ઇસ્લામિક પ્રાચીન મંદિર અને ૯૫ ભારતમાં મુસલમાનો આવ્યાં એ પછીનાં.
હવે આનો અર્થ શું થયો? ભારતનાં ૯૫ ટકા મંદિરો ભારતમાં મુસલમાનો આવ્યાં એ પછી બંધાયાં છે. કાર્બન ડેટિંગ કરીને એની પણ ખાતરી કરી શકાય છે. જ્યારે વિજ્ઞાન ઉપલબ્ધ છે તો માન્યતાનો આશારો શા માટે લેવાનો ? હા, એમાં કોઇને બદનામ કરવાનો અને ઠોકાવાનો તેમ જ સત્તાકીય રાજકીય એજન્ડા હોય તો જુદી વાત છે. પ્રિય વાચક, જો તારા ગામમાં એક સમયે નવાબી રાજ હતું તો સ્વયં ખાતરી કરી લે કે કયા નવાબે તારાં ગામનું મંદિર તોડ્યું હતું. મારું ગામ નવાબી શાશન હેઠળ હતું અને દરેક મંદિરના પૂજારીઓને નવાબ તરફથી વર્ષાસન મળતું હતું. ગામની ગાયો માટે નવાબે ગૌચરણની જમીન આપી હતી જે હિન્દુ દેશપ્રેમીઓ ખાઈ ગયા છે. નવાબી હેઠળનાં દરેક ગામનો લગભગ આ જ ઇતિહાસ હશે અને એની મને સો ટકા ખાતરી છે.
તો આનો અર્થ એ થયો કે ભારતમાં ૯૫ ટકા મંદિરો મુખ્યત્વે મધ્યકાલીન યુગમાં મુસલમાનોનું રાજ હોવા છતાં બંધાયાં છે, જ્યારે કે ઇસ્લામમાં મૂર્તિપૂજા વર્જ્ય છે. બૂતપરસ્તીની નિંદા કરતી આકરી આયાતો કુરાનમાં મળી રહેશે અને હદીસ પણ તેની સાક્ષી આપશે. ઇસ્લામના આદેશની વિરુદ્ધ જઈને મુસ્લિમ શાસકોએ મંદિરો બંધાવા દીધાં છે અને કેટલેક સ્થળે મદદ પણ કરી છે. આવું કેમ બન્યું હશે? અને આ પ્રશ્નનો ઉત્તર જો તમારે શોધવો હોય તો તે સંઘસાહિત્ય વાંચવાથી નહીં મળે. ભગવાને બુદ્ધિ આપી છે એનો ઉપયોગ કરવો પડશે. બુદ્ધિ બહુ અમૂલ્ય જણસ છે, એ વેડફવા માટે નથી અને કોઈનાં ચરણોમાં ધરી દેવા માટે તો બિલકુલ નથી. સમાજમાં વિભાજન પેદા કરીને સત્તા ભોગવવા માગનારા લોકો બે કામ કરે છે. એક અનુકૂળ આવે એવું ધર્મવચન શોધે છે અને પછી એ ધર્મવચનનો કોઈ શાસકે ઉપયોગ કર્યો હોય તો એવી કોઈ અપવાદરૂપ ઘટનાને પ્રચાર દ્વારા નિયમ તરીકે સ્થાપિત કરે છે. કુરાનમાં મૂર્તિપૂજા વર્જ્ય છે અને તેને અનુસરીને મુસલમાનોએ મંદિરો તોડ્યાં હતાં. એ પછી પ્રચારનો મારો શરૂ થાય. એમાં મુસ્લિમ વિરોધી તામસિક માનસ ધરાવનારાઓ હોંશે હોંશે જોડાય અને બુદ્ધિના બારાદાનો પ્રચારને સાચો માનીને જોડાય.
પણ સવાલ તો બાકી રહે જ છે કે ઇસ્લામમાં મૂર્તિપૂજા વર્જ્ય હોવા છતાં અને દેશમાં અનેક ઠેકાણે તેમનું એક ચક્રી શાશન હોવા છતાં (એટ લીસ્ટ કાશી, મથુરા અને અયોધ્યામાં તો મુસલમાનોનું રાજ હતું જ) આટલાં બધાં મંદિરો કેમ બંધાયાં? અને બંધાયાં તો કેમ બચી શક્યા? આનું શું રહસ્ય છે? તેમને હિંદુઓ માટે કે હિંદુઓનાં મંદિરો માટે પ્રેમ હતો એવું નથી. અને જો હોય તો એકાદ કોઈ શાસકને હોય, બધાને ન હોય.
આનો ઉત્તર એ છે કે મુસ્લિમ શાસકો ભારતમાં બને એટલો લાંબો સમય રાજ કરવા માગતા હતા, ઇસ્લામનો પ્રચાર તેમનો ઉદ્દેશ નહોતો. તેમને એટલું ભાન હતું કે જો રાજ્યમાં શાંતિ અને પ્રજાકીય સૌહાર્દ જાળવી રાખવા હોય તો કોઈની શ્રદ્ધા સાથે ચેડાં નહીં કરવા જોઈએ. દરબારમાં રોજ સવારે ઇસ્લામ અને તુર્કીના મુસલમાનોના ખલીફા તરફ નિષ્ઠાનો કલમો પઢી લીધો અને વાત પૂરી. એ પછી વ્યવહાર જોવાનો. રાજકીય સ્વાર્થ જોવાનો. તમને ખબર છે? એ સમયે અનેક મૌલવીઓ ફરિયાદ કરતાં હતા કે મુસ્લિમ બાદશાહોનું મુસ્લીમ શાસન નામ પૂરતું છે. તેઓ ઈસ્લામ અને ખલિફા સાથે છેતરપીંડી કરે છે. આવા નકલી ઇસ્લામિક રાજ્ય કરતાં તો કાફિરોનું રાજ સારું. પાકિસ્તાનની સ્થાપના પછી મહમ્મદ અલી ઝીણા સામે પણ મૌલવીઓએ આ જ દલીલ કરી હતી.
કોઇને સતાવો, એક પ્રજાને બીજી પ્રજા સામે ઊભી કરો, બદનામ કરો, અંગત ભાવનાઓને દુભાવો તો રાજ કરવા તો મળે પણ લાંબો સમય રાજ કરવા ન મળે. ઔરંઝેબ આનું ઉદાહરણ છે. બાબરથી લઇને શાહજહાં સુધીના મુઘલ શાસકો એકંદરે વ્યવહારિક મધ્યમ માર્ગ અપનાવતા હતા એટલે બસો વરસ રાજ કરી શક્યા હતા. ઔરંગઝેબે મધ્યમ માર્ગ છોડ્યો અને ધીરે ધીરે મુઘલ સામ્રાજ્યનો અંત આવ્યો. પેશ્વાઓએ સવર્ણ અવર્ણ ભેદ કર્યો અને પેશવાઈ ડૂબી ગઇ. મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને કાંગ્રેસે મધ્યમ માર્ગ અપનાવ્યો તો દેશને આઝાદી પણ મળી અને દેશે ગણનાપાત્ર વિકાસ પણ કર્યો. ટૂંકમાં શાસનની ચિરંજીવીતા અને યશ એને મળે છે જે મધ્યમ માર્ગે ચાલે છે. ઇતિહાસ આમ કહે છે.
મુસલમાનો અને પેશ્વાઓ છોડો અહીં અંગ્રેજોના શાસનને પણ યાદ કરી લઈએ. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના સંચાલકોએ બ્રિટિશ સરકારને ચોખ્ખું કહી દીધું હતું કે ભારતમાં ધર્માંતર કરાવતા મિશનરીઓને છુટ્ટો દોર આપીને ભારતમાંથી વહેલી તકે ઉચાળા ભરવા છે કે પછી લાંબો સમય ભારતમાં પગ ભરાવીને પૈસા કમાવા છે? નક્કી કરી લો. જો પૈસા પ્યારા હોય તો મિશનરીઓને અંકુશમાં રાખો. બન્ને સાથે ન ચાલે. બ્રિટિશ સામ્રાજ્યે પૈસાને પ્યારો ગણ્યો હતો અને મિશનરીઓ પર અંકુશ મૂક્યો હતો. શાણા શાસકો માટે ધર્મ અને બીજી ઓળખો ગૌણ હોય છે. પણ આ વાત શાણા શાસકોને લાગુ પડે છે.
જો મુસ્લિમ અને અંગ્રેજ શાસકો માટે ધર્મ કેન્દ્રમાં હોત તો બે સંભાવના હતી. કદાચ ભારતમાં હિન્દુઓ લઘુમતીમાં હોત અથવા આતતાયી શાસકોની શાસનદોરી ટૂંકી નીવડી હોત. શું થયું હોત એ કહેવું મારા માટે મુશ્કેલ છે. પણ એવું બન્યું નહીં કારણ કે તેમના શાસનના કેંદ્રમાં દીર્ઘજીવી શાસન અને સમૃદ્ધિ હતાં અને તે પ્રજાકીય સૌહાર્દ દ્વારા જ શક્ય છે.
દરમિયાન એક વાર કાશી, મથુરા અને અયોધ્યા જઇને હિન્દુ મંદિરોની સંખ્યા ગણી આવો. ઓછામાં ઓછાં ત્રણેક હજાર મંદિરો મળશે. તેને મુસ્લિમ શાસકોએ બંધાવાં દીધાં હતાં અને જે બંધાયાં હતાં તેને તોડ્યાં નહોતાં. નહીંતર ત્રણ હજાર મંદિરો કેવી રીતે હોય! અને છેલ્લી વાત. અયોધ્યાનો ચૂકાદો આપતાં સર્વોચ્ચ અદાલતે સર્વસંમતિ સાથે ચૂકાદો આપ્યો હતો કે બાબરી મસ્જિદની જગ્યાએ મંદિર હોવાનાં અને તેને તોડ્યું હોવાના કોઈ પુરાવા નથી.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 11 જાન્યુઆરી 2024