કટોકટી વખતે ગૌહત્યા પર પ્રતિબંધ માટે વિનોબા ભાવેએ આમરણ ઉપવાસ શરૂ કર્યા ત્યારે નારાયણ દેસાઈ તેમના પત્ની સાથે વિનોબાને જોવા મહારાષ્ટ્રના પવનાર આશ્રમે ગયા હતા
ગાંધીજી નારાયણ દેસાઈને હંમેશાં ‘બાબલા’ તરીકે જ સંબોધન કરતા
ગાંધીના ‘બાબલા’થી માંડી, વિનોબાના બટુક અને જયપ્રકાશના સાથી સૈનિકથી માંડી છેલ્લા દસકામાં એક લોકાયની કથાકાર લગીના આ સમૃદ્ધ જીવનયાત્રા, સાહિત્ય–શિક્ષણ–સમાજને સંકોરતી, સંઘર્ષ અને રચનાના સાયુજ્યની નાગરિક મથામણ રૂપે વિલસી રહે છે
ગુજરાતી સાહિત્ય પરિષદના ભોપાલ અધિવેશનની એક રૂડી સાંભરણ એ બની રહેશે કે સભાખંડ સાથે નારાયણ દેસાઈનું નામ જોડાયું હતું. પરિષદના પૂર્વ પ્રમુખ નારાયણ મહાદેવ દેસાઈ (24-12-1924 : 15-3-2015)ના શતાબ્દી વર્ષની એ નાંદી ઘટના લેખાશે.
હમણાં મેં પરિષદના પૂર્વ પ્રમુખ તરીકે એમનો ઉલ્લેખ કર્યો, અને એ ઠીક જ છે. પણ નારાયણ દેસાઈની ઓળખ એટલા પૂરતી સમેટાઈ જાય તે ચોક્કસ જ સાવ સપાટબયાની બની રહેશે. એ લેખક જરૂર હતા. પરિષદ પ્રમુખ તો એ મોડેથી થયા, 2008-2009ના બે વરસ માટે, ચોરાસીમે વરસે, પણ એના ખાસા ચારેક દાયકા પર એ એમનાં ગાંધીસંભારણાંની નાનીશી કિતાબ ‘સંત સેવતાં સુકૃત વાધે’ લઈ આવ્યા ત્યારે જ પ્રકાશક ભાઈદાસ પરીખે મોકલેલા છપાતા ફરમા વાંચી આપણા એકના એક સ્વામી આનંદે લખેલું કે ‘મન કૂદકો મારીને ઝડપી લે એવી ચોપડી વર્ષો કે દાયકાઓ પછી મેં વાંચી હોય તો તે આ.’ પછી તો, ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ એ મહાદેવ દેસાઈ ચરિત્ર સાથે એમની હાજરી બરાબરની પુરાઈ ગઈ. મહાદેવભાઈની ડાયરી આમ તો વિશ્વવિશ્રુત – પણ એમાં ‘બાબલા’(નારાયણ)ની નોંધ જ ન મળે, કેમ કે એ તો ગાંધીચર્યા અંગે હતી. બાબલાએ મોટપણે એનું વેર બરોબર લીધું, અધિકૃત પિતૃચરિત્ર આપીને! અને આગળ ચાલતાં ત્રિખંડવ્યાપી એવું આકર ગાંધીચરિત્ર આપી ગાંધીજીની પોતાની ભાષામાં વિગતવિશદ, સ્વાધ્યાયસમૃદ્ધ ચરિત્ર નથી એ મહેણું પણ ભાંગ્યું.
નારાયણ દેસાઈને વિરલ વિભૂતિઓ સાથે જીવન વ્યતીત કરવાનો, યથાશક્તિમતિ પ્રવૃત્ત રહેવાનો મળતા મળે એવો પડકાર અવસર મળી રહ્યો. તારુણ્યને ઉંબરે પહોંચતા સુધીનાં વર્ષો બાપુ સાથે સાબરમતી આશ્રમ ને સેવાગ્રામમાં, પછી ભૂદાન આંદોલનમાં વિનોબા સાથે – અને આગળ ચાલતાં જયપ્રકાશ સાથે, શાંતિ સેનાથી માંડી બીજા સ્વરાજની લડાઈ સહિત. જે પરિવર્તનની રાજનીતિમાં એમણે લોકનીતિ ભણી સહજ ઝુકાવ સાથે શ્વસવું પસંદ કર્યું. એણે જ એમને સીધા સાહિત્યિક નહીં એવા લેખન તરફ પણ દોર્યા – ‘ચેક ઉઠાવ, ટેંક સામે લોક’ હોય કે પછી બાંગ્લા મુક્તિસંગ્રામ હોય. બાંગ્લાદેશે, પાછળથી જે કેટલાક સંગ્રામમિત્રોને માનભેર પોંખ્યા એમાંના એક નારાયણ દેસાઈ પણ હતા. સામાન્યપણે સરકારી માનઅકરામથી પરહેજ કરતા રહેલા નારાયણભાઈને અંતિમ યાત્રા વખતે સરકારી માન અપાયું – કાં તો સરકારના સ્વવિવેકથી હોય, કે પછી કોઈ અદક પાંસળી રજૂઆતથી – પણ પરિવારે બહુ જ વિવેકપૂર્વક બંદૂક ફોડી અંતિમ સલામ આપવાની વાત તો ખાળી જ. મરણોત્તર પદ્મસન્માન વાસ્તે સરકારી દરખાસ્ત આવી ત્યારે પણ પરિવારે એનો સાભાર અસ્વીકાર કરી ‘જ્યોં કી ત્યોં ધરી દીની ચદરિયા’નો નારાયણભાઈનો હૃદયભાવ પાળી જાણ્યો.
જીવનના છેલ્લા દસકામાં એમણે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદની તેમ ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ (ચાન્સેલર) તરીકેની જવાબદારી બખૂબી નભાવી જાણી. પરિષદની વ્યાસપીઠ પરથી એમણે 2002ના મહાપાતક વિશે અને અકાદમીની સ્વાયત્તતા સરી ગઈ એ ‘ઓશિયાળી’ પરિસ્થિતિ વિશે અસંદિગ્ધ શબ્દોમાં કહ્યું તો જિલ્લે જિલ્લે વાંચનયાત્રા યોજી એક જુદો જ લોકતાંતણો સાંધ્યો.
નારાયણ દેસાઈની કારકિર્દીનો આ આલેખ, એનું ઓઠું વ્યક્તિગત હોવા છતાં એક આખી તરુણાઈ અને એની પ્રૌઢિ ને પરિણત વર્ષોની જદ્દોજહતનો ચિતાર આપે છે. સ્વરાજ સૈનિક હોવું, સ્વરાજનો મેદ ને કાટ ન ચડે તે જોવું અને સ્વરાજ નિર્માણના રચનાકાર્યમાં નિજને પ્રોવું, સ્વરાજની બીજી લડતનો પડકાર ઝીલવો, સરવાળે સંઘર્ષ અને રચનાનું સાયુજ્ય.
ગાંધીથી શરૂ કરી વાયા વિનોબા, જયપ્રકાશ સુધી પહોંચવું એ સાધારણ યાત્રા અલબત્ત નથી. જો કે, નારાયણભાઈ કે એમના જેવા બીજા મિત્રો તો સરળતાથી કહેવાના કે આમાં અમારી કોઈ સિદ્ધિ નથી. સત્સંગતિથી જે થાય તે થયું. મને યાદ છે, જયપ્રકાશજીએ ભરબિહાર આંદોલને જે ચાર સાથીઓને પટણા નોંતર્યા ને જોતર્યા એમાંના એક ના.દે. પણ હતા. અમે જયપ્રકાશજીની રજાથી એમને ગુજરાત નોંતર્યા, બિહાર આંદોલનનું પ્રત્યક્ષ ને પ્રમાણભૂત ચિત્ર આપવા, ત્યારે અમે બધા સહજ જ તાનમાં આવી ગયા હતા અને ચંપારણના દિવસોમાં જેમ ગાંધી ને મહાદેવ સાથે હતા તેમ આજે જયપ્રકાશ ને નારાયણ સાથે છે એવો પેરેલલ પણ લગીર રોમેન્ટિક રુશનાઈથી પેશ કર્યો હતો. એ વખતે, ના.દે. જેનું નામ, એમણે અકબર ઈલાહાબાદીનું ઓઠું લઈને પોતાની પ્રશંસા વિશે અમને ઠમઠોર્યા ને ટપાર્યા હતા : ભાઈ, આ તો બુદ્ધુમિયાં જેવું છે, હૈ તો વો રાસ્તે કી ધૂલ લેકિન આંધી કે સાથ હૈ. પછી કહ્યું, આમાં આંધીને બદલે ગાંધી કરી નાખો એટલે હિસાબ બરોબર થઈ જશે!
પાછો છેલ્લા દાયકા પર આવું. વિદ્યાપીઠના કુલપતિ તરીકે સરકારથી સ્વતંત્ર ભૂમિકા લેવી – આજના કથિત ‘ગવર્નર રાજ’થી વિપરીત – એ એમની વિશેષતા રહી તેમ યુ.જી.સી.નાં ધોરણો ને આગ્રહો વચ્ચે ગાંધી પરંપરાના વિકસન સાથે બરકરાર રહેવું એ એમની કોશિશ રહી, જેનું સાતત્ય તમને ઈલાબહેન ભટ્ટના કાર્યકાળમાં પણ જોવા મળશે.
પણ છેલ્લે, જો કે અંગ્રેજીમાં કહે છે તેમ લાસ્ટ બટ નોટ લીસ્ટ, એમનું જે સ્વરૂપ નિખરી આવ્યું એ તો એક લોકાયની તરીકેનું. કથા સ્વરૂપે લોક સમક્ષ જવું ને જીવન દેવતા ગાંધીની કથા માંડવી અલબત્ત સાંપ્રત અનુબંધ સાથે, એમાં એમણે પોતાનો ધર્મ જોયો. વોટ્સએપ યુનિવર્સિટીમાં ત્યારે ઊઠવા લાગેલા ને અત્યારે ત્રણે પાળીમાં અંધાધૂંધ ફેંકાતા રહેલા ગચિયા સામે આ આર્ત ને આર્ષ એટલો જ અધ્યયનપુત અવાજ આપણી મોંઘેરી મિરાત છે.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 10 જાન્યુઆરી 2024