આજે, મમ્મટ વિશે —
એમનો સમય છે, અગિયારમી શતાબ્દીનો ઉત્તરાર્ધ. એમનો ગ્રન્થ છે, “કાવ્યપ્રકાશ”.
કાવ્યાચાર્ય મમ્મટ કાવ્યશાસ્ત્રના એક મુદ્દા માટે પ્રસિદ્ધ છે, અને એ મુદ્દો છે, કાવ્યપ્રયોજનનો.
તેઓ જણાવે છે :
કાવ્યમ્ યશસેડઅર્થકૃતે વ્યવહારવિદે શિવેતરક્ષતયે /
સદ્ય:પરનિર્વૃતયે કાન્તાસમ્મિતતયોપદેશયુજે.
એટલે કે યશપ્રાપ્તિ, ધનપ્રાપ્તિ, વ્યવહારજ્ઞાન, શિવથી ઇતર એવા રોગ વગેરે અનિષ્ટોનું નિવારણ, સદ્ય આનન્દાનુભવ, અને કાન્તાસમ્મિત ઉપદેશ. એમ એમણે ૬ કાવ્યપ્રયોજનો ગણાવ્યાં છે. તેઓ કહે છે કે આ પ્રયોજનો માટે કાવ્ય-ગ્રન્થ ઉપાદેય છે, પ્રયોજનીય છે.
એમણે દૃષ્ટાન્તો આપ્યાં છે : કાલિદાસાદિ કવિઓને યશ, શ્રીહર્ષાદિ કવિઓને ધન, રાજાદિ સાથેના વ્યવહારનું જ્ઞાન, મયૂરાદિ કવિઓના રોગાદિ અનિષ્ટોનું નિવારણ (કવિ મયૂરે ‘સૂર્યશતક’ લખેલું, એથી એનો કોઢ મટી ગયેલો), સદ્ય: પરનિર્વૃતિ એટલે કે રસાસ્વાદથી થતો આનન્દનો અનુભવ. કાન્તાસમ્મિત ઉપદેશ પ્રયોજનનો સંકેતાર્થ એ કે કાવ્યથી મળતો ઉપદેશ કાન્તા કહેતાં, પ્રિયાની જેમ કાવ્યમાં અનુરાગ ઉત્પન્ન કરીને લોકોને પોતાના પ્રતિ આકર્ષે છે, અને સૂચવે છે કે રામચન્દ્રાદિ જેવો વ્યવહાર કરજે, રાવણાદિ જેવો નહીં.
આ ૬ પ્રયોજનોમાં ‘સદ્ય: પરનિર્વૃતિ’-ને એમણે સૌથી શ્રેષ્ઠ ગણ્યું છે – ‘સકલ પ્રયોજનોમાં મૌલિભૂતમ્. કેમ કે રસાસ્વાદથી મળતા આનન્દાનુભવ દરમ્યાન સર્વ જ્ઞેય વસ્તુઓનું જ્ઞાન વિગલિત થઈ જતું હોય છે. પ્રભુ કહેતાં, અધિકારી જને કહેલા શબ્દપ્રધાન વેદો વગેરે શાસ્ત્રોથી એ વિલક્ષણ હોય છે. મિત્રએ કહેલા અર્થપ્રધાન કે તાત્પર્યપરક ઇતિહાસ-પુરાણથી પણ ભિન્ન હોય છે. એ કાવ્ય-જ્ઞાન હોય છે અને તેની પ્રાપ્તિ માટે સૌએ યત્નશીલ રહેવું ઘટે.
આમાં શબ્દ જોડાયો છે, ‘પરનિર્વૃતિ’, નહીં કે ‘પરનિવૃત્તિ’. આ ફર્કને અનેક અધ્યાપકો અને સમીક્ષકો પણ ગળી જતા હોય છે. શૈવ દર્શનમાં ‘પરનિર્વૃતિ’-નો અર્થ છે, મુક્તિ. શાક્ત દર્શનમાં અર્થ છે, માયાથી મુક્તિ. એ દર્શનોના માર્ગે એ મુક્તિ મળે, પણ આ તો સાહિત્યકલા વડે મળે, અને તુર્ત જ મળે, સદ્ય, એવી મુક્તિ છે. સાહિત્યકલામાં ‘મુક્તિ’-નો સંકેત બદલાઈ જાય છે, જેને કાવ્યાચાર્યો ઉચિત રીતે જ ‘ચેતોવિસ્તાર’ અને ‘અ-લૌકિક આનન્દ’ જેવા આગવા સંકેતોથી ઓળખાવે છે.
++
કાવ્યપ્રયોજન વિશે ચાર નવતર મુદ્દા રજૂ કરું. એથી ચર્ચાલાભ થાય અને સંભવ છે કે સાહિત્ય તેમ જ અન્ય કલાઓનાં પરમ સત્યને પામી શકાય.
૧ :
સંસ્કૃત કાવ્યશાસ્ત્ર હું ભણતો હતો ત્યારે અને તે પછી ભણાવતો હતો ત્યારે પણ, મને આ પ્રયોજનોના સંકેતાર્થોને વિસ્તારવાની જરૂરત લાગેલી :
જેમ કે, યશ અને ધન તો સ્થૂળ છે, પણ વ્યવહારજ્ઞાન પ્રયોજનને રાજાદિ સાથેના વ્યવહાર સાથે ન જોડી રાખવું જોઇએ. સાહિત્યકલા તો જીવન દરમ્યાન અન્ય મનુષ્યો જોડે તેમ જ અન્ય સજીવો જોડે પણ કેવોક વ્યવહાર કરવો તે સૂચવે છે. સાહિત્યસર્જન દ્વારા મયૂરાદિ કવિઓનાં અનિષ્ટોનું જ નિવારણ નથી થતું પણ સંસારનાં અનેક અનિષ્ટોનું નિવારણ થાય છે. જાણીતું છે કે વૉલ્ટેર અને રૂસોની કે ગાંધીજીની સમર્થ વાણીથી જે તે દેશકાળે અસરકારક પરિવર્તનો પ્રગટેલાં. છેલ્લા બે દાયકા દરમ્યાન, આનન્દના પ્રયોજનને હું જુદી દૃષ્ટિએ જોતો થયો છું, એ કે સાહિત્ય જો આપણને સદ્ય આનન્દ જ આપ્યા કરે અને પરસ્પરને પ્રેમ કરતાં ન શીખવે તો શા કામનું? આપણે સૌને પ્રેમ કરીએ એ જ છે કાન્તાસમ્મિત ઉપદેશનો સર્વસાર.
૨ :
ત્યારે મને એક પ્રશ્ન એ થયેલો કે કાવ્યનાં આ પ્રયોજનો છે કે પરિણામો -? :
કાલિદાસાદિએ પોતાની સૃષ્ટિ માત્ર યશપ્રયોજનથી થોડી સરજેલી? યશ તો જે સરજ્યું અને ઝીલાયું તેને પરિણામે મળતો હોય છે. પ્રારમ્ભે તો બધા સામાન્ય કવિ હોય છે, પણ પછી નિત્યવર્ધમાન એવા સદ્ યશના પરિણામે કરીને મહાકવિ કહેવાતા હોય છે. ધનપ્રયોજનથી લખનારા લેખકો ભારતમાં ધનવાન ન થઈ શકે. તળાવગાહી દૃષ્ટિએ વિચારીએ તો સમજાશે કે વ્યવહારજ્ઞાન, આનન્દ કે ઉપદેશ પણ પરિણામો હોય છે.
૩ :
સૂચવાય છે એમ કે પ્રયોજનબુદ્ધિથી થતાં સાહિત્ય કે કલાનાં સર્જનો પ્રયોજનસિદ્ધિ બાબતે જ નિષ્ફળ નીવડે છે :
જેમ કે, કાવ્યનું પ્રયોજન નક્કી કરીને લખવા જઈએ તો પ્રયોજન બીબું બની જાય. સરકારી કવિઓ – ‘ગરીબી હઠાવો’, ‘અમે બે, અમારાં બે’ જેવા સરકારી સંદેશા માટે નાટકો કે કાવ્યનામી જોડકણાં રચી કાઢે એટલે એ પ્રયોજન તો સિદ્ધ થાય, પણ દેખીતું છે કે એને કોઈ સાહિત્યકલા નહીં ગણે. સ્ટાલિનના સમયનું સરકારી સાહિત્ય એવું જ હતું. ત્યારે સાચા લેખકોએ પોતાનાં લેખન ડ્રૉઅર્સમાં સંતાડી રાખેલાં. પાછળના સમયમાં તેઓ ‘ડ્રૉઅર રાઇટર્સ’ રૂપે પ્રગટ થયા. એ સાહિત્યમાં અસલી રશિયા ધબકતું’તું અને કલાનો સાચો પરચો અનુભવાતો હતો. પ્રયોજન સ્વીકારવાથી પ્રયોજનને વળગી રહેવું અનિવાર્ય બની જાય છે અને તેથી કૃતક કલાઓ જનમે છે.
એટલું જ નહીં, કૃતક કલાઓ દુષ્પ્રયોજનોને કારણે સદ્ કલાઓને હડસેલી મૂકે છે. વર્તમાનમાં એ જ થઈ રહ્યું છે. લોકલાગણીને પંપાળનારાં અને એ માટે ઉપજાવી કાઢેલાં જૂઠાણાં આજે સત્ય ઠરે છે – પોસ્ટ ટ્રુથ. સત્તાના રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ હકીકત રૂપ સત્યોને સ્વાર્થે મચડી નાખે છે. ઇતિહાસમાં નજર કરીએ તો પોસ્ટ ટ્રુથ ઊભાં કરીને નર્મદનાં સત્યોને હણી નંખાયેલાં, આજે સુરેશ જોષીનાં સત્યોને પોસ્ટ ટ્રુથના હથિયારથી હણવાના પ્રયાસ ચાલુ છે. ફ્રાન્સમાં એક જમાનામાં વાઇનને લોહી જેવા લાલ રંગનો કહીને એને અપવિત્ર અને ત્યાજ્ય ગણવાનું વલણ વિકસેલું. વાઇન-કમ્પનીઓએ જાહેરાતો કરવા માંડેલી કે ના, વાઇન તો સ્વાસ્થ્યવર્ધક છે. રોલાં બાર્થે એવી જાહેરાતોને નવા જમાનાની મિથ ગણી છે.
પ્રયોજન પાર પડે અને વસ્તુ ઉપયોગી નીવડે એવી કારીગરી એક જમાનામાં કલાઓ ગણાતી હતી : જેમ કે, નદીમાં ઝાડનું થડિયું તરતું જોઈને માણસને હોડીનો વિચાર આવ્યો. પણ શિલ્પીએ આરસની હોડી બનાવી. એ હોડીનો ઉપયોગ નથી, નદીમાં મૂકીએ તો ડૂબી જાય. આગળના સમયમાં વાંસની ચીપોની સાદડીઓ હતી, એવા પંખા પણ હતા. અસમના અવનિયતિ સત્રમાં આયોજકોએ મને હાથીદાંતની ચીપોની સાદડી બતાવેલી. એ પર બેસાય થોડું? કાન્ટે કલાઓના ઉપયોગી અને બિનઉપયોગી એવા ભેદ દર્શાવ્યા છે.
૪:
ઉપયોગ કે પ્રયોજન કાઢી નાખો એટલે કલાના પ્રાગટ્યની ભૂમિકા રચાય. એટલું જ નહીં, પ્રયોજનવાદીઓ ઉપયોગપરક સુષ્ઠુ સુષ્ઠુ પ્રયોજનોથી જ પ્રવૃત્ત થવાના :
એટલે એમની સર્જકતાને મનુષ્યજીવનની નકારાત્મક બાજુઓ દેખાવાની જ નહીં. એ અર્થમાં કલા પોલી, પક્ષીલ અને એકાંગી રહી જવાની. બાકી, નક્કી પ્રયોજનને નહીં વરેલી કલાઓ આઘાત આપીને આપણને ટેવોથી નહીં પણ જગતને જુદી જ રીતે જોવાની તાજપભરી રસીલી દૃષ્ટિ આપે છે.
ફ્રૅન્ચ ફિલસૂફ સાર્ત્રે એક ચર્ચામાં (૧૯૦૫-૧૯૮૦) – ‘બટર હૉ’ર્સ-ની વાત કરેલી. બટરનો ઘોડો. એમાં, બટર હતું પણ ખાવા માટે ન્હૉતું. કોઈ જડભરત એને તવા પર મૂકે તો નરી સર્જકતાથી બનાવેલો એ ઘોડો મરી જાય. વળી, એ ઘોડા પર સવારી ન થઈ શકે, ગાડીએ જોડીને ઘોડાગાડી ન બનાવાય. એમાં, એવા સંસારી ઉપયોગનું પ્રયોજન છે જ નહીં.
ફ્રૅન્ચ ચિત્રકાર અને શિલ્પી માર્સલ દુશામ્પે (૧૮૮૭-૧૯૬૮) ૧૯૨૧માં બનાવેલું એક શિલ્પ છે, જેમાં બર્ડકેજ છે, પંખીનું પાંજરું. એમાં, ૧૫૨ સાકરના જેવા સફેદ દાણા છે, પણ આરસના બનાવેલા છે. એમાં એક મૅડિકલ થર્મોમીટર પણ છે, એક કટલબોનફિશ પણ છે, અને પોર્સેલિનની એક નાની ડિશ પણ છે. ઉપયોગી વસ્તુઓના બનેલા એ શિલ્પનો કશો જ ઉપયોગ નથી.
ઇટાલિયન પેઇન્ટર જિઓર્જિઓ મોરાંદીએ (૧૮૯૦-૧૯૬૪) દોરેલાં શીશીઓનાં ચિત્રનું દૃષ્ટાન્ત પણ સમજવા જેવું છે. સ્ટીલ લાઇફ છે. જીવનભર એણે એનાં જ સર્જન કર્યાં. નાનીમોટી, જાતભાતની રંગબેરંગી શીશીઓનાં ચિત્ર. એણે પોતાના સ્ટુડિયોમાં ફ્લાવરવાઝ, ઘડા, ફળફળાદિ માટેની ડિશો, વગેરે રોજિંદા વપરાશની વસ્તુઓ એકઠી મૂકેલી. વસ્તુઓનાં કાયમી સ્થાનો કે તેમનાં ઉપયોગો યાદ જ ન આવે. શો હેતુ? કયું પ્રયોજન?
એ દુશામ્પે લિયોનાર્ડો દ વિન્સીના જગવિખ્યાત ચિત્ર મોના લિસાનું ઠઠ્ઠાચિત્ર બનાવ્યું છે. મોનાને એણે મૂછો સાથે ચીતરી. આછી દાઢીની ચોટલી પણ ઉમેરી. નામ આપ્યું – L.H.O.O.Q. જેનો ફ્રૅન્ચમાં વિસ્તૃત અર્થ છે, ‘શી હૅઝ હૉટ ઍસ’. મતલબ, જાતીયતાથી ઉશ્કેરાયેલી અને તેથી ઉપલબ્ધ વ્યક્તિની મનોવસ્થા.
Marcel Duchamp’s L.H.O.O.Q (1919)
આવી નિષ્પ્રયોજન કલાઓથી પરિચિતથી અપરિચિતની દિશા ખૂલે છે. એક હોય છે, વસ્તુઓનું ચવાઈ ચૂકેલું રૂપ અને બીજું હોય છે, કલાકાર વ્યક્તિએ સરજેલું નવ્ય રૂપ. સામાન્યપણે લોકોને જીવનભર ખબર જ નથી પડતી કે એમની આસપાસની બધી જ ચીજો નિષ્પ્રાણ હતી, કેટલીક વ્યક્તિઓ પણ …
સ્પૅનિશ ચિત્રકાર સાલ્વાડોર ડાલિના (૧૯૦૪-૧૯૮૯) જગવિખ્યાત પેઇન્ટિન્ગનું શીર્ષક છે, ‘ધ પર્સિસ્ટન્સ ઑફ મૅમરિ’ – ‘સ્મૃતિનું દૃઢ સાતત્ય’.
એ ચિત્ર સર્રીયલ આર્ટનો ઉત્તમ નમૂનો મનાય છે. ડાલિ પણ સર્રીયાલિઝમના મહાન ઉદ્ગાતા કહેવાયા છે. જાતીય વાસના અને અસમ્પ્રજ્ઞાત મનના, અન્કૉન્સિયસના, આવિષ્કારો એમની સૃષ્ટિમાં કલારૂપે પ્રગટ્યા છે. ડાલિ કહેતા કે હું મદીરા-પાન નથી કરતો, પણ હું પોતે જ મદીરા છું, મારી કલાકૃતિઓ જોઈને લોકોનાં દિમાગ ખૂલી જાય છે, કેમ કે એમાં અસમ્પ્રજ્ઞાતને જાગ્રત કરવાની તાકાત છે.
એ ચિત્રમાં કેટલાંક પૉકેટ વૉચીસ છે – ખિસ્સામાં રાખવાનાં ઘડિયાળ. પણ એ પોચાં છે, પલળેલાં છે, ભીનાં છે, અને કલાકાર ડાલિએ એને ઝાડની ડાળ પર સૂક્વ્યાં છે. એ સંયોજન વિલક્ષણ તો છે જ પણ અ-પૂર્વ છે. સમય અને સ્થળને અમુક જ રીતે જોવા ટેવાયેલી આપણી આંખોને એથી એક નવ્ય અપરિચિત દૃશ્ય નિહાળવા મળે છે.
કલા પરિચિતથી અ-પરિચિત સૃષ્ટિમાં લઈ જાય છે એ વાતનું આ ચિત્ર ચોખ્ખું નિદર્શન છે. કેમ કે, ઝાડ પર કપડાં સૂકવાય, ઘડિયાળ નહીં. ઘડિયાળ અને ઝાડ પરિચિત પદાર્થો છે. પણ ડાલિનાં એ ઘડિયાળ અને તેનું એ ઝાડ અને તે પરનું એ સૂકવણું અ-ભૂતપૂર્વ છે.
‘ભીનો’ સમય, સમય ‘વહી’ ગયો, પ્રયોગોમાં સમયનું પ્રવાહી રૂપ છે પણ રોજિન્દી ઘટમાળમાં આપણે એને વીસરી ગયા છીએ. ‘ટાઇમ ઇઝ મનિ’ જપ્યા કરીએ છીએ. ચિત્ર આપણી એ જડતા સામે પણ ઇશારો કરે છે.
વિદ્વાનોએ એ ચિત્રમાં સ્થળ-કાળની સાપેક્ષતા જોઈ, તો ડાલિએ કહેલું, ના ના, આ તો, કૅમેમબર્ટ – ગાયના દૂધમાંથી બનાવાયેલી ચીઝની સપાટી – તડકામાં ઑગળી જાય છે એ જાણીતી હકીકતનું મારું સર્રીયાલિસ્ટ દર્શન છે.
મારા મતે, ખરેખર તો ડાલિએ આપણી સ્મૃતિના હઠીલા સાતત્યને, દૃઢ સાતત્યને, પર્સિસ્ટન્સને, સમયના એવા જ સાતત્ય સાથે સરખાવ્યું છે. કોઈની ય તમા રાખ્યા વિના સ્મૃતિ અને સમય વહ્યા જ કરે છે. સ્મૃતિમાં સમય વહે છે કે સમયમાં સ્મૃતિ વહે છે, કહી શકાતું નથી. અને, સ્મૃતિ હમેશાં ભીની હોય છે, મોટે ભાગે આંસુભીની, અને, કદી સૂકાતી નથી, અને, એનાં કશાં ચૉક્કસ ઠેકાણાં પણ હોતાં નથી. એને આપણે ડાલિની જેમ ઝાડ પર કે ઠીક લાગે એ પર સૂકવવા મૂકીએ તો પણ એ કદી ન સૂકાય એવી હઠીલી વસ્તુ છે.
કલાકૃતિ તો એમ પણ પૂછી શકે – તમારી પાસે આવી હઠીલી સ્મૃ્તિ છે ખરી? કે કોરામોરા જ છો?
સાહિત્યસર્જકોએ અને સમીક્ષકોએ આટલા ફર્ક સમજવા જરૂરી છે : ૧ : ઉપયોગી અને બિન-ઉપયોગી કલાઓ : ૨ : પરિચિતથી અપરિચિત : ૩ : કારીગરી અને કલા : ૪ : સર્જકતા અને જુક્તિઓ : ૫ : જાગ્રત, અર્ધજાગ્રત, અજાગ્રત ચિત્ત. એમાં, કલાનો અજાગ્રત ચિત્ત સાથેનો સમ્બન્ધ.
++
લેખનો સાર એ છે કે પ્રયોજન નહીં એ જ પ્રયોજન. કલા સરજવી છે એ જ પ્રયોજન. પણ સવાલ એ છે કે શું સાહિત્યમાં આ હદની નિષ્પ્રયોજનતા શક્ય છે -? અથવા કશા જ પ્રયોજન વિના કલા સરજી શકાય? હું કહીશ કે કાવ્ય કરવું એ જ પ્રયોજન. કેમ કે કલાનું પ્રયોજન, કલાનો હેતુ, સમજવાની જરૂર છે. એમાં, હેતુ નથી પણ હેતુ-તા છે. જર્મન ચિન્તક કાન્ટે (૧૭૨૪-૧૮૦૪) કહેલું, આ તો હેતુ વગરની હેતુ-તા છે – પર્પઝલેસ પર્પઝિવનેસ.
પરન્તુ આ બધી લલિતકલાઓમાં જોવા મળે છે એ હદની નિષ્પ્રયોજનતા સાહિત્યકલામાં શક્ય નહીં બને, કેમ કે ભાષા માત્રનો કે ગુજરાતી ભાષાનો દરેક શબ્દ પોતાનો અર્થ લઈને આવ્યો હોય છે, એટલું જ નહીં, એ અર્થ સહિયારો હોય છે, તે ભાષાના ભાષકોનો હોય છે, લોકો વડે પ્રયોજનો, ઉપયોગો, હેતુઓ વડે વપરાઇને વપરાઈને ઘસાઈ ગયો હોય છે. એ એવી સામાજિકતાથી ખરડાયેલો હોય છે.
સાહિત્યકારે એને સ્વચ્છ કરવાનો હોય છે, તોડીફોડીને નવો કરવાનો હોય છે – જેથી સર્જનના પ્રયોજનને પાર પાડી શકાય.
= = =
(01/09/24)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર