કવીશ્વર દલપતરામની આજે જન્મજયંતી છે. દલપતરામ મારે મન ઓગણીસમી સદીના ‘સકલ પુરુષ’ છે. આ Renaissance man, આ પ્રગતિશીલ સમાજ-સાક્ષર અત્યારના ગુજરાતમાં ખૂબ પ્રસ્તુત છે. પ્રકાશ ન. શાહનું એક યાદગાર નિરીક્ષણ છે : ‘દલપતરામનું વઢવાણથી અમદાવાદ આવવું એટલે ગુજરાતનું મધ્યયુગમાંથી રેનેસાંમાં – નવજાગૃતિમાં પ્રવેશવું.’
કવીશ્વર દલપતરામ (1820-1898) ગુજરાતના જાહેરજીવનનું એક વિશાળ, પ્રેમાળ અને પ્રગતિશીલ વ્યક્તિત્વ હતા. ‘બુદ્ધિપ્રકાશ’ માસિકના જુલાઈ 1855ના પોતાનાં પહેલાં જ તંત્રીલેખમાં તેમણે લખ્યું : ‘આપણા દેશના સુધારા અર્થે મારા તન-મન-ધનથી હું ખૂબ મહેનત લેવા ઇચ્છું છું.’
એ મુજબ ખરેખર સદાકાળ તેમણે પોતાની સાહિત્યશક્તિને જનહિત માટે મનોરંજક રીતે, અભિનિવેશ વિના ઉપયોગ કર્યો. તેમણે સભાનપણે રૂડી ગુજરાતી વાણીનાં આદર-કદર કરી જાણ્યાં.
ઓગણીસમી સદીના ઉત્તરાર્ધથી અમદાવાદ અને ગુજરાતના લોકો લાઇબ્રેરીઓમાં જતાં થયા; અખબાર વાંચતાં, દીકરીઓને ભણાવતાં, ભાષણો સાંભળતા થયા તેમાં લોકહિતચિંતક દલપતરામનો મોટો ફાળો છે.
તેમણે બાળકોને મજાની કવિતાઓ આપી અને પહેલવહેલી વાર કવિઓને છંદ શીખવ્યા. તેમને કારણે કવિતાની ચોપડીઓ છપાવા-વેચાવા લાગી અને કવિસંમેલનો ભરાતાં થયાં. તેમણે લખાણો, ભાષણો તેમ જ કાર્યો થકી, અભણ, વહેમી, રુઢિચુસ્ત જનતાને શિક્ષણ, સાહિત્ય અને સદાચાર-પ્રેરિત સંસ્કારી જીવન તરફ વાળી.
નાતજાતના ભેદ, જ્યોતિષનાં ભ્રમ અને ભૂતપ્રેતના વહેમમાંથી લોકોને બહાર કાઢવા માટે નિબંધો લખ્યા. અમદાવાદ અને ગુજરાતમાં 1820ની સાલ સુધીમાં પાકા થયેલાં અંગ્રેજોના રાજમાં શરૂ થયેલા સમાજસુધારાને ગતિ આપવામાં દલપતરામે નોંધપાત્ર ભૂમિકા ભજવી છે.
ઉદ્યમ અને યુરોપમાંથી આવેલ હુન્નર કહેતાં યંત્રઉદ્યોગ દેશની પ્રગતિ માટે કેટલાં જરૂરી છે તેની પિછાણ તેમણે લોકોને ‘હુન્નરખાનની ચઢાઈ’ જેવી વાર્તારૂપ કવિતા અને બીજાં લખાણો થકી કરાવી. અમદાવાદ શહેરની સ્વચ્છતા અને તેનાં આયોજન તરફ લેખો દ્વારા ધ્યાન દોર્યું.
પુરાણકથાનો આધાર લઈને રચેલાં ‘વેનચરિત’ નામનાં આખ્યાનકાવ્યમાં વિધવાઓની હાલતનો ચિતાર આપીને બાળલગ્નનો વિરોધ અને વિધવા પુનર્વિવાહનું સમર્થન કર્યું.
દલપરામ ઓગણીસમી સદીમાં કાર્યરત દુર્ગારામ મહેતા, કરસનદાસ મૂળજી, મહીપતરામ રૂપરામ કે બહેરામજી મલબારીની હરોળના ઍક્ટિવિસ્ટ-સુધારક કદાચ ન લાગે. પણ તેમની પાસે સુધારા માટેની સમ્યક દૃષ્ટિ હતી.
તેમનાથી તેર વર્ષ નાના નર્મદની જેમ જોસ્સા અને કેફ સાથે ‘યાહોમ કરીને પડો’ એવી તેમની વૃત્તિ નહીં, ‘ધીરે ધીરે સુધારાનો સાર’ લોકોને ગળે ઊતારવો એ તેમની પદ્ધતિ હતી.
********
દલપતરામને મેં જેટલા વાંચ્યા છે તેટલા મને ગમ્યાં છે. મારે એવું દીપક મહેતાની બાબતમાં પણ છે. ચોર્યાંશી વર્ષે પણ સાક્ષરજીવનમાં સતત સક્રિય એવા ગ્રંથજ્ઞ – bookman છે. ગ્રંથસંશોધન ક્ષેત્રે, અને ખાસ તો ઓગણીસમી સદીનાં પુસ્તકોમાં, તેમનું પ્રદાન અનન્ય છે. ‘મિડ-ડે’ દૈનિકમાં તેમની લેખમાળા ‘ચલ મન મુંબઈ નગરી’ લાંબા સમયથી ચાલી રહી છે. તેનું પુસ્તક ગુજરાતી ભાષા-ઇતિહાસ-સંશોધનનું એક ઘરેણું છે. સાહિત્યિક પત્રકારત્વ, વિવેચન, અનુવાદ અને સંપાદન ક્ષેત્રે પણ તેમણે પ્રદાન કરેલું છે. ઓગણીસમી સદી તેના ઐતિહાસિક અને સમાજશાસ્ત્રીય મહત્ત્વ છતાં સાંપ્રત ગુજરાતના વિચારજગતમાં એકંદર ઉપેક્ષિત હોવાની, અને તે જ રીતે તે કાળખંડ પર દીપકભાઈએ કરેલું કામ પણ ઉપેક્ષિત હોવાની મારી છાપ છે.
દીપકભાઈનું ‘દલપતરામ એટલે…’ નામનું નવું પુસ્તક હમણાં પંદર દિવસ પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને યોજેલા પુસ્તક મેળામાંથી મળ્યું. એટલે મારા માટે જાણે સોનામાં સુગંધ ભળી. એક પ્રિય પ્રશિષ્ટ સાક્ષર વિશે સાંપ્રત આદરણીય ગ્રંથશીલે લખેલું પુસ્તક મળ્યું.
ગુજરાત સાહિત્ય અકાદમીએ પ્રસિદ્ધ કરેલાં ઉપરોક્ત પુસ્તકના 31 માર્ચ 2023ના રોજ લખેલા નિવેદનમાં દીપકભાઈ જણાવે છે : ‘આ પુસ્તકમાં સંગ્રહાયેલા લેખોમાં કવીશ્વર દલપતરામના જીવન અને લેખનને જરા હટકે જોવાનો અને નિરૂપવાનો નમ્ર પ્રયાસ કર્યો છે.’
પુસ્તકના તમામ તેર લેખો તાજગીસભર, માહિતીપ્રદ, આધારપૂર્ણ અને વાચનીય છે. તેમના શીર્ષક આ મુજબ છે :
(1) દલપતરામ અને ફાર્બસ (2) દલપતરામ અને ‘સોસાયટી’ (3) દલપતરામ અને ‘બુદ્ધિપ્રકાશ’ (4) દલપતરામ અને ‘રાસમાળા’ (5) દલપતરામ અને ‘હોપ વાચનમાળા’ (6) દલપતરામનું પહેલું પુસ્તક (7) દલપતરામનું વિરહકાવ્ય (8) ધીરે ધીરે સુધારાનો સાદ સંભળાવતું ‘વેનચરિત્ર’ (9) દલપતરામની નાટ્યાત્મક કૃતિઓ (10) દલપતરામ અને મુંબઈ (11) દલપતરામ : ‘જેણે મુંબઈ જોઈ નહીં અફળ ગયો અવતાર’ (12) દલપતરામ અને શેરબજાર (13) દલપરામ એટલે …
દીપકભાઈએ પુસ્તકના પરિશિષ્ટમાં જે લખાણો મૂક્યાં છે તે ‘બુદ્ધિપ્રકાશ’માં પ્રગટ થયેલા અને આજ સુધી અગ્રંથસ્થ રહેલાં છે એમ તેમણે નોંધ્યું છે. તેઓ ઉમેરે છે : ‘હકીકતમાં ‘બુદ્ધિપ્રકાશ’ના બધા જ અંકોને ઝીણા આંકે ચાળીને આજ દિન સુધી નજર બહાર રહી ગયેલી દલપતરામની ગદ્યકૃતિઓને પુસ્તક રૂપે સંગ્રહી લેવાની જરૂર છે.’ દીપકભાઈના આ નિરીક્ષણનો અર્થ એ થયો કે અકાદમીએ અનેક ખંડોમાં પ્રસિદ્ધ કરેલી દલપત ગ્રંથાવલીમાં આ કૃતિઓ નથી. ‘ગુજરાત વિદ્યાસભા’ના એકસો પંચોતેરમા વર્ષ નિમિત્તે અકાદમીએ આ કામ સંપન્ન કરવું જોઈએ.
પરિશિષ્ટમાં દલપતરામની જે અગ્રંથસ્થ કૃતિઓ મૂકવામાં આવી છે તે આ મુજબ છે :
(1) મુંબઈ વિશે (2) વડોદરા વિશે (3) રાસમાળાની વાત (4) અભિમાની રતુંધો (5) વંશપાળ અને ધર્મરાજ (6) ‘મિથ્યાભિમાન’ નાટકનાં ગીતો
ગુજરાતની નાજાગૃતિના અગ્રદૂત દલપતરામને વંદન. ગુજરાતી રાણી વાણીના વકીલના વકીલને અનેક ધન્યવાદ.
——–
‘દલપતરામ એટલે …’ (2023), પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, પાનાં 108, રૂ.220/-
પ્રાપ્તિસ્થાન : ગ્રંથવિહાર પુસ્તક ભંડાર, 98797 62263
e.mail : sanjaysbhave@yahoo.com