
રાજ ગોસ્વામી
આઈ.પી.એસ. અફસર મનોજ શર્મા અને તેમની સિવિલ સર્વન્ટ પત્ની શ્રદ્ધા શર્માનાં જીવન તેમ જ કારકિર્દીના સંઘર્ષ પર આધારિત, ફિલ્મ નિર્માતા વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ, ટ્વેલ્થ ફેઈલ, દેશના લાખો લોકો માટે પ્રેરણાનો સ્રોત બની ગઈ છે.
મધ્ય પ્રદેશનો ગ્વાલિયર પ્રદેશ, ચંબલ નદીની ખીણોમાં રહેતા ડાકૂઓ માટે જાણીતો છે, પરંતુ અહીં રહેતા મનોજ શર્મા નામના એક છોકરાએ તમામ પ્રતિકૂળ પરિસ્થિતિઓ સામે લડીને પોલીસ ઓફિસર બનવાનું સ્વપ્ન પૂરું કર્યું હતું. તે બારમા ધોરણમાં નાપાસ થયો હતો કારણ કે એક પોલીસ અધિકારીના કારણે તેને પરીક્ષામાં ચોરી કરવા મળી નહોતી, પરંતુ એ પોલીસ અધિકારીની નિષ્ઠા તે છોકરાને સ્પર્શી ગઈ હતી અને તેણે નક્કી કર્યું કે તે મોટો થઈને તે અફસર જેવો બનશે.
જો કે, અફસરે તેને સલાહ આપી હતી કે તેના માટે તેણે પરીક્ષામાં ચોરી કરવાનું બંધ કરવું પડશે. મનોજ શર્માએ તે પોલીસ અફસરની વાતને ગાંઠે બાંધી લીધી હતી અને ભણવામાં કોઈ શોર્ટ-કટ આપવાના બદલે જાત મહેનત અને પ્રમાણિકતાનો કઠિન રસ્તો અપનાવ્યો હતો. એ રસ્તા પર અનેક અડચણો આવી હતી, પરંતુ મનોજે હાર માન્યા વગર ધ્યેય પ્રાપ્તિ માટે તેનો સંઘર્ષ ચાલુ રાખ્યો હતો.
ફિલ્મમાં, અટલ બિહારી વાજપેયીની પ્રેરણાદાયી કવિતા ‘હાર ન માનુંગા’ અને અબ્દુલ કલામની સ્ટ્રીટ લાઈટમાં ભણવાની ઘટનાઓનો સમયાંતરે ઉલ્લેખ થતો રહે છે. આ એવા વિદ્યાર્થીઓ માટે એક બોધપાઠ છે જે પોતાની નિષ્ફળતા માટે ગરીબીને દોષી ઠેરવે છે. આ ફિલ્મ એ વાત પર પણ ભાર મૂકે છે કે ભાષા સફળતા માટે અવરોધ ન હોવી જોઈએ કારણ કે ભારતમાં, વિશેષ કરીને સિવિલ સર્વિસની પરીક્ષાઓમાં, હિન્દી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ વિશે પૂર્વગ્રહો છે.
આ ફિલ્મમાંથી છ બોધપાઠ લેવા છે :
૧. ઈચ્છા શક્તિ : જીવનમાં કઈંક કરવા માટે આપણી પાસે ઈચ્છા અને ઈરાદો હોવો જોઈએ. આ એક જ બાબત આપણને આગળ ધકેલે છે. મહત્ત્વનું આ ‘ઉદેશ્ય’ને ઉચિત રીતે પારખવાનું અને જીવનમાં તેનો અમલ કરવાનું છે, કારણ કે ઘણીવાર આ એક જ સમજણ આપણને દોડતા રાખે છે અને કપરા સમયમાંથી ઉગારે છે. મનોજનની યાત્રામાં એવા અવસર પણ આવે, જ્યારે પ્રયાસો કરવાનું બંધ કરી દેવાનું મન થાય છે, પણ ત્યારે તે જાતને જો યાદ અપાવે છે કે મેં આ ‘શા માટે’ શરૂ કર્યું હતું. આ એક શબ્દ- ‘શા માટે’ – લાંબા જીવનનો મંત્ર છે, એ આપણને આગળ જવામાં મદદ કરે છે, જીવન જીવવાનું પ્રયોજન બને છે.
૨. ફોકસ : મનોજનો એક મિત્ર મોજ-મસ્તી અને અતિઆત્મવિશ્વાસમાં છકી જાય છે, પણ મનોજ તેના કામમાંથી નજર હટાવતો નથી. એકાગ્રતા આંતરિક અવસ્થા છે, બાહ્ય નહીં. બહારના વિક્ષેપ કાનમાં પડતા બંધ થઈ જાય ત્યારે નહીં, બલકે મગજના અવાજો બંધ થઈ જાય ત્યારે એકાગ્રતા આવે. કશું પણ શીખવા, સમજવા કે આત્મસાત કરવા માટે મૌન થવું પડે. ઘણા લોકો બાહ્ય શાંતિ વચ્ચે પણ એકાગ્ર થઈ શકતા નથી કારણ કે તેઓ અંદરથી અશાંત છે. આપણે જ્યારે બોલતા હોઈએ ત્યારે નહીં, પણ સાંભળતા હોઈએ ત્યારે કશું શીખીએ છીએ. એટલા માટે અમુક લોકો મોટેથી બોલીને લેશન કરતા હોય છે, જેથી તેમનો અવાજ તેમના માથામાં ચાલતા ઘોંઘાટ પર હાવી થઈ જાય. તેનાથી વિપરીત, એવા ઘણા લેખકો, સર્જકો, કલાકારો, વિજ્ઞાનિકો છે, જે બહારના ઘોંઘાટ વચ્ચે પણ કામમાં એકાગ્ર રહી શકે છે, કારણ કે તેમનું મગજ અંદરથી એટલું શાંત હોય છે કે બાહ્ય વિક્ષેપો તેમને વિચલિત કરી શકતા નથી.
૩. હિંમત : હિંમત એટલે ડરનો અભાવ નહીં. ડરનો સામનો એટલે હિંમત. ડર છે એટલે જ હિંમત છે. મનોજ શર્મામાં નાપાસ થવાનો, ધ્યેય પ્રાપ્તિમાં નિષ્ફળ જવાનો ડર છે અને એટલે જે તે હિંમત એકઠી કરી રાખે છે. આપણે સૌને જીવનના કોઈને કોઈ તબક્કે અલગ-અલગ રીતે ડરનો અનુભવ થયો હશે. કોઈને નિષ્ફળતાનો ડર લાગ્યો હશે, કોઈને બીજાની હાજરીમાં બેવકૂફ સાબિત થવાનો ડર લાગ્યો હશે, કોઈને રિજેક્શનનો ડર લાગ્યો હશે તો કોઈને વંદા-ગરોળીનો ડર લાગ્યો હશે. આમાંથી ઘણા ડર ‘અતાર્કિક’ હોય છે. ડરનો ડર ન લાગે તેને જ હિંમત કહે છે. ડર નોર્મલ થઈ જાય તે હિંમતની શરૂઆત છે. નાનપણમાં પહેલીવાર સાઇકલ પર બેઠા ત્યારે બહુ ડર લાગ્યો હતો, પરંતુ એનો વારંવાર સામનો કર્યો એટલે હિંમત આવી ગઈ. સાઇકલ પરથી પડી જવાની સંભાવના આજે પણ એટલી જ છે, પણ એવું થાય તો શું કરવું તે આવડી ગયું છે. ડરની સમજ પડે તેનું નામ હિંમત.
૪. સંઘર્ષનો આનંદ : મજા બે પ્રકારની હોય છે : એક, નિરર્થક મજા અને બે, સાર્થક મજા. નિરર્થક મજા એટલે જે ધ્યાન ભટકાવે, જે વાસ્તવિકતાને ભૂલવામાં મદદ કરે, જે ટાઈમ પાસ મનોરંજન કરે તે. મનોજના મિત્રની સ્થિતિ આવી છે. સાર્થક મજા એટલે જીવનનાં સંકટ નિપટાવામાં, પોતાની ક્ષમતાઓમાં આત્મવિશ્વાસ વધારે, સ્કિલ્સને ધાર કાઢે, બહેતર બનવામાં મદદ કરે તે. મનોજ બીજા વર્ગમાં આવે છે. આપણી મજાનો સ્રોત શું છે તેના પરથી આપણા જીવનની દિશા અને દશા નક્કી થાય છે. આપણે જો સમસ્યાઓનાં સમાધાન શોધીને, અડચણો દૂર કરીને મજા લેતા હોઈએ તો જીવનમાં દૂર સુધી જઈએ છીએ અને આપણે જો મનોરંજનની મજાને જીવનનો હેતુ બનાવીએ તો આપણું પતન જલદી થાય છે. આપણે પડકારોનો સ્વીકાર કરીએ તો એમાં સ્ટ્રેસ વધી જાય, પણ આપણે જ્યારે પડકારો જીતી જઈએ ત્યારે એની સિદ્ધિનો અહેસાસ અનોખો હોય. આપણું કષ્ટ પડકારોમાંથી નથી આવતું, એ આવે છે પડકારોથી મોઢું છુપાવામાંથી. એટલા માટે ટૂંકા ગાળાની મજામાં બરબાદ થઈ જવા કરતાં લાંબા ગાળાની મજામાં ખર્ચાઈ જવું જોઈએ.
૫. લક્ષ્ય પ્રાપ્તિ : પૌરાણિક રોમના સ્ટોઇક ફિલોસોફર સેનેકાએ કહ્યું હતું કે, “તમે ક્યા બંદર પર લાંગરવા ઈચ્છો છો એની જ જો ખબર ન હોય, તો અનુકૂળ પવન હોય તો ય શું ફરક પડે છે.” આ વાત જીવનમાં એટલી જ લાગું પડે છે. જીવનમાં શું કરવું છે એ જ જો ખબર ન હોય, તો ગમે એટલા અવસર મળે અથવા ગમે એટલા મદદગાર લોકો મળે તે શું કામના? મનોજની વાર્તા અને ચરિતાર્થ કરે છે. આપણું લક્ષ્ય સ્પષ્ટ હોય, આપણે કોઈ હેતુ માટે જીવતા હોઈએ, તો તમામ પ્રતિકૂળતાઓને પણ આપણે પાર પાડી શકીએ. ક્યાં જવું છે એની જ સ્પષ્ટતા ન હોય, તો તમામ અનુકૂળતાઓ પણ વ્યર્થ રહે. જે લોકોને કેમ જન્મ્યા, કેમ જીવ્યા અને કેમ મરી ગયા તેનો અંદાજ ન હોય તે દિશાવિહીન જહાજ જેવા છે. એ તરતા તો રહે, પણ કેમ તરે છે એની ખબર ન હોય.
૬. શિસ્ત : કોઇપણ ક્ષેત્રમાં સફળ થવા માટે અથવા ધાર્યું પરિણામ મેળવવા માટે ટેલેન્ટ જરૂરી હોય છે, પણ એકલી ટેલેન્ટથી કામ નથી ચાલતું. ટેલેન્ટને સફળ થવા માટે શિસ્ત જોઈએ. સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી એક સમયે રેકોર્ડ પાર્ટનરશીપમાં હતા. બન્નેમાં અદ્દભુત ટેલેન્ટ હતી. સચિને તેને ધાર કાઢવા માટે સખત પરિશ્રમ અને શિસ્તનો સહારો લીધો હતો. એ નિવૃત્ત થયો ત્યારે દુનિયાના શ્રેષ્ઠતમ ક્રિકેટર્સમાં તેનું સ્થાન હતું. તેના જેટલી જ ટેલેન્ટ હોવા છતાં, વિનોદ એ ઊંચાઈ પર પહોંચી ન શક્યો, કારણ કે તેનામાં એ શિસ્તનો અભાવ હતો. શિસ્ત એટલે શું? જે ચીજ ઉચિત અને અનિવાર્ય હોય, તેને કરવા માટે જાતને ફરજ પાડવી તેનું નામ શિસ્ત. કોઈપણ ક્ષેત્ર હોય, સફળતા અને નિષ્ફળતા વચ્ચેનો ફર્ક ટેલેન્ટનો નહીં, શિસ્તનો હોય છે. ટેલેન્ટ આપણને મોટિવેટ કરે, પરંતુ એમાં સાતત્ય શિસ્તથી જ આવે. શિસ્ત વગરની ટેલેન્ટ, રોલર સ્કેટર બૂટ પહેરલા વાનર જેવી છે. ગતિ તો હોય, પણ વાનરને ખબર ન પડે કે તે આગળ વધી રહ્યો છે, પાછળ જઈ રહ્યો છે કે આજુબાજુમાં ખસી રહ્યો છે. મનોજ અને તેનો મિત્ર બંને ટેલેન્ટેડ છે, પરંતુ માત્ર મનોજમાં જ ટેલેન્ટની સાથે શિસ્ત છે, જયારે મિત્ર રોલર સ્કેટર પહેરેલો વાનર છે.
(પ્રગટ : “ગુજરાતમિત્ર” / “મુંબઈ સમાચાર”; 07 જાન્યુઆરી 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર