હાશ, છાતી પરથી ડુંગર સમાણો પાણો ઉપડી ગયો !
મહારાષ્ટ્રનો અધિકાર ગુજરાતે વાપર્યો એ ગેરકાયદે ગણાય તે મુદ્દો તો હિમદુર્ગનું એકદશાંશમું ટોચકું માત્ર છે. મુદ્દાની વાત, ગુનેગારો સાથે સરકારી મેળાપીપણાની અને સંડોવણીની છે.

પ્રકાશ ન. શાહ
બિલ્કિસનો પત્ર વાંચ્યો તમે ? એ લખે છેઃ ‘આજે મારા માટે ખરેખર નવું વરસ છે.’ રાહતના આંસુએ રડતી બિલ્કિસે છેલ્લા દોઢ વરસમાં પહેલીવાર બાળુડાંને ગળે લગાડ્યાં છે. એને લાગે છે કે છાતી પરથી જાણે ડુંગરકદ પાણો ઉપાડી લેવામાં આવ્યો છે, ‘અને ફરીથી હું નિરાંતે શ્વાસ લઈ શકું છું.’ બિલ્કિસ પ્રકરણ ગેંગરેપ અને હત્યાની એવી દાસ્તાં છે જેમાં સીધા સંડોવાયેલાઓએ જ માત્ર નહીં પણ, કમનસીબે, ગુજરાતના વ્યાપક જનસમુદાયે સુ્દ્ધાં અરેરાટીનો આછો અણસાર અનુભવ્યાનું તમારી ને મારી જાણમાં નથી. આ લખું છું ત્યારે મને નિવૃત્ત પોલીસ વડા ગિલ સાથેની વાતચીતનું સ્મરણ થાય છે.
ગુજરાતમાં શાંતિ સ્થાપન માટે વિશેષ અધિકાર સહિત એમને 2002માં મોકલવામાં આવ્યા હતા. આવ્યા ત્યારે એમની કને જૂની અનુભવમૂડી હતી કે આવી અશાંતિના એક દોર પછી આઠદસ દિવસમાં લોકઉદ્રેક શમી જાય છે. આગલા અનુભવોએ આશ્વસ્ત અને સજ્જ ગિલે અહીં કામ તો ઠીક પાર પાડ્યું પણ એમને કશોક ખટકો રહી ગયો હતો એનો ખયાલ એમની વિદાયક્ષણોમાં આવ્યો.
અમારી વચ્ચે એકબે બેઠકનું અંતર હશે એટલે મેં ચિઠ્ઠીમાં પૂછ્યુંઃ ‘તમને આટલા ગાળા પછી લોકમાનસ કેવું લાગે છે?’ એમણે હાથમાં લીધી, વાંચી મને સીધો ઉત્તર આપવાની કદાચ સુવિધા નહોતી. પણ એનો ખંગ એ વિદાયવચનો વાસ્તે ઊભા થયા ત્યારે એમણે વાળ્યોઃ ‘સામાન્યપણે હિંસક ઘટનાક્રમ પછી જે ઉશ્કેરાટ ને હિંસક ધિક્કારલાગણી ઓસરી જતાં હોય છે – થોડા દિવસોમાં – તે અઠવાડિયાના અઠવાડિયા પછી પણ જેમના તેમ છે. શાંતિસ્થાપનની મારી કામગીરી પતી છે છતાં નથી પતી. કારણ, અહીં હું એ કલિંગબોધ નથી જોતો જે મેં અન્યત્ર જોયેલ છે.’
કલિંગબોધનો અમાનવીય અભાવ કઈ હદે સંસ્થીકૃત થઈ ગયો છે એનો નાદર નમૂનો અગિયાર ગુનેગારોને પંદરમી ઓગસ્ટના શુભ દિને (અલબત્ત, સારું ચોઘડિયું જોઈને સ્તો) સજામાફી જાહેર કરી છોડી મેલ્યા એ બીનામાં છે. વસ્તુતઃ, કેમ કે ગુજરાતના વ્યવસ્થાકીય રંગઢંગ જોઈ કેસ સરખો નહીં ચાલે એ ગણતરીએ તે મહારાષ્ટ્ર મોકલાયો હતો. ત્યાં સજા જાહેર થઈ હતી. સજામાફી મહારાષ્ટ્ર સરકાર અંતર્ગત આવતો મુદ્દો હતો. છતાં ગુજરાત સરકારે બિલકુલ જાણતે છતે સર્વોચ્ચ અદાલતની આ અગાઉની બેન્ચને પણ ખરી માહિતીથી વંચિત રાખી.
સર્વોચ્ચ અદાલતની હાલની બેન્ચના શબ્દોમાં ગુનેગારો સાથે તંત્રનું મેળાપીપણું હતું. કાયદાની જોગવાઈ પ્રમાણે મહારાષ્ટ્રમાં જ ચાલવી જોઈતી અદાલતી કામગીરી ગુજરાતમાં ચલાવાય નહીં એવી દેખીતી ટેકનિકલ ભૂમિકાએ હમણાં તો સજામાફી રદ્દ થઈ છે. પણ બધી કાનૂની વિગતો અને સુપ્રીમકોર્ટની ટિપ્પણીઓ જોઈએ તો સમજાય છે કે નકરી ટેકનિકલ રીતે દેખાય છે એ તો હિમદુર્ગનું એકદશાંશમું ટોચકું માત્ર છે.
અપીલ માટે એક સાથે જે ત્રણ મહિલાઓ આગળ આવી એમના આપણે વતનની આબરૂ ખાતર ઓશિંગણ રહીશું. ‘સાઝી દુનિયા’ના રૂપરેખા વર્મા એંસીએ પણ કડેધડે છે. પૂર્વસાંસદ સુહાસિની અલી જોડાયાં – આઝાદ હિંદ ફોજ ખ્યાત કેપ્ટન લક્ષ્મીના દીકરી હોવાપણું કોઈ જેવી તેવી વાત તો નથી સ્તો. અને હાલ, વન્સ અપોન અ ટાઇમ એન.ડી.ટી.વી.ના રેવતી લાલ પણ હતાં – કેમ કે 2002માં એમની કામગીરી સર એ ચશ્મદીદ પૈકી હતાં. ઉપરાંત પોતાને છેડેથી મહુઆ મોઇત્રા અને નિવૃત્ત પોલીસ અધિકારી મીરા ચઢ્ઢા પણ જોડાયાં. સલામ એમને.
કેટલી સાદી વાત છે, રુલ ઓફ લૉ કહેતાં કાયદાનું શાસન ! અને આઇડિયોલોજીના અફીણિયાં ને સૈંયા ભયે કોતવાલિયા શું શું કરી શકે તે આપણે જોઈ રહ્યાં છીએ. ક્યાં સુધી જોતાં રહીશું, કોને ખબર. ખરું જોતાં કાયદાના શાસનને પાયાના ખયાલ તરીકે સ્વીકારીએ તો તરત સમજાઈ રહેશે કે જે પણ અકરણીય છે એને કથિત ધરમમજહબ કે કથિત વિચારધારાકીય ધોરણે વાજબી ઠરાવી શકાય નહીં. સવાલ નાગરિક સમાજના શીલ અને સમજનો છે, અને તો જ આપણે નિરાંતે શ્વાસ લઈ શકીએ.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 10 જાન્યુઆરી 2024