અસલ મુંબઈ જોવું હોય તો ફોર્ટની બહાર પગ મૂકવો પડે
પગ ખરડાશે એની પરવા કર્યા વગર
મિસિસ પોસ્ટાન્સની આંગળી પકડીને આજે જઈએ બોમ્બેના ફોર્ટની બહાર.
ફોર્ટની અંદરનું મુંબઈ એ જ તો મુંબઈ નથી. એ તો છે પોતાનો દેશ છોડીને હિન્દુસ્તાન આવેલા અમારા જેવા અંગ્રેજોનું, અંગ્રેજો માટેનું, અંગ્રેજોએ ઘડેલું મુંબઈ. પણ અસલ મુંબઈ જોવું હોય તો ફોર્ટની બહાર પગ મૂકવો પડે, પગ ખરડાશે એની પરવા કર્યા વગર. કેટલાક અંગ્રેજો એને ‘બ્લેક ટાઉન’ કહે છે. અહીંના લોકો એને ‘બહાર કોટ’ કહે છે. અને અમે ફોર્ટની બહાર પગ મૂકીને અસલ મુંબઈ જોવાનું ઠરાવ્યું. મુંબઈમાં કોઈ એક જ જાત કે પ્રદેશના લોકો રહેતા નથી. હિન્દુસ્તાનના જુદા જુદા ભાગોમાંથી આવેલા, જુદા જુદા ધરમ અને જાતિના, જુદા જુદા રીતરિવાજ અને માન્યતા ધરાવતા લોકોનું એક લાંબુ સરઘસ છે મુંબઈ.
શ્રી મુંબઈ પાંજરાપોળ
હિન્દુસ્તાન આવતા પરદેશીઓને માટે સૌથી મોટું આકર્ષણ હોય છે અહીંની બજારો. પણ અમે અહીંની બજાર જોતાં પહેલાં એક નવી નવાઈ જેવી જગ્યાએ પહોંચી ગયા : ‘પાંજરાપોળ.’ હા, મારો વાચક માથું ખંજવાળતાં પૂછશે કે એટલે શું? ‘એટલે શું’ એ સમજાવવું સહેલું નથી. અહિંસા અને જીવદયા એ જૈન ધર્મના બે મુખ્ય સિદ્ધાંત. હિંદુ અને બૌદ્ધ ધર્મ પણ એ બે આદર્શ સ્વીકારે છે. પારસીઓનો ધર્મ પણ મર્યાદિત અર્થમાં તે સ્વીકારે છે. જો કે જૈન ધર્મ જેટલું આત્યંતિક સ્વરૂપ બીજા ધર્મોમાં કદાચ નથી. અહિંસા અને જીવદયાની ભાવનાથી પ્રેરાઈને ઊભી થયેલી સંસ્થા તે પાંજરાપોળ.
ભૂલેશ્વર કબૂતરખાના, ૧૯મી સદીમાં
અહીંનાં મુખ્ય બજારોમાંનું એક એટલે ભુલેશ્વરનું બજાર. તેને લગભગ છેડે આવેલી છે આ પાંજરાપોળ. માંદા કે મરવાને આરે ઊભેલાં પશુઓને અહીં રાખવામાં આવે છે – એક પૈસો પણ લીધા વગર. આપણે તેને માંદાં પશુઓનું આશ્રયસ્થાન કહી શકીએ. અહીં જુદા જુદા ધરમના લોકો રહે છે ને તેમની વચ્ચે ઝગડા કે ‘હુલ્લડ’ થતાં નથી એવું તો નથી. અને છતાં જ્યારે સમાજને ઉપયોગી થાય એવાં કામ કરવાનાં હોય ત્યારે જુદા જુદા ધરમના લોકો ભેગા મળીને કામ કરે છે. આ પાંજરાપોળ એનો એક દાખલો છે. સર જમશેદજી જીજીભાઈ એટલે મુંબઈના તવંગર અગ્રણી વેપારીઓમાંના એક. જીવદયાના આગ્રહી.
સર જમશેદજી જીજીભાઈ
હવે બન્યું એવું કે શહેરમાં વધતા જતા રખડતા કૂતરાઓના ત્રાસને કારણે ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ દરેક વર્ષે રખડતા કૂતરાને ભેગા કરીને તેમનો નાશ કરવાનો કાયદો કર્યો. આ માટે ખાસ નોકરોને રખડતા કૂતરા પકડવાની મંજૂરી આપી. પણ મુંબઈના ઘણા લોકોએ આ ‘ઘાતકી’ કાયદાનો વિરોધ કર્યો. તેની વિરુદ્ધમાં હુલ્લડ થયું. ત્યારે સર જમશેદજી જીજીભાઈને વચલો મારગ સૂઝ્યો. કૂતરા રસ્તા પર રખડતા હોય તો સરકાર તેને પકડીને મારી નાખે ને? એના કરતાં આપણે જ આવા કૂતરાને એકઠા કરી એક જગ્યાએ રાખીને તેમનું જતન કરીએ તો? તેમને સાથ મળ્યો જૈન ધર્મ પાળતા અમીચંદ શાહ નામના એક તવંગર વેપારીનો. અને તેમણે બન્નેએ વિચારને તરત અમલમાં મૂક્યો. ૧૮૩૪ના ઓક્ટોબરની ૧૮મી તારીખે તેમણે આ પાંજરાપોળની સ્થાપના કરી.
મુંબઈમાં જેવો રખડતા કૂતરાનો ત્રાસ, એનાથી થોડો ઓછો ત્રાસ રખડતા ભૂંડ કે ડુક્કરનો. એટલે શરૂઆતમાં કૂતરા અને ભૂંડની સંભાળ રાખવા માટેની સગવડ ઊભી કરી. પછી ધીમે ધીમે ગાય, ઘોડા, વગેરે માટેની સગવડો ઉમેરાઈ. પાંજરાપોળનો દરવાજો જોતાં તો એમ જ લાગે કે કોઈ મંદિરમાં દાખલ થઈ રહ્યાં છીએ. અહીંના લોકો જેને ‘હવેલી’ કહે છે તેના દરવાજાને મળતો આવે એવો આ દરવાજો છે. તેની અંદર ત્રણ મોટા વાડા છે. ત્રણે પર છાપરાં બાંધેલાં છે. એક વાડામાં કૂતરા, બીજામાં ગાય, અને ત્રીજામાં ઘોડા રાખવાની સગવડ છે. આ બધાં જ જનાવરોને યોગ્ય અને તેમને માફક આવે એવો ખોરાક આપવામાં આવે છે. ઘોડાઓને દોરડા વડે ખૂંટા સાથે બાંધી રાખવામાં આવે છે અને મોઢે ચોકડું બાંધી રાખે છે. જ્યારે ગાયોને બાંધતા નથી પણ વાડામાં છુટ્ટી ફરવા દે છે. તેમને માટે તાજું લીલું ઘાસ હંમેશાં પાથરેલું હોય છે. જો કે આ પ્રાણીઓ માંદાં પડે ત્યારે તેમની દાક્તરી સારવાર કરતા નથી, પણ સુક્કા ઘાસની નીચે તેમને સુવડાવી દે છે અને શાંતિથી કુદરતી રીતે મરવા દે છે.
જે કોઈ માણસ અહીં રખડતું કૂતરું લાવે તેને આઠ આના (આજના ૫૦ પૈસા) આપે છે. ગાય-ઘોડા જેવાં મોટાં જાનવર માટે વધુ પૈસા આપે છે. આ પાંજરાપોળને અવારનવાર દાન રૂપે મોટી રકમો મળતી રહે છે છતાં તે શરૂ કરનારાઓએ દૂરંદેશી વાપરીને તેના નિભાવ માટે પણ કાયમી વ્યવસ્થા કરી રાખી છે. સર જમશેદજી જીજીભાઈએ અહીં ૨૦૦ દુકાનો અને ૪૫૦ ભાડૂતો રહી શકે તેવાં મકાન (જેને અહીંના લોકો ‘ચાલ’ કહે છે) બાંધી રાખ્યાં છે. તેની ભાડાની બધી જ આવક આ પાંજરાપોળના નિભાવ માટે વપરાય છે.
જો કે આઠ આના કમાવા માટે થઈને કેટલાક લોકો કૂતરાની ચોરી કરે છે એવી ફરિયાદ અવારનવાર સાંભળવા મળે છે. પણ એ તો માનવસ્વભાવનું એક લક્ષણ છે કે ગમે તેવી સારી વસ્તુનો પણ પોતાના લાભ ખાતર દુરુપયોગ કરવો. પણ એટલે કાંઈ એમ તો ન જ કહેવાય કે આવું ઇનામ આપવું જ ન જોઈએ કે આવી પાંજરાપોળ જેવી સંસ્થા હોવી જ ન જોઈએ. મારે મતે તો પાંજરાપોળ એ જૈન ધર્મના જીવદયા અને અહિંસાના સિદ્ધાંતોનું એક ઉમદા પ્રતિક છે.
હા, કલકત્તામાં છે તેવાં ઠાઠમાઠવાળાં સાધન-સગવડ મુંબઈમાં નથી. પણ મુંબઈની આબોહવા કલકત્તા કરતાં ઘણી સારી છે. એટલે અહીં વરસના ઘણા મહિના ઘરમાં ગોંધાઈ રહેવું પડતું નથી. વળી અહીં જે અભાવો છે તેને દૂર કરવા અંગ્રેજ અને પારસી વેપારીઓ સતત મહેનત કરતા રહે છે. છેલ્લાં છ વરસથી હું જોતી આવી છું કે અહીંનાં સાધન-સગવડમાં સતત ફેરફાર અને વધારો થતા રહ્યા છે અને તેને લીધી અહીંની રહેણીકરણી વધુ ને વધુ ‘બિનભારતીય’ (એટલે કે પશ્ચિમી) થતી આવી છે. આનું મુખ્ય કારણ છે યરપના દેશો સાથેનો વધતો જતો સંપર્ક. અહીંના લોકો ભલે ધીરે ધીરે, પણ પશ્ચિમનાં વિચારો અને રહેણીકરણી અપનાવતા થયા છે. અલબત્ત, આમ કરવામાં પારસીઓ મોખરે છે, પણ બીજા લોકો પણ ધીરે ધીરે યરપ તરફ જોતા થયા છે. પુસ્તકો, અખબારો, મેગેઝીન્સ વગેરે યરપમાં જૂનાં-પુરાણાં થઈ જાય તે પહેલાં હવે મુંબઈ પહોંચે છે. અંગ્રેજો ઉપરાંત થોડા ‘દેશી’ઓ પણ તે વાંચીને નવા નવા વિચારો અને સાધન-સગવડથી પહેલાં પરિચિત થાય છે, ને પછી તેને અપનાવે છે.
પહેલાં તો નવા વિચારો કે સાધન-સગવડ અહીં પહોંચે ત્યાં સુધીમાં યરપમાં તો તે વાસી થઈ ગયાં હોય એવું બનતું. હવે કોઈ પણ નવા ઓપેરાનું સંગીત તમે અહીં પણ મેળવી શકો છો – યરપમાં એ ઓપેરા ભજવાતું બંધ થઈ જાય તે પહેલાં. અને અંગ્રેજ બાનુઓ સમી સાંજે એસપ્લનેડ પર ફરવા નીકળે છે ત્યારે તેમના પોશાક પેરિસની સ્ત્રીઓના પોશાક કરતાં જરા ય ઊતરતા હોતા નથી.
આમ થવાનું મુખ્ય કારણ છે યરપ અને હિન્દુસ્તાન વચ્ચે શરૂ થયેલો ઝડપી વાહન-વ્યવહાર અને સંદેશ-વ્યવહાર. તેને પરિણામે નવાં નવાં સાધન-સગવડ તો અહીં મળતાં થયાં જ છે, પણ અહીંના અને યરપના લોકોમાં એકબીજાના જીવન અને વ્યવહાર વિશેનું કુતૂહલ વધતું રહ્યું છે. અગાઉ જ્યારે યરપ અને હિન્દુસ્તાન વચ્ચેની મુસાફરી બહુ લાંબા રસ્તે કરવી પડતી ત્યારે આમ થવું શક્ય નહોતું. હવે યરપ અને હિન્દુસ્તાન વચ્ચેની આપ-લે વધુ ઝડપી અને પરસ્પર લાભકારક બની છે. બ્રિટન અને યરપની કેટલીક અગ્રણી સંસ્થાઓએ હવે મુંબઈમાં પોતાની શાખા શરૂ કરી છે – જેમ કે બોમ્બે બ્રાંચ ઓફ ધ રોયલ એશિયાટિક સોસાયટી. બ્રિટનની માતૃ સંસ્થાઓ આવી શાખાઓને સાધન-સામગ્રી ઉપરાંત નવા વિચારો પૂરા પાડે છે. ત્યાંના વિદ્વાનો અહીં આવીને હિન્દુસ્તાનની રહેણીકરણી, ઇતિહાસ, પ્રાણીશાસ્ત્ર, ભૂસ્તર-શાસ્ત્ર વગેરેનો અભ્યાસ કરે છે. તેનાથી બ્રિટનના લોકોને તો ખરો જ, અહીંના લોકોને પણ લાભ થાય છે.
૧૭૮૯માં શરૂ થયેલું મુંબઈનું પહેલું છાપું શરૂ થયું ત્યારે નામ : ‘બોમ્બે હેરાલ્ડ’ ૧૭૯૧થી નામ બદલાયું : ‘બોમ્બે ગેઝેટ’
અહીંનાં છાપાંમાં અગાઉ સમાચાર ઓછા અને ગપગોળા વધુ છપાતા. પણ હવે એવું રહ્યું નથી. અહીંના પ્રેસની મથરાવટી હવે મેલી રહી નથી. લોકોમાં નવા વિચારો ફેલાવવામાં આ અખબારોનો પણ મોટો ફાળો છે. બ્રિટનનાં જ્ઞાન-વિજ્ઞાન, અભ્યાસની સગવડો, એ અભ્યાસ પછીની કારકિર્દીની ઊજળી તકો – એ બધાંથી આકર્ષાયેલા ભલે એક નાનકડા વર્ગમાં, પણ બ્રિટન જઈને ત્યાનું શિક્ષણ મેળવવાની આકાંક્ષા જાગી છે. આ વર્ગના લોકો પોતાના દીકરાઓને ભણવા માટે બ્રિટન મોકલતા થયા છે.
હિન્દુસ્તાનમાં નવજાગૃતિ માટેની આકાંક્ષાનો પાયો દૃઢપણે નખાઈ ચૂક્યો છે. અને તેમ કરવામાં સૌથી મહત્ત્વનો ફાળો આપ્યો છે બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપતી સ્કૂલો અને કોલેજોએ. આ શિક્ષણ સંસ્થાઓની શરૂઆત ભલે અંગ્રેજોએ કરી હોય, પણ હવે અહીંના સમાજે એ સંસ્થાઓને અપનાવી લીધી છે. એક નાનકડા વર્ગ તરફથી શરૂઆતમાં તેનો વિરોધ થયો હતો ખરો, પણ હવે એવો વિરોધ ભાગ્યે જ ક્યાં ય જોવા મળે છે. આ શિક્ષણ સંસ્થાઓમાં કામ કરતા અંગ્રેજ શિક્ષકો અને અધ્યાપકો પોતપોતાના વિષયનું શિક્ષણ તો આપે જ છે. પણ સાથોસાથ વિદ્યાર્થીઓની દૃષ્ટિ વિશાળ અને સર્વસમાવેશી બને તે માટે પણ સતત મહેનત કરતા રહે છે. હા, હજી સુધી તેના ફાયદા એક નાના અને સમાજના ઉપલા વર્ગ સુધી જ પહોંચી શક્યા છે. પણ જેમ જેમ વરસો વીતતાં જશે તેમ તેમ બ્રિટિશ પદ્ધતિના શિક્ષણનો વ્યાપ વધતો જશે. મુંબઈમાં નવું શિક્ષણ ફેલાયું તે નેટિવ એજ્યુકેશન સોસાયટીની સ્કૂલો અને એલ્ફિન્સ્ટન કોલેજ થકી. આ શિક્ષણ સંસ્થાઓ વિશેની વાત હવે પછી.
ખુલાસો : લેખિકાનું આ પુસ્તક બ્રિટિશ વાચકોને ધ્યાનમાં રાખીને લખાયું હતું અને પ્રગટ પણ બ્રિટનમાં જ થયું હતું. આ હકીકત ધ્યાનમાં રાખીએ તો તેમનાં વાત કે અભિપ્રાય વધુ સારી રીતે સમજી શકશું.
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 13 જાન્યુઆરી 2024)