એક બાજુ, ઝીણાનું નામ લઇ અડવાણીએ પાકિસ્તાની નેતૃત્વને ઢંઢોળ્યું. બીજી બાજુ, એમના વિચારબંધુઓ અહીં ચેનલ ચોવીસા પર મંડી પડ્યા કે દેશદ્રોહી ઝીણાને ગરિમા પ્રદાન કરનાર અડવાણી પણ દેશદ્રોહી છે!
વીતેલા પખવાડિયામાં રામ મંદિર આસપાસ ઉલ્લાસ, ઉફાન અને ઊહાપોહ વચ્ચે કોઈ એક પાત્રવિશેષે ચિત્તનો કબજો લીધો હોય તો તે અલબત્ત લાલકૃષ્ણ અડવાણીનું છે. જેટલા અપેક્ષિત એટલા જ ઉપેક્ષિત એવી એમની નિયતિ રહી છે. 2004માં ફીલગુડ અહેસાસ વચ્ચે ભા.જ.પ.ને અને સત્તાને છેટું રહી ગયું. 2014માં, ‘માય વે, ઓર હાઈવે’ના ધોરણે નવા નેતૃત્વે એમને, આજની જેમ ખખડેલ નહીં પણ કડેધડે છતાં, અવસર ન આપ્યો. પક્ષે એમને માર્ગદર્શક મંડળમાં મૂક્યા … કહ્યું ને, માય વે, ઓર હાઈવે!
જો કે, આ ક્ષણે મારો મુદ્દો કોઈ વ્યક્તિગત સત્તાકારણનો નથી, પણ એક સંગઠક ને સિદ્ધાંતકોવિદ પક્ષને ક્યાંથી ક્યાં કેવી રીતે લઈ જાય છે અને સફળતાની કથિત ક્ષણો કેવી આભાસી અગર તો મૂળ આદર્શ અને વિચાર પરત્વે ‘ઘુમ જાવ’ તરેહની હોય છે તે સમજવાનો ને તપાસવાનો ખયાલ જરૂર છે.
ભાગલા સાથે એ સિંધથી અહીં આવ્યા, એટલે લાંબે નહીં જતાં છેલ્લા સાડા ચાર દાયકાના ફલક પર વાત કરું તો 1977-1979ની ઠીક કામગીરી પછી જનતા પક્ષમાં છૂટા પડવાનું થયું ત્યારે જનસંઘ નેતૃત્વે, ખાસ તો વાજપેયી-અડવાણીએ, પાછા ભારતીય જનસંઘની રીતે ન વિચાર્યું.
ભારતીય જનસંઘમાંથી ભારતીય અને જનતા પક્ષમાંથી જનતા લઈને એમણે ભારતીય જનતા પાર્ટીનો રાહ લીધો. દીનદયાલ ઉપાધ્યાય પ્રણિત એકાત્મ માનવવાદ સાથે જનતાભેદ સરખો ગાંધીવાદી સમાજવાદ જોડીને એ આગળ ચાલ્યા. માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને જનસંઘની સ્વીકૃતિ આડે હિંદુ રાષ્ટ્રવાદ વિ. બિનસાંપ્રદાયિકતાનો મુદ્દો હંમેશ આવતો રહ્યો હતો એનાથી સભાન આ નેતૃત્વે ‘પોઝિટિવ’ એવા વિશેષણ સાથે સેક્યુલરિઝમને પોતાની પાયાની નિષ્ઠા જાહેર કરી.
કટોકટીમાં સંજય બ્રાન્ડ જુલમી રાજકારણે કાઁગ્રેસના પરંપરાગત વ્યાપક મુસ્લિમ સમર્થનને હચમચાવી નાખ્યું હતું. ભાગ્યશાળીને ભૂત રળે એમ 1977માં જનતા પક્ષના ઘટક તરીકે જનસંઘને મુસ્લિમ મતો સુંડલામોઢે મળ્યા. બીજી બાજુ, આગળ ચાલતાં ઇન્દિરા ગાંધીના પુનરાગમન પછી 1984માં એમની નિર્ઘૃણ હત્યાને કારણે શીખવિરોધી માહોલ હિંદુ મતોના દૃઢીકરણ રૂપે કાઁગ્રેસને ઐતિહાસિક બહુમતી સંપડાવનારો બની રહ્યો. ભા.જ.પ.નાં સૂપડાં સાફ થઈ ગયાં. વાજપેયીને સ્થાને ભા.જ.પ.ના પ્રમુખ બનેલા અડવાણીએ રામ મંદિરનો મુદ્દો ઉપાડી હિંદુ મતોના દૃઢીકરણની પ્રબળ વળતી ચેષ્ટા કરી અને રાજીવ ગાંધીની શાહબાનુ ચેષ્ટાએ પણ એને બરાબરનો સાથ આપ્યો. આ પ્રક્રિયામાં અંતે થયું એવું કે કાઁગ્રેસ શ્રેષ્ઠીઓના સેક્યુલરિઝમે તકવાદી પલટી મારી, અને પેલું ‘પોઝિટિવ સેક્યુલરિઝમ’ પણ બચાડું માર્યું ફરે!
રામ મંદિર આંદોલનના વ્યાપક અર્થઘટનથી તેમ રામરાજ્ય એટલે કે ધર્મરાજ્ય અર્થાત્ ‘રુલ ઓફ લો’ અને સુશાસન એવી સમજૂતથી અડવાણી ઠીક રોડવતા હશે, પણ બીજી બાજુ ગળથૂથીનાયે સવાલો હતા. નરસિંહરાવ-મનમોહન સિંહની આર્થિક નીતિ વિશે અડવાણીની અનુમોદનાથી પ્રેરાઈ એક વાર વાસુદેવ મહેતાએ અને મેં એમને પૂછ્યું કે તમે કેમ સહયોગની રીતે ન વિચારો? એમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અમારી ઓળખનું શું? ‘હિંદુત્વ હમારી પહેચાન હૈ.’
આ પહેચાનનો ઇતિહાસબોજ, એમના નવપ્રસ્થાન માત્ર ને ધૂળ પરના લીંપણ શું બનાવી મેલે છે તે વખતોવખત બહુ બૂરી ભોંયપછાડથી સમજાતું રહ્યું છે. જેમ વડા પ્રધાન વાજપેયીની લાહોર બસ યાત્રા અને ખાસ તો મિનારે પાકિસ્તાનની સત્તાવાર મુલાકાત એક સીમાચિહ્ન ઘટના હતી તેમ 2005ની અડવાણીની (પૂર્વ નાયબ વડા પ્રધાનની) પાક મુલાકાત પણ ભારત-પાક સંબંધની રીતે અને ભા.જ.પ.ની સકારાત્મક સ્વીકૃતિ રૂપે ફળદાયી હોઈ શકત. સામે છેડેથી શુભ ચેષ્ટા પણ સોજ્જી હતી.
મહાભારતના યક્ષ પ્રશ્નથી સુપ્રતિષ્ઠ કટાસરાજ મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે અતિથિ વિશેષ તરીકે સામેલ થવાનું એ સત્તાવાર નિમંત્રણ હતું.
આ મુલાકાત દરમ્યાન એમણે યાદ કર્યું કે પાક રાષ્ટ્રપિતા ઝીણાએ પાકિસ્તાનની બંધારણ સભામાં સેક્યુલર ભૂમિકા લીધી હતી : ‘તમે કોઈ પણ ધર્મ અથવા જાતિ અથવા નસલના હોઈ શકો છો, રાજ્યનો તેનાથી કોઈ સરોકાર નથી. તમે જોશો કે સમય પસાર થતાની સાથે અહીં હિંદુ હિંદુ નહીં રહે તથા મુસ્લિમ મુસ્લિમ નહીં રહે – ધાર્મિક અર્થોમાં નહીં કારણ કે ધર્મ વ્યક્તિની અંગત બાબત છે, પરંતુ રાજકીય અર્થોમાં આ રાજ્યના નાગરિકના રૂપમાં.’
એક બાજુ પાકિસ્તાનમાં એમનું આ બોલવું (ઝીણાના શબ્દો મારફતે વર્તમાન પાક હુકમરાનોને ઢંઢોળવું) અને બીજી બાજુ ખુદ અડવાણીએ ‘મારો દેશ, મારું જીવન’ એ આત્મકથામાં નોંધ્યું છે તેમ ‘ભા.જ.પ.ના વૈચારિક બંધુઓ’નું ચેનલ ચોવીસામાં ધરાર મંડી પડવું કે દેશદ્રોહીને (ઝીણાને) ગરિમા પ્રદાન કરનાર (અડવાણી) પણ દેશદ્રોહી છે!
ક્વચિત્ ક્વચિત્ અડવાણીને મળવાનું થતું એમાં એક સંવાદ યાદ આવે છે. પાક હાઈકમિશનર કાઝી એમને મળવા આવ્યા તો વાત વાતમાં અડવાણીએ કહ્યું કે જુઓ હું અહીં સિંધથી આવ્યો અને રાજનીતિમાં આટલા શીર્ષસ્થાને પહોંચ્યો છું. આ અમારી લોકશાહી રાજવટનો ચમત્કાર છે. તમે તમારે ત્યાં આવો દાખલો કેમ બતાવી શકતા નથી?
ખેર, આ દિવસોમાં હિંદુત્વ રાજનીતિ નાગરિકતા કાનૂન સહિતનાં વલણોમાં કંઈક એવું જ, પાકિસ્તાન જેવું માનસ પ્રગટ કરતી માલૂમ પડે છે. અડવાણી જેમને ‘વિચારબંધુઓ’ કહે છે તે સિદ્ધાંતબાજો ને નીતિવ્યૂહકારો અડવાણીનો કાઝી જોગ પ્રશ્ન પોતાને પૂછાય તો શો જવાબ આપશે? નવી શરૂઆત તરીકે રામ મંદિર નિર્માણ ઘટનાને આગળ ધરાય છે ત્યારે અડવાણી અને વાજપેયી જે અંતર્વિરોધનું સમાધાન નથી કરી શક્યા એની આશા હાલના લાભાર્થીઓ પાસે રાખી શકાય એવું લાગતું તો નથી … દેખીતી વસંત, ને વાસ્તવમાં પાનખર, બીજું શું.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 31 જાન્યુઆરી 2024