
રમેશ ઓઝા
ભારત જોડો યાત્રા શરૂ કરતાં પહેલાં રાહુલ ગાંધીએ દિલ્હીમાં કર્મશીલો તેમ જ વિચારકો સાથેની બેઠકમાં કહ્યું હતું કે માત્ર રાજકીય રીતે બી.જે.પી.નો પરાજય ન થઈ શકે, મુખ્ય લડાઈ વિચારધારાની છે.
રાહુલ ગાંધીની આ વાત બિલકુલ સાચી છે, પરંતુ તેમને એ સમજાતાં ઘણી વાર લાગી. રાહુલ ગાંધી શું આ લખનારા રાજકીય સમીક્ષકો તેમ જ વિદ્વાનો પણ ચૂંટણીકીય ગણિતોના આધારે એમ માનતા હતા કે બી.જે.પી.નો પરાજય અમુક પ્રકારનાં રાજકીય સમીકરણોનાં આધારે શક્ય છે. જેમ અટલ બિહારી વાજપેયીની સરકાર આવી અને ગઈ એ મુજબ નરેન્દ્ર મોદીની સરકાર પણ જઈ શકે છે. રાહુલ ગાંધી અને કાઁગ્રેસે ૨૦૨૧ની સાલ સુધી વિધાનસભાઓની તેમ જ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી આ રીતે રાજકીય સમીકરણોના આધારે જ લડી હતી. બીજા પક્ષોની વાત કરીએ તો તે ટકી રહેવા માટે ચૂંટણીકીય ગણતરીઓ માંડે છે અને તેને વિચારધારા સાથે કોઈ સંબંધ નથી.
રાહુલ ગાંધીની વાત સાચી છે કે લડાઈ વિચારધારાની છે. સંઘપરિવાર હિંદુઓના એક વર્ગ (મુખ્યત્વે પુરુષ મધ્યમવર્ગ) સુધી પહોંચી ગયો છે અને તેનાં મનમાં એવું ઠસાવી દીધું છે કે ભારત વિશેની સંઘપ્રેરિત કલ્પના જ સાચી છે, ભારત માટે અને તેના માટે હિતકારી છે. હિંદુઓનો આ વર્ગ ઘણો મોટો છે, પણ યાદ રહે હજુ સુધી તે બહુમતીમાં નથી. લગભગ ૬૦ ટકા હિંદુઓને સંઘની કલ્પનાનું ભારત સ્વીકાર્ય નથી. હજુ વધુ ચિંતાની વાત એ છે કે ધ્રુવીકરણ રાષ્ટ્રીય સ્તરે ઉત્તર અને દક્ષિણ ભારત વચ્ચે થયું છે અને ઉત્તર ભારતમાં પરિવારોમાં થયું છે. આ દેશ માટે શુભસંકેત નથી. જ્યારે સહિયારા ભારતની કલ્પના વિકસી હતી અને લોકો સુધી પહોંચાડવામાં આવતી હતી ત્યારે ભારતમાં આજ જેટલું ભૌગોલિક ધ્રુવીકરણ નહોતું થયું અને પરિવારોમાં તો બિલકુલ નહોતું થયું. તામિલનાડુમાં દ્રવિડ રાજકારણ કરનારાઓ, પંજાબમાં સીખો, ઇશાન ભારતમાં કેટલાક રાજકીય પક્ષો અને સામ્યવાદીઓ જુદો રાગ આલાપતા હતા, પણ પ્રજાનો એક નાનકડો વર્ગ છોડીને કોઈ તેમની સાથે નહોતા. એમ તો હિન્દુત્વવાદીઓને પણ સહિયારા સેક્યુલર ભારતની કલ્પના સ્વીકાર્ય નહોતી, પરંતુ તેઓ ચર્ચામાં નહોતા ઉતરતા. તેમનું પ્રચારમાધ્યમ વિમર્શ નથી, કાનાફૂસી છે.
કલ્પના કરો કે મુસ્લિમ લીગની આડોડાઈને કારણે અને બીજા વિશ્વયુદ્ધ વખતે દેશહિતની જગ્યાએ અંગ્રેજોને ટેકો આપવાને કારણે ભારતનું વિભાજન થયું હતું. બીજા વિશ્વયુદ્ધ પછી રચવામાં આવેલી સર્વપક્ષીય હંગામી સરકાર નિષ્ફળ નીવડે એ માટે મુસ્લિમ લીગે અંદરથી ભાંગફોડ કરી હતી તે એટલે સુધી કે સરદાર પટેલ અને કનૈયાલાલ મુનશી જેવા કાઁગ્રેસના જમણેરી નેતાઓ એવા તારણ પર આવ્યા હતા કે ભારતનું કોમી વિભાજન ભારતનાં હિંદુઓના હિતમાં હશે એટલે વિભાજન સ્વીકારી લેવામાં આવે. મુનશીએ તો કાઁગ્રેસમાંથી રાજીનામું આપીને અખંડ હિન્દુસ્તાન માટે આંદોલન કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમાં તેમને સફળતા નહોતી મળી એ જુદી વાત છે. છેવટે વિભાજન થયું અને દેશભરમાં કોમી રમખાણો થયાં. લાખો લોકો માર્યા ગયા, કરોડો લોકો બેઘર થયા, પોતાનું વતન છોડવું પડ્યું, સ્ત્રીઓ સાથે બર્બર અત્યાચારો થયાં, બન્ને બાજુ હજારો સ્ત્રીઓએ કૂવા પૂર્યા અને ત્યારે? ત્યારે ભારતનું બંધારણ ઘડાતું હતું.
બંધારણસભામાં કોઈ કહેતાં કોઈએ પ્રતિક્રિયામાં આવીને કહ્યું નહોતું કે ભારત પણ હિંદુ ભારત હોવું જોઈએ. હિંદુઓને ઝૂકતું માપ મળવું જોઈએ. મુસલમાનોને એનો દેશ મળી ગયો છે એટલે હવે તેમણે બરાબરીનો અધિકાર ગુમાવી દીધો છે. જે મુસલમાને ભારતમાં રહેવું હોય એ હિંદુ ભારતમાં દ્વિતીય કક્ષાના નાગરિક તરીકે જીવી શકે છે. એમાં સરદાર પટેલ હતા, કનૈયાલાલ મુનશી હતા, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ હતા અને તેમના જેવા બીજા સેંકડો જમણેરીઓ હતા. હકીકતમાં તેમની તો બંધારણસભામાં બહુમતી હતી. ડૉ. આંબેડકરે ઇસ્લામની અને ભારતીય મુસ્લિમ રાજકારણની આકરી ચિકિત્સા કરી હતી, લખીને કરી હતી અને છતાં ય તેમણે પણ મુસ્લિમોને ઓછું માપ આપવું જોઈએ એમ નહોતું કહ્યું. ભારતીય જનસંઘ(અત્યારનો ભા.જ.પ.)ના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જી બંધારણસભાના સભ્ય હતા અને તેમણે પણ ક્યારે ય નહોતું કહ્યું કે ભારત હિંદુ રાષ્ટ્ર હોવું જોઈએ, હિંદુઓને ઝૂકતું માપ મળવું જોઈએ અને મુસલમાનોને દ્વિતીય નાગરિકત્વ આપવું જોઈએ. ખાતરી કરવી હોય તો બંધારણસભામાં થયેલી સમગ્ર ચર્ચાનાં વોલ્યુમ્સ ઈન્ટરનેટ પર જોઈ શકો છો. તમને ગાંધી અને નેહરુ સામે વાંધો હોય તો તેમને બાજુએ મૂકો અને સગી આંખે જોઈ જાવ કે સરદાર પટેલ સહિતનાં તમારા ગમતા નેતાઓએ ત્યારે શું કહ્યું હતું. ખાસ કરીને ત્યારે જ્યારે દેશ હિંસાના દાવાનળમાંથી પસાર થતો હતો. મુસલમાનો સામે ગુસ્સા માટે અને પ્રતિક્રિયા માટે મજબૂત કારણો હતાં. અને એ છતાં ય તેમણે સંયમ રાખ્યો હતો, વિવેક જાળવ્યો હતો અને એવા ભારતને બંધારણમાં રેખાંકિત કર્યું હતું જે આજે હિન્દુત્વવાદીઓને સ્વીકાર્ય નથી અને તમે કદાચ હિન્દુત્વવાદીઓના સમર્થક છો.
તમે ક્યારે ય વિચાર્યું છે કે સરદાર પટેલ, મુનશી, રાજેન્દ્રબાબુ, હરગોવિંદ દાસ અને તેમના જેવા બીજા સોએક હિંદુહિતના રખેવાળોએ શા માટે સહિયારા, લોકતાંત્રિક અને સેક્યુલર ભારતની કલ્પના સ્વીકારી અને બંધારણમાં રેખાંકિત કરી? સ્વતંત્ર ભારતનાં સ્વરૂપ વિષે બંધારણસભામાં વિખવાદ પેદા થઈ શક્યો હોત જે રીતે પાકિસ્તાનની બંધારણસભામાં થયો હતો, પરંતુ વિખવાદ તો દૂરની વાત છે કોઈએ ભિન્ન મત પણ વ્યક્ત નહોતો કર્યો. તમે પોતે આ વાતની ખાતરી કરી શકો છો અથવા કોઈ હિન્દુત્વવાદીને પ્રશ્ન પૂછી શકો છો. શા માટે કોઈ કહેતા કોઈએ હિંદુ ભારતની વાત નહોતી કરી? બીજું, શા માટે કોઈ કહેતા કોઈ હિન્દુત્વવાદીએ એ સમયે, એટલે કે જ્યારે બંધારણ ઘડાતું હતું ત્યારે હિંદુ ભારત માટે આગ્રહ નહોતો રાખ્યો? બીજા અનેક લોકોની જેમ તેઓ પણ પોતાની કલ્પનાના ભારતને સાકાર કરે એવા બંધારણનો મુસદ્દો રજૂ કરી શક્યા હોત. બંધારણસભાએ તો જાહેરજનતા પાસેથી ભારતનાં બંધારણ વિષે સૂચનો માગ્યાં હતાં અને અનેક લોકોએ આપ્યાં પણ હતાં. ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ શ્રીમન્ન નારાયણે ગાંધીજીની કલ્પનાના ભારતને સાકાર કરવા માટે બંધારણનો એક મુસદ્દો બંધારણસભાની વિચારણા માટે રજૂ કર્યો હતો.
શા માટે હિન્દુત્વવાદીઓએ પોતાની કલ્પનાના ભારત વિશેનાં સૂચનો ત્યારે બંધારણસભા સમક્ષ નહોતાં રાખ્યા? બીજાઓની જેમ તેઓ પણ રાખી શક્યા હોત. શા માટે તેમણે સરદાર અને મુનશી જેવા પોતાની પસંદગીના નેતાઓને નહોતું પૂછ્યું કે આ તમે શું કરી રહ્યા છો?
તો આ સપ્તાહમાં બે પ્રશ્ન વિષે વિચારો : એક, શા માટે બંધારણસભામાં ઉપસ્થિત સોએક જેટલા હિંદુહિતને વરેલા સભ્યોએ હિંદુ ભારતની વાત ન કરી અને બે, શા માટે હિંદુ ભારત ઇચ્છનારાઓએ ત્યારે પોતાની કલ્પનાના ભારત વિશેનો મુસદ્દો માગવા છતાં ય નહોતો રજૂ કર્યો? આની વધુ ચર્ચા આવતા અઠવાડિયે કરીશું.
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 28 જાન્યુઆરી 2024