Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9345136
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કાઁગ્રેસ-અયોધ્યાનો નાતો ગુંચવાડા, અસ્પષ્ટતા અને ઇતિહાસની અવગણનાથી ભરેલો

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|28 January 2024

સારું થયું છે કે ખોટું એ બહુ લાંબી ચર્ચા છે પણ નરેન્દ્ર મોદીની સરકારે 370ની કલમ અંગે નિર્ણય લીધો, ટ્રિપલ તલાકને લઇને નિર્ણય લીધો, અયોધ્યામાં રામ મંદિર પણ ખડું કરી દીધું પણ કાઁગ્રેસની હાલત એ છે કે હજી એ લોકો પોતાના પક્ષ માટે કન્વીનર સુદ્ધાં શોધી શક્યા નથી

ચિરંતના ભટ્ટ

યોધ્યામાં રામ મહોત્સવ પૂરો થયો પણ એ અંત સાથે રાજકારણની શતરંજમાં પાકા ખેલાડીઓ રાજરમતનો પહેલો દાવ જીતી ચૂક્યા છે. ગમા-અણગમા, પ્રશ્નો, ગુંચવણો બધું પૂરું થઇ ગયું છે, એમ નથી પણ એ તો હકીકત છે જ કે ભા.જ.પા.ની સરકારે, મોદી સરકારે આ કર્યું. 2024ની ચૂંટણી પહેલાં કર્યું. બીજી વાસ્તવિકતા એ પણ છે કે કોઇપણ રાજકીય પક્ષ પોતે સત્તા પર હોય ત્યારે રમખાણો થાય એવું ન ઇચ્છે અને એ માટે તે સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવે પણ ખરો. કદાચ ઇતિહાસકારો, રાજકીય વિશ્લેષકો, બિનસાંપ્રદાયિક વિચારકો દરેક પોતાના વિચારને, પોતાના ઝુકાવને યોગ્ય ઠેરવવા પોતાનું કામ કરશે, કરી રહ્યાં છે અને એ લોકો પણ અરાજકતા ધરાવતો સમાજ નથી જ ઇચ્છતા. ટૂંકમાં એવા લોકો જેમને ધર્મના સંદર્ભો, કટ્ટરવાદના જોખમ વગેરેની પડી નથી એ લોકો પોતાની રીતે આ આખી ઘટનાને મૂલવીને એ પ્રમાણે વ્યવહાર કરશે – જેમાં ટોચના લોકો – તે રાજકારણમાં હોય કે શિક્ષણમાં કે પછી વિશ્લેષણમાં એમને ફેર પડવાનો નથી. તેમના વ્યવહારને ડાબેરી કે જમણેરીઓ પોતાના ફાયદામાં વાપરશે કારણ કે એ જ રાજકારણ છે. બાલક રામને આની સાથે કંઇ લેવાદેવા નથી.

વાત કરવાની છે વિરોધ પક્ષની – કાઁગ્રેસની. કાઁગ્રેસનો અભિગમ એટલો બાલિશ રહ્યો છે કે પાંચ વર્ષના રામ લલ્લા પણ તેમની સામે મેચ્યોર અને સમજુ લાગે. અયોધ્યાના કાર્યક્રમના આમંત્રણો ન સ્વીકારીને તેમણે પોતાના પગે જ કુહાડી મારી છે કારણ કે આમ કરી તેઓ મોદી કે ભા.જ.પ.નો નહીં પણ આખા ભારતમાં લોકોની જે લાગણી હતી તેના વિરોધમાં હોય એવું વર્તાય છે. કાઁગ્રેસના ટેકેદાર હોવું આજકાલ અઘરું થઇ ગયું છે કારણ કે તેમના રાજકીય બફાટોનો કોઈ પાર નથી. પહેલાં તો ગયા વર્ષે મોટે ઉપાડે I.N.D.I.A.ની જાહેરાત કરી, એમ લાગ્યું કે કદાચ ભા.જ.પા.ને પોતાની વ્યૂહરચના બદલી પડશે પણ ત્યાં તો બેઠકોની વહેંચણી, પી.એમ. કોણ બનશે, મીટિંગો ક્યારે અને ક્યાં થશે જેવા મુદ્દાઓને લઇને અંદરો અંદર કંકાસ શરૂ થઇ ગયો. એમાં વાસણ ખખડ્યા નહીં પણ ગગડી ગયાં. સારું થયું છે કે ખોટું એ બહુ લાંબી ચર્ચા છે, પણ નરેન્દ્ર મોદીની સરકારે 370ની કલમ અંગે નિર્ણય લીધો, ટ્રિપલ તલાકને લઇને નિર્ણય લીધો, અયોધ્યામાં રામ મંદિર પણ ખડું કરી દીધું પણ કાઁગ્રેસની હાલત એ છે કે હજી એ લોકો પોતાના પક્ષ માટે કન્વીનર સુધ્ધાં શોધી શક્યા નથી.

પ્રસંગ ટાણે આડા ફાટેલા મોટી ઉંમરનાં સગાં જેવું વર્તન કરનાર કાઁગ્રેસે રામજન્મભૂમિની ચળવળ અને તેના ઇતિહાસમાં પોતાના પક્ષનો શું ફાળો હતો તેનો લગિરકે વિચાર નથી કર્યો અને પોતાનું પાયા વગરનું ગાણું ગાવામાં વર્તમાન કાઁગ્રેસી નેતૃત્વ જાણે બખોલમાં ધસી ગયું.

કાઁગ્રેસની આડોડાઇ

કાઁગ્રેસની તાજી ભૂલો પર એક નજર કરીએ તો સૌથી પહેલાં રાહુલ ગાંધીએ તેને ‘મોદીનો પ્રસંગ’ એવું લેબલ આપ્યું. ભા.જ.પા.એ આ અભિગમને ઇર્ષ્યા અને લઘુતાગ્રંથિ ગણાવી. કેટલાક કાઁગ્રેસી નેતાઓએ અયોધ્યાની સરયુ નદીમાં મકરસંક્રાંત ટાણે ડૂબકી લગાડી. જે ઘાટ પર એમણે ડૂબકી લગાડી ત્યાં રિનોવેશનનું કામ 1983માં કાઁગ્રેસના નેતા શ્રીપતિ મિશ્રાના શાસનકાળ દરમિયાન થયું હતું અને તેમાં વીરબહાદુર સિંહ જે બાદમાં ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી બન્યા હતા તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. એક કાઁગ્રેસી નેતાએ એંશીના દાયકામાં જે ઘાટનો જીર્ણોધ્ધાર કર્યો હતો એ જ ઘાટનો પર ઉત્તર પ્રદેશના અત્યારના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે પાંચ લાખ દીવા પ્રગટાવીને દિવાળી ઉજવી વળી ગીનિસ બુક ઑફ રેકોર્ડ્ઝમાં નામ નોંધાવ્યું એ લટકામાં. કાઁગ્રેસીઓ જાણે ભૂલી ગયા કે આ સગવડ તેમના જ પક્ષના ભૂતપૂર્વ નેતાને કારણે ખડી થઇ હતી. બીજા કાઁગ્રેસીઓએ પ્રતીકાત્મક રીતે કંઇકને કંઇક કર્યું, જેમ કે મમતા બેનર્જીએ કાલીઘાટ મંદિરમાં પ્રાર્થનાની વાત કરી, ઉદ્ધવ ઠાકરે નાસિકના કાલારામ મંદિરે ગયા, શરદ પવાર, લાલુ યાદવ અને અરવિંદ કેજરીવાલે પોતે બાદમાં અયોધ્યા જશે એમ કહ્યું. વળી મંદિરોના નવનિર્માણો તો કોલકાતા, મિર્ઝાપુર, કાશી, ઉજ્જૈન વગેરેમાં ચાલી જ રહ્યું છે. 22મી અંગે કાઁગ્રેસના મોટાં માથાઓએ જે નિર્ણય લીધો એ અંગે અન્ય કાઁગ્રેસી નેતાઓમાં મતભેદ હતા જ. ગુજરાતના અર્જુન મોઢવાડિયા, ફૈઝાબાદના નિર્મલ ખત્રી વગેરે આ મનાઈથી ખુશ નહોતા અને તેમણે એમ સ્પષ્ટ કહ્યું કે પક્ષે આવા રાજકીય નિર્ણયો લેવાથી છેટા રહેવું જોઇએ. વળી હિમાચલના સુખવિદન્દર સુખુ જે કાઁગ્રેસ પાર્ટીના આદેશની ઉપરવટ જઈને G20 સમિટમાં ગયા હતા, તેમણે અયોધ્યા જવાનો ઇરાદો જાહેર કર્યો હતો તો તેમના જ મંત્રીમંડળના વિક્રમાદિત્ય સિંહે પણ કહ્યું હતું કે પોતે અયોધ્યા જવા ચાહતા હતા કારણ કે તેમના પિતા પૂર્વ કાઁગ્રેસીનેતા વીરભદ્ર સિંહ રામ જન્મભૂમિ ચળવળમાં સામેલ હતા.

મંદિરના તાળા કાઁગ્રેસને લીધે જ હટ્યા હતા

કાઁગ્રેસના રામ જન્મભૂમિ સાથેના ઇતિહાસને અવગણી શકાય તેવો નથી. 1984માં ઇન્દિરા ગાંધીની હત્યા ન થઇ હોત તો આપણને ખબર પડત કે વી.એચ.પી.ના ત્યારના પ્રતિનિધિઓ સાથે મળીને અયોધ્યા અંગે તેમણે શું નિર્ણય લીધો હોત. આ સમયે વી.એચ.પી.એ કરેલી રામ-જાનકી યાત્રાને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી નારાયણ દત્ત તિવારીએ સવલતો પૂરી પાડી હતી. સંજય ગાંધીના સમયથી વી.એચ.પી. અને કાઁગ્રેસ વચ્ચે અયોધ્યા અંગે વિચાર-વિમર્શ ચાલતા જ હતા પણ તે સપાટી પર નહોતા આવતા.

બાબરી મસ્જિદની જગ્યા પર બંધાયેલા મંદિરનો વિવાદાસ્પદ ઇતિહાસ કોઈ કાઁગ્રેસી નેતાઓની ચર્ચાનો ભાગ નથી બની રહ્યો. નરેન્દ્ર મોદીના અહમને બતાડી દેવાની છીછરી વાતો જ ઉછળે છે તેમાં નક્કર ઇતિહાસ નેવે મુકાઇ જાય છે. લિબરહાન કમિશને 48 એક્સ્ટેન્શન, 17 વર્ષ અને 8 કરોડના ખર્ચા પછી 68 લોકોને બાબરી મસ્જિદ તોડવા માટે જવાબદાર ઠેરવ્યા. કાઁગ્રેસની આગેવાની હોવા છતાં બાબરી ધ્વંસ કેવી રીતે થયો? અમુક તથ્યોની ચર્ચા કાઁગ્રેસ ટાળે છે પણ ધ્વંસ તરફ લઈ જનારી ઘટનાઓમાં કાઁગ્રેસનો હાથ હતો. 1951માં નહેરુને ઇચ્છા નહોતી પણ અન્ય દબાણોને પગલે સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ થયું. રાજીવ ગાંધીએ 1986માં અરુણ નહેરુની સલાહથી ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી બીર બહાદુરને વિવાદિત ઇમારતના તાળાં ખોલવા હુકમ કર્યો. હિંદુઓને ત્યાં પ્રવેશ મળ્યો. 1989માં રામ મંદિરના શિલાન્યાસની મંજૂરી પણ રાજીવ ગાંધીએ જ આપી હતી અને ત્યારે તેમણે રામ રાજ્યનું વચન પોતાના ચૂંટણી પ્રચારમાં વાપર્યુ હતું. 1990ના દાયકામાં અડવાણીની રથયાત્રા કારસવેકો પરના ગોળીબારને કારણે પૂરી ન થઇ અને ફરી અયોધ્યાનો મુદ્દો ઉછળ્યો ત્યારે નરસિંહા રાવ ગઠબંધનની સરકારના વડા પ્રધાન હતા. બાબરી ધ્વંસ થયો ત્યારે 48 કલાક સુધી નરસિંહા રાવ ઉપલબ્ધ પણ નહોતા. જેમ 2002ના રમખાણો વિશે કહેવાય છે કે આ થવા દો એવી સૂચના ઉપરથી આવી હતી એવું જ બાબરી ધ્વસં વખતની સ્થિતિ માટે પણ ચોક્કસ વર્તૂળોમાં ચર્ચાય છે કે નરસિંહા રાવને કહેવાયું હતું કે આ થવા દો. બાબરી ધ્વંસ પછી કલ્યાણ સિંહ જે ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી હતી તેમણે રાજીનામું આપી દીધું હતું. ભા.જ.પ.ના આ મુખ્ય મંત્રીએ 1991માં અયોધ્યામાં મંદિર બનશે એવી ખાતરી આપી હતી અને મસ્જિદને નુકસાન નહીં થવા દેવાય એવું સોગંદનામું 1992માં કોર્ટમાં આપ્યું હતું પણ મામલો બીજી દિશામાં ગયો. નરસિંહા રાવે કલ્યાણ સિંહ પર ભરોસો નહોતો કરવાનો એવુ કાઁગ્રેસમાં ત્યારે ચર્ચાયું. મસ્જિદ જે રીતે તોડાઈ તેને અંગે ઘણા સવાલોના હજી કોઈ જવાબ નથી મળ્યા અને મળશે પણ નહીં.

એંશીના દાયકામાં ભા.જ.પા. માટે રામ જન્મભૂમિનો મુદ્દો ખાસ બન્યો અને જ્યારે 1989માં ભા.જ.પ.ની બેઠકો વધી એ પછી કાઁગ્રેસનું કદ વેતરાયું અને ભા.જ.પે. રામ જન્મભૂમિ પરની પોતાની પકડ ઓર મજબૂત કરી. એક તરફ 1986માં રાજીવ ગાંધી અને શાહબાનોના ચૂકાદાની ઘટના ઘટી જેને કારણે અયોધ્યની માંગ તીવ્ર બની અને 1989ના પાલમપુર ઠરાવ પછી અયોધ્યા રામ મંદિર ભા.જ.પા.નો મુખ્ય એજન્ડા બની ગયું.

અંતમાં એટલું ખાસ કે મૂળે તાળા રાજીવ ગાંધીએ ખોલ્યાં અને ચાવી ભા.જ.પા.ના હાથમાં આવી. માર્કેટિંગના મામલે ભા.જ.પા.ને કોઇ પહોંચી શકે તેમ નથી અને કાઁગ્રેસ ભા.જ.પ.ના હિંદુત્વને નહીં પહોંચી વળે કારણ કે તેમની પાસે પોતાની કોઈ જ વિચારધારા નથી. અસ્પષ્ટતા જ કાઁગ્રેસ માટે સૌથી મોટો અવરોધ બની શકે છે.

બાય ધી વેઃ

આ ઇતિહાસ એટલો પેચીદો છે કે ટૂંકમાં વર્ણવવો મુશ્કેલ છે. નિષ્કર્ષ એ જ નીકળે છે કે કાઁગ્રેસનો બફાટ ઇતિહાસને ગુંચવનારો સાબિત થયો છે અને ભા.જ.પા.એ બાજી મારી લીધી છે. ટ્રીપલ તલાક હોય, નોટબંધી હોય કે જી.એસ.ટી. હોય કે પછી 370ની કલમની વાત હોય – ભા.જ.પા.ને કારણે કાઁગ્રેસ હંમેશાં જાણે બઘવાઈ જાય છે અને શું કરવું તેની પક્ષનો કોઇ ગતાગમ નથી પડતી. નાગરિકોની નાડ પારખવામાં પણ કાઁગ્રેસ કાચું કાપે છે અને અંદરોઅંદર અવિશ્વાસને પગલે ભા.જ.પા. સામે લડવાની કોઈ વ્યૂહ રચના તેમને નથી મળી રહી. કાઁગ્રેસના અમુક નેતાઓ આજે રાજીવ ગાંધીની ભૂમિકાની વાત આગળ ધરી રામ મંદિરનો નાનો-મોટો જશ ખાટવાનો પ્રયાસ પણ કરી લે છે. બીજું બાય ધી વે એ કે દૂરદર્શન પર રામાયણ સિરિયલ બતાડાઈ તેની પાછળ કાઁગ્રેસની સત્તાના આદેશ હતા જેથી અયોધ્યા રામ મંદિરની માગ પ્રબળ બને. કમનસીબે એ સિરિયલના રામ અને સીતા એટલે કે  અરુણ ગોવિલ અને દીપિકા ચિખલિયા અયોધ્યા ગયાં પણ કાઁગ્રેસીઓ ન ગયા.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 28 જાન્યુઆરી 2024

Loading

28 January 2024 ચિરંતના ભટ્ટ
← સંસ્થાનવાદી ઘટનાઓ, ઇતિહાસ અને સંદર્ભો વિશે પુનર્વિચાર કરવો જોઈએ ?
રામમંદિર, અયોધ્યા અને ભક્તિ(?) →

Search by

Opinion

  • લાકડાના વેપારીની બોઇંગ કંપનીનું સો વર્ષનું એકચક્રી શાસન ડામડોળ થઇ રહ્યું છે
  • ….. તો શું થાત?
  • અમેરિકી પ્રમુખ ટ્રમ્પને નોબેલ ‘અશાંતિ’ પુરસ્કાર અપાવો જોઈએ …
  • ભારતીય ઉડ્‍ડયન ક્ષેત્રના રન-વેની વિટંબણાઓઃ સલામતી, આર્થિક મજબૂતાઈ, નીતિની ગૂંચ જેવા બર્ડ હિટ
  • પશ્ચિમનો યુગ પૂરો થઈ ગયો છે

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • ગાંધીમાર્ગ કઠિન છે?
  • બાપુનો દાંત
  • વિરાટદર્શન
  • નિર્મમ પ્રેમી
  • મારી અહિંસા-યાત્રા

Poetry

  • કારમો દુકાળ
  • વિમાન લઇને બેઠા …
  • તારવણ
  • હે કૃષ્ણ ! કોણ છે તું?
  • આ યુદ્ધ છે !

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved