‘નેહરુના ભારતની અવદશા જુઓ! આજે નેહરુના ભારતની લોકસભામાં અડધોઅડધ સભ્યો ગુનાખોરીના આરોપી છે અને કેટલાક સામે તો ખૂન અને બળત્કાર જેવા ગંભીર ગુનાઓના આરોપ છે.’
કોણ કહે છે આમ? સિંગાપોરના વડા પ્રધાન લી હિસીન લૂંગ. પ્રસંગ એવો હતો કે સિંગાપોરની સંસદમાં વર્કર્સ પાર્ટીના નેતા રઈસા ખાને અસત્યકથન કર્યું હતું. તેમનું જૂઠ પકડાઈ ગયું અને નાછૂટકે તેમણે તેની કબૂલાત પણ કરવી પડી હતી. તેમની સામે સંસદમાં મર્યાદાભંગની નોટીસ આવી અને તેના પરની ચર્ચામાં વડા પ્રધાન લોકશાહી મૂલ્યો અને દાયિત્વ વિષે બોલી રહ્યા હતા. રઈસા ખાને પક્ષના નેતાપદેથી રાજીનામું આપ્યું છે અને કદાચ તેમને સંસદ પણ દંડશે. તો પ્રસંગ ઉપસ્થિત થતાં સિંગાપોરના વડા પ્રધાને ભારતના લોકતંત્રની વર્તમાનમાં અવદશાનો તેમ જ જવાહરલાલ નેહરુનો અને તેમની લોકતાંત્રિક મૂલ્યનિષ્ઠાનો હવાલો આપ્યો હતો. એક પ્રકારે રેફરન્સ તરીકે નેહરુને ટાંક્યા છે.
બોલો! સૂર્ય સામે ગમે એટલી ધૂળ ફેંકવામાં આવે, એ ક્યાંકને ક્યાંક તો ઝળક્યા વિના રહેતો નથી, કારણ કે એ સૂર્ય છે. જવાહરલાલ નેહરુ વિષે અંગ્રેજી ભાષામાં સો કરતાં વધારે પુસ્તકો લખાયાં છે અને હજુ લખાય છે. એમાંનું કોઈ પુસ્તક પૈસા આપીને લખાવવામાં આવ્યું નથી અને એવી જરૂર પણ નથી. ધૂળ ફેંકવાથી સૂર્ય ઝાંખો પડતો નથી અને આંખ વિંચી લેવાથી સુર્યાસ્ત થતો નથી. એની નોંધ લેવાતી જ રહે છે.
દેશ આઝાદ થયો ત્યારે કાઁગ્રેસના નેતાઓએ સંકલ્પ કર્યો હતો કે ભારત એક લોકશાહી દેશ હશે અને એ પણ ભારતની પ્રત્યેક વ્યક્તિને પુખ્ત મતદાનનો અધિકાર આપનારો લોકશાહી દેશ હશે. અને લોકતંત્રનો ઢાંચો કેવો હશે? તો કહે સંસદીય લોકતંત્રનો. પ્રમુખશાહી એક રીતે ઉફરું લોકતંત્ર છે, જ્યારે સંસદીય લોકશાહી પ્રમાણમાં વધારે સઘન લોકતંત્ર છે. એવું નથી કે સંસદીય લોકતંત્રમાં કોઈ મર્યાદા નથી. જો તેને સુધારવામાં ન આવે તો સંસદીય લોકતંત્ર નબળું પડે છે અને જો મર્યાદાઓનો સત્તાકીય લાભ લેવામાં આવે તો અધ:પતન થાય છે. ભારતમાં આ જ બની રહ્યું છે જેના તરફ સિંગાપોરના વડા પ્રધાન લીએ ઈશારો કર્યો છે.
વસ્તીની દૃષ્ટિએ ભારત ચીન પછીનો સૌથી મોટો દેશ. ગ્રામીણ, ગરીબ અને અભણ પ્રજા. આ ઉપરાંત અંધશ્રદ્ધા, ઊંચનીચના અધિકારભેદ અને સામંતશાહી અર્થવ્યવસ્થા તેમ જ સમાજવ્યવસ્થા. જગત આખાને ત્યારે એમ લાગ્યું હતું કે ભારત એક ઝાટકે શિવધનુષ ઉઠાવવાનું જરાક વધારે પડતું સાહસ કરી રહ્યું છે. સલાહ પણ આપવામાં આવી હતી કે પુખ્ત મતદાનનો અધિકાર ધીરેધીરે લાયકાત જોઇને અને લાયકાત વિકસાવીને આપવામાં આવે. ભારતે તેમની સલાહ જ્યારે કાને ન ધરી ત્યારે અનેક લોકોની એવી ધારણા હતી કે ૧૯૫૧-૫૨ની સામાન્ય ચૂંટણી ભારતની પહેલી અને છેલ્લી ચૂંટણી નીવડવાની છે.
જેમ વિદેશમાં ભારતની લોકતાંત્રિક છલાંગ વિષે કેટલાક લોકો શાસંક હતા એમ ભારતમાં પણ અનેક લોકો સાશંક હતા. પણ ભારતમાં બે વ્યક્તિ એવી હતી જે એમ માનતી હતી કે જો સાચી નિષ્ઠા હોય અને ઈમાનદારીપૂર્વક પ્રયત્ન કરવામાં આવે તો ભારતમાં સાર્વત્રિક પુખ્ત મતદાનવાળું લોકતંત્ર સફળ થઈ શકે છે. એ બે વ્યક્તિ એટલે જવાહરલાલ નેહરુ અને ડૉ. બાબાસાહેબ આંબેડકર. આમાં નેહરુ વડા પ્રધાન અને દેશના લોકપ્રિય નેતા હતા એટલે નિષ્ઠા અને ઈમાનદારીની કસોટી તેમની થવાની હતી અને તેઓ તેમાં ખરા ઉતર્યા. સિંગાપોરના વડા પ્રધાન લીએ સિંગાપોરની સંસદમાં બોલતા નેહરુના આ યોગદાનની ખાસ નોંધ લીધી છે. તેમણે નેહરુની સાથે ઇઝરાયેલના પહેલા વડા પ્રધાન ડેવિડ બેન-ગુરિયનનો પણ ઉલ્લેખ કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે, ‘જે નેતાઓ પોતાના દેશની આઝાદી માટે લડ્યા હોય અને આઝાદી મેળવી આપી હોય એવા નેતાઓ મહાપુરુષની કોટિના હોય છે. તેઓ સંસ્કારી હોય છે, તેમનામાં ઊંડી સમજ હોય છે, અગાધ નિષ્ઠા હોય છે અને અસાધારણ ક્ષમતા હોય છે. તેઓ અગ્નિપરીક્ષામાંથી પસાર થાય છે અને તેમાં વિજયી થઈને સકળ માનવસમાજના અને જગતના રાષ્ટ્રોના નેતા તરીકેનું સ્થાન પામે છે. જવાહરલાલ નેહરુ અને ડેવિડ બેન-ગુરિયન આવા નેતા હતા.’
એ પછી તેમણે કહ્યું હતું કે મહાપુરુષોનો વારસો ટકાવી રાખવો અને તેને સમૃદ્ધ કરવો એમાં તેમના અનુગામીઓની કસોટી થતી હોય છે. આ બાબતે ભારત અને ઇઝરાયેલ બન્ને નિષ્ફળ નીવડ્યા છે અને આજે નેહરુના ભારતની સંસદમાં અડધોઅડધ સભ્યો ફોઝદારી ગુનાઓના આરોપી છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 20 ફેબ્રુઆરી 2022