સૅક્સ્યુઅલ રીલેશનશિપ : લેખાંક -7 : સૅક્સ્યુઅલ ડિફરન્સ :
(આ લેખાંકમાં બધું ગુજરાતીમાં મૂકતાં મને ઠીક ઠીક તકલીફ પડી છે. કેમ કે મેં જોયું કે ઉત્તરોત્તર દરેક પ્રકરણમાં પૉન્તિ વધુ ને વધુ તર્કપૂત પદ્ધતિએ અને નિજી શૈલીમાં વિષયને ન્યાય આપી રહ્યા છે. એટલે આ લેખાંક અઘરો પડવા સંભવ છે. જો કે પ્રયત્ન પછી વાત પકડવામાં મુશ્કેલી નહીં પડે, એમ માનું છું.)
સ્ત્રી અને પુરુષ વચ્ચેના જાતીય ફર્કનો પૉન્તિ ખાસ કહી શકાય એવો કોઈ સિદ્ધાન્ત નથી આપતા.
પૉન્તિ ઍમ્બોડીડ સ્પિરિટની – શરીરની – બે લાક્ષણિકતા દર્શાવે છે : સ્પાશિયાલિટી અને મોટિલિટી. સ્પેસ અથવા અવકાશ અથવા જગ્યા સાથે જોડાયેલી કોઈ પણ બાબત તે સ્પાશિયાલિટી. અને એ જગ્યા લગી હું જે ગતિએ જે રીતે પ્હૉંચી જઉં તે મોટિલિટી. જેમ કે, મારા ખૉળામાં લૅપટૉપ હોય ને હું મારો જમણો હાથ બેત્રણ ફીટ જેટલે દૂર પડેલા સૅલફોન તરફ લંબાવું ને કળે કળે (કેમ કે નહિતર લૅપટોપ ઊલળી જાય) લંબાવતો લંબાવતો ફોનને પકડી લઉં, ત્યારે મારી આસપાસના એ બેત્રણ ફીટના અવકાશને વાપરું છું ને ત્યારે મારો હાથ અમુક ગતિએ ને અમુક રીતેભાતે આગળ ધપ્યો હોય છે.
આ દૃષ્ટિદોર અનુસાર, પૉન્તિ જણાવે છે કે આ લાક્ષણિકતાઓથી સ્ત્રીશરીર પણ મુક્ત નથી. એમનું તાત્પર્ય એ છે કે આ પરત્વે સ્ત્રી-પુરુષ ભેદ નથી.
પૉન્તિના, આ ઉપરાન્ત, સ્વ અને અન્ય વિશેના વિચારો – એ સૅલ્ફ ઍન્ડ ઍન અધર વિશેના વિચારો – જાણવા પણ જરૂરી છે. એને તેઓ સૅલ્ફ-અધરનેસ અથવા ઇન્ટરનલ-આલ્ટરિટી જેવી ભાવવાચક સંજ્ઞાઓ સુધી લઈ ગયા છે.
સમજવાનું એ છે કે સ્વનો અન્ય સાથે મુકાબલો મંડાય છે, ઍન્કાઉન્ટર, ત્યારે એમાં અન્યની વિશિષ્ટતા ભળે છે. એ મુકાબલામાં, સ્વ પોતાને માટે તેમ જ અન્યને માટે હોય છે પણ એ પ્રકારે એ બન્ને એકમેકનાં પ્રતિબિમ્બ રૂપે હોય છે. એને જરૂરી ફૉર્મ્સ કહી શકાતાં નથી. બન્ને વચ્ચેની ઘટનાને પૉન્તિ પ્રતીકાત્મક ગણે છે.
એ પણ નૉધપાત્ર છે કે પૉન્તિ પુરુષોને અને સ્ત્રીઓને માનવજાતના ‘કુલ સંવિભાગ’ રૂપે જુએ છે, ‘ટોટલ પાર્ટ્સ’ રૂપે. એમાં પ્રત્યેકની સમગ્રતા વ્યક્ત થતી હોય છે, પણ તે સમગ્રતા મનુષ્યવ્યક્તિની હોય છે. એટલું જ નહીં, એ સમગ્રતા એ વ્યક્તિના પોતાના જ પક્ષમાં હોય છે. સરવાળે બને છે એવું કે એથી અન્ય લિન્ગનો – સૅક્સનો – સંદર્ભ રચાય છે, જેમ કે, પુરુષથી સ્ત્રીનો અને સ્ત્રીથી પુરુષનો. આ સમજવું મુશ્કેલ નથી. સ્ત્રી કે પુરુષ એકમેક સમક્ષ રજૂ જરૂર થાય છે, જોડાય છે, પણ મનુષ્ય હોવાની હકીકતને વીસરી શકતાં નથી. એટલે, નથી તો સ્વની કે નથી તો અન્યની વૈયક્તિકતા રહેતી. હકીકતે રહે છે, તે છે, આન્તરવૈયક્તિકતા.
પૉન્તિ સરસ કલ્પન રજૂ કરે છે. કહે છે કે અલગાવ અને સાયુજ્ય વચ્ચે, એક અદૃશ્ય મિજાગરો હોય છે – દેખાય નહીં એ જાતનો. મિજાગરાનું આ કલ્પન દ્વૈત રજૂ કરે છે : સ્વ અને અન્યનું દ્વૈત, નર અને નારીનું દ્વૈત. એ બન્નેના સમ્બન્ધમાં માત્ર જો કંઈ હોય તો તે છે, ‘વચ્ચે’ નામનું અથવા ‘between’ નામનું મિજાગરું. કહે છે, એથી મારું અને અન્યોનું જીવન એકબીજાંમાં ખૂલતું ને બંધ થતું ભેળવાતું રહે છે. કહો કે એ છે, આન્તરવૈયક્તિકતાનું અંદરનું માળખું. એટલે સ્ત્રી અને પુરુષ વચ્ચેના જાતીય ફર્કની – સૅક્સ્યુઅલ ડિફરન્સની – કશી સ્પષ્ટ અને સર્વસામાન્ય વ્યાખ્યા થઈ શકતી નથી.
વિદ્વાનો કહે છે કે પૉન્તિએ સરજેલું આ કલ્પન પ્લેટોના ‘સિમ્પોઝિયમ’ની (189C–193d) યાદ આપે છે. તદનુસાર, એમાં, મનુષ્યોને બન્ને રૂપોથી સમ્મિલિત ગણવામાં આવ્યાં છે, નર-નારી એક જ અખિલ સ્વરૂપમાં. પણ દેવ ઝિયસે એ સ્વરૂપને છેદી નાખ્યું અને તે દિવસથી બન્ને વિભક્ત રૂપો એકબીજાં માટે ઝૂરતાં થઈ ગયાં છે. ભારતીય પરમ્પરામાં અર્ધનારીશ્વરની વિભાવના છે જ. સ્ત્રી પુરુષને ઝંખે છે અને પુરુષ સ્ત્રીને …
માંસ – ફ્લેશ – અને ઇન્દ્રિયજ્ઞાનની કુદરતી સંસ્થાપના વિશેની પૉન્તિની વિભાવનાઓ પણ સમજવા જેવી છે. તેઓ એમ દર્શાવે છે કે સ્ત્રી અને પુરુષ વચ્ચેના ફર્ક વિશે ઝાઝું કહી શકાતું નથી, સિવાય કે એક નર છે અને એક નારી. નર-નારી પ્રયોગ બાયનરી છે એ પણ ખરું.
પૉન્તિ એક આખી વિકાસ-પ્રક્રિયા વર્ણવે છે : કહે છે કે બન્ને શરીર (સમ્ભોગ દરમ્યાન) સક્રિય હોય છે – સૅક્સ્ડ – ક્યારેક તો રી-સૅક્સ્ડ, ત્યારે જાતીય ફર્કની સમજ બદલાતી રહે છે ને ક્રમશ: ભૂંસાઇ જાય છે. પૉન્તિ કહે છે કે માંસ – ફ્લેશ – ‘પ્રૅગ્નન્સી ઑફ પૉસિબિલિટીઝ' છે, એટલે કે માંસમાંથી નર કે માદા રૂપો પ્રગટે છે, અને તે એકમેકથી ફંટાઇને જુદા પડવાને કારણે હોય છે. ત્યારે એ રૂપો એકમેકની સરહદોને ક્રમે ક્રમે ઓળંગી ગયાં હોય છે. પૉન્તિ સૂચવે છે કે બન્ને જાતિ ‘અન્ય હોવાની શક્યતા’ ધરાવતી હોય છે.
ટૂંકમાં, રૂપો તો સરજાયાં હોય છે પણ તે આમ ઇન્ટરલૉકિન્ગ હોય છે. સ્ત્રી અને પુરુષ વચ્ચેનો જાતીય ફર્ક આન્તરવૈયક્તિક છે એમ કહીએ છીએ ત્યારે એમ સ્વીકારવું જોઈશે કે એ ઉક્ત વિકાસ-પ્રક્રિયાને આભારી છે.
તેમ છતાં, સૅક્સ્યુઅલ ડિફરન્સ વિશેના પૉન્તિના વિચારો વિદ્વાનો માટે ચર્ચાસ્પદ રહ્યા છે.
= = =
(February 17, 2022: Ahmedabad)
Pictures courtesy : Toolstation. Pinterest.
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર