ધર્મ અને રાજકારણના મિશ્રણથી ટૂંકા ગાળા માટે ફાયદો જરૂર થાય છે, પણ બહુમતી કોમને જ. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં એવો એક પણ દાખલો નથી જેમાં લઘુમતી કોમને કોમવાદની હરીફાઈ કરીને ફાયદો થયો હોય. છતાં, ભૂતકાળની એવી નિષ્ફળતાઓમાંથી કશું શીખ્યા વગર મુસ્લિમો બેવકૂફી કરીને એક પછી એક ટ્રેપમાં આવતા જ ગયા છે.
કર્ણાટકમાં હિજાબ પહેરવાનો વિવાદ 'આ બેલ મુજે માર'નું તાજું ઉદાહરણ છે. એમાં શું થયું હતું? ડિસેમ્બર મહિનામાં, કોવિડ-૧૯ના કારણે એક વર્ષની ગેપ પછી, ઉડુપીની સરકારી કૉલેજના કૅમ્પસમાં અમુક છોકરીઓ પાછી ફરી. એમાંથી છ છોકરીઓએ હિજાબ પહેર્યો હતો. એ ક્લાસરૂમમાં આવી, તો શિક્ષકે કહ્યું કે પ્રિન્સિપાલની પરવાનગી લઈ આવો, કારણ કે તેમણે નિયમ બહાર પાડ્યો છે કે કૅમ્પસમાં હિજાબ પહેરી શકાય, પણ ક્લાસરૂમમાં ઉતારવો પડશે.
છોકરીઓએ અગાઉના દાખલા ટાંકીને હિજાબ પહેરવાનો આગ્રહ રાખ્યો. તેમના કહેવા અનુસાર, તેમની પુરોગામી છોકરીઓએ ક્લાસરૂમમાં હિજાબ પહેર્યા હતા. પ્રિન્સિપાલે અગાઉ એવું થયાની ના પાડી. કોકડું ગૂંચવાયેલું રહ્યું. તેમાંની અલમાસ એ.એચ. નામની એક છોકરીએ બી.બી.સી.ના પત્રકારને કહ્યું કે પ્રિન્સિપાલે નનૈયો ભણ્યો એટલે તેણે કૅમ્પસ ફ્રન્ટ ઑફ ઇન્ડિયા (સી.એફ.આઈ.) નામના મુસ્લિમ વિદ્યાર્થી સંઘનો સંપર્ક કર્યો. એ પછી, સી.એફ.આઈ.ના સમર્થન સાથે છોકરીઓ પણ જીદે ચઢી. એમાંથી વાત ફેલાઈ, અને બીજા લોકોને મોકો મળી ગયો.
બીજી અન્ય કૉલેજો, જે હિજાબના વિરોધમાં નહોતી, એ પણ સક્રિય થઈ ગઈ. એમના દરવાજા હિજાબ પહેરેલી છોકરીઓ માટે બંધ થઈ ગયા. તેની સામે, અલગ અલગ કૅમ્પસમાં ભગવા ખેસ પહેરેલા છોકરાઓ મારફતે હિંદુ આઇડેન્ટિટીની પરેડ કરવામાં આવી. કૉલેજ સત્તાવાળાઓએ તેમને પણ અટકાવ્યા હતા. સત્તાવાળાઓ નૈતિક અભિગમ બતાવીને કહ્યું કે ભગવા ખેસ કે હિજાબ કૅમ્પસમાં પહેરી શકાશે, ક્લાસરૂમમાં નહીં. છોકરાઓએ તેમનો પૉઇન્ટ રજૂ કરીને ભગવા ખેસ કાઢી નાખ્યા અને ક્લાસમાં જતા રહ્યા. મુસ્લિમ છોકરીઓ દરવાજાઓ બહાર જ રહી અને હિજાબ સાથે અંદર આવવા દેવા વિનંતીઓ કરતી રહી, ચીસો પાડતી રહી.
ફ્રેબ્રુઆરીના પહેલા અઠવાડિયા સુધીમાં, ઉડુપી જિલ્લાની અંદર અને બહારની અમુક કૉલેજોએ હિજાબ પ્રતિબંધ જાહેર કર્યો. કર્ણાટક એજ્યુકેશન એક્ટ, ૧૯૮૩ના આર્ટિકલ ૧૩૩(૨)નો સહારો લઈને ભારતીય જનતા પાર્ટીની સરકારે પણ હિજાબ પર પ્રતિબંધ મૂક્યો. ઍક્ટમાં કહેવામાં આવ્યું હતું કે “યુનિફોર્મ જેવાં કપડાં ફરજિયાત પહેરવાં પડશે.”
સી.એફ.આઈ.ના સમર્થન સાથે, વિરોધ કરી રહેલી એક છોકરીએ કર્ણાટક હાઈકોર્ટનો સંપર્ક કર્યો અને તેની સુનાવણી ચાલુ છે. કોર્ટ છોકરીઓની તરફેણમાં ચુકાદો આપે તો પણ છોકરીઓને નુકસાન થવાનું છે. વિરોધ શરૂ થયો ત્યારથી તેમની ગેરહાજરી નોંધવામાં આવી છે. માર્ચમાં તેમની વાર્ષિક પરીક્ષા શરૂ થશે. કોર્ટ તેમને પરીક્ષામાં બેસવા દે તો પણ, કૉલેજવાળા તેમને ગેરશિસ્ત અને ગેરહાજરી બદલ સજા કરી શકે છે.
દેખીતું જ છે કે મુદ્દો હવે હિજાબનો રહ્યો નથી. એક કૉલેજમાં એક નાનકડી ગેરશિસ્તનો મામલો રાજકીય યુદ્ધ બની ગયું છે જેમાં કૉલેજો અખાડો છે અને યુવાન છોકરા-છોકરીઓ મહોરાં. જમણેરી રાજકારણના બ્રહ્માંડમાં બેઠેલા કોઈકે દીર્ઘદૃષ્ટિ વાપરીને મુસ્લિમોને હાંસિયામાં વધુ ધકેલી દેવા માટેની એક જાળ બિછાવી અને મુસ્લિમ સંગઠનો એ ટ્રેપમાં આવી ગયાં. તેમને સમજણ જ ન પડી કે તેમના જ કમજોર લોકોને તેનાથી વધુ હાનિ પહોંચશે.
આ છોકરીઓને મદદ કરી રહેલા બૅંગલુરુ સ્થિત એક કાર્યકરે કહ્યા અનુસાર, મોટા ભાગની છોકરીઓ નબળા પરિવારોમાંથી આવે છે. તેમના જીવનને બહેતર બનાવાનો એક માત્ર ઉપાય શિક્ષણ છે જે અત્યારે તો ખોરવાઈ ગયું છે. આ સ્થિતિનો ખ્યાલ આવતાં, બીજું એક વિદ્યાર્થી સંગઠન, સ્ટુડન્ટ ઇસ્લામિક ઑર્ગેનાઇઝેશન ઑફ ઇન્ડિયા જિલ્લા અને કૉલેજસત્તાવાળાઓ સાથે મંત્રણા કરીને સમાધાનનો રસ્તો કરી રહ્યું છે. એમાં થશે એવું કે છોકરીઓને કૅમ્પસમાં હિજાબ પહેરવા દેવામાં આવશે, પણ ક્લાસરૂમમાં નહીં. મામલાની શરૂઆત થઈ ત્યારે સ્થિતિ આવી જ હતી, પણ એનો અંત એવી રીતે નહીં આવે.
મુસ્લિમ છોકરીઓ માટે મુખ્ય ધારાની શૈક્ષણિક સંસ્થાઓમાં ભણવાનું ઉત્તરોત્તર અઘરું થતું જશે. વિદ્યાર્થી સમુદાયનું વધુ ધ્રુવીકરણ થશે, કૉલેજોમાં વિભાજન વધશે. ચૂંટણીઓના ફાયદા સત્તાધારી પાર્ટી માટે એકદમ સટીક હશે.
આ આખો વિવાદ ટાળી શકાયો હોત?
આપણે પાછા શરૂઆતમાં જઈએ. ધ ક્વિન્ટ નામના પોર્ટલને એક ઇન્ટરવ્યૂમાં એક છોકરીએ કહ્યું હતું કે તેમણે પહેલા વર્ષમાં હિજાબ નહોતો પહેર્યો, કારણ કે તેમને એવું લાગ્યું હતું કે તેમનાં માતા-પિતાએ કૉલેજને એવી ખાતરી આપી હતી. જો કે, તેમને જ્યારે ખબર પડી કે માતા-પિતાઓએ આવી કોઈ બાંહેધરી નથી આપી એટલે તેમણે હિજાબ પહેરવાનું નક્કી કર્યું. દેખીતું જ છે કે તેમને હિજાબ વગર પણ કૉલેજ જવામાં વાંધો નહોતો. પ્રિન્સિપાલને પણ તેઓ કૅમ્પસમાં હિજાબ પહેરે તે સામે વાંધો નહોતો. તેમની શરત એટલી જ હતી કે ક્લાસરૂમમાં તે ઉતારવો પડશે. આ વાત ન તો નવી હતી કે ન તો મોટી.
સી.એફ.આઈ.એ ટાંગ ન અડાવી હોત, તો છોકરીઓએ પ્રિન્સિપાલે કહ્યું તેમ જ કર્યું હોત. મુદ્દો ઊછળ્યો ન હોત અને તમામ કૉલેજોમાં જૈસે થેની સ્થિતિ જળવાઈ રહી હોત. આજે, બેઉ પક્ષ મમતે ચઢ્યા છે અને હિજાબને ઇસ્લામિક આઇડેન્ટિટી બનાવી દેવામાં આવ્યો છે. ડાહ્યા લોકો તેને સ્ત્રીની પસંદગીના મુદ્દા સાથે જોડે છે. બંને અભિગમ ખોટા છે.
ઇસ્લામમાં શારીરિક આઇડેન્ટિટી માટે કોઈ નિયમ નથી. જે ત્રણ આયાતોમાં દેખાવની વાત છે, તેમાં માત્ર છેલ્લી આયાતમાં સ્ત્રીઓનો ઉલ્લેખ છે. એમાં સ્ત્રીઓને બહારના એક વસ્ત્રથી ઢંકાયેલા રહેવાની વાત છે, જેથી મુસ્લિમ સમજીને કોઈ તેમને હેરાન ન કરે.
આ આયાતનું મહત્ત્વ સમય સાથે જોડાયેલું છે. મદીનામાં મુસ્લિમ સમુદાય લૂંટારાઓ વચ્ચે રહેતો હતો, જે રાતે બહાર નીકળતી સ્ત્રીઓને હેરાન કરતા હતા. એટલે લૂંટારાઓને ખબર પડે કે સ્ત્રીઓ મુસ્લિમ છે એટલે તેમને હિજાબ પહેરાવવામાં આવતો હતો. સદીઓ પછી, પુરુષ ઇસ્લામિક વિદ્વાનોએ એ પરંપરાને સ્ત્રીને ઢાંકેલી રાખવાનું રૂઢિચુસ્ત અર્થઘટન કર્યું. વાસ્તવમાં ત્રણે આયાતોને સાથે વાંચો તો તેમાં લજ્જાનો ભાવ છે; શરીરના અંગ તરફ કોઈનું ધ્યાન નહીં ખેંચવું.
વાત રહી વ્યક્તિગત પસંદગીની, તો રૂઢિચુસ્ત સમાજમાં, તમે જે ક્ષણે કોઈ ચીજને ધર્મ સાથે જોડી દો, એટલે તે વ્યક્તિગત પસંદનો મામલો નથી રહેતો. એ ધાર્મિક કર્તવ્ય બની જાય છે. જે મુસ્લિમ સ્ત્રીઓ એમ કહે છે કે હિજાબ પહેરવો એ તેમની વ્યક્તિગત ઇચ્છાનો મામલો છે, તે એ વાત ભૂલી જાય છે કે તેઓ તેમનો ધર્મ કહે છે એટલે જ એ પહેરે છે.
મુસ્લિમ સ્ત્રીઓને જે પહેરવું હોય તે પહેરે, મને કોઈ પ્રોબ્લેમ નથી. મારો પ્રોબ્લેમ એટલો જ છે કે કથિત મુસ્લિમ નેતાઓએ ફરી એક વાર મુસ્લિમોના અધિકારને આઇડેન્ટિટીનો મુદ્દો બનાવી દીધો છે. આ ૧૯૬૪નું પુનરાવર્તન છે, જ્યારે મુસ્લિમ બુદ્ધિજીવીઓ મુસ્લિમોની રોજી-રોટી માટે નહીં પણ આઇડેન્ટિટીની લડાઈ માટે એક થયા હતા. દુઃખ આ વાતનું છેઃ આપણે એટલું દોડ દોડ કરીએ છીએ કે ૭૫ વર્ષ પછી પણ ઠેરના ઠેર છીએ.
અનુવાદક : રાજ ગોસ્વામી (સાભાર – મિન્ટ-લોન્જ મૅગેઝિન)
(ગઝાલા વહાબ 'ફોર્સ’ પત્રિકાના સંપાદક અને Born A Muslim : Some Truths About Islam In India પુસ્તકનાં લેખિકા છે.)
સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2022; પૃ. 11-12